Close

અરે, મા, અંધેરે મેં તું ને મેરે સાથ યે ક્યા કર ડાલા ?

કભી કભી | Comments Off on અરે, મા, અંધેરે મેં તું ને મેરે સાથ યે ક્યા કર ડાલા ?
રૂપા.
તે આ દેશની દીકરી છે, સેલિબ્રિટી છે. કોઈએ એસિડથી તેનો ચહેરો વિકૃત કરી નાખ્યો હતો. તેના જીવનની કથા પ્રેરણાદાયી છે, તે નારી શક્તિ એવોર્ડ વિજેતા છે.
તેનો જન્મ ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામમાં થયો હતો. બચપણમાં જ તેની માતાનું અવસાન થઈ ગયું હતું. પિતાએ બીજું લગ્ન કરી  લીધું.
ઓરમાન માતાને રૂપા પસંદ નહોતી. વારંવાર તે રૂપા પર ખીજાઈ જતી હતી. વાતવાતમાં તેની સાથે ઝઘડો કરતી. કેટલીકવાર તો તેને બેરહમીથી મારવામાં આવતી. દીકરી પર થતા આ બધા જ જુલ્મો જોયા પછી તેના પિતા મૌન રહેતા એ સૌથી વધુ દુઃખની વાત હતી. નાનકડી રૂપા હવે સતત એક  ભયના ઓથાર હેઠળ  જીવતી હતી. ઓરમાન માતાના ખૌફથી તે સતત ડરેલી રહેતી.
હવે તેને ખ્યાલ આવી ગયો હતો કે ઓરમાન માતા તેને પસંદ કરતી નથી.
એ વખતે ૨૦૦૮નું વર્ષ હતું. રૂપા માત્ર ૧૫ વર્ષની હતી. એક રાત્રે ભયાનક ઘટના ઘટી. રૂપા પલંગપર સૂતેલી હતી. તે ગહેરી નિદ્રામાં હતી. અચાનક તેના ચહેરા પર જલન થવા લાગી. તે એકદમ બેઠી થઈ ગઈ. તેને સખત બળતરા થવા લાગી. તે ચીસો પાડવા લાગી. તે પાણીથી ચહેરાને ઠંડો કરવા માગતી હતી. એણે તેની ઓરમાન માતાને તેના રૂમમાંથી ભાગીને બહાર જતી જોઈ.
શરીર પર બળતરા વધી રહી હતી. તે પાણી રેડી તે જલન ઠંડી કરવા માગતી હતી પરંતુ ઘરમાં પાણી ક્યાંયે ના મળ્યું. તે અહીં તહીં દોડતી રહી. છ કલાક સુધી તડપતી રહી. માને પૂછતી રહીઃ ‘મા ! તું ને મેરે સાથ યે ક્યા કર ડાલા?’
ઓરમાન માતાએ કોઈ જ જવાબ આપ્યો નહીં.
વાત જાણે એમ હતી કે ઓરમાન માતાએ રૂપાના ચહેરા પર તેજાબ રેડી દીધો હતો અને જાણીબૂજીને ઘરમાંથી પાણી હટાવી દીધું હતું તેથી રૂપા તેના ચહેરા પર પાણીથી બળતરા ઓછી કરી ના શકે.
રૂપા ચીસો પાડતી રહી. તડપતી રહી. પરંતુ કોઈ તેની મદદે આવ્યું નહીં. હવે  તો ઘણો સમય વીતી ગયો હતો.
એવામાં તેના કાકા અચાનક આવી ગયા ત્યાં સુધીમાં તો છ કલાક થઈ ગયા હતા. કાકા સમજી ગયા કે રૂપાના ચહેરા પર તેજાબ રેડવામાં આવ્યો છે. તેઓ તરત જ રૂપાને નજીકની એક હૉસ્પિટલે લઈ ગયા. પરંતુ તે હૉસ્પિટલમાં એસિડથી દાઝેલાઓની સારવાર માટે કોઈ સુવિધા નહોતી. ડૉક્ટરે  રૂપાને દિલ્હી લઈ જવાની સલાહ આપી.
કાકા રૂપાને લઈ દિલ્હીની એક હૉસ્પિટલમાં પહોંચ્યા. અહીં તેનો ઇલાજ શરૂ કરવામાં આવ્યો. ત્યાં સુધીમાં તો તેની હાલત વધુ ખરાબ થઈ ચૂકી હતી. લગભગ ત્રણ મહિના સુધી આ હૉસ્પિટલમાં તેનો ઉપચાર ચાલ્યો. હૉસ્પિટલ સરકારી હોવાથી ઉપચાર વિના મૂલ્યે થઈ રહ્યો હતો પરંતુ દવાઓના પૈસા આપવા પડતા હતા. કાકાએ પૈસા ઉધાર લઈ ભત્રીજી માટે દવાઓ ખરીદવા માંડી.
ત્રણ મહિના બાદ રૂપાને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી.  પણ હવે જવું ક્યાં?
રૂપાએ કહ્યું ઃ ‘હું મારા ઘેર જવા કરતાં મરી જવાનું પસંદ કરીશ.’
