આવા જ પથરાળ ડુંગરોની વચ્ચે એક નાનકડું ગામ. ગામમાં ખેતી કરતાં એક પટેલના ત્યાં પરબત ખેડૂ રહેલો. પરબત છોટાઉદેપુર વિસ્તારમાંથી ૧૨ વર્ષનો હતો ત્યારથી પેટિયું રળવા આવ્યો હતો. શરૂઆતમાં પટેલને ત્યાં ઢોર ચરાવવાનું કામ કરતો. ધીમે ધીમે હળ ચલાવતાં શીખી ગયો હતો. પટેલે તેને કાયમી ખેડૂ તરીકે રાખી લીધો હતો.
પરબત જરાયે ભણેલો નહીં, પણ એને પાવો વગાડવાનો જબરો શોખ. એક ઊંચા ડુંગર પર મહુડાના ઝાડ નીચે બેસી
એ એક સાથે બે પાવા વગાડતો. પંચમહાલ વિસ્તારની કોઈ પારંપારિક ધૂન વગાડતો. બહુ જ મીઠી ધૂન હતી.
પટેલનું ઘર સુખી. ઘરમાં વાસણકુસણ અને કપડાં ધોવા માટે એક નાનકડી છોકરી આવતી. જીવી એનું નામ. જીવી ગામના ગલાજીની દીકરી. સહેજ શ્યામ પણ ઘાટીલી. જીવી પણ કદીયે નિશાળમાં ગઈ નહોતી. આખો દિવસ ઘરકામ અને બપોરે તળાવ.
પરબત કદીક બળદને નવરાવવા તળાવે જતો ત્યારે જીવી લૂગડાં ધોતી હોય પરબત કહેતો ઃ ‘અરે જીવલી ! મારા બે લૂંગડા ધોઈ આલજે.’
‘તારાં ધૂએ તારી ઘરવાળી, હું કેમ ધોઉં ?’ હસતાં હસતાં જીવી જવાબ આપતી.
‘ઘરવાળી નથી. કંઈથી લાવું ?’
‘તારા દેશમાંથી… બીજે ક્યાંથી ?’ જીવી કહેતી.
‘દેસ તો ઘણો છેટે… એક દા’ડો તો ધોઈ આલ… એક દન તારુંયે કામ કરી દઈસ.’
‘શું કામ કરી આલે છે?’
‘તું જે કહે તે.’
‘હારું કાઢ તારું ખમીસ.’ જીવી કહેતી.
અને પરબત ત્યાં જ ખમીસ કાઢી આપતો. જીવી પ્રેમથી સાબુ ઘસી પરબતનું ખમીસ ધોઈ આપતી. ત્યાં સુધી પરબત
ઉઘાડા ડીલે ઊભો ઊભો જીવીને જોયા કરતો.
એક દિવસ પરબત સૂનમૂન થઈ ડુંગરા પર મહુડાના ઝાડ નીચે બેઠો હતો. જીવી ત્યાં પહોંચી ગઈ. એ બોલી ઃ ‘કેમ
સૂનમૂન છે ?’
‘ખાલી.’
‘દેસ યાદ આવી ગયો?’
‘એવું જ.’
‘ચાલ તો પાવો વગાડ.’
‘કેમ ?’
‘તેં કહ્યું હતું ને કે એક દિવસ હું કહું એમ તું કરે.’
‘જેવી તારી મરજી’ કહેતાં પરબતે કેડમાં ખોસેલો પાવો કાઢી વગાડવા માંડયો. જીવી તેની સામે બેસીને કેટલીયે વાર
સુધી પાવાની ધૂનમાં ખોવાઈ ગઈ.
પછી તો બે-ચાર દિવસ થાય અને જીવી બપોર પછી ખેતરમાં પહોંચી જતી. ડુંગરા પરના મહુડાના ઝાડ નીચે પરબત તેનો ઇન્તજા૨ કરતો. પરબત પાવો વગાડતો અને જીવી સાંભળ્યા કરતી. પરબત પૂછતો ઃ ‘તને મારો પાવો બહુ ગમે ?’
‘મને તો તું ગમે છે.’ જીવી એક દિવસ શરમાઈને બોલી ગઈ. મોં નીચે કરી દીધું અને પગથી જમીન ખોતરવા
લાગી. પરબતે પાવો વગાડવાનો બંધ કરી જીવીનો હાથ પકડી લીધો. જીવીએ ઇનકાર કર્યો નહોતો.
એક દિવસ પરબતે કહ્યું ઃ ‘જીવલી ! કાલે કાર્તિકી પૂનમનો મેળો છે. શામળાજી જાહુું ?’
જીવીએ માત્ર મોં હલાવી હા પાડી.
બીજા દિવસે પરબતે પટેલની રજા લીધી. વહેલો કૂવાના થાળામાં નાહી આવ્યો. ધોયેલું ખમીસ પહેર્યું ઃ પટેલના ઘેર જઈ માથામાં નાંખવાનું તેલ માંગી વાળ ચકચકિત કરી દીધા. ગળામાં લાલ રેશમી રૂમાલ બાંધ્યો. કેડમાં પાવો ખોસી રમરમાટ ઊપડયો. અગાઉથી નક્કી કર્યા પ્રમાણે જીવી નાળિયામાં ઊભી હતી. બેઉ અલકમલકની વાતો કરતાં કાચા રસ્તે હેંડવા માંડયાં. આખો દિવસ શામળાજીના મેળામાં ફર્યાં. મેળામાં ખેરવાડા, ખજૂરી અને ઠેઠ ડુંગરપુરથી લોક આવ્યું હતું. ગીતો ગવાતાં હતાં ઃ ‘શામળાજીના મેળે. હાલ કટોરી હાલ જે… રે રમઝણિયું રે પેઝણિયું વાગે.’
પરબત અને જીવી પણ હાથમાં હાથ ઝાલી ખૂબ ઘૂમ્યાં. ચાર આનાના ગાંઠિયા લીધા. ચા પીધી. પરબતે જીવી માટે બો-પટ્ટી લઈ આપી. સાંજ પડે તે પહેલાં બેઉ પાછાં આવવા નીકળી પડયાં.થોડોક થાક ખાવા ફરી એક પથ્થર પાસે બેઠાં. જીવીએ કહ્યું ઃ ‘થાક્યો હોય તો બીડી પી લે.’
પરબતે બીડી સળગાવી. જીવી એના ધુમાડામાં જાણે કે ખોવાઈ ગઈ. જાણે કે બેઉ એકમેકમાં ખોવાઈ ગયાં હતાં. કેટલીયે વાર પછી જીવી બોલીઃ ‘મને તારા વિના નથી ગમતું.’
‘તુંયે મને બહુ ગમે.’ પરબત બીડી ફ્ેંકી દેતાં બોલ્યો હતો.
રાત પડે એ પહેલાં બેઉ ગામમાં આવી ગયાં. જીવી એના ઘેર જતી રહી. પટેલના ઘેર જમી પરબત ખેતરમાં કરેલા એક માળા પર સૂવા જતો રહેતો. રાત્રે સૂતાં સૂતાં સ્વચ્છ આકાશમાં તારલિયાના દરબારને જોઈ રહેતો. રાત્રે એને જીવી બહુ યાદ આવે ત્યારે એના દેસનું કોઈ મીઠું મધુરું ગીત ગાતો. એના ગીતના શબ્દો દૂર દૂરના ખળે સૂઈ રહેલા બીજા ખેડૂ પણ સાંભળતા, માણતા.
પરબત હવે જીવી વગર રહી શકતો નહોતો અને જીવી પરબત વગર. કોઈ ને કોઈ બહાને જીવી ખેતરમાં પહોંચી જતી. કોઈ વાર કહેતી ઃ ‘લાવો ત્યારે ચાર વાઢી લાઉં ?’
