Close

ઘરડાં વિના ગાડાં પાછાં ના વળે એ કહેવત કેમ પડી?’

રેડ રોઝ | Comments Off on ઘરડાં વિના ગાડાં પાછાં ના વળે એ કહેવત કેમ પડી?’
તા. ૮ ઓગસ્ટ એ સીનિયર સિટિઝન્સ ડે હતો. ઘરમાં, પરિવારમાં અને સમાજમાં વૃદ્ધોનું શું મૂલ્ય છે તે આ વિષય પરની વાત આજે એક ગ્રામ્ય કહેવત કથાથી શરૂ કરીએ છીએ.
દેશ અને દુનિયાના તમામ દેશોમાં તેમના સમાજની આગવી કહેવતો હોય છે. ઘણીવાર એક આખું પુસ્તક વાંચવાથી જે જ્ઞાન પ્રાપ્ત ના થાય તે માત્ર એક કહેવત કે ઉક્તિથી હાંસલ થઈ શકે છે. ચાલો આજે કહેવત કથાની શરૂઆત ગુજરાતની જ એક ગ્રામ્ય કહેવતથી શરૂ કરીએ.
ગુજરાતના ગ્રામ્ય સમાજની એક કહેવત છે, `ઘરડાં વિના ગાડાં પાછાં ના વળે.’
આ કહેવત શાથી પડી તેની પણ એક તળપદી કહેવત કથા છે.
વર્ષો પહેલાંની વાત છે. એક ગામનું નામ અમથાપુર અને બીજા ગામનું નામ રામાપુર. આ બંને ગામો વચ્ચે એક વિશાળ નદી વહેતી હતી. બંને ગામો વચ્ચે વર્ષોથી દુશ્મનાવટ હતી. એક ગામના લોકો બીજા ગામના છોકરા સાથે ના તો છોકરીને પરણાવે કે ના તો છોકરાને પરણાવે. એક ગામના લોકો બીજા ગામના માણસ સાથે ના તો વાત કરે કે ના તો ભેગા બેસીને જમે.
એકવાર એવું થયું કે નદીકિનારે મળેલા મેળામાં અમથાપુરનો યુવક રામાપુરની છોકરીના પ્રેમમાં પડી ગયો. યુવતી પણ એના પ્રેમમાં પડી ગઈ. બંનેએ લગ્ન કરીને આજીવન એકબીજાની સાથે રહેવાના સોગંદ ખાધા. છોકરાએ ઘેર આવીને વાત કરી કે, `હું રામાપુરની છોકરી સાથે લગ્ન કરવા માંગું છું.’
ગામલોકોએ યુવકને સમજાવ્યો કે આ શક્ય નથી. આપણો એ ગામ સાથે રોટી કે બેટી વ્યવહાર નથી, તેથી તારાં એ છોકરી સાથે લગ્ન શક્ય નથી. રામપુરની છોકરીએ પણ તેનાં માતા-પિતાને કહ્યું કે, `હું પરણીશ તો અમથાપુરના છોકરાને જ પરણીશ. એમ નહીં થાય તો હું આજીવન કુંવારી રહીશ.’
છોકરાનો હઠાગ્રહ જોઈને અમથાપુર ગામના આગેવાનોએ નક્કી કર્યું કે ચાલો એકવાર રામાપુરની છોકરીનાં સગાંઓને મળીએ, એ લોકો હા પાડે તો બંનેને પરણાવીએ.
અમથાપુર ગામના આગેવાનો રામાપુર ગયા. ગામના આગેવાનોને કહ્યું કે, અમારા ગામનો છોકરો તમારા ગામની છોકરીને પરણવા માંગે છે. કંઈક વિચારો નહીંતર એ બંને જણ કુંવારાં જ રહેશે. ખૂબ લાંબી ચર્ચાના અંતે રામાપુરના કેટલાક મુત્સદી આગેવાનોએ અંદરોઅંદર નક્કી કર્યું કે, અમથાપુર ગામના લોકોની આગળ એવી શરત મૂકીએ કે જે તેઓ પૂરી જ ન કરી શકે અને આ લગ્ન જ ના થાય.
