Close

ભગવાન શ્રીકૃષ્ણ અને દ્રૌપદીની મૈત્રીની પવિત્રકથા

કભી કભી | Comments Off on ભગવાન શ્રીકૃષ્ણ અને દ્રૌપદીની મૈત્રીની પવિત્રકથા
આજે `ફ્રેન્ડશિપ ડે’ છે.
વિશ્વમાં મૈત્રીની અનેક હૃદયંગમ કથાઓ છે. ભગવાન વેદવ્યાસ રચિત `મહાભારત’માં મૈત્રીનાં અનેક ઉદાહરણો છે. ભગવાન શ્રીકૃષ્ણ અને સુદામાની મૈત્રીની કથા, શ્રીકૃષ્ણ અને અર્જુનની મૈત્રીની કથા, દુર્યોધન અને કર્ણની મૈત્રીની કથા, શ્રીકૃષ્ણ અને વિદુરની મૈત્રીની કથાઓ જાણીતી છે, પરંતુ આજે ભગવાન શ્રીકૃષ્ણ અને દ્રૌપદીની દિવ્ય પવિત્ર મૈત્રીની કથા અહીં પ્રસ્તુત છે. યાદ રહે કે દ્રૌપદી ભગવાન શ્રીકૃષ્ણને `સખા’ કહીને જ સંબોધતાં હતાં. આ કથા શરૂ કરીએ તે પહેલાં દ્રૌપદીના વ્યક્તિત્વને જાણી લઈએ.
`દ્રૌપદી’ એ સંસ્કૃત શબ્દ છે. તેનો અર્થ થાય છે `પ્રજ્વલિત.’ જાજરમાન વ્યક્તિત્વ ધરાવતાં દ્રૌપદી અધર્મ અને અન્યાય સામે લડનારાં દેશના પ્રથમ નારીવાદી અને શક્તિશાળી સ્ત્રી હતાં. દ્રૌપદીના જન્મની કથા રસપ્રદ છે. તે પાંચાલ નરેશ રાજા દ્રુપદની પુત્રી તરીકે ઓળખાઈ, પરંતુ તેનો જન્મ રાજા દ્રુપદનાં પત્નીની કૂખે થયો નહોતો. યુવાનીના સમયમાં રાજકુમાર દ્રુપદ અને દ્રૌણ એ બે મિત્રો હતા. એ સમયગાળા દરમિયાન રાજકુમાર દ્રુપદે દ્રોણને કોઈક એક વચન આપ્યું હતું, પરંતુ દ્રુપદ રાજા બન્યા અને દ્રોણને તેમના સંતાનની ભૂખ મિટાવવા તકલીફ પડવા લાગી ત્યારે બચપણના વચનને યાદ કરી તેઓ રાજા દ્રુપદ પાસે ગયા. રાજા દ્રુપદે એ વચનને પાળવા ઈનકાર કરી દીધો. નારાજ થયેલા દ્રોણ હસ્તિનાપુર ગયા અને પાંડવપુત્રોના ગુરુ બન્યા. અર્જુન તેમનો પ્રિય શિષ્ય હતો. અર્જુનની મદદ લઈ દ્રોણે યુદ્ધ કરી રાજા દ્રુપદનું અડધું રાજય પડાવી લીધું. દ્રોણે પડાવી લીધેલા અડધા રાજ્યને દ્રુપદ પાછું મેળવવા ઈચ્છતા હતા, પરંતુ તેમને કોઈ પુત્ર નહોતો. દ્રોણ માટે સમર્થ પુત્રની જરૂર હતી. સંતાનપ્રાપ્તિ માટે તેમણે ઋષિઓની સલાહ લીધી. ઋષિઓએ તેમને પુત્રપ્રાપ્તિ માટે એક યજ્ઞ કરવાની સલાહ આપી.
રાજા દ્રુપદે યજ્ઞ કર્યો. યજ્ઞની પ્રજ્વલિત વેદીમાંથી એક પુત્ર પેદા થયો તેનું નામ ધૃષ્ટધુમ્ન. થોડીવાર પછી એ જ યજ્ઞની વેદીમાંથી એક તેજસ્વી કન્યા પ્રગટી. તે યજ્ઞમાંથી પેદા થઈ હોવાથી તેનું નામ યાજ્ઞસેની પડ્યું. તેઓ રાજા દ્રુપદની પુત્રી કહેવાતાં તેમનું નામ દ્રૌપદી પડ્યું. પાંચાલ દેશની રાજકુમારી બનતાં પાંચાલી પણ કહેવાયા. પુરાણ કથાઓ કહે છે કે, તેઓ શ્યામ વર્ણના હોવા છતાં તે સમયના વિશ્વના અત્યંત સુંદર સ્ત્રી હતી. દ્રૌપદીની આંખો કમળની પાંખડીઓ જેવી હતી. એમના દેહમાંથી નીકળતી સુગંધ જોજનો સુધી પ્રસરી જતી. એમના જન્મ વખતે આકાશવાણી થઈ હતી, `આ અદ્વિતીય સૌંદર્યા ભવિષ્યમાં કૌરવોની હારનું નિમિત્ત બનશે અને એના કારણે જ ધર્મનું શાસન સ્થાપિત થશે.’
રાજા દ્રુપદનાં પુત્રી દ્રૌપદી પહેલેથી જ શ્રીકૃષ્ણને જાણતાં હતાં. દ્રૌપદીની એક સખી નિતંબિની હંમેશાં દ્રૌપદીને શ્રીકૃષ્ણ વિશેની વાતો કરતી અને તેમના સમાચારો આપતી હતી. નિતંબિનીએ દ્રૌપદી સમક્ષ શ્રીકૃષ્ણની આર્યાવ્રતના શ્રેષ્ઠ પુરુષ તરીકે છબી ઊભી કરી હતી.
એક દિવસ શ્રીકૃષ્ણએ દ્રૌપદીને કહ્યું, `દ્રૌપદી, આપણે બંને આ યુગમાં ધર્મસંસ્થાપનાનું લક્ષ્ય લઈને આવ્યાં છીએ. એ લક્ષ્ય પૂરું કરવા માટે તારે મને મદદ કરવાની છે.’
દ્રૌપદીએ કહ્યું, `બોલો, કઈ મદદ?’
શ્રીકૃષ્ણએ દ્રૌપદીને કહ્યું, `તારે એ વ્યક્તિને પરણવાનું છે, જે મારો જ અંશ છે.’
દ્રૌપદીએ પૂછ્યું, `કોણ છે તમારો અંશ?’
શ્રીકૃષ્ણ બોલ્યા, `એનું નામ અર્જુન છે. મારાં ફોઈ કુંતીનો તે પુત્ર છે. તે મારા આત્માનો અંશ છે. તેઓ પાંચ ભાઈ છે. તારે એમની સાથે રહીને જ ભારતવર્ષમાં ધર્મસંસ્થાપવાનું કાર્ય કરવામાં મને મદદ કરવાની છે. તમામ પાંડવો મારો જ અંશ છે.’ અને દ્રૌપદીએ હા પાડી. સ્વયંવર યોજાયો અને મત્સ્યવેધ કરીને અર્જુને બાજી જીતી લીધી. એ પછીની કથા જાણીતી છે.
 `મહાભારત’ ટીવી શ્રેણીમાં પણ દ્રૌપદી શ્રીકૃષ્ણને `સખા’ કહેતાં દર્શાવવામાં આવ્યાં છે. શ્રીકૃષ્ણ દ્રૌપદીને `કૃષ્ણા’ જ કહેતાં. મતલબ કે દ્રૌપદી સ્ત્રી-સ્વરૂપમાં પણ કૃ્ષ્ણ જ હતાં.
શ્રીકૃષ્ણએ હંમેશાં દ્રૌપદીનો ખ્યાલ રાખ્યો હતો. રાજા શિશુપાલે એક ભરીસભામાં ભગવાન શ્રીકૃષ્ણ માટે ખૂબ જ અપશબ્દો ઉચ્ચાર્યા અને શ્રીકૃષ્ણને યુદ્ધ માટે પડકાર્યા. શિશુપાલે સો વખત શ્રીકૃષ્ણ માટે અપશબ્દો ઉચ્ચાર્યા. શિશુપાલના સો અપરાધો પૂરા થયા બાદ શ્રીકૃષ્ણ પોતાની આંગળી પરનું સુદર્શન ચક્ર છોડ્યું અને શિશુપાલનું મસ્તક ધડથી અલગ કરી દીધું. સુદર્શન ચક્ર હંમેશાં ભગવાનની એક આંગળી પર રહેતું હતું. શિશુપાલના વધ વખતે શ્રીકૃષ્ણની આંગળી પરથી લોહી નીકળ્યું ત્યારે એ સભામાં ઉપસ્થિત દ્રૌપદી દોડતાં આવ્યાં અને પોતાની સાડીનો છેડો ફાડીને શ્રીકૃષ્ણની આંગળી પર બાંધી દીધો. આવી લાગણીથી ભાવવિભોર થઈ ગયેલા શ્રીકૃષ્ણે દ્રૌપદીની રક્ષાનું વચન આપ્યું.
