એક વાર પરમ જ્ઞાની રઘુરામ પરચુરે શાસ્ત્રી ઈશ્વરની ખોજમાં હિમાલયની તળેટીમાં બનેલી એક કુટિયામાં પહોંચ્યા. અહીં મહાયોગી આચાર્ય સત્યવ્રત રહેતા હતા. નવા આગંતુકને જોઈ આચાર્યએ પૂછયું ઃ ‘આપનો પરિચય?’રઘુરામ પરચુરે શાસ્ત્રીએ પોતાના પરિચય આપતા કહ્યું ઃ ‘આચાર્યવર મારું નામ મહામહોપાધ્યાય મહાપંડિત રઘુનાથ પરચુરે શાસ્ત્રી વિદ્યાવાચસ્પતિ છે.’
આ શબ્દો સાંભળ્યા બાદ આચાર્યે હસીને કહ્યું ઃ ‘વત્સ, રઘુનાથ ! જ્ઞાન તો મનુષ્યને મનથી ઉચ્ચ બનાવે છે. પરંતુ લાગે છે કે તમારા જ્ઞાને તમને નાના બનાવી દીધા છે ! આચાર્યનો ઇશારો રઘુનાથ પરચુરેએ પોતાની ડિગ્રીઓના ઉચ્ચારણ તરફ હતો.
રઘુનાથ પરચુરે શાસ્ત્રીએ પૂછયુંઃ ‘આચાર્ય પરમાત્માની પ્રાપ્તિ માટે હું શું કરું?’
આચાર્યએ કહ્યુંઃ ‘તમારા માથા પર પોથીઓને જે ભાર છે તે પહેલાં ઉતારો.અને બીજું એક મુશ્કેલ કામ છે તે કરી શકશો?’
‘હા.’
આચાર્યએ કહ્યુંઃ’શું તમે પ્રેમથી પરિચિત છો? શું તમારા ચરણ પ્રેમપંથ પર ચાલી શકશે?’
રઘુનાથ પરચુરે આ વાત આૃર્યથી સાંભળી રહ્યા. ફરી આચાર્ય બોલ્યા ઃ ‘હું કહું છું કે પરમાત્માને છોડો પ્રેમની પ્રાપ્તિ કરો. મંદિરને ભૂલી જાવ, હૃદયનો ખોજો પ્રેમને જાણો અને પ્રેમથી જીવો. તમે આટલું કરશો તો પછી હું તમને પરમાત્માની પાસે લઈ જઈશ.’
રઘુનાથ પરચુરે શાસ્ત્રી આ વાતથી બેહદ પ્રભાવીત થયા અને પોતાના જ્ઞાનનો બોજો ત્યાં મૂકીને ચાલવા માંડયા.
આ ઘટનાને કેટલાંક વર્ષો વીતી ગયાં.
આ તરફ હિમાલયની તળેટીની ઝૂંપડીમાં રહેતા આચાર્ય સત્યવ્રત હવે વૃદ્ધ થઈ ગયા હતા એમને હતું કે મેં જેમને ઉપદેશ આપ્યો છે તે રઘુનાથ પરચુરે શાસ્ત્રી એક દિવસ તો અહીં આવશે પણ તે ના આવ્યા. એમને લાગ્યું કે રઘુનાથ પરચુરે શાસ્ત્રી મારી વાતોથી વિચલિત થઈ ગયા હોવા જોઈએ. તેથી તેઓ સ્વયં રઘુનાથ પરચુરે શાસ્ત્રીને શોધવા નીકળી પડયા. આસપાસનાં અનેક ગામો ખૂંદી વળ્યા બાદ દૂરના ગામમાં પહોંચ્યા. તેમણે જોયું તો રઘુવીર પરચુરે શાસ્ત્રી એક વૃક્ષ નીચે બેઠેલા કૃષ્ઠ રોગીની સેવા કરી રહ્યા હતા. આચાર્ય સત્યવ્રતે તેમને પૂછયુંઃ ‘શું તમારે પરમાત્માને નથી મળવું?’
રઘુનાથ પરચુરે શાસ્ત્રીએ કહ્યું ઃ ‘ના. બિલકુલ નહીં. જે ક્ષણથી મેં પ્રેમની પ્રાપ્તિ કરી તે જ ક્ષણથી હું બધાં જ પ્રાણીઓમાં- બધા જ જીવોમાં પરમાત્માને નિહાળી રહ્યો છું. હું સમજી ગયો કે પ્રેમ જ ઈશ્વર છે.’
આચાર્ય સત્યવ્રત પ્રસન્ન થયા અને રઘુનાથ પરચુરેને આશીર્વાદ આપી રવાના થયા.
આવી પ્રેમભક્તિનાં ઘણાં સરનામાં છે. તેમાંથી એક છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-શામળાજી હાઈવે પર રાજેન્દ્રનગર ચાર રસ્તા પાસે આવેલું સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મંદબુદ્ધિવાળા, રક્તપિત્તગ્રસ્તો અને નિરાધારોનું સુશ્રાુષાકેન્દ્ર . કુષ્ઠ રોગીઓ અને નિરાધારો માટે જિંદગી સમર્પિત કરી દેનાર સુરેશ સોની આ સંસ્થાના સ્થાપક અને કર્તાહર્તા છે. આ આશ્રામમાં ૨૬૪ રક્તપિત્તગ્રસ્તો, ૨૭ દિવ્યાંગો ૪૩૮ મંદબુદ્ધિવાળા ભાઈ-બહેનોને આશ્રાય આપવામાં આવ્યો છે. અહીં રક્તપિત્તગ્રસ્તોને સારવાર પણ અપાય છે અને તેમનું પુનર્વસન પણ થાય છે. અહીં આવ્યા બાદ રક્તપિત્તગ્રસ્તોને હવે રસ્તામાં ઊભા રહી ભિક્ષુક બની ભીખ માંગવી પડતી નથી.
મંદબુદ્ધિની સગર્ભા બની ગયેલી બહેનો માટે પણ આ તેમનું પિયર છે.
માનવતાનું મંગલકાર્ય કરતી એવી જ એક બીજી સંસ્થા છે- ગુજરાત રક્તપિત્ત નિવારણ સંઘ અને વડોદરાની સોસાયટી ફોર ધી ટ્રેનિંગ એન્ડ વોકેશનલ રિહેબિલિટેશન ઑફ ધી ડિસેબલ્ડ. આ સંસ્થા સેવાતીર્થના નામે ઓળખાય છે. પરમાત્માને શોધવો હોય તો ઉપરોક્ત સંસ્થાઓના દાન-દુઃખીઆઓનાં દર્શન કરી લેજો.
એ જ રીતે અમદાવાદના અગ્નિહોત્રી કૃષ્ણારામ ગુલાબરાવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ‘શ્રાી કૃષ્ણાશ્રામ’ અતિ જરૂરિયાતમંદ લોકોના ઘેર બેઠાં ભોજન પહોંચાડી ૩૬૫ દિવસ અન્નદાન કરે છે.
ધર્મગ્રંથોમાં અન્નદાનને મહાદાન લેખવામાં આવ્યું છે. બોલુંદરા ગામની આસપાસના ૧૫ ગામોના વૃદ્ધ, અશક્તો, અપંગ, અનાથ, મંદબુદ્ધિના, નિરાધાર અને વિધવા તથા ત્યક્તા બહેનોને જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વગર રોજ એક ટંક સાત્વિક ભોજન માત્ર એક રૂપિયામાં અપાય છે. એક રૂપિયો લેવા પાછળનો ઉદ્દેશ એ છે કે આ સેવાનો લાભ લેનારનું ગૌરવ સચવાય.
આવી જ એક સંસ્થા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કોસીમપાડા ગામમાં ચાલે છે. હરિકૃષ્ણ આશ્રામ સંચાલિત દિવ્ય બ્રહ્મલોક વનવાસી કન્યા છાત્રાલય નામની આ સંસ્થા બ્રહ્મસ્વામીના નિર્દેશન હેઠળ ચાલે છે અને દર મહિને ૫૦૦થી વધુ અત્યંત ગરીબ આદિવાસી પરિવારોની મહિલાઓને મહિનાભરનું અનાજ, રાશન અને વસ્ત્ર અપાય છે. આ સંસ્થા કોસીમપાડા ગામમાં આદિવાસી કન્યાઓ માટે કોઈપણ ફી લીધા વગર છાત્રાલય ચલાવે છે. જ્યાં આદિવાસી બાળાઓને સુંદર વસ્ત્રો અને ભોજન આપી શ્રોષ્ઠ સંસ્કારો પણ અપાય છે.
કોલકત્તાની શેરીઓની ફૂટપાથ પર બીમાર, અશક્ત અને જેમના દેહમાં કીડા પડી ગયા હોય તેવા દર્દીઓના ઘા ધોઈ તેમની સારવાર કરનાર મધર ટેરેસાએ પણ આ રીતે જ ભગવાનને શોધવા માટે આવા દર્દીઓને પ્રેમ કરવાનો સંદેશ આપ્યો હતો. તેથી જ તેમને ‘સંત’ની ઉપાધી મળી.
સુરતનો ભારત સેવાક્ષશ્રામ સંઘ છેલ્લા ૧૦૦ વર્ષથી રક્તપિત્તિયા અને દિવ્યાંગોની સેવામાં કાર્યરત છે.
આ બધા પરમાત્માને પામવાના અને ઈશ્વરે તમને કાંઈ આપ્યું હોય તો તે સમાજને પાછું આપી દુઃખીઓને મદદ કરવાના શ્રોષ્ઠ તીર્થધામો છે.
– દેવેન્દ્ર પટેલ