અંદરોઅંદર વિચારણા બાદ રામાપુરના મુત્સદી આગેવાનોએ અમથાપુરના આગેવાનોને કહ્યું, `ચાલો અમે અમારા ગામની છોકરીને તમારા ગામના છોકરા સાથે પરણાવવા તૈયાર છીએ, પણ અમારી બે શરત છે. તમે ગાડાં જોડીને જાન લઈને આવી શકો છો. તે પછી અમે તમને એક કામ બતાવીશું. તમારે એ કામ કરી દેવાનું. અમારું બતાવેલું કામ તમે કરી દેશો તો અમારા ગામની છોકરીને તમારા ગામના છોકરા સાથે પરણાવી દઈશું અને અમારું બતાવેલું કામ તમે નહીં કરી શકો તો જાન લઈને આવેલાં તમારા ગામનાં ગાડાં પાછાં નહીં જવા દઈએ. તમારા ગામથી આવેલા વરરાજા સહિતના ગામના તમામ આગેવાનોએ અમારા ગામમાં ખેતમજૂર થઈને અમારા ગામમાં જ રહી જવું પડશે. તમારાં ગાડાં પાછાં નહીં વળે.’
અમથાપુરના આગેવાનોએ તમે શું કામ બતાવશો એ તો કહો?
રામાપુરના આગેવાનોએ કહ્યું, `એ તો તમે ગાડામાં જાન લઈને અહીં આવશો તે પછી જ કહીશું?’
અમથાપુર ગામના આગેવાનોએ પૂછ્યું, `ઠીક છે. બોલો બીજી શું શરત છે?’
રામાપુરના આગેવાનોએ કહ્યું, `જાનમાં ૫૦ વર્ષથી ઓછી ઉંમરના લોકોએ જ જાનમાં આવવાનું. કોઈ પણ ઘરડા માણસોને જાનમાં લાવવાના નહીં.’
અમથાપુર ગામના લોકોએ એ શરત પણ મંજૂર રાખી.
તે પછી લગ્નનું મુહૂર્ત જોવરાવ્યું. નિશ્ચિત દિવસે અમથાપુરથી ૨૦-૨૫ ગાડાંઓ ભરીને જાન નીકળી ત્યારે ગામના એક અત્યંત ઘરડા માણસે કહ્યું, `મારે પણ જાનમાં આવવું છે.’
પણ ગામલોકોએ એ બુઝુર્ગને ના પાડી કે ઘરડા માણસને જાનમાં લઈ આવવાની એ લોકોએ ના પાડી છે.
અમથાપુર ગામના એ ઘરડા માણસે કહ્યું, `એમ કરો હું જાનમાં આવીશ, પણ મને ગાડા ઉપર બનાવેલા પરદાના છત્રની અંદર સંતાડી રાખજો. હું લગ્નમાં હાજરી નહીં આપું. હું ગાડાની અંદર સંતાયેલો જ રહીશ.’
ગામના એ વૃદ્ધ માણસનો બધા આદર કરતા હતા એટલે તેમની ઈચ્છાને માન આપવા માટે એ ઘરડા માણસને છેક છેલ્લા ગાડામાં તાપ ના લાગે તે માટે ગાડા પર બનાવેલા છત્રની અંદર સંતાડીને એમને જાનમાં લઈ ગયા.
જાન હવે રામાપુર પહોંચી.
રામાપુરના કિનારે જબરદસ્ત પાણીનો પ્રવાહ ધરાવતી એક નદી હતી. એ જમાનામાં બંને બાજુ લાકડાનો એક પુલ હતો.
જાન નદીના સામા કિનારે આવી ગઈ છે તે સમાચાર જાણીને રામાપુર ગામના આગેવાનો લક્કડિયા પુલને ઓળંગીને વરરાજા અને જાનૈયાઓને મળવા ગયા.
અમથાપુરના લોકો કાંઈ પણ બોલે તે પહેલાં રામાપુર ગામના આગેવાનોએ કહ્યું, `તમે જાન લઈને ભલે આવ્યા, પણ પહેલાં અમારી શરત પૂરી કરો. અમે જે કામ બતાવીએ તે કરી બતાવો. એ કામ નહીં કરો તો તમારાં ગાડાં પાછાં નહીં વળે. તમારે અમારા ગામમાં જ રહી જવાનું અને અમારા ખેતરોમાં ખેતમજૂર થઈને રહેવાનું.’
અમથાપુરના જાનૈયાઓએ પૂછ્યું, `બોલો, કયું કામ અમારે કરવાનું છે?’
રામાપુરના આગેવાનોએ કહ્યું, `અમારા ગામની આ નદીને દૂધથી ભરી દો. એમ નહીં કરો તો તમારા ગામનાં ગાડાં પાછાં નહીં જવા દઈએ?’
જાનૈયાઓ બધા યુવાન હતા. એમણે વિચાર્યું કે આટલા પ્રચંડ પ્રવાહવાળી નદીને ભરવા દૂધ ક્યાંથી લાવવું? એક લાખ ગાયો કે ભેંસોનું દૂધ લાવીએ તો પણ આટલી મોટી નદીને ભરાય એટલું દૂધ ક્યાંથી લાવવું?
બધા મૂંઝાઈ ગયા, કારણ કે આટલી મોટી નદીને દૂધથી ભરી દેવી તે શક્ય જ નહોતું. હવે તો આ ગામમાં ખેતમજૂર બનીને જ રોકાઈ જવું પડશે. એટલામાં એક યુવાનને યાદ આવ્યું કે આપણે છેલ્લા ગાડામાં એક ઘરડા વડીલને સાથે લાવ્યા છીએ. તેમને આપણે સંતાડી રાખ્યા છે. આપણે તેમને જઈને પૂછીએ કે હવે શું કરવું?
કેટલાક જુવાનિયાઓ ધીમા પગલે જાનમાં છેલ્લા ગાડામાં સંતાડી રાખેલા બુઝુર્ગ વ્યક્તિ પાસે પહોંચ્યા અને કહ્યું કે, `છોકરીવાળાઓએ શરત મૂકી છે કે અમારા ગામની નદીને દૂધથી ભરી દો. આ તો શક્ય નથી. હવે અમારે કરવું શું? અમારે તો અહીં જ ખેતમજૂર થઈને રહેવું પડશે. લગ્ન પણ નહીં થાય!’
ગામના એ વૃદ્ધ બોલ્યા, `ઓહો! એમાં શું મોટી વાત છે? તમે પાછા જાવ અને રામાપુરના આગેવાનોને કહો કે તમે પહેલાં નદી ખાલી કરી દો એ પછી અમે એ નદીને દૂધથી ભરી દઈશું.’
જાનૈયાઓ એ બુઝુર્ગની સલાહ લઈ પાછા ગયા અને રામપુરના આગેવાનોને કહ્યું, `તમારી વાત અમને મંજૂર છે. તમે પહેલાં આ નદી ખાલી કરી દો તે પછી અમે આ નદીને દૂધથી ભરી દઈશું. આપણે કોઈનાયે ઘેર દૂધ લેવા જઈએ છીએ તો ખાલી વાસણ લઈને જ જવું પડે છે તેમ પહેલાં તમે નદી ખાલી કરી દો. એ પછી અમે આ નદી દૂધથી ભરી દઈશું.’
રામાપુરના લોકો મૂંઝાઈ ગયા. આટલા પ્રચંડ પ્રવાહવાળી નદીને ખાલી કેવી રીતે કરવી? બધા મૌન થઈ ગયા અને છેવટે રામાપુરની છોકરીને અમથાપુર ગામના છોકરા સાથે પરણાવવા તૈયાર થઈ ગયા.
લગ્ન લેવાયાં અને વાજતે ગાજતે અમથાપુરના વરરાજા રામાપુરની કન્યાને લઈ પાછાં પોતાના ગામ જવા નીકળ્યા અને અમથાપુરનાં ગાડાં એક ઘરડા માણસની સલાહના કારણે પાછાં વળ્યાં.
ચાલો એક રમૂજી અને તળપદું ઉદાહરણ તો પૂરું થયું, પરંતુ યાદ રાખો કે એક વૃદ્ધ માણસ મૃત્યુ પામે છે ત્યારે એક લાઈબ્રેરીનું પણ અવસાન થઈ જાય છે, કારણ કે વૃદ્ધ વ્યક્તિ પાસે પુસ્તકો કરતાં પણ અલભ્ય એવા અનુભવોની `લાઈબ્રેરી’ હોય છે.
એ જ રીતે વૃદ્ધાવસ્થા પણ એક ભલે પાનખર હોય, પરંતુ જીવનથી નિરાશ થયા વિના તમે તમારી નિવૃત્તિનો પણ સદુપયોગ કરી શકો છો.
અને છેલ્લે એક જોક
સેવકરામની પત્ની સંતુ રંગીલી હંમેશાં તેના પતિને શંકાની નજરે જોતી. પત્નીનો શક દૂર કરવા માટે સેવકરામે દાઢી વધારી, માથાના વાળ વધાર્યા. કપાળ પર કંકુનો મોટો ચાંલ્લો કરીને સવાર-સાંજ પૂજા-પાઠ કરવા લાગ્યા.
સંતુની સહેલીએ પૂછ્યું, `તારા હસબન્ડ સુધર્યા કે પછી પહેલાં જેવા જ છે?’
સંતુએ કહ્યું, `શું ધૂળ સુધર્યા? હવે તેઓ સ્વર્ગની અપ્સરાઓના ચક્કરમાં છે.’

Be Sociable, Share!