Close

ભારતના રોકેટ વિજ્ઞાનના પિતા ડૉ.વિક્રમ સારાભાઈની જીવનકથા

કભી કભી | Comments Off on ભારતના રોકેટ વિજ્ઞાનના પિતા ડૉ.વિક્રમ સારાભાઈની જીવનકથા
તાજેતરમાં જ ભારતના ચંદ્રયાન-૩એ ચંદ્ર પર ઉતરાણ કરવા ઉડાન ભર્યું ત્યારે દેશના કરોડો લોકોની છાતી ગજગજ ફૂલી ગઈ. આ પરિપ્રેક્ષ્યમાં ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા ડૉ. વિક્રમ સારાભાઈને યાદ કરવા જોઈએ. ડૉ.વિક્રમ સારાભાઈ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના પણ ગુરુ હતા. ડૉ.વિક્રમ સારાભાઈની જીવનકથા અહીં પ્રસ્તુત છે.
રોકેટ વિજ્ઞાનના પિતા તો ડૉ. વિક્રમ સારાભાઈ હતા અને માત્ર ૨૮ વર્ષની વયે જ છેક ૧૯૪૭માં તેમણે અમદાવાદમાં ફિઝિક્સ રિસર્ચ લેબોરેટરીની સ્થાપના કરી હતી. ડૉ. હોમી જહાંગીર ભાભા ભારતના અણુવિજ્ઞાન કાર્યક્રમોના પિતા હતા તો ડૉ. વિક્રમ સારાભાઈ રોકેટ વિજ્ઞાનના પિતા ગણાય છે. ડૉ. વિક્રમ સારાભાઈએ રશિયાએ પહેલી જ વાર ‘સ્પુટનિક’ ઉપગ્રહને અંતરિક્ષમાં તરતો મૂક્યો તે પછી તરત જ ડૉ. સારાભાઈએ ભારતમાં પણ અવકાશ વિજ્ઞાન પર સંશોધન માટે ‘ઇસરો’ની સ્થાપના કરવા કેન્દ્ર સરકારને સમજાવી લીધી હતી. આવા ડૉ. વિક્રમ સારાભાઈ કોણ હતા ? સ્કૂલના દરેક બાળકોએ અહીં આ કથા પર નજર નાખવા જેવી છે.
તા. ૧૨મી ઑગસ્ટ ૧૯૧૯. રક્ષાબંધનનો દિવસ હતો. કેલિકો મિલના માલિક અંબાલાલ સારાભાઈ પરિવારના બાળકો શાહીબાગ કેમ્પના મેદાનમાં ઘોડેસવારી કરતાં હતાં. સાંજનો સમય. તેમના ઘોડારના એક સવારે દોડતા આવી શુભ સમાચાર આપ્યા કે તેમના કુટુંબમાં એક પુત્રનો જન્મ થયો છે. બાળકોએ ઘોડા ઘર તરફ વાળ્યા, બાળકોને નવા ભાઈને જોેવો હતો.  એનું નામ વિક્રમ પાડવામાં આવ્યું. એક વાર રવીન્દ્રનાથ ટાગોર ‘રિટ્રીટ’ બંગલામાં રહેવા આવ્યા હતા. વિક્રમનું કપાળ જોેઈ તેઓ બોલ્યા ઃ ‘કેવું ભવ્ય કપાળ છે એનું. આ બાળક તેજસ્વી બનશે.’
અને એ જ બાળક એક દિવસ દેશનો મહાન વૈજ્ઞાનિક બન્યો ઃ ‘ડૉ. વિક્રમ સારાભાઈ.’ નોંધનીય વાત એ છે કે વિક્રમ જ્યારે બાળક હતા ત્યારે તેમણે કોઈ પ્રાથમિક, માધ્યમિક કે સાર્વજનિક શાળામાં અભ્યાસ કર્યો નહોતો. અંબાલાલ સારાભાઈના બાળકો માટે ‘રિટ્રીટ’ બંગલામાં જ ખાનગી શાળા શરૂ ક૨વામાં આવી હતી. તેમને લાગતું હતું કે એ વખતે દેશની ઉપલબ્ધ શૈક્ષણિક સંસ્થાઓ બાળકોના શિક્ષણ માટે યોગ્ય નહોતી. તે વખતે ઇંગ્લૅન્ડમાં ડૉ. મારિયા મોન્ટેસરીએ આધુનિક શિક્ષણ પર પુસ્તકો લખ્યાં હતાં. અંબાલાલ સારાભાઈને ત્યાં ‘લંડન ટાઇમ્સ’ અખબાર આવતું. તેમણે તેમાં ડૉ. મોન્ટેસરી વિશે વાંચ્યું હતું. અંબાલાલ સારાભાઈ અને સરલા દેવી પોતે જ ડૉ. મોન્ટેસરીને મળવા ઇંગ્લૅન્ડ ગયાં. પાછળથી એમણે ડૉ. મોન્ટેસરીને અમદાવાદ બોલાવ્યાં. તેમની મદદથી જ ‘રિટ્રીટ’માં ખાનગી શાળા શરૂ થઈ.