ખેતરમાં જઈ જીવી બાજરીના પૂળાના ઢગલા પાછળ એકાંતમાં પરબતને મળતી. પરબતને વળગી પડતી. પરબત અભણ હતો. એ બોલતો ઃ ‘જીવલી, તું મને જીવથી વધારે ગમે છે.’
‘આખી ને આખી હું તારી છું.’
જીવી હવે પરબતના ભરપૂર પ્રેમમાં હતી. પણ એક દિવસ બેઉ પકડાઈ ગયાં. જીવીની મા જ બધું જોઈ ગઈ. બીજા જ દિવસેથી જીવી પર પાબંધી લાગી ગઈ. પટેલના ઘેર જીવીના બદલે તે ખુદ જવા લાગી. પરબત તો રોજ મહુડાના ઝાડ નીચે બેસી રહેતો. દૂર દૂર સુધી જોેઈ રહેતો. પાવો પણ વગાડીને પ્રેમનો સંદેશો મોકલતો, પણ પાવાના સૂર હવામાં જ ઘૂમરાઈને ખોવાઈ જતા. એ રોજ રાહ જોેતો, પણ જીવી ના આવી તે ના જ આવી. રાત્રે માળા પર સૂવા જતો. આખી રાત આંખો ફાડીને તારા જોેઈ રહેતો. બીડીઓ ફ્ૂંક્યા કરતો. બીજા દિવસે તો જીવી આવશે એવી આશામાં સવાર થઈ જતી, પણ જીવી ના આવી તે ના જ આવી. પરબતની મૂંઝવણની વાત એના ભઈબંધો જાણી ગયા હતા, પણ તે બધા નિઃસહાય હતા. પરબત એના દોસ્તોને બધી વાત કરી ચૂક્યો હતો. શામળાજીના મેળાથી પાછા આવતાં રસ્તામાં જીવી સાથે થઈ ગયેલી બધી જ વાત. પછી તો દિવસો સુધી જીવી દેખાઈ નહીં. પરબત સૂનમૂન બની ગયો.
એ જમાનામાં વીજળી નહોતી. લોકો શિયાળામાં તાપણાં કરતાં. ઘરમાં ફાનસ સળગતાં. ઝૂંપડામાં ચીમનીઓ પેટાવાતી, પરંતુ આજે ગામના છેવાડે પેટ્રોમેક્સની બત્તીઓનું અજવાળું દેખાયું. થોડીક જ વારમાં ઢોલ ઢબૂકતાં સંભળાયાં. શરણાઈનો સ્વર સંભળાયો. માળા પર સૂતેલા પરબતને કાંઈ ખબર પડી નહીં. થોડી વાર પછી એનો ભઈબંધ આવ્યો. એણે અંધારામાં માળા નીચેથી મોટા અવાજે કહ્યું ઃ ‘પરબત ! ગામમાં જાન આવી છે. તારી જીવલીનાં લગન છે.’ અને પરબતને ધ્રાસકો પડયો.
એ માળા ઉપર ઊભો થઈ ગયો. દૂર દૂર જીવીના ઘર પાસે પેટ્રોમેક્સનું અજવાળું જોેઈ રહ્યો. ધબૂકતા ઢોલકનો અવાજ એને છાતીમાં વાગતો હતો. શરણાઈ એના કાન ચીરી નાખતી હતી. આખી રાત ઢોલ વાગતાં રહ્યાં. પરોઢિયે જાનરીઓ પણ ગાતી સંભળાઈ અને સવારે તો જાનની વિદાય પણ થઈ ગઈ. ઢોલ પણ સંભળાતાં બંધ થઈ ગયાં.
પરબત માળા પર ચડી બળદગાડામાં જતી જાન જોેઈ રહ્યો ત્યારે આછો ઉજાસ થયો હતો. એ મોટે મોટેથી બબડતો હતો ઃ ‘અલ્યા.. તમે મારી જીવલીને નહીં, પણ મારો જીવ લઈને જાવ છો.’
