આગામી તા. ૫મી નવેમ્બરના રોજ અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણી છે. સમગ્ર વિશ્વની નજર આ ચૂંટણી પર છે. અમેરિકાના પ્રેસિડેન્ટ કોણ બને છે તેના પર સમગ્ર વિશ્વની રાજનીતિ, આંતરરાષ્ટ્રીય સંબંધો અને યુદ્ધો પર પડે છે. ડેમોક્રેટિક પાર્ટીનાં કમલા હેરિસ અને રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે તીવ્ર સ્પર્ધા છે. કમલા હેરિસ પ્રેસિડેન્ટ બનશે તો તેઓ અમેરિકાના ૨૦૦ વર્ષના લોકતાંત્રિક ઈતિહાસમાં પહેલાં મહિલા પ્રેસિડેન્ટ બનશે અને ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાશે તો તેમની `અમેરિકા ફર્સ્ટ’ની નીતિનો અમલ થશે.
વોશિંગ્ટનમાં આવેલું `વ્હાઈટ હાઉસ’ બિલ્ડિંગ અમેરિકાના પ્રેસિડેન્ટનું સત્તાવાર નિવાસસ્થાન છે. વિશ્વભરમાંથી અમેરિકાના પ્રવાસે જતા સહેલાણીઓ માટે `વ્હાઈટ હાઉસ’ જોવું તે એક લહાવો ગણાય છે. આ `વ્હાઈટ હાઉસ’ અનેક પ્રકારની ખૂબીઓ ધરાવે છે. અમેરિકાના પ્રેસિડેન્ટનો પરિવાર અમેરિકાનું ફર્સ્ટ ફેમિલી ગણાય છે. આથી ભયાનક યુદ્ધના સમયે પણ `ફર્સ્ટ ફેમિલી’નો બચાવ થઈ શકે તે માટે `વ્હાઈટ હાઉસ’ના ભોંયરામાં ન્યુક્લિયર બંકર પણ હોવાનું મનાય છે.
અમેરિકાના નવા પ્રેસિડેન્ટ માટે `વ્હાઈટ હાઉસ’ સજ્જ થઈ રહ્યું છે.
વ્હાઈટ હાઉસ અમેરિકાના દરેક પ્રમુખનું વોંશિગ્ટન ખાતે આવેલું સત્તાવાર નિવાસસ્થાન છે. એનું પોસ્ટલ સરનામું ૧૬૦૦ પેન્સિલ્વેનિયા, એવન્યુ, એનડબલ્યુ, વોંશિગ્ટન ડીસી છે. ઈ.સ. ૧૭૯૨થી ૧૮૦૦નાં વર્ષો દરમિયાન તે તૈયાર થયું હતું. એક્વિયા સેન્ડ સ્ટોન પર શ્વેત રંગથી રંગાયેલું આ નિવાસસ્થાન જ્યોર્જિયન સ્ટાઈલથી બનાવાયેલું છે. એમાં રહેવા આવનાર પહેલા પ્રમુખ જ્હોન આદમ્સ હતા. એ પછી ક્રમશ: એનો વિસ્તાર વધતો રહ્યો છે.
`વ્હાઈટ હાઉસ’ની ડિઝાઈન તૈયાર કરનાર આર્કિટેક્ટ જેમ્સ હોબાન હતા. આર્કિટેક્ટની પસંદગી માટે સ્પર્ધા યોજવામાં આવી હતી. ઘણા બધા સ્થપતિઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તે પૈકી જેમ્સ હોબાન કે જેઓ આઈરિશ હતા તેમની ડિઝાઈન અમેરિકાના પહેલા પ્રેસિડેન્ટ જ્યોર્જ વોશિંગ્ટને પસંદ કરી હતી.
`વ્હાઈટ હાઉસ’ની ડિઝાઈન વિવિધ દેશોની ઈમારતોથી પ્રભાવિત થયેલી છે. ખાસ કરીને આયર્લેન્ડમાં ડબલીન ખાતે આવેલા આઈરિશ હાઉસ ઑફ પાર્લમેન્ટની ઈમારતની તેની પર ઘણી અસર છે. તેની પર ફ્રાન્સમાં આવેલા એક નિયોક્લાસિકલ કન્ટ્રી હાઉસનો પણ પ્રભાવ છે.
ડિઝાઈન તૈયાર થઈ ગયા બાદ `વ્હાઈટ હાઉસ’નું નિર્માણ શરૂ થયું હતું. તે વખતે કોઈ જ ઔપચારિક સમારંભ યોજવામાં આવ્યો નહોતો. વિધિની વક્રતા એ છે કે આ ભવ્ય ઈમારતના બાંધકામ માટે આફ્રિકાથી આવેલા અશ્વેત ગુલામોનો તથા યુરોપિયન મજૂરોનો ઉપયોગ થયો હતો. ગુલામો વેઠિયા મજૂરો હતા જ્યારે યુરોપિયનોને વેતન અપાતું હતું. ખાસ કરીને બહારના દેશોમાંથી આવેલા વસાહતીઓ દ્વારા જ વ્હાઈટ હાઉસ બાંધવામાં આવ્યું છે. દા.ત. સેન્ડ સ્ટોનથી બનેલી દીવાલો સ્કોટિશ વસાહતીઓએ તૈયાર કરી હતી, જ્યારે ઈંટો અને પ્લાસ્ટરનું કામ આઈરિશ તથા ઈટાલિયન વસાહતીઓએ કર્યું હતું.
આ ભવ્ય ઈમારતના નિર્માણ પાછળ એ વખતના ૨૩૨, ૩૦૧ ડોલર (૨૦૦૫ના હિસાબે ૨.૪ મિલિયન) જેટલો ખર્ચ આવ્યો હતો.
આજે તે પંચાવન હજાર ચોરસ ફૂટના વિસ્તારમાં પથરાયેલું છે. તે ૧૩૨ ઓરડા, ૩૫ બાથરૂમ અને ૪૧૨ જેટલાં બારણાં અને ૧૪૭ બારીઓ ધરાવે છે. તેમાં ૨૮ ફાયર પ્લેસ, આઠ સીડીઓ, ત્રણ લિફ્ટ્સ, પાંચ ફુલ ટાઈમ શેફ, એક સિનેમા થિયેટર, એક ટેનિસકોર્ટ, સ્વિમિંગપુલ અને જોગિંગ પાર્ક ધરાવે છે.
ત્રાસવાદી પ્રવૃત્તિના સમયને બાદ કરતાં રોજ પાંચ હજાર જેટલા સહેલાણીઓ `વ્હાઈટ હાઉસ’ જોવા આવે છે.
આખીયે ઈમારત કુલ છ માળની છે. ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર, થર્ડ ફ્લોર અને બે માળ ભોંયરામાં છે. તેમાં પ્રેસિડેન્ટની એક્ઝિક્યુટિવ ઓફિસ પણ છે. હવે અમેરિકાનાં ફેવરિટ સ્થાપત્યોની યાદીમાં તેનું નામ છે.
ઈ.સ. ૧૮૧૨માં યુદ્ધ દરમિયાન બ્રિટિશ લશ્કરે આ ઈમારતને આગ લગાડી દીધી હતી, પરંતુ ૧૮૧૭માં તેને ફરી તૈયાર કરવાનું કામ હાથ ધરી દેવામાં આવ્યું હતું.
આ ઈમારત પહેલાં `પ્રેસિડેન્ટ્સ પેલેસ’ તરીકે ઓળખાતી હતી. ત્યાર પછી લોકો તેને `પ્રેસિડેન્શિયલ મેન્શન’ કહેવા લાગ્યા હતા. તે પછી `પ્રેસિડેન્ટ હાઉસ’ તરીકે ઓળખાયું, પરંતુ લોકો તેના શ્વેત રંગના કારણે `વ્હાઈટ હાઉસ’ કહેવા લાગ્યા હતા. આ મકાન `વ્હાઈટ હાઉસ’ તરીકે ૧૮૧૧માં રેકર્ડ થયું હતું. આગથી બળી ગયેલા ભાગોને ફરી સફેદ પેઈન્ટથી રંગવાથી તે `વ્હાઈટ’ લાગતું હતું.
વ્હાઈટ હાઉસમાં પ્રથમ પ્રેસિડેન્ટ જ્હોન આદમ્સ તા. ૧ નવેમ્બર, ૧૮૦૦ ના રોજ રહેવા ગયા હતા. જ્હોન આદમ્સે અહીં રહેવા આવનાર શાસક સારું શાસન કરે તેવા આશીર્વાદ આપવા ભગવાનને પ્રાર્થના કરી હતી. આ પ્રાર્થના વ્હાઈટ હાઉસના ડાઈનિંગ રૂમમાં કોતરાવવામાં આવી છે. તેમના પછી થોમસ જેફર્સન રહેવા આવ્યા.
આજનું `વ્હાઈટ હાઉસ’ આગ પછીનું પુન: નિર્માણ છે. તેમાં અમેરિકાના ફર્સ્ટ ફેમિલીનું નિવાસસ્થાન, ઓવલ ઓફિસ, કેબિનેટ રૂમ, રુઝવેલ્ટ રૂમ, ઈસ્ટવિંગ વગેરે આવેલાં છે. ઈસ્ટવિંગમાં અમેરિકાના પ્રેસિડેન્ટનાં પત્ની કે જેઓ ફર્સ્ટ લેડી તરીકે ઓળખાય છે, તેમની ઓફિસ આવેલી છે. આ ઉપરાંત તેમાં ગ્રીન રૂમ, બ્લૂ રૂમ અને યલો રૂમ્સ પણ આવેલા છે. દરેકનું ફર્નિચર પણ એ પ્રમાણે જ બનાવેલું છે.
અમેરિકાના નાગરિક યુદ્ધ દરમિયાન આ બિલ્ડિંગ પાસેથી પસાર થતી કેનાલના કારણે મેલેરિયાનો ઉપદ્રવ હતો, પરંતુ પાછળથી તેનું વિસ્તૃતીકરણ કરવામાં આવ્યું હતું. વચ્ચે કેટલાંક એવાં વર્ષ આવ્યાં કે યોગ્ય જાળવણીના અભાવે તે પડી જાય તેવું થઈ ગયું હતું, પરંતુ પ્રેસિડેન્ટ ટ્રુમેને તેનું સમારકામ કરાવડાવ્યું. જોકે, પ્રેસિડેન્ટ કેનેડીના આવ્યા બાદ તેમનાં પત્ની જેક્વેલિન કેનેડીએ જ વ્હાઈટ હાઉસને સુંદર બનાવવા ફરી ડેકોરેટ કરાવડાવ્યું. વિશ્વભરમાંથી સુંદર ચિત્રો, પુરાણા એન્ટિક પીસ પણ લાવવામાં આવ્યાં. કેટલાયે ગર્ભશ્રીમંતોએ મૂલ્યવાન ચીજો વ્હાઈટ હાઉસને શણગારવા ભેટ આપી. ઈન્ટીરિયર ડિઝાઈનનું કામ ફ્રેન્ચ ડિઝાઈનરને સોંપવામાં આવ્યું. વિશ્વના ઈતિહાસની અસર દેખાય તે માટે દરેક રૂમને કોઈ ને કોઈ થીમ સાથે જોડવામાં આવ્યા. દા.ત. ગ્રીન રૂમ તે ફેડરલ સ્ટાઈલનું પ્રતીક છે. બ્લૂ રૂમ તે ફ્રેન્ચ સામ્રાજ્યનું પ્રતીક છે. રેડ રૂમ અમેરિકન સામ્રાજ્યની થીમ છે. યલો ઓવલ રૂમ તે લૂઈ ૧૬માનું પ્રતીક છે. પ્રેસિડેન્ટના સ્ટડી રૂમને વિક્ટોરિયન સ્ટાઈલનો સ્પર્શ આપવામાં આવ્યો છે. તેને `ટ્રીટી રૂમ’ એવું નામ આપવામાં આવ્યું છે. કેનેડીના સમયમાં વ્હાઈટ હાઉસની ગાઈડબુક પણ તૈયાર કરવામાં આવી. આ પુસ્તકના વેચાણની આવક બિલ્ડિંગના રિસ્ટોરેશન માટે વપરાય છે.
કેનેડી બાદ દરેક પ્રમુખે `વ્હાઈટ હાઉસ’માં કોઈ ને કોઈ ફેરફાર તો કરાવડાવ્યા જ છે. અલબત્ત, કોઈ પણ ફેરફાર પ્રમુખે પ્રિઝર્વેશન ઓફ વ્હાઈટ હાઉસ કમિટી પાસે પાસ કરાવવો પડે છે. આ કમિટી કોંગ્રેસના સભ્યોની બનેલી છે.
પ્રેસિડેન્ટ નિકસનનાં પત્ની એમના સમયમાં સહુથી વધુ કલા-કારીગરીના નમૂના લાવ્યા હતાં. વ્હાઈટ હાઉસમાં `વ્હીલ ચેર’થી હરીફરી શકાય તેવા રેમ્પ પણ બનાવવામાં આવ્યા છે.
પ્રેસિડેન્ટ રુઝવેલ્ટ પેરાપ્લેજિયાની બીમારીના કારણે ચાલી શકતા નહોતા. હવે તેમાં `લિંકન બેડરૂમ’નો પણ ઉમેરો થાય છે.