નાનકડા વિક્રમને યંત્રોમાં રસ હતો. બંગલામાં જ ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રની પ્રયોગશાળા ઊભી કરવામાં આવી. વિક્રમને ભાષાઓ, ગણિત અને કળાનું ભરપૂર જ્ઞાન હતું. ૧૯૩૭માં આર.સી. ટેક્નિકલ સ્કૂલ દ્વારા મેટ્રિકની પરીક્ષા પાસ કરી વિક્રમે ગુજરાત કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. ત્યાર પછી ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવિર્સિટીની સેન્ટ હૉન્સ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. અહીં તેઓ સ્નાતક થયા. ત્યાર બાદ સી.વી. રામને વિક્રમને પોતાના વિદ્યાર્થી તરીકે સ્વીકાર્યો. તેમણે બ્રહ્માંડ કિરણો પર પોતાનો અનુસ્નાતક અભ્યાસ શરૂ કર્યો. ૧૯૪૭માં કેમ્બ્રિજ યુનિવર્સિટીએ વિક્રમભાઈનો ‘બ્રહ્માંડ કિરણો’ પર શોધ મહાનિબંધ સ્વીકાર્યો અને ‘કોસ્મિક રેઝ ઇન્વેસ્ટિગેશન ઇન ટ્રોપિક્સ લેટીટયૂડ્સ’ વિષય પર તેઓ ડૉ. વિક્રમ સારાભાઈ બન્યા.
ડૉ. વિક્રમ સારાભાઈએ માત્ર ૨૩ વર્ષની વયે હિમાલય પર પરમેનન્ટ હાઈ ઓલ્ટીડયૂડ લેબોરેટરી સ્થાપવાની ભલામણ કરી. ૧૯૪૭માં કેમ્બ્રિજમાં પાછા ફર્યા બાદ બ્રહ્માંડ કિરણો (કોસ્મિક રેઝ) અને વાતાવરણના ઉચ્ચ સ્તરીય અભ્યાસ માટે આધુનિક સંસ્થા સ્થાપવા પોતાના વિચારો અમલમાં મૂક્યા. તેમાંથી અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીનો જન્મ થયો. ૧૯૪૭માં એમ.જી.સાયન્સ કૉલેજના બે ઓરડામાં જ આ લેબોરેટરી શરૂ થઈ. ડૉ. કે.આર. રામનાથન જેવા વૈજ્ઞાનિક તેના પ્રથમ ડાયરેક્ટર બન્યા. વિક્રમભાઈ તેના સહડાયરેક્ટર હતા. પીઆરએલ ઊભી થઈ ત્યારે તેના સ્થાપક ડૉ. વિક્રમ સારાભાઈની વય માત્ર ૨૮ વર્ષની હતી. તેનો સતત વિકાસ થતો રહ્યો. ૧૯૫૪માં પીઆરએલના નવા મકાનનું ઉદ્ઘાટન તે  વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે કરવામાં આવ્યું.
૧૯૪૭થી ૧૯૭૪ સુધીના ગાળામાં વિક્રમભાઈએ વૈજ્ઞાનિક સંશોધન ઉપરાંત રાષ્ટ્રઘડતરના કાર્યમાં પણ ઝંપલાવ્યું. આ વર્ષો દરમિયાન તેમણે ૨૫થી વધારે સંસ્થાઓ સ્થાપી. આ કાર્યમાં તેમને ઉદ્યોગપતિ શેઠશ્રાી કસ્તૂરભાઈ લાલભાઈનો સાથ સહકાર મળ્યો. વિક્રમભાઈ રત્ન હતા તો કસ્તૂરભાઈ હીરાપારખુ હતા. તે વખતે અમદાવાદ મિલોથી ધમધમતું શહેર હતું. કાપડ ઉદ્યોગમાં ઉત્તમ ક્વૉલિટીની જાતોના સંશોધન માટે કસ્તૂરભાઈના સાથ સહકારથી ‘અટીરા’ની સ્થાપના કરી. ‘અટીરા’ની કામચલાઉ લેબોરેટરી પણ પહેલાં તો એમ.જી. સાયન્સ કૉલેજના ‘પીઆરએલ’ના ઓરડાની બાજુના ઓરડામાં જ શરૂ થઈ હતી. ડૉ. વિક્રમ જ ‘અટીરા’ના પહેલા નિયામક બન્યા.