થોડી વાર પછી જાન પણ દેખાતી બંધ થઈ ગઈ. બળદગાડું વાંકાચૂંકા માર્ગે દૂર દૂર અદૃશ્ય થઈ ગયું. એ દિવસે પરબતે કાંઈ ખાધું નહીં. ભૂખ્યો ને તરસ્યો કામ કરતો જ રહ્યો.
દિવસો વીત્યા પણ એ જીવીને ભૂલી શક્યો નહીં. હવે તે રોજ ટાઈમ મળે એટલે ડુંગરા પર મહુડાના ઝાડ પાસે પહોંચી જતો. પાવો વગાડતો. શામળાજીના મેળામાં ગાયેલાં ગીતો અને વળતા રસ્તામાં કરેલી તોફાન મસ્તીને યાદ કરતો. સમય દુઃખનું ઓસડ છે એમ ધીમે ધીમે એણે પોતાનું મન કામમાં પરોવ્યું. ‘જીવલી દગો કરી ગઈ… એની નાત જુદી ને મારી નાત જુદી… પછી ક્યાંથી મેળ પડે ?… એને મારા માટે કાંઈ હતું જ નહીં’- એવી જાત જાતની અટકળો કરતો. ધીમે ધીમે તે પણ જીવલીને ભૂલતો ગયો. ભાઈબંધોએ સલાહ આપી ઃ ‘હવે દેસમાં જઈ લગન કરી આય.’
ત્યારે પરબત કહેતો ઃ ‘હું જીવલી જેવો નથી.’
સમય વહેતો ગયો. આ વાતને બે-એક વર્ષ વીતી ગયાં. પરબત હવે વધુ સમજદાર થઈ ગયો હતો. ખેતીના કામમાં વધુ ધ્યાન આપતો હતો.પાવો વગાડવાનો પણ એણે બંધ કરી દીધો હતો. રાત્રે ગાવાનું પણ બંધ કરી દીધું હતું.
એક દિવસ ખરા બપોરે વગડો સાવ સૂમસામ હતો. પરબત એકલો બપોરની નીંદર માળામાં માણી રહ્યો હતો. કોઈએ એને ઢંઢોળ્યો. એણે આંખ ખોલીને જોેયું તો સામે જીવી ઊભી હતી. હવે ઓઢણીના બદલે પૂરી સ્ત્રી લાગે તેવી સાડી પહેરી હતી. કેડમાં બે વર્ષનું બાળક હતું.
પરબત વિચારમાં પડી ગયો ઃ ‘જીવી તું.’
‘હા… તને મળવા આવી.’
‘આ કોણ છે?’
‘તારું જ છોકરું છે.’
‘મારું એટલે ?’
‘શામળાજીવાળું.’ જીવીએ યાદ અપાવ્યું.
‘શું નામ પાડયું ?’
‘પરબત.’ જીવી હસીને બોલી રહી.
પરબતે જીવીની કેડમાંથી બાળક આંચકી લીધું. એ તે બાળકને જોેઈ રહ્યો.
જીવી બોલી ઃ ‘બસ…તારા જેવો જ લાગે છે ને ?’
પરબત હસી રહ્યો. કેટલીક વાર પછી જીવી પાછી જતી રહી. જતાં જતાં એણે પરબતને લગન કરી લેવાનું વચન લઈ
લીધું. પરબતે આ વાત એના ભાઈબંધોને કહી. પરબત છેવટે માની ગયો. થોડા મહિના પછી દેસમાં જતો રહ્યો. એ પછી એ કદીયે પાછો ના આવ્યો. હા, એણે લગ્ન કરી લીધું છે એવી વાતો આવી પણ પરબત ના આવ્યો. પરબતના ભાઈબંધો આજે પણ પરબત અને જીવીને સંભારે છે. આ વાતને વર્ષો થઈ ગયાં. આજે તો તેને ખેડૂ રાખનાર પટેલ પણ નથી. પરબત અને જીવી ક્યાં છે તેની પણ ખબર નથી. હા, તેના પાવાના સૂર કદીક હવામાં ઘૂમરાતા સંભળાય છે.
– દેવેન્દ્ર પટેલ