એસિડના કારણે તેનો ચહેરો વિકૃત થઈ ચૂક્યો હતો. તેના કાકા રૂપાને પોતાના ઘેર ફરીદાબાદ ખાતે લઈ આવ્યા. ડૉક્ટરે તેને કેટલોક સમય ઘરમાં જ રહેવાની સલાહ  આપી હતી. રૂપા કેટલાયે મહિનાઓ સુધી ઘરની બહાર ના નીકળી. તેને લાગ્યું કે મારા માટે બહારની દુનિયા છે જ નહીં.
રૂપા કહે છે ઃ ‘હું નહોતી ઇચ્છતી કે લોકો મારો ચહેરો જોઈ ડરી જાય. દુઃખની વાત એ છે કે મારી પરના એસિડ હુમલા બાદ મારા પિતાએ મને સહારો આપવાને બદલે મારી માતાને સાથ આપ્યો.’
મને હવે ખ્યાલ આવી ગયો કે મારા પિતાએ મારી સાથેનો સંબંધ ખતમ કરી નાખ્યો છે. એ પછી મેં નક્કી  જ કરી નાખ્યું કે, મારી સાથે થયેલા અન્યાયની લડાઈ હું એકલી જ લડીશ.
કાકાના ઘેર આવ્યા બાદ તેની જિંદગી એક ઓેરડામાં જ સીમિત થઈ ગઈ. જે કોઈ તેને જુએ તે ચોંકી  જતું. કેટલાક લોકો તો તેને ધૃણા કરવા લાગ્યા. કેટલાક લોકો તેની પર દયા પણ ખાતા.
લગભગ પાંચ વર્ષ સુધી તે ઘરની બહાર ના નીકળી. લોકોને મળવાનું, હસવાનું અને વાતો કરવાનું બંધ થઈ ગયું.
રૂપા કહે છેઃ ‘તે પછી કેટલીયે વાર મારા ચહેરા પર સર્જરી થઈ. જીવ તો બચી ગયો પરંતુ જીવવાની ઇચ્છા ખતમ થઈ ગઈ. છેવટે ક્યાં સુધી કાકા પર બોજ બનીને રહેવું? મજબૂરીથી કામની  શોધમાં બહાર નીકળી તો લોકો મારો ચહેરો જોઈ મને કાઢી મૂક્તા. કોઈએ મને કામ આપ્યું નહીં.
વર્ષ ૨૦૧૩માં તે સ્ટોપ એસિડ એટેક સંગઠનના સંપર્કમાં આવી. એ પછી તેનું જીવન બદલાવા લાગ્યું. અહીં આવ્યા બાદ તેના જેવી જ બીજી પીડિતા છોકરીઓના સંપર્કમાં તે આવી. એ બધી જ એસિડના હુમલાનો ભોગ બનેલી હતી. એ વખતે તેને અહેસાસ થયો કે જિંદગી હજુ ખતમ થઈ નથી.’
રૂપા કહે છે ઃ ‘એસિડ હુમલાની વિરુદ્ધ ચાલતા અભિયાનમાં જોડાયા બાદ મને લાગ્યું કે જિંદગીમાં કદી હાર માની લેવી જોઈએ નહીં. અહીં આવ્યા બાદ હું મારા જેવી જ છોકરીઓ સાથે વાતો કરવા લાગી અને ડાન્સ પણ કરતા, ગીતો પણ ગાતા. બસ, એ રીતે જ મેં જિંદગી ફરી જીવતાં શીખી લીધી.’
રૂપા કહે છે ઃ ‘જીવનમાં એવું કોઈ દુઃખ નથી જેને પરાજિત કરી શકાતું નથી. શરૂઆતમાં હું મારો ચહેરો ઢાંકીને બહાર નીકળતી હતી પરંતુ પાછળથી હું મારા ખુલ્લા ચહેરા સાથે જ બહાર નીકળવા લાગી અને કદી વિચાર્યું નહોતું કે લોકો મને આ ચહેરા સાથે જ સ્વીકારી લેશે.’
આ સંગઠનમાં આવ્યા બાદ રૂપાએ સીલાઈ કામ શીખી લીધું. તે અનેક પ્રકારની ડિઝાઇનવાળા વસ્ત્રો સીવવા લાગી. બીજી છોકરીઓ પણ કહેવા લાગી કે રૂપા તું તો કમાલની ડિઝાઇનર છે. આ પ્રશંસા બાદ તેનો આત્મવિશ્વાસ વધી ગયો. એણે એક બુટિક ખોલવાનો નિર્ણય કર્યો. ૨૦૧૪માં  પહેલીવાર તેના  દ્વારા ડિઝાઇન કરેલા કપડાં એક ફેશન શૉમાં રજૂ કરવામાં આવ્યા. તેની ખૂબ તારીફ થઈ. કેટલાયે મોટા ફેશન સ્ટોર્સમાંથી તેને ઓર્ડસ મળ્યા.
રૂપાએ રેમ્પ પર કેટવૉક પણ કર્યું. તે કેમેરાની સામે પણ આવી. કેમેરામેને કહ્યું ઃ ‘રૂપા, આપ ખૂબસૂરત હો.’
રૂ.પા ખુશ થઈ ગઈ.
હવે તે સેલિબ્રિટી છે. આજે રૂપા એસિડ હુમલાનો ભોગ બનેલી મહિલાઓને પ્રેરિત કરે છે. તેમને ન્યાય અપાવવામાં તે મદદ કરે છે. મહિલા દિવસે મહામહીમ રાષ્ટ્રપતિના હસ્તે રૂપાને નારીશક્તિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી.
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!