Close

એક દિવસ શંભુ નાટક કંપનીની ડાન્સર કમલાને લઈને ભાગી ગયો

કભી કભી | Comments Off on એક દિવસ શંભુ નાટક કંપનીની ડાન્સર કમલાને લઈને ભાગી ગયો
વર્ષો પહેલાં એક નાટક કંપનીએ ગામમાં ધામા નાંખ્યા હતા. એ જમાનામાં ગામોમાં વીજળી નહોતી. સિનેમા થિયેટરો નહોતાં. ચારે બાજુ પતરાંની દીવાલ ઊભી કરાતી. એક રૂપિયાવાળી ટિકિટ લઈ ગામના આગેવાનો ચોરસ ખાડામાં ગોઠવેલી ખુરશીમાં બેસતા. પાછળ બાર આના, તેની પાછળ આઠ આના અને છેલ્લે ચાર આનાની ટિકિટ હતી. શેઠ કેશવલાલ નાટક કંપનીના માલિક હતા, ડાયરેક્ટર હતા અને મુખ્ય કલાકાર પણ હતા. નાટક કંપનીમાં કમલાદેવી અને શીલાદેવી બે મુખ્ય સ્ત્રી અભિનેત્રીઓ હતી. બંને બહેનો હતી. કમલા નાની અને દેખાવમાં મારકણી હતી. કેટલાક આગેવાનો તો તેનો ડાન્સ જોેવા જ આવતા. શિયાળાની મોડી રાત સુધી પૅટ્રોમૅક્સના અજવાળે નાટક ભજવાતું. મહિનો દોઢ મહિનો નાટકનો પડાવ રહેતો. ગામ આખું કમલાદેવી પાછળ ગાંડું હતું.
 ગામમાં શંભુ નામે એક રૂપાળો કિશોર તેની વૃદ્ધ મા સાથે રહેતો. તેની પાસે મિલકતમાં માંડ દોઢેક વીઘા જમીન, પણ શંભુ નાટકનો જબરો શોખીન. તેની ઉંમર હજી માંડ સત્તર-અઢાર વર્ષની હતી. નાટક જોેવાના પૈસા નહીં એટલે દિવસે નાટક કંપનીના માલિક કેશવલાલ પાસે પહોંચી જાય. તેમનું કાંઈનું કાંઈ કામ કરી આપે. કેશવલાલે શંભુનો ખંત જોેઈ તેને પડદા ખેંચવાનું કામ સોંપ્યું. ધીમે ધીમે શંભુને પડદા ખેંચતાં આવડી ગયું. તે અંદર બેસીને જ નાટકની મોજ માણતો. કમલાદેવીનો ડાન્સ જોેવાનું તે કદી ચૂકતો નહીં. લોકો સિટીઓ મારતા. ચિચિયારીઓ થતી. વન્સ મોર થતા. એક દિવસ શંભુએ કમલાને કહ્યું ઃ ‘આખું ગામ તમારી પાછળ ગાંડું છે.’
‘ગામમાં તું પણ આવી ગયો ને ?’ કમલા હસીને પૂછતી.
શંભુ શરમાઈ જતો.
કમલા બાવીસ-ત્રેવીસ વર્ષની હતી. હવે શંભુને આખી નાટક કંપની સાથે ઘરોબો થઈ ગયો હતો. કમલા અને શીલાદેવીનો અલગ ઉતારો હતો. શંભુ હવે ત્યાં પણ જતો. બજારમાંથી શાકભાજી લાવવાનું કામ પણ તે કરી દેતો. કમલાની સાડીઓને ઇસ્ત્રી કરાવી લાવતો. બચુ ધોબી તેની મશ્કરી કરતો ઃ ‘અલ્યા શંભુ ! તું નસીબદાર છે યાર. આ લૂગડાં પહેરનારીનાં કપડાંને જ અડયો છે કે એને પણ…?’
ફરી શંભુ શરમાઈ જતો. પછી તો આખા ગામને ખબર પડી ગઈ કે, શંભુને કમલા અને શીલાદેવીના ઉતારે જવાની છૂટ છે એટલે પાનના ગલ્લે તેને ઊભો રાખી લોકો પૂછતા ઃ ‘અલ્યા, પેલી ડાન્સરની કાંઈ વાત તો કર.’
