આજથી અનેક વર્ષો પહેલાં સમુદ્રમાં જળસમાધિ લેનાર `ટાઈટેનિક’ જહાજનો કાટમાળ શોધવા દરિયામાં ઊંડે જનાર પાંચ મુસાફરોની નાનકડી સબમરીન તાજેતરમાં જ ડૂબી ગઈ અને પાંચે જણ મોતને ભેટ્યા. સંશોધન, આરોહણ કે સાહસ એ માનવીનો સ્વભાવ છે પરંતુ અસલ `ટાઈટેનિક’ સાથે સંકળાયેલી એક હૃદયસ્પર્શી કથા અહીં પ્રસ્તુત છે.એ યુવાનનું નામ જ્હોન ઉર્ફે જેક થાયેર હતું.
એ વખતે તેની ઉંમર માત્ર ૧૭ વર્ષની હતી. એપ્રિલ ૧૯૧૨ના સમયની આ વાત છે. જેક પણ આજથી ૧૦૦ વર્ષ પહેલાં ડૂબેલી `ટાઈટેનિક’માં સવાર હતો. તે અમેરિકાની એક રેલવે કંપનીના માલિકનો ટીન એજ પુત્ર હતો. ઈંગ્લેન્ડથી અમેરિકા જવા ઊપડેલી એ જમાનાની અદ્યતન સ્ટીમરના ફર્સ્ટ ક્લાસ કંપાર્ટમેન્ટમાં તેની ટિકિટ હતી. `ટાઈટેનિક’ અનસિંકેબલ હતી. તેના માલિકને આ સ્ટીમરનો ઘમંડ હતો.
જેકના પિતા મિ.થાયેર અને મિમિસ મારિયાન થાયેરની સાથે જ તેમનો પુત્ર જેક પણ `ટાઈટેનિક’ની રોમાંચક મુસાફરી કરી રહ્યો હતો. સાથે આ એરિસ્ટોક્રેટ પરિવારની એક નોકરાણી પણ હતી.
આજથી ૧૧૧ વર્ષ પહેલાં `ટાઈટેનિક’ ડૂબી ગયું. તા.૧૫મી એપ્રિલના રોજ `ટાઈટેનિક’એ જળસમાધિ લીધી ત્યારે સ્ટીમરમાં ૨૨૨૯ જેટલા ઉતારુ હતા. તેમાંથી માત્ર ૭૧૦ ઉતારુઓને બચાવી શકાયા. બચી ગયેલા ઉતારુઓમાં આ કથા કહેવા માટે જેક પણ બચી ગયેલા ઉતારુઓ પૈકીનો એક હતો. ઈ.સ. ૧૯૪૦માં જેક થાયેરે તેની યાત્રાની હોનારતનું વર્ણન કરતું એક નાનકડું પુસ્તક લખ્યું. એ હોનારતનું એકમાત્ર અધિકૃત પુસ્તક જેક થાયેરે લખેલું `A Survivor’s tale’ આ પુસ્તકની માત્ર ૫૦૦ નકલો જ છાપવામાં આવી હતી અને મિત્રો તથા સગાં-સંબંધીઓને જ વાંચવા માટેનું આ એક પ્રાઈવેટ પુસ્તક હતું. ૧૭ વર્ષનો એ ટીન એજ બાળક જળહોનારતનો આંખ્યેદેખ્યો અહેવાલ લખવા માટે જ જાણે કે બચી ગયો હતો. જેક તેના પુસ્તકમાં લખે છે: `ટાઈટેનિક ડૂબી રહ્યું હતું ત્યારે જે ૪૦ ઉતારુઓએ બચી જવા માટે સમુદ્રમાં ભૂસકો માર્યો તેમાં હું પણ હતો, મને બચાવી લેવાયો હતો. સમુદ્રમાં કૂદકો મારનાર દર ૩૬ વ્યક્તિએ એકને બચાવી લેવાયો હતો અને તેમાં હું એક હતો.’