ડૉ. સારાભાઈ આટલેથી અટક્યા નહીં. ત્યાર બાદ તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ મેનેજમેન્ટની સ્થાપના કરી. આઇઆઇએમના મકાનના ઉદ્ઘાટન માટે તેમણે વિશ્વવિખ્યાત સ્થપતિ લૂઈ કહાનને નિમંત્ર્યા. આજે પણ અમદાવાદમાં આઇઆઇએમનું મકાન સ્થાપત્યનો અજોેડ નમૂનો છે, જે ડૉ. સારાભાઈની ભેટ છે. અમદાવાદનું કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, નહેરુ ફાઉન્ડેશન, અમદાવાદ મેનેજમેન્ટ ઍસોસિયેશન, ત્રિવેન્દ્રમનું થુમ્બા રોકેટ લોચિંગ સ્ટેશન, ઇસરો-અમદાવાદ, શ્રાી હરિકોટા રોકેટ રેન્જ, એક્સ્પેરિમેન્ટલ સેટેલાઇટ કોમ્યુનિકેશન અર્થ સ્ટેશન, ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ડિવિઝન, સેટેલાઇટ કમ્યુનિકેશન અર્થસ્ટેશન, અરવી, ફાસ્ટ બિડર રિએક્ટર્સ, કલ્પકમ, ન્યુક્લિયર સેન્ટર ફોર એગ્રિકલ્ચર, દિલ્હી જેવી અનેક સંશોધન સંસ્થાઓ ડૉ. વિક્રમ સારાભાઈએ સ્થાપી.
તેઓ ઇસરોના અધ્યક્ષ તરીકે રહ્યા. ઇંદિરાજીએ હોમી ભાભાના અવસાન પછી ડૉ. સારાભાઈને ભારતીય અનુપંચના અધ્યક્ષ બનાવ્યા. ૨૫ જેટલા વિદ્યાર્થીઓએ ડૉ. વિક્રમ સારાભાઈના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. ૮૫ જેટલા વૈજ્ઞાનિક સંશોધન લેખો લખ્યા. ભારતના રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ ‘મિસાઇલ મેન’ ગણાય છે, પરંતુ ભારતે પોતાનો મિસાઇલ કાર્યક્રમ શરૂ કરવો જોેઈએ તેવી પહેલી દરખાસ્ત ડૉ. વિક્રમ સારાભાઈએ રજૂ કરી હતી. ડૉ. કલામ પણ ડૉ. સારાભાઈને ભારતીય અવકાશ કાર્યક્રમ અને ભારતીય મિસાઇલ કાર્યક્રમના પિતા ગણાવતા હતા.
ડૉ. વિક્રમભાઈને શારીરિક રીતે કોઈ ગંભીર વ્યાધિ નહોતી, લોહીનું દબાણ થોડું વધુ જણાતું. આથી તેઓ તેની દવા લેતા હતા અને નિયમિત રીતે તબિયત તપાસાવતા હતા. તા. ૨૬-૧૨-૧૯૭૧ના દિવસે સાંજના પ્લેનમાં મુંબઈ ગયા. ત્યારે સંદેશો મળ્યો કે તા. ૨૭-૧૨ના દિવસે મહત્ત્વની મિટિંગ માટે નવી દિલ્હી પહોંચવું. હજુ બે દિવસ પહેલાં જ દિલ્હી ગયા હતા ત્યારે આવી કોઈ મિટિંગ નક્કી નહોતી. તેઓ બીજે દિવસે થુમ્બા જવાનું રદ કરીને સવારે તા. ૨૭-૧૨ના દિવસે દિલ્હી ગયા. સાંજે ખૂબ જ થાકીને પાછા ફર્યા. તા. ૨૮-૧૨ના દિવસે થુમ્બા જવા વહેલી સવારે નીકળવાનું હતું. થુમ્બા રેલવે સ્ટેશનમાં શિલાન્યાસ કાર્યક્રમમાં રેલવે પ્રધાન શ્રાી હનુમંતૈયા આવવાના હોવાથી ત્યાં જવું જ પડે એમ હતું. વળી તે વખતે તો ડાકોટા પ્રકારનાં નાનાં પ્લેન હતાં. આથી ત્રિવેન્દ્રમ જવા વાયા બેંગ્લોર થઈને જવું પડતું હતું. ત્રિવેન્દ્રમ પહોંચીને તુરત જ ખૂબ ઝડપે કારમાં નજીકની હૉટલમાં જઈને કપડાં બદલાવ્યાં અને ઝડપથી ત્રિવેન્દ્રમના અવકાશ મથક નજીકના થુમ્બા રેલવે સ્ટેશનના