લોકો દેવ આનંદને ઓળખે છે, પરંતુ બહુ ઓછા લોકો કલ્પના કાર્તિકને જાણે છે. દેવ આનંદ તેમના પરિવારની બાબતમાં બહુ અંગત હતા. પાછલી વય સુધી અભિનય કરનાર સદા બહાર એક્ટર દેવ આનંદની ‘સોલવાં સાલ’ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે આખા દેશની કૉલેજકન્યાઓ તેમની પર આફરીન હતી. દેવ આનંદ ફિલ્મજગતમાં હોવા છતાં બોલિવૂડની બદીઓ તેમને સ્પર્શી નહોતી. તેમણે અનેક અભિનેત્રીઓને બ્રેક આપ્યો. લોકો તેમની ‘હમદોનોં’થી માંડીને ‘ગાઈડ’ ફિલ્મને આજે પણ યાદ કરે છે.
આવા અભિનેતાની જિંદગીમાં પહેલાં સુરૈયા આવી. બેઉ એકબીજાના જબરદસ્ત પ્રેમમાં હતાં, પરંતુ એકબીજાના ધર્મો અલગ હોવાના કારણે તેમનો પરિણય પરિણીત જીવનમાં પરિવર્તિત થઈ શક્યો નહોતો.
તે પછી તેમની સંસારયાત્રાનો મુકામ કલ્પના કાર્તિક પર આવીને અટક્યો. કલ્પના કાર્તિક એક અભિનેત્રી હતાં. તેમનું અસલ નામ મૌનાસિંહ હતું. તેઓ સિમલાની કૉલેજનાં વિદ્યાર્થિની હતાં. ૧૯૫૦માં કલ્પનાએ એક સૌંદર્યસ્પર્ધા જીતી લીધી. એ દરમિયાન દેવ આનંદના ભાઈ ચેતન આનંદની નજર મોનાસિંહ પર પડી. ચૈતન આનંદ નિર્દેશક હતા. તેમણે મોનાસિંહને પડદા માટે કલ્પના કાર્તિક એવું નામ આપ્યું. વિખ્યાત ફિલ્મ મેકર ગુરુ દત્તે ‘બાઝી’ ફિલ્મ બનાવી. ૧૯૫૧માં આ ફિલ્મમાં કલ્પના કાર્તિકે દેવ આનંદની હીરોઇન તરીકે કામ કર્યું આ ફિલ્મને જબરદરત સફળતા મળી. તે પછી કલ્પના કાર્તિકને એક પછી એક એમ ફિલ્મો મળતી રહી. તેમણે ‘આંધિયાં’, ‘ટેક્સી ડ્રાઈવર’, ‘હાઉસ નંબર ૪૪’ અને ‘નૌ દો ગ્યારહ’ જેવી કામિયાબ ફિલ્મોમાં કામ કર્યું.
એ વખતે સુરૈયા સાથે લગ્ન ન થવાથી દેવ આનંદ પ્રણયભગ્ન હતા અને કોણ જાણે શું બન્યું, કે તેઓ અચાનક કલ્પના કાર્તિકના પ્રેમમાં પડી ગયા. એ વખતે તેઓ ‘ટૅક્સી ડ્રાઇવર’ ફિલ્મના સેટ પર હતા અને મધ્ય રાત્રીએ જ તેમણે કલ્પના કાર્તિક સાથે લગ્ન કરી સૌને અચંબામાં મૂકી દીધા. એ ફિલ્મનું ગીત ‘જાયે તો જાયે કહાં’ આજે પણ લોકો યાદ કરે છે.
એ વખતે કલ્પના કાર્તિક પાસે કુદરતી સૌંદર્યનો ખજાનો હતો. આંખોમાં અગાધ ઊંડાણ હતું. કલ્પના કાર્તિકને ‘ડાયરેક્ટર્સ એક્ટ્રેસ’ ગણવામાં આવતી હતી. ગુરુ દત્તને તેમના માટે ઘણીબધી આશાઓ હતી, પરંતુ લગ્ન પછી બધું બદલાઈ ગયું..