જ્હોન ઉર્ફે જેક થાયેર તેના પુસ્તકમાં લખે છે: `તા.૧૦મી એપ્રિલ, ૧૯૧૨ના રોજ ઈંગ્લેન્ડના સાઉથમ્પટન બંદરેથી `ટાઈટેનિક’માં અમે બેઠાં હતાં. હજારો ટન વજનના `ટાઈટેનિક’ની આ પહેલી યાત્રા હતી. તે હવે કલાકના ૨૦ નોટ માઈલની ઝડપે આગળ ધપી રહ્યું. `ટાઈટેનિક’નો માલિક પણ એ જ જહાજમાં મુસાફરી કરી રહ્યો હતો. `ટાઈટેનિક’માં ૨૨૨૪ જેટલા ઉતારુઓ મુસાફરી કરી રહ્યાં હતા. `ટાઈટેનિક’નો માલિક નિર્ધારિત સમય કરતાં પહેલાં અમેરિકા પહોંચી જઈ અખબારોમાં ચમકવા માંગતો હતો. દરિયામાં હવામાન સ્વચ્છ હતું પણ સમંદરમાં અનેક સ્થળે હિમશિલાઓ તરી રહી છે તેવા અહેવાલો પછી પણ `ટાઈટેનિક’નો માલિક સ્ટીમરને વધુ ઝડપથી હંકારવા કેપ્ટનને આદેશ આપી રહ્યો હતો. જહાજ એક ભવ્ય મહેલ જવું હતું અને ફૂડ અત્યંત સ્વાદિષ્ટ હતું.
તા.૧૪મી એપ્રિલ.
જેક લખે છે: `રાતના ડિનર પછી `હું ચાલીને ડેક પર ગયો. રાત અત્યંત સુંદર લાગતી હતી. આકાશમાં ચંદ્ર દેખાતો નહોતો. એ કારણે કાળી ભમ્મર રાતે તારા વધુ ચમકી રહ્યા હતા. કેટલાક તો કટ ડાયમન્ડ્સ જેવા લાગતા હતા. મેં ઘણો લાંબો સમય સમુદ્રની સાથે પસાર કર્યો. રાતના સમયે મેં દરિયાનું આવું રોમાંચક સ્વરૂપ કદી નિહાળ્યું નહોતું. એક મહાકાય જહાજ દરિયામાં આગળ સરકી રહ્યું હતું. રાતના ૧૧ઃ૪૫ વાગ્યે હું મારી કેબિનમાં પાછો આવ્યો. મેં મારાં મમ્મી-પપ્પાને `ગૂડ નાઈટ’કહ્યું અને તે પછી હું સૂઈ ગયો. અચાનક મને લાગ્યું કે સ્ટીમર જોશથી ક્યાંક ટકરાઈ ગઈ છે. ભયંકર આંચકા આવી રહ્યા. હું જાગી ગયો. હું અને મારા પિતાજી કેબિનની બહાર નીકળ્યા અને શું થયું છે તે જાણવા ઉપર ગયા. ઉતારુઓ બધા જ શાંત હતા પરંતુ અંદરથી ગભરાટ હતો. કાંઈક થઈ ગયું હોવાનો અણસાર બધાને આવી ગયો હતો. સ્ટીમર હવે દરિયામાં સ્થિર થઈ ગઈ હતી. સહેજ નમવા પણ લાગી હતી. એવામાં ટાઈટેનિકનો એક ડિઝાઈનર પણ તૂતક પર આવ્યો. તેણે અમને કહ્યું: `આ જહાજ એક કલાકમાં ડૂબી જશે.’ હું અને મારા પિતા મારી મમ્મીને બોલાવી લાવવા ઝડપથી નીચે ગયા. અમે બધાં ફરી તૂતક પર આવ્યાં. બધાને ખ્યાલ આવી ગયો કે સ્ટિમર હિમશિલા સાથે અથડાઈ ગઈ છે. સ્ટીમરમાં બાકોરું પડી ગયું છે. પાણી અંદર ભરાઈ રહ્યું છે અને ટૂંક સમયમાં ટાઈટેનિક ડૂબી જશે. આવી ગંભીર કટોકટી વખતે પણ સ્ટીમરનું બેન્ડ સંગીત વગાડી રહ્યું હતું. સ્ટીમરના દરેક ખલાસી અધિકારીઓ સખત ઠંડીમાં પણ તેમને અપાયેલાં સ્થળો પર તહેનાત હતા. સ્ટીમર ડૂબી રહી હોઈ મદદ માટે સ્ટીમરમાંથી આકાશમાં અજવાળું થાય તેવાં રોકેટ્સ છોડવામાં આવ્યાં. નજીકમાં જ `એસ.એસ.કેલિફોર્નિયા’ નામનું એક દરિયાઈ જહાજ પસાર થઈ રહ્યું હતું, પરંતુ તેણે એ રોકેટ્સના પ્રકાશની નોંધ લીધી નહીં. એ વખતે રાતના ૧૨ઃ૩૦ વાગી ચૂક્યા હતા. ટાઈટેનિક પર સવાર અમે ઘણા લોકોએ દૂરથી પસાર થઈ રહેલી એ સ્ટીમરની લાઈટો જોઈ હતી. એ સ્ટીમર અમને બચાવવા આવી નહીં.
રાતના ૧૨ઃ૪૫.
સ્ટીમરના એક અધિકારીએ અમને સૂચના આપી: `બધી જ મહિલાઓ પોર્ટ બાજુએ આવી જાવ.’ એ પછી એ સ્ત્રીઓને લાઈફ બોટ્સમાં બેસાડવામાં આવી. ધીમેધીમે લાઈફ બોટ્સને પાણીમાં ઉતારવામાં આવી. મારી મમ્મીને બીજી સ્ત્રીઓ સાથે લાઈફ બોટમાં બેસાડવામાં આવી હતી. હું અને મારા પિતા હજી સ્ટીમર પર જ હતા.
રાતના ૨ઃ૧૫.
ટાઈટેનિક હવે વધુ નમી ગયું. હવે અમે સ્થિર ઊભા પણ રહી શકીએ તેમ નહોતા. હવે અમે જીવવાની આશા છોડી દીધી હતી. ચારે તરફ બૂમરાણ હતી. અમે છેલ્લા શ્વાસ લેવાની તૈયારી કરી રહ્યા હતા. સ્ટીમરની ભીતર કાંઈક તૂટવાના ધડાકા થઈ રહ્યા હતા. ઘણીબધી બત્તીઓ બુઝાઈ રહી હતી. હવે અમને લાગ્યું કે થોડી જ વારમાં જહાજ ડૂબી જશે. એવામાં અંદર કોઈક ભયંકર ધડાકો થયો. લોકો સમુદ્રમાં કૂદી પડવા લાગ્યા. મને કોઈકે ધક્કો માર્યો. બીજા ધક્કામાં તો હું રાતના અંધારામાં દરિયામાં પડ્યો. કલ્પના બહારનું ઠંડું પાણી હતું. દરિયામાં હિમશિલાઓ હોઈ મારાં ગાત્રો થીજી ગયાં. હું શ્વાસ લઈ શકતો નહોતા. મારાં ફેફસાં કામ કરતાં નહોતાં. હું ડૂબવા લાગ્યો. વધુ ને વધુ ઊંડે સુધી પાણીમાં પહોંચી ગયો. પાણીની ભીતર પણ મેં હાથ પ્રસારી તરવા માંડ્યું. હું ટાઈટેનિકથી વધુ ને વધુ દૂર જવા માંગતો હતો. મને લાગ્યું કે ટાઈટેનિકનો ભંગાર મારા માથા પરના દરિયામાં તૂટીને પડી રહ્યો છે. પણ હું સહેજમાં બચી ગયો. ફરી એક વાર હું દરિયાની સપાટી પર આવ્યો. હવે મારાં ફેફસાં કામ કરવાં લાગ્યાં. હવે હું શ્વાસ લઈ શકતો હતો. મેં જોયું તો એક લાઈફ બોટ ઊંધી થઈ ગઈ હતી. મેં એ પકડી લીધી. મારી બાજુમાંથી પસાર થતી કેટલીક લાઈફ બોટમાં મને સમાવી શકાય તેવી ઘણી જગા હતી પરંતુ મને કોઈએ તેમાં જગા આપી નહીં. મેં જોયું તો મારા પિતા પણ પાણીમાં ડૂબી રહ્યા હતા. તેઓ પણ મદદ માટે બૂમો પાડી રહ્યા હતા પરંતુ બચી ગયેલા લોકો લાઈફ બોટમાં બેઠેલા હતા તેમણે મારા પિતાને પણ ઊંચકીને લાઈફ બોટમાં બેસાડ્યા નહીં. એ લોકોને ડર હતો કે એમ કરવા જતાં તેમની લાઈફ બોટ ડૂબી જશે.’
જેક લખે છે: `ટાઈટેનિક ડૂબી ગયું પરંતુ હૃદયને આઘાત લાગે એવી ટ્રેજેડી એ હતી કે હું અને મારા પિતા જેવા અનેક લોકો લાઈફ બોટના સહારે પાણીમાં તરતા તરતા મદદ માટે ચીસો પાડી રહ્યા હતા. નજીકમાંથી જ પસાર થતી લાઈફ બોટ્સમાં સવાર લોકો અમને મદદ કરવા માંગતા નહોતા. એ બધા અમારું આક્રંદ સાંભળતા હતા. એ લાઈફ બોટ્સ પાછી ફરી હોત તો બીજા સેંકડો લોકોને બચાવી શકાયા હોત. ટાઈટેનિક ડૂબી રહી છે તેવો વાયરલેસ મેસેજ `ધી કાર્પાથેનિયા’નામના દૂરથી પસાર થઈ રહેલા એક જહાજને મળ્યો હતો. કેટલાક સમય બાદ એ સ્ટીમર અમારી પાસે આવતી જણાઈ. ટાઈટેનિક તો હવે ડૂબી ગયું હતું. હું હજી મારી લાઈફ બોટના સહારે રાતના અંધારામાં પાણીમાં તરી રહ્યો હતો. એ વખતે સવારના ૭ઃ૩૦ વાગી ચૂક્યા હતા. આખી રાત ઠંડાગાર પાણીમાં હું તરતો રહ્યો હતો. મને એ સ્ટીમરની એક બચાવ બોટે મદદ કરી. એ લોકોએ મને ઊંચકી લીધો. હું લાઈફ બોટમાં બેઠો. હું ધ્રૂજી રહ્યો હતો. લાઈફ બોટમાં મૂકેલી એક સીડી દ્વારા હું બચાવ માટે આવેલી સ્ટીમરના ડેક પર ચડ્યો. સામે જ મેં મારી માને ઊભેલી જોઈ. મારી મા મને જોઈને ખુશ થઈ પણ એની ખુશી અલ્પજીવી રહી. મારી મમ્મીએ મને પૂછ્યું: `ડેડી ક્યાં છે?’
મેં કહ્યું `મને ખબર નથી, મા.’ મેં મારી નજર સમક્ષ જ મારા પિતાને કાળમીંઢ દરિયામાં `બચાવો બચાવો’ની ચીસો પાડતાં અને ધીમે ધીમે દરિયામાં અદૃશ્ય થઈ જતા જોયા હતા. મેં મારી માને અે દૃશ્યનું વર્ણન કર્યું. મારી મા ભાંગી પડી. એ પછી એ બચાવ સ્ટીમરમાં અમે ત્રણ દિવસ મુસાફરી કરતા રહ્યાં. એ ત્રણેય દિવસો અમારા માટે ભારે યાતનાભર્યા હતા, કારણ કે કેટલાય લોકો પોતાનાં સ્વજનો ગુમાવી ચૂક્યાં હતાં. એ તૂતક પર એક વિધવા સ્ત્રી એના પતિને ગુમાવવાનું દુ:ખ દૂર કરી શકતી નહોતી અને તે મારી મા હતી. હું મારા પિતાને ગુમાવવાનો ગમ દૂર કરી શકતો નહોતો, કારણ કે હું જ જાણતો હતો કે મારા ડેડ પણ મારી સાથે જ પાણીમાં કૂદી પડ્યા હતા. બચાવ માટે ચીસો પાડતા રહ્યા હતા અને નજીકમાંથી પસાર થતી લાઈફ બોટવાળા તેમને ઊંચકીને લાઈફ બોટમાં લેવા તૈયાર નહોતા. રાતના ઘનઘોર અંધારામાં મારા પિતા દરિયામાં જ ક્યાંક સમાઈ ગયા હતા. `ટાઈટેનિક’ની જળસમાધિથી બચી ગયેલા કોઈને ચહેરા પર આનંદ નહોતો. દરેક કોઈ ને કોઈને ગુમાવી ચૂક્યા હતા.
જ્હોન ઉર્ફે જેક થાયેર ૧૯૪૦માં તેમના અનુભવ પર લખેલું પુસ્તક `A Survivor’s Tale’ ટાઈટેનિકની જળસમાધિની ૧૦૦મી વાર્ષિક તિથિ નિમિત્તે ફરી એક વાર પ્રગટ થયું. આ પુસ્તકમાં કરવામાં આવેલું વર્ણન અધિકૃત ગણાય છે. જેક થાયેરને લાગેવળગે છે ત્યાં સુધી વયસ્ક થયા બાદ તેઓ એક બીજી મોટી રેલવે કંપનીની શ્રીમંત યુવતીને પરણ્યા હતા. તે પછી પોતાનો સ્વતંત્ર ધંધો શરૂ કર્યો હતો, પરંતુ ૧૯૪૪માં તેમનો પ્રિય પુત્ર કે જે અમેરિકાની એરફોર્સમાં પાઇલટ હતો તે તેનું વિમાન પેસિફિકમાં તૂટી પડતાં માર્યો ગયો. જેક થાયરે ટાઈટેનિક હોનારતમાં પિતાને ગુમાવ્યા. બચી ગયા બાદ યુવાન પુત્રને ગુમાવ્યો અને તે પછી થોડા સમયમાં તેની માતાનું પણ મૃત્યુ થયું. આ બધાં દુ:ખોની ઘટમાળથી વધુ દુ:ખી થયેલા જેક થાયેર ૧૯૪૪ના અંતિમ સમયમાં આપઘાત કરી લીધો. આવી છે ટાઈટેનિકની કહાણી અને ટાઈટેનિક હોનારતથી બચી ગયા પછી પણ તેનાં પાત્રોની જિંદગીની કરુણાંતિકા.
ટાઈટેનિકની જળસમાધિને ૧૧૧ વર્ષ પૂરાં થાય છે.