સ્થળે પહોંચ્યા અને તે જ વખતે રેલવે પ્રધાન પણ પહોંચ્યા. થુમ્બા રેલવે સ્ટેશનની શિલાન્યાસ વિધિ સમયસર થઈ ગઈ. બાદમાં, નિયમ મુજબ સાથી વિજ્ઞાનીઓ સાથે મિટિંગો ચાલી. બીજા દિવસે તા. ૧૯-૧૨ના દિવસે ફરી મિટિંગો શરૂ થઈ. બીજા દિવસે મુંબઈ જવાનું હોવાથી, રાત્રે વિજ્ઞાનીઓને પોતાની સાથે જવા માટે કોવાલમ હૉટેલમાં બોલાવ્યા અને ચર્ચાનો દોર જમતાં જમતાં ચાલુ રહ્યો. લગભગ ૧-૦૦ વાગ્યે બધા છૂટા પડયા. વિક્રમભાઈ બધાને ગુડ નાઇટ કહી સૂવા પોતાના રૂમમાં ગયા. સવારે ૫-૦૦ વાગે હૉટેલના બેરરે કૉફી લઈને દરવાજોે ખટખટાવ્યો. પણ જવાબ ન મળ્યો. આથી તેમણે માન્યું કે રાત્રે મોડે સુધી જાગ્યા હોવાથી થોડી વાર પછી તેઓને ઉઠાડવા. ૧૫-૨૦ મિનિટ બાદ ફરીથી પ્રયત્ન કર્યો. પરંતુ જવાબ ન મળ્યો. આથી નજીકમાં રહેતા તેમના અંગત સચિવ તથા સાથીને તુરત જ બોલાવ્યા અને બધાએ સાથે મળીને દરવાજાના વેન્ટિલેશનમાં હાથ નાખીને દરવાજોે ઉઘાડયો અને જોેયું કે, પથારીમાં વિક્રમભાઈ ચિરનિદ્રામાં સૂતા હતા. તુરત જ ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટરે તેઓને તપાસીને કહ્યું કે, છેલ્લા ૩-૪ કલાકમાં તેઓને હૃદયરોગનો હુમલો આવ્યો જેથી તેઓનું અવસાન થયું છે.’
સામાન્ય રીતે તેઓ સૂતા પહેલાં અખબાર લેતા. થોડી વાર વાંચી ઘડિયાળ કાઢી બાજુના ટેબલ પર મૂકતા, સાથે અખબાર મૂકતા. ત્યાર બાદ પાણી પીને સૂઈ જતા પરંતુ જ્યારે વિક્રમભાઈનો રૂમ ખોલવામાં આવ્યો ત્યારે ઘડિયાળ અને અખબાર પથારીમાં જ હતા પરંતુ લાઇટ બંધ હતી.
વડાપ્રધાન શ્રાી લાલબહાદુર શાસ્ત્રીજીનું તાશ્કંદમાં હૃદયરોગના હુમલાના કા૨ણે અવસાન થયું ત્યારે તેમના મૃતદેહનું  પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું નહીં જે વિશે અનેક ટીકા થઈ હતી. તેમ ડૉ. વિક્રમભાઈનું ઓચિંતું કોઈપણ રોગ ન હોવા છતાં, ઊંઘમાં અવસાન થયું, તેમ છતાં તેમના મૃતદેહનું પણ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું નહીં અને તેઓના આ પ્રકારના અવસાને અનેક શંકાને જન્મ આપ્યો.
તેઓએ કહ્યું હતું ઃ ‘મારા જીવનમાં મેં ત્રણ પ્રકારની ભૂમિકા ભજવી છે. વિજ્ઞાની, ઉદ્યોગપતિ અને સરકારી અધિકારી, હું ઇચ્છું છું કે, મારા જીવનની છેલ્લી ભૂમિકા શિક્ષક તરીકેની હોય.’
ડૉ. વિક્રમ સારાભાઈને અમદાવાદ શહેર માટે અપાર પ્રેમ હતો. પરંતુ અત્રે નોંધનીય છે કે ગુજરાત યુનિવર્સિટીનું આધુનીકરણ કરવા ઇચ્છતા સ્વપ્નદૃષ્ટા ડૉ. વિક્રમ સારાભાઈને કુલપતિની ચૂંટણીમાં રાજકારણીઓને હરાવી દીધા હતા. ડૉ. વિક્રમ સારાભાઈ થોડાંક વર્ષ માટે પણ કુલપતિ બન્યા હોત તો આજે ગુજરાત યુનિવર્સિટીનું સ્વરૂપ કેવું હોત !
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!