પણ શંભુ શરમાઈને મૌન જ રહેતો. એક વાર ગામના મુખીએ પણ પૂછી નાખ્યું ઃ ‘અલ્યા શંભુડા, પેલી ડાન્સરને કેશવલાલે કાયમ માટે રાખી લીધી છે એ વાત સાચી?’
‘ના રે ના, મુખી, તમે આવી વાત શું કરો છો?’
‘તું સાવ ડફેળ જ રહ્યો. આખા ગામને ખબર છે કે, આધેડ ઉંમરના કેશવલાલે તેમનાથી અડધી ઉંમરની ડાન્સરને બૈરી તરીકે જ રાખી લીધી છે.’ મુખી કહેતા.
‘હું કશું જાણતો નથી’ કહી શંભુ જતો રહેતો.
શંભુ સાવ ભોળો હતો. એ નાટક કંપનીના શેઠ કે તેના કલાકારોની ટીકા કરવાનું કે સાંભળવાનું પસંદ કરતો નહીં. બસ, એને તો નાટક જોેવાનો અને નાટક કંપનીમાં રહેવાનો જબરો નશો હતો. નાટક કંપની પણ બરાબર જામી હતી. ગમે તેવું સામાજિક નાટક હોય તો પણ વચ્ચે વચ્ચે ડાન્સ આવે. એમાંયે એ વખતનું ફ્લ્મિી ગીત ઃ ‘હવા મેં ઊડતા જાયે, મેરા લાલ દુપટ્ટા મલમલ કા હો જી’ ગીત ગવાતું ત્યારે કમલાની ઘેરવાળી ઘાઘરી પણ હવામાં ફરફરતી અને સિટીઓ પર સિટીઓ વાગતી. આજની રાતે તો ચાર વખત એક જ ગીતને વન્સ મોર મળ્યા.
કમલા થાકી ગઈ હતી. શિયાળાની રાતે પણ એને પરસેવો થઈ ગયો. લોકોની ચિચિયારીઓ જોેઈ કેશવલાલે ફરી કમલાને ડાન્સ માટે જવા કહ્યું, પણ ત્યાં ઊભેલા શંભુથી બોલાઈ ગયું ઃ ‘રહેવા તો ને શેઠ ! કમલાબાઈને થાક ના લાગે ?’ ‘ચૂપ… સાલા.’ કહેતાં કેશવલાલ તાડૂક્યા હતા ઃ ‘કંપનીવાળાનું પેટ કેવી રીતે ભરાશે ? કમલા ઉપર તો કંપની ચાલે છે. તારો બાપ કમલાને પગાર આપે છે ખબર છે ને ?
શંભુ ફ્રી ચૂપ થઈ ગયો. નાટક મોડી રાત્રે પૂરું થતું. લોકો વિખેરાઈ જાય તે પછી કેશવલાલ તેમના ઉતારે જતા. શંભુ ફાનસ લઈને કમલાદેવી અને શીલાદેવીને મૂકવા જતો. આજે શંભુ નારાજ હતો. શેઠ કેશવલાલે તેને ખરાબ શબ્દોમાં ખખડાવ્યો હતો. શંભુને લાગી આવ્યું હતું. તે આજે વહેલો ઘેર જતો રહ્યો. બીજા દિવસે પણ તે નાટક કંપની પર ગયો નહીં. બીજા માણસ મારફત પડદા ખેંચાવરાવવા પડયા. બીજા દિવસે રાત્રે નાટક પૂરું થયા પછી કેશવલાલ ઉતારે ગયા. એમણે માણસ મારફત શંભુને રાત્રે જ બોલાવરાવ્યો. રાતનો એક વાગ્યો હશે. કેશવલાલ ખુરશીમાં બેઠા બેઠા દારૂ પીતા હતા. રાત્રે જ નાટક પૂરું થાય તે પછી તેમને દ૨૨ોજ પીવાની આદત હતી. કમલા તેમના પગ દબાવતી હતી. શંભુ ચોંકી ગયો. તેનાથી આ દૃશ્ય બર્દાસ્ત થયું નહીં, પણ મનોમન ભાવ દબાવીને ચૂપ રહ્યો. એ વિચારી રહ્યો ઃ ‘એનો અર્થ એ જ કે, લોકો જે વાતો કરતા હતા તે સાચી જ છે. કેશવલાલ તો એની બાપની ઉંમરનો છે અને આ છોકરી ?’