કલ્પના કાર્તિક અડધાં બંગાળી છે. તેમની પાસે પાછલા દિવસોની સ્મૃતિઓનો બહુમૂલ્ય વારસો છે.
આજે તેઓ ૯૩ વર્ષનાં થઈ ગયાં છે. પોતાની યાદોને સંકોરતાં તેઓ કહે છે, ‘એ દિવસોને યાદ કરતાં હું હર્ષોલ્લાસ પામું છું. ગુરુ દત્ત એક લીડરની જેમ અમને માન આપતા હતા. તેઓ દેવ આનંદના નજીકના મિત્ર હોવા છતાં કામની બાબતમાં કદીયે સમાધાન કરતા નહીં. અમારો તેમની સાથે સારો તાલમેલ હતો. ગુરુ દત્ત સ્વયં ઉદયશંકર સ્કૂલ ઑફ પર્ફોર્િંમગ આર્ટ્સમાંથી આવતા હોઈ તેમની પાસે કોરિયોગ્રાફીનું શ્રોષ્ઠ જ્ઞાન હતું. એ જ કૌશલ્યના આધારે તેમણે મારી પર ‘યે કૌન આયા’ ગીતને કલાત્મક રીતે ચિત્રબદ્ધ કર્યું હતું.’
કલ્પના કાર્તિક કહે છે, ‘ગીતા બાલી સાથે પણ મને કામ કરવાનો લહાવો મળ્યો. સેટ પર અમારે ત્યારે શિસ્ત જાળવવી પડતી. દરેક દૃશ્યના ઊંડાણમાં જવાની ગુરુ દત્તની પદ્ધતિ તેમની ખૂબી હતી.’
એક ફિલ્મનો ક્લાઈમેક્સ સીન કાંઈક આ પ્રમાણે હતો. જુલ્મી જમીનદાર તરીકે કે. એન. સિંગ રોલ ભજવી રહ્યા હતા. ફિલ્મના એક દૃશ્યમાં તેઓ મારી સાથે બળજબરીથી લગ્ન કરવા માગતા હતા. આ દૃશ્ય અંગે ચેતન આનંદે લખ્યું હતું અને એટલી જ સંવેદનશીલતાથી તેનું નિર્દેશન કર્યું હતું. તેમણે આ દૃશ્યને મેલોડ્રામેટિક થવા દીધું નહોતું. તેઓ સાચા અર્થમાં એક્ટર્સ ડાયરેક્ટર હતા. સેટ પર હું નવી હતી છતાં ચેતન આનંદ મને નવા આગંતુક તરીકેની અનુભૂતિ કદી થવા દીધી નહોતી. આ ‘આંધિયા’ ફિલ્મના દૃશ્યની વાત છે. મારી મા મને આ બધાથી દૂર રાખવા માગતી હતી, પરંતુ આ ફિલ્મમાં નિમ્મીએ તેમના જીવનનો શ્રોષ્ઠ અભિનય આપ્યો. એ પછી આ ફિલ્મ વેનિસમાં પ્રદર્શિત થઈ, મૌસ્કોમાં પ્રદર્શિત થઈ અને પૅકિંગ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ પ્રદર્શિત થઈ. એ ફિલ્મનું સંગીત ઉસ્તાદ અલી અકબર ખાને આપ્યું હતું.