વ્હાઈટ હાઉસના ગ્રાઉન્ડ ફ્લોર પર ડિપ્લોમેટિક રિસેપ્શન રૂમ, મેપ રૂમ, ચાંઈના રૂમ, વેર્મેઈલ રૂમ, લાઈબ્રેરી, મુખ્ય કિચન અને બીજી ઓફિસો આવેલી છે. બીજા માળ પર પ્રેસિડેન્ટના ફેમિલીનું નિવાસસ્થાન, યલો ઓવલ રૂમ, ઈસ્ટ એન્ડ વેસ્ટ વિંગ, સીટિંગ હોલ, વ્હાઈટ હાઉસ માસ્ટર બેડરૂમ, પ્રેસિડેન્ટનો ડાઈનિંગ રૂમ, ટ્રીટીરૂમ, લિંકન બેડરૂમ, ક્વીન્સ બેડરૂમ તથા નાનું કિચન પણ આવેલાં છે. ત્રીજા માળે વ્હાઈટ હાઉસ સોલેરિયમ, ગેમ રૂમ, લીનન રૂમ, ડાયર કિચન તથા પ્રેસિડેન્ટનો વર્ક રૂમ આવેલા છે. વેસ્ટ વિંગમાં પ્રેસિડેન્ટની ઓવલ ઓફિસ, કેબિનેટ રૂમ તથા પ્રેસ બીફિંગ રૂમ્સ આવેલા છે. ઈસ્ટ વિંગ ફર્સ્ટ લેડી માટે છે.
વ્હાઈટ હાઉસ સંકુલની કુલ જમીન ૧૮ એકર છે. તેમાં સંખ્યાબંધ બાગ-બગીચાઓ છે. તેમાં રોઝ ગાર્ડન અદ્ભુત છે.
`વ્હાઈટ હાઉસ’ને વારેવાર પબ્લિક માટે ખોલવા અને વારેવારે બંધ કરવામાં આવ્યું છે. પ્રેસિડેન્ટ થોમસન જેફર્સને સૌથી પહેલાં વ્હાઈટ હાઉસને પ્રજા માટે ખુલ્લું મૂક્યું હતું. પ્રેસિડેન્ટ અબ્રાહ્મ લિંકન જ્યારે સત્તા પર હતા ત્યારે વ્હાઈટ હાઉસની બહાર નોકરીઓ લેવા આવનારાઓની તથા કોઈ ને કોઈ લાગવગ લઈને આવનારા લોકોથી ત્રાસી ગયાની ફરિયાદ તેમણે કરી હતી. ત્રાસવાદી પ્રવૃત્તિ બાદ ફરીથી પબ્લિક માટે તે બંધ કરી દેવાયું હતું.
ઈ.સ. ૧૯૭૪માં એક વ્યક્તિ ચોરેલું હેલિકોપ્ટર લઈ સીધી વ્હાઈટ હાઉસના પ્રાંગણમાં ઊતરી ગઈ હતી. તેનાં ૨૦ વર્ષ બાદ ૧૯૯૪માં ફરી એક વાર એક નાનું વિમાન પરવાનગી વગર સીધું વ્હાઈટ હાઉસના ગ્રાઉન્ડ પર ઊતરી ગયું હતું. પ્લેન તૂટી ગયું હતું અને પાઈલટ મરી ગયો હતો. એ પછી વ્હાઈટ હાઉસની સલામતી વધારવામાં આવી છે. વ્હાઈટ હાઉસને જોડતા ઘણા રસ્તા વાહન માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. હવે વ્હાઈટ હાઉસ જનરલ પબ્લિક માટે બંધ છે, પરંતુ કોંગ્રેસના પ્રતિનિધિઓ દ્વારા કેટલાંક જૂથોને અગાઉથી પૂરતી ચકાસણી બાદ `વ્હાઈટ હાઉસ’માં ટૂર માટે પરવાનગી અપાય છે.
વ્હાઈટ હાઉસની સલામતી યુનાઈટેડ સ્ટેટ્સ સિક્રેટ સર્વિસ અને યુનાઈટેડ સ્ટેટ્સ પાર્ક પોલીસ સંભાળે છે.
યુદ્ધના સમયે ફર્સ્ટ ફેમિલીનો બચાવ થઈ શકે તે માટે વ્હાઈટ હાઉસમાં એક ન્યુક્લિયર બંકર પણ હોવાનું મનાય છે, ‘



