અત્યાર સુધીમાં આપણે વિશ્વના શ્રેષ્ઠ દાર્શનિકોનાં વિધાનો ક્વૉટ્સ અને લોકોક્તિઓ જોઈ. હવે આ અંકમાં વિશ્વના માફિયાઓ અને અંડરવર્લ્ડના ડોન્સએ કરેલાં વિધાનો જોઈએ. આ ક્વૉટ્સ અંડરવર્લ્ડના ડોન્સના હોઈ કાયદાનું સન્માન કરનારા સમાજના શિષ્ટ નાગરિકોએ તેનો અમલ કરવાની જરૂર નથી પરંતુ અંડરવર્લ્ડના ડોનની વિચારધારા કેવી હતી તેની માહિતી માટે જ એમનાં વિધાનો અહીં પ્રસ્તુત કરવામાં આવ્યાં છે.અંડરવર્લ્ડની અંધારીઆલમના માણસો માટે `માફિયા’ શબ્દ વપરાય છે. માફિયાઓ ઈટાલીના સિસિલી પ્રાંતમાં પેદા થયા હતા. સિસિલિ-ઈટાલીથી અમેરિકામાં જઈને વસેલા ઈટાલિયનો દ્વારા અમેરિકામાં જે પહેલો માફિયા ડોન પેદા થયો તેનું નામ અલ કપોન હતું. ૧૯૨૦ના ગાળામાં થોડાંક વર્ષો માટે અમેરિકામાં દારૂબંધી દાખલ કરવામાં આવી હતી ત્યારે પ્રોહિબિશન કાનૂનનો ભંગ કરી ગેરકાયદે શરાબ બનાવવાનું અને ગેરકાયદે દારૂ વેચવાનું નેટવર્ક ઊભું કરનાર અલ કપોન એક મોટો ગેંગસ્ટર બની ગયો હતો. કહેવાય છે કે એ વખતે અલ કપોનની વાર્ષિક આવક ૧૦૦ મિલિયન ડૉલર સુધી પહોંચી ગઈ હતી. આ બુટલેગિંગના ધંધા દરમિયાન અલ કપોને કેટલાય પ્રતિસ્પર્ધીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. તે પછી તેણે ગેરકાયદે વેશ્યાગૃહો પણ શરૂ કર્યાં હતાં. શિકાગોની આસપાસ તેણે અનેક દારૂ બનાવવાની ફેક્ટરીઓ ઊભી કરી દીધી હતી. તેની ઉપર પણ વિરોધીઓએ ખતરનાક હુમલા કર્યાં હતા પણ તે બચી ગયો હતો. ૨૦મી સદીના આ કુખ્યાત અપરાધી અલ કપોનની જિંદગી પર અનેક પુસ્તકો લખાયાં છે. તેના જીવન પરથી હોલિવૂડે અનેક ફિલ્મો પણ બનાવી હતી. હોલિવૂડના ૧૭ જેટલા અભિનેતાઓએ તેના જીવન પર બનેલી વિવિધ ફિલ્મોમાં અલ કપોનનો રોલ કર્યો હતો.
-મૂડીવાદ શું છે?
આવા અલ કપોનનાં કેટલાંક વિધાનો આ પ્રમાણે છે:
(૧) મૂડીવાદ તે રૂલિંગ ક્લાસનું કાયદેસરનું ષડ્યંત્ર છે. (૨) તમે એક સ્મિત સાથે લાંબો રસ્તો કાપી શકો છો પરંતુ સ્મિત અને બંદૂક સાથે એથી પણ વધુ આગળ જઈ શકો છો. (૩) સહુથી વધુ તમે તમારા મિત્રોથી સાવધ રહો. (૪) તમારા ગેરકાયદે ધનમાંથી એ લોકો લીગલ ટેક્સ વસૂલી શકે નહીં. (૫) હવે હું એ વાત સમજી શક્યો છું કે વાઘ પોતાનાં જ બચ્ચાંને કેમ ખાઈ જાય છે. (૬) કેટલાક લોકો અમારા દારૂના ધંધાને `બુટલેગિંગ’ કહે છે, કેટલાક અમને ષડ્યંત્રકારી કહે છે પરંતુ હું તેને `બિઝનેસ’ કહું છું. (૭) એક વાર તમે આ રેકેટમાં (અંડરવર્લ્ડમાં) આવો છે એટલે તમે કાયમ એમાં જ રહેશો.