કેશવલાલે શંભુને બેસવા કહ્યું.
શંભુ નીચે બેઠો. કમલા કેશવલાલથી સહેજ અળગી થઈ ગઈ. તેના ચહેરા પર લજ્જા, ક્ષોભ, દર્દ અને ના કળી શકાય તેવા ભાવ હતા. કેશવલાલ બોલ્યા ઃ ‘શંભુ ! આજે કેમ ના આવ્યો?’
‘મારી તબિયત સારી નહોતી શેઠ.’
‘કાલથી આવજે… પૈસા બૈસા જોેઈતા હોય તો મેનેજર પાસેથી લઈ જજે… કમલાબાઈએ તારી ભલામણ કરી એટલે જ તને બોલાવ્યો. ચલ જા હવે !’ કેશવલાલે ટૂંકમાં કમલાની ઇચ્છાને માન આપી પોતાને બોલાવ્યો હોવાનું શંભુને જણાવ્યું. ઊઠતાં ઊઠતાં આભારની લાગણી વ્યક્ત કરતો હોય તેમ શંભુ કમલાને જોેઈ રહ્યો. કમલા હજી નીચે બેઠેલી હતી અને નીચે જ જોેઈ રહી હતી.
બીજા દિવસે તે ફ્રી નાટક કંપની પર પહોંચ્યો. એણે તક મળતાં કમલાદેવી સાથે વાત કરવા કોશિશ કરી ઃ ‘મને કેમ બોલાવ્યો?’
‘શેઠે તારી સાથે ખરાબ રીતે વાત કરી હતી ને ?’ કમલાએ કહ્યું.
‘તે શું થઈ ગયું ? હું તો પડદા ખેંચવાવાળો છું.’ શંભુ બોલ્યો.
‘તું ભોળિયો છે શંભુ.’
‘એ તો ઠીક, પણ તમારી ઉંમર ક્યાં અને શેઠની ઉંમર ક્યાં ?’ શંભુએ ભોળાભાવે પૂછયું.
કમલાએ કહ્યું ઃ ‘જોે શંભુ, આ નાટક કંપની છે. કામ જોેઈતું હોય, પેટ ભરવું હોય તો બધું જ કરવું પડે. હું મહારાષ્ટ્રીયન છું છતાં મેં ગુજરાતી શીખી લીધું છે ને ? નાટકમાં તો સીતાનો રોલ પણ કરવો પડે અને મંથરાનો પણ.’
‘પણ મને નથી ગમતું કે તમારે આવું બધું કરવું પડે.’
‘તું સહેજ મોટો થઈ જા. ધીમે ધીમે તને સમજાઈ જશે.’ કમલાએ સલાહ આપી અને મેકઅપ કરવા ચાલી ગઈ.
એ રાતથી શંભુ ફરી પડદા ખેંચવા લાગ્યો, પરંતુ ગામલોકોમાં વાત હવે ખુલ્લેઆમ ચર્ચાતી હતી કે, નાટક પૂરું થયા બાદ ડાન્સર કમલાદેવી રોજ રાત્રે કંપનીના માલિક શેઠ કેશવલાલના ઉતારે જાય છે. કમલાને લાવવા લઈ જવાનું કામ હવે શંભુને જ સોંપવામાં આવ્યું હતું. રાત્રે ગામમાં અંધારું છવાઈ જાય ત્યારે શંભુ જ ફાનસ લઈને કમલાને કેશવલાલને ઉતારે લઈ જતો. બહાર બેસી રહેતો. કલાક-બે કલાક પછી કમલા બહાર આવે એટલે ફરી ફાનસ તેજ કરી તેને ઉતારે મૂકી આવતો. શંભુ કમલાદેવીના કહેવાથી કંપનીનો વિશ્વાસુ માણસ બની ગયો હતો.
હવે કંપનીને ગામમાં મહિનો પૂરો થવા આવ્યો હતો. કંપનીનો મૅનેજર ગામમાં કરિયાણાની દુકાનવાળાઓના હિસાબ- કિતાબ પતાવવા માંડયો હતો. ગામના આગેવાનો કે જેમને ફ્રી પાસ આપવામાં આવ્યા હતા તેઓ પણસ્વેચ્છાએ ઉચ્ચક રકમ આપી રહ્યા હતા. કંપનીનો મેનેજર હવે દૂરના એક ગામે કંપની લઈ જવાની વ્યવસ્થા કરી રહ્યો હતો. આજે નાટકનો છેલ્લો ખેલ હતો.
છેલ્લો ખેલ અને છેલ્લો ડાન્સ. કમલાએ પણ આજે મન મૂકીને ડાન્સ કર્યો. શંભુ માટે પણ આજે છેલ્લી રાત્રિ હતી. ખેલ પૂરો થયા બાદ શંભુ ફાનસ લઈને કમલાને અને શીલાદેવીને મૂકવા ગયો. હાથ-પગ ધોઈ લીધા બાદ રોજ રાત્રિના ખેલ પછીના ખેલ માટે ફ્રી શંભુ કમલાને લઈ શેઠ કેશવલાલના ઉતારે જવા નીકળ્યો. કેશવલાલ રોજની જેમ દારૂ પીતા હતા. કમલા અંદર ગઈ.
શંભુ બહાર બેસી રહ્યો. ગામ આખું જંપી ગયું હતું. કૂતરાં ભસી રહ્યાં હતાં. રાત્રિ સમસમ વહી રહી હતી, પણ થોડી મિનિટોમાં જ કમલા બહાર આવી ગઈ. શંભુએ પૂછયું ઃ’કેમ કમલાબાઈ, પાછાં નીકળી ગયાં ?’
‘મને લાગ્યું કે, મારે એ કામ ના કરવું જોેઈએ જે તને નથી ગમતું.’ કમલાએ જવાબ આપ્યો.
 શંભુ ખુશ થયો. એ બોલ્યો,’પણ કંપનીના શેઠ નારાજ ના થયા ?’
‘થયા… પણ મેં એમને કહી દીધું કે, આજથી હું તમારી કંપનીમાં નથી.’
‘તો હવે શું કરશો ?’
‘ચાલ, રસ્તામાં કહું છું’ કહેતાં કમલા અને શંભુ અંધારામાં અદૃશ્ય થઈ ગયાં. ફનસ પણ ધીમે ધીમે દેખાતું બંધ થઈ ગયું. અલબત્ત એ રસ્તો ના તો કમલાના ઉતારા તરફ્ જતો હતો કે ના તો શંભુના ખોરડા તરફ્. રાત આગળ ધપતી રહી. કૂતરાં પણ હવે ભસી ભસીને જંપી ગયાં હતાં. ધીમે ધીમે પૂર્વમાં ઉજાસ પથરાયો.
વહેલી સવારે ગામની કન્યાઓએ જોેયું તો એક ફાનસ ગામના છેવાડે આવેલા ખંડિયર મંદિર પાસે મૂકેલું હતું. થોડી જ વારમાં વાત વાયુવેગે ફેેલાઈ ગઈ કે, ડાન્સર કમલાને લઈ શંભુ ભાગી ગયો. શેઠ કેશવલાલે માણસોને દોડાવ્યા, પણ ના તો કમલા હાથમાં આવી કે ના શંભુ.
પછી તો નાટક કંપની જ વિખેરાઈ ગઈ. કમલાદેવી પર ચાલતી નાટક કંપની જ બંધ થઈ ગઈ. સમય વહેતો રહ્યો. વર્ષો બાદ ગામમાં ખબર આવ્યા કે કમલાદેવી મહારાષ્ટ્રની કોઈ નાટક કંપનીમાં જોેડાઈ ગઈ છે, શંભુ સાથે એણે લગ્ન પણ કરી લીધાં અને છેક પાછલી ઉંમરમાં શંભુ જ્યારે ગામમાં આવ્યો ત્યારે જ આખી વાત પરથી પડદો ઊઠયો કે, પડદા ખેંચવાવાળો શંભુ કોઈની લાજ પર પડદો ઢાંકવા તે રાત્રે કમલા સાથે ગામની બહાર ચાલ્યો ગયો હતો.
કયો પડદો ?
શંભુએ કોઈથી થયેલા બાળકને પિતાનું નામ આપ્યું હતું. બદલામાં કમલાદેવીએ તેને પતિનું સ્થાન આપ્યું હતું.
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!