દ્રૌપદીની આ લાગણીનો બદલો શ્રીકૃષ્ણે દ્રૌપદીના ચીરહરણ વખતે વાળ્યો. ભરીસભામાં દ્રૌપદીનું વસ્ત્રહરણ થતું હતું ત્યારે ભીષ્મપિતામહ, ધૃતરાષ્ટ્ર સહિત સહુ ચૂપ રહ્યા. આચાર્ય દ્રોણ પણ ચૂપ રહ્યા. કોઈએ પણ દ્રૌપદીને ચીરહરણથી બચાવવા કોશિશ ના કરી. દ્રૌપદીનું વસ્ત્રહરણ થઈ રહ્યું હતું ત્યારે તેઓ રજસ્વલા હતાં. એક જ વસ્ત્રમાં હતાં. માથાના વાળ પણ ખુલ્લા હતા. દુર્યોધન, કર્ણ પણ ચૂપ હતા. દ્રૌપદીનું વસ્ત્રહરણ કરતો દુ:શાસન અટ્ટહાસ્ય કરી રહ્યો હતો.
દ્રૌપદીને લાગ્યું કે તે હવે નિ:સહાય છે ત્યારે તેણે આંખો બંધ કરીને તેના સખા શ્રીકૃષ્ણને યાદ કર્યા. એ મનોમન જ બોલ્યાં, `હે ગોવિંદ, હું તમારી શરણમાં છું. મારી રક્ષા કરો.’
એ વખતે દ્વારિકામાં બેઠેલા શ્રીકૃષ્ણએ દ્વૌપદીનો આર્તનાદ સાંભળ્યો અને દ્રૌપદીનું જ્યાં વસ્ત્રહરણ થતું હતું ત્યાં અદ્‌શ્ય રીતે ઉપસ્થિત થઈને દ્રૌપદીનાં ચીર પૂર્યાં. રાણી દ્રૌપદીની લાજ જળવાઈ રહી. દ્રૌપદીની રક્ષા કરી. આ રીતે ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની રક્તરંજિત આંગળી પર પોતાની સાડીનો છેડો ફાડી વસ્ત્ર વીંટાળી દેનાર દ્રૌપદીના એ ઉપકારનો સુંદર બદલો આપ્યો.
અહીં એ ઉલ્લેખ પણ કરવો જરૂરી છે કે દુ:શાસન દ્રૌપદીનું વસ્ત્રહરણ કરી રહ્યો હતો, તે વખતે દ્રૌપદી રજસ્વલા હોઈ એક જ વસ્ત્રમાં હતાં અને માથાના વાળ પણ ખુલ્લા હતા.
એ દૃશ્ય વખતે ભીમે પ્રતિજ્ઞા કરી કે યુદ્ધ વખતે હું દુ:શાસનની છાતી ચીરી નાખીશ અને હું તેનું લોહી પીશ.
દ્રૌપદીએ પણ એ જ વખતે પ્રતિજ્ઞા લીધી કે `હું જ્યાં સુધી દુ:શાસનના લોહીથી મારા માથાના વાળ ધોઈશ નહીં ત્યાં સુધી હું માથાના વાળ ખુલ્લા જ રાખીશ.’ અને કુરુક્ષેત્રના યુદ્ધ વખતે એમ જ થયું.
શ્રીમદ્‌ ભગવદ્‌ગીતામાં કહેવામાં આવ્યું છે કે, ભગવાન ભક્તને અધીન છે. સાચા હૃદયથી જે કોઈ વ્યક્તિ ભગવાન શ્રીકૃષ્ણના શરણમાં જાય છે તેને ભગવાન હંમેશાં મદદ કરે છે. સાચા ભક્તને તેઓ કદીયે નિરાશ કરતા નથી. દ્રૌપદીએ પણ જ્યારે જોયું કે ભરી સભામાં તેમના પતિઓ સહિત તમામ વડીલો મૌન હતા ત્યારે દ્રૌપદીએ તેમના સખા ભગવાન શ્રીકૃષ્ણને યાદ કર્યા અને ભગવાને દ્રૌપદીની લાજની રક્ષા કરી.
ભગવાન શ્રીકૃષ્ણે દ્રૌપદીનો હંમેશાં ખ્યાલ રાખ્યો. કૃષ્ણે દ્રૌપદીના સ્વયંવરમાં ભાગ ના લીધો, પણ ત્યાં હાજર રહીને કર્ણે મત્સ્યવેધ કરવા ધનુષ્ય પર પ્રત્યંચા ચડાવી ત્યારે શ્રીકૃષ્ણે જ દ્રૌપદી ના પાડી દે તેવો ઈશારો કર્યો. તે પછી દ્રૌપદી અર્જુન વડે જીતાઈ અને પાંચ પાંડવો સાથે પરણી બધાને સમાન પ્રેમ આપ્યો.
શ્રીકૃષ્ણ જ્યારે પણ હસ્તીનાપુર જાય ત્યારે તેઓ રાણી દ્રૌપદીના કક્ષમાં દ્રૌપદી સાથે સંવાદ કરવા વધુ સમય વિતાવતા હતા. બંને વચ્ચે સખા-સખીનો પવિત્ર સંબંધ હતો. શ્રીકૃષ્ણનાં પત્ની સત્યાભામાને આ વાતની ઈર્ષા હતી.
એકવાર શ્રીકૃષ્ણનાં પત્ની સત્યભામાએ દ્રૌપદીને પૂછ્યું હતું, `દ્રૌપદી, તમારામાં એવું તો શું છે કે મારા પતિ તમારી સાથે વધુ સમય બેસીને વાતો કરે છે? તમારે પાંચ પતિઓ છે તો પણ બધા જ પતિઓને રાજી કેવી રીતે રાખો છો? સુખી દાંપત્યજીવન કેવી રીતે હાંસલ કરી શકાય?’
સત્યભામાના આ પ્રશ્નનો દ્રૌપદીએ જે જવાબ આપ્યો સ્વયં એક આગવી દિવ્ય કથા છે. સુખી દાંપત્ય માટેના છ નિયમો સમજાવ્યા હતા. રાણી દ્રૌપદી તેમના દાંપત્યજીવનને વ્યવસ્થિત રાખવા માટે એક વર્ષ માટે એક પતિ સાથે રહેતાં હતાં અને શિવજીના વરદાન પ્રમાણે તે પછી અગ્નિમાં ચાલી સદા પોતાની પવિત્રતા અકબંધ છે કે નહીં તેનું પરીક્ષણ કરતાં હતાં.
પુરાણો કહે છે કે, રાણી દ્રૌપદી સૌથી વધુ પવિત્ર નારી હતાં. પોતાની પવિત્રતા એ વાતથી સિદ્ધ થતી હતી કે તેઓ ધગધગતા અંગારા પર ચાલી અગ્નિસ્નાન કરતાં હતાં અને તે જ એમની પવિત્રતાનું પ્રમાણ હતું.
સંસ્કૃત `મહાભારત’માં દ્રૌપદીને વિભિન્ન દેવી-દેવતાઓનો અવતાર દર્શાવવામાં આવ્યાં છે. આદિ પર્વમાં દ્રૌપદીને દેવી શચીનો આંશિક અવતાર માનવામાં આવે છે. વેદવ્યાસ તેમને `દેવી શ્રી’ના રૂપમાં વર્ણવે છે. હાલની જીવિત પરંપરાઓમાં મહારાણી દ્રૌપદીને દેવી કાલીનો અવતાર માનવામાં આવે છે. દેશના એક ભાગમાં `દ્રૌપદી અમ્માન સંપ્રદાય’ અર્થાત્ દ્રૌપદી ભક્તિ સંપ્રદાય પણ છે અને ગામડાંના લોકો તેમની પૂજા પણ કરે છે. એ લોકો દ્રૌપદીને દેવી કાલીનો અવતાર માને છે. `દ્રૌપદી અમ્માન’ મંદિરોમાં અગ્નિ પ્રગટ કરી તેની પર ચાલવાની એક પરંપરા પણ છે. બેંગ્લોરના એક મંદિરમાં દ્રૌપદીને આદિશક્તિ અને દેવી પાર્વતીના અવતાર તરીકે પૂજા કરી ઉત્સવ મનાવાય છે. ભારતમાં આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક જ્યારે અન્ય દેશો જેવા કે શ્રીલંકા, સિંગાપુર, મલેશિયા, મોરેશિયસ, રિયુનિયન અને દક્ષિણ આફ્રિકામાં દ્રૌપદીને સર્મિપત ૪૦૦થી વધુ મંદિરો છે. ખાસ કરીને વનિયાર જાતિના લોકો આ ક્ષેત્રોમાં દ્રૌપદીની પૂજા કરે છે અને દિવસો સુધી તહેવાર મનાવે છે.
આજે `ફ્રેન્ડશિપ ડે ‘ના દિવસે શ્રીકૃષ્ણ અને દ્રૌપદી વચ્ચેની દિવ્ય મિત્રતાની કથા સહુને અર્પણ છે.

Be Sociable, Share!