(૮) હું ક્રાંતિકારી નથી. હું તો માત્ર અમેરિકાની સિસ્ટમને જ ટકોરા મારું છું. (૯) મેં ભય પર જ મારું નેટવર્ક-સંગઠન ગોઠવ્યું છે. (૧૦) આ પૃથ્વી પર ગરીબીમાં જીવન જીવવું તે કરતાં હું જે કાંઈ કરું છું તેથી વધુ ને વધુ ધનસંપત્તિ અને ઐશ્ચર્ય પામીને હું નરકમાં જવાનું પસંદ કરીશ.
(૧૧) મેં તો શરાબ દ્વારા લોકોને આનંદ-પ્રમોદ જ આપ્યાં છે. (૧૨) અમેરિકામાં કોઈ બાળક ટ્રાઈસિકલ પરથી પડી જાય છે કે કોઈ કાળી બિલાડી ક્યાંક ફસાઈ જાય છે કે ક્યાંક આગ લાગે છે કે, કોઈને ઠેસ વાગતાં અંગૂઠો ભાંગી જાય છે ત્યારે અમેરિકન પોલીસ અને અમેરિકાનાં અખબારો એક જ વાત કહે છે: `જાવ અલ કપોનને પકડી લાવો.’ (૧૩) મારી ભલમનસાઈને મારી નબળાઈ સમજશો નહીં. હું બધાના માટે ભલો માણસ છું પરંતુ જો તમે મારી સાથે ભલા નહીં હો તો (હું એવું કરીશ) કે તમે મને જિંદગીભર યાદ રાખશો.
– અલ કપોનનાં વિધાનો અહીં પૂરાં થાય છે પરંતુ તેને વાચકોએ પોતાની જિંદગીમાં ઉતારવાં નહીં. આ અખબાર કે આ કટારલેખક અલ કપોને કહેલાં વિધાનો સાથે સંમત નથી.
– મારિઓ પુઝો
હવે `ધી ગોડફાધર’ નામની વિશ્વવિખ્યાત નવલકથા લખનાર લેખક મારિઓ પુઝોએ તેમની નવલકથામાં અંડરવર્લ્ડના પાત્રના મોંમાં મૂકેલાં કેટલાંક ક્વૉટ્સ વિધાનોની વાત.’
તા.૧૫ ઓક્ટોબર, ૧૯૨૦ના રોજ અમેરિકામાં ન્યૂયોર્ક ખાતે જન્મેલા મારિઓ પુઝો પણ મૂળ ઈટાલિયન હતા. સિટી કૉલેજ ઓફ ન્યૂયોર્ક દ્વારા સ્નાતકની ડીગ્રી લીધા બાદ ૧૯૫૦માં તેમનું પહેલું પુસ્તક `ધી ડાર્ક એરેના’ પ્રગટ થયું. તે પછી ૧૯૬૯માં તેમની જાણીતી નવલકથા `ધી ગોડફાધર’ પ્રગટ થઈ. આ પુસ્તક ન્યૂયોર્ક ટાઈમ્સની યાદીમાં બેસ્ટ સેલર તરીકે ખ્યાતિ પામ્યું હતું. હોલિવૂડના ટોચના દિગ્દર્શક ફ્રાન્સીસ કોપોલાઓ આ નવલકથા પર આધારિત `ધી ગોડફાધર’ શીર્ષક હેઠળ જ એક ફિલ્મ બનાવી જેને ૧૧ એકેડેમી એવોર્ડ્સ મળ્યા. આ નવલકથા અને ફિલ્મની કથા ન્યૂયોર્કમાં રહેતા અંડરવર્લ્ડના ગોડફાધર ડોન વિટો કોર્લિયન નામના કાલ્પનિક પાત્રની આસપાસ વણાયેલી છે. ન્યૂયોર્કના અનેક ગેંગસ્ટરોના પણ ગેંગસ્ટર ડોન વિટો કોર્લિયનના મુખે મારિયો પુઝોએ જે વિધાનો મૂક્યાં છે તે આ પ્રમાણે છે:
– એવી ઓફર કરો કે…
(૧) કથામાં ડોન તેના સાગરીતને કહે છે: `એ માણસને એવી ઓફર કરો કે જેને તે ઈન્કારી શકે જ નહીં.’ (૨) ડોન કોર્લિયન કહે છે: `મિત્રતા બધું જ છે. મિત્રતા ટેલેન્ટથી પણ વધુ છે મિત્રતા સરકાર કરતાં પણ વધુ છે. મિત્રતા પણ એક ફેમિલીની બરાબર જ છે.’ (૩) મોટા માણસો જન્મતા નથી, તેઓ મહાન તરીકે વિકસે છે. (૪) તમારા દુશ્મનને ધિક્કારશો નહીં. તે તમારા જજમેન્ટને અસર કરે છે. (૫) બદલો લેવો હોય તો દુશ્મનને ઠંડી ડિશ જ તેનો શ્રેષ્ઠ સ્વાદ હશે. (અર્થાત ઠંડા કલેજે બદલો લો.) (૬) જે માણસ પોતાના પરિવારને પૂરતો સમય આપતો નથી તે કદીયે સાચુકલો માનવી બની શકે નહીં. (૭) ઈટાલિયનોમાં એક જોક જાણીતો છે. વિશ્વ એટલું કઠોર છે કે તમારી કાળજી લેવા માટે બે ફાધર હોવા જોઈએ. અને તેથી જ તેમને `ગોડફાધર્સ’ હોય છે. (૮) કદી કોઈની ઉપર ક્રોધ કરશો નહીં. કદી કોઈને ધમકી આપશો નહીં…કારણ તપાસો.
– મિત્રો અને દુશ્મનો
ગોડ ફાધર નવલકથામાં ડૉન કહે છે કે, (૯) તમારા મિત્રોને તમારી નજીક રાખો પરંતુ તમારા દુશ્મનને એથી પણ વધુ નજીક રાખો. (૧૦) પ્રેમમાં પડવું તે સારી વાત છે પરંતુ પ્રેમમાં જ પડેલા રહેવું તે એક હોનારત છે. (૧૧) ભૂતકાળ એ ભૂતકાળ છે. જે જતું રહ્યું છે તે કદી પાછું આવવાનું નથી. તમે જે છો તે જ છો. દુનિયા આવી જ છે. (૧૨) સત્તા જ બધું નથી, એ પણ એક `ચીજ’ જ છે. (૧૩) તોપ રહેવા દો, ગન લઈને જાવ. (૧૪) જે માણસ પોતાનાં બાળકો માટે `ફાધર’ જેવો નથી તે કદીયે સાચો માનવી બની શકશે નહીં. (૧૫) દરેક મોટી ધનસંપત્તિ કે ફોર્ચ્યુનની પાછળ એક ગુનો રહેલો છે. (૧૬) ઓહ! આ દુનિયા કેટલી બધી ખરાબ છે કે જે તમને પાપ તરફ લઈ જાય છે.
– આ બધાં વિધાનો મારિઓ પુઝોએ તેમની નવલકથામાં તેમના કાલ્પનિક પાત્ર ડોન વિટો કોર્લિયનના મુખમાં મૂકેલાં છે. તે બધાં અંડરવર્લ્ડના ડોનની વિચારધારા પર લખાયેલાં છે. મારિયો પુઝો એ સ્વયં એક શ્રેષ્ઠ સાહિત્યકાર હતા. અલબત્ત, અહીં લખાયેલાં વિધાનો માત્ર વાચકોની જાણકારી માટે જ મુકાયેલાં છે. એ વિધાનો સાથે આ અખબાર કે આ કટારલેખક સંમત છે તેમ માની લેવું નહીં. અહીં પ્રસ્તુત વિધાનો કે વિચારોને જીવનમાં ઉતારવાં નહીં.