કલ્પના કાર્તિક જ્યારે ‘ટૅક્સી ડ્રાઇવર’ ફિલ્મમાં કામ કરવા સેટ પર ગયા ત્યારે તેમના લાંબા વાળ કાપીને છોકરાના વાળ જેવા કરી નાખવામાં આવ્યા હતા. એ વખતે તેઓ ‘મેરે બાલ’ કહીને રડી પડયાં હતાં. એ ફિલ્મમાં કલ્પના કાર્તિકને પુરુષ ટેકસી ડ્રાઇવર તરીકે દર્શાવવા તેમ કરવામાં આવ્યું હતું. તેઓ કહે છે, ‘દેવ આનંદે કાર રિપેર કરવાના એક સાધન વડે મારા લાંબા વાળ કાપી નાખ્યા હતા. ફિલ્મની કથા પ્રમાણે હું ગામડામાંથી આવતી છોકરી હતી. તે પછી મારી ટૅક્સી ડ્રાઇવર તરીકે છોકરા જેવા દેખાવાનો રોલ કરવાનો હતો. મારા વાળ કપાઈ ગયા પછી મારે ટોમ બોય જેવો ડ્રેસ પહેરીને ડ્રાઈવર જેવા દેખાવાનું હતું. એ ફિલ્મમાં દેવ આનંદ સાથે ‘દેખો માને નહીં રૂઠી હસીના’ એ યુગલ ગીતને આજે પણ હું ભૂલી શકતી નથી.
‘ટૅક્સી ડ્રાઇવર’ પછી દેવ આનંદ અને હું ‘હાઉસ નંબર ૪૪’ અને ‘નૌ દો ગ્યારહ’ ફિલ્મમાં પતિ-પત્ની તરીકેની ભૂમિકામાં હતાં. આ બંને ફિલ્મો હિટ ગઈ. વિવેચકોએ પણ વખાણી. હું એક અભિનેત્રી તરીકે કદીયે સભાન નહોતી. હું ફિલ્મની સ્ક્રિપ્ટ પહેલાં વાંચી જતી. તે પછી મારા ડાયરેક્ટર્સ મને જે કહે તે પ્રમાણે હું અભિનય કરતી. બર્મન દાદા અને વિજય આનંદ એ બંને ખૂબ અનુભવી નિર્દેશકો હતા. હું મારા પોતાના વિશે ઝાઝું કહી શકું નહીં. ‘ફેલી હૂઈ’ અને ‘ઢલતી જાયે ચુનરિયા’ જેવાં ગીતોમાં અભિનય કરતી વખતે મારે બહુવિધ ભાવ પ્રદર્શિત કરવાના હતા. આવી સુંદર મેલોડીની રચના કરવા બદલ દાદા બર્મનને હું સલામ કરું છું.’
કોલકાતા સાથેના સંબંધો અને સ્મૃતિઓને વાગોળતાં કલ્પના કાર્તિક કહે છે, ‘કોલકાતા એક આગવી સંસ્કૃતિ ધરાવતું ગતિશીલ શહેર છે. હું અને દેવ સાહેબ કદીક કોલકાતાના ચૌરંગી રસ્તા પર સાથે સાથે ચાલતાં હતાં. ૧૯૫૭માં ‘નૌ દો ગ્યારહ’ ફિલ્મના પ્રીમિયર માટે અમે ઑબરૉય ગ્રાન્ડ પર આવ્યાં હતાં. એ વખતે દેવ સાહેબ અને હું રસ્તા પર ચાલતાં-ચાલતાં ફિરદોસ રેસ્ટોરાંમાં ગયાં હતાં અને સ્નેક્સની મજા માણી હતી. આખી રેસ્ટોરાં અત્યંત સ્વચ્છ હતી. મને લાગ્યું કે કોલકાતાના પ્રેક્ષકો સિનેમાને સાચી રીતે સમજનારા લોકો હતા.’
દેવ આનંદ સાથે ‘નૌ દો ગ્યારહ’ ફિલ્મમાં કામ કર્યા બાદ કલ્પના કાર્તિકે અભિનય કરવાનું છોડી દીધું અને છેલ્લા પાંચ દાયકાથી તેઓ એક ગૃહિણી બનીને જ ચાર દીવાલોમાં કેદ થઈને રહ્યા.
દેવ આનંદ યુવાનીમાં એટલા તો રૂપાળા હતા કે. તેમને કાળું શર્ટ પહેરીને બહાર જવાની મનાઈ હતી. તેઓ જોે. કાળું શર્ટ પહેરીને બહાર નીકળે તો જાહેર રસ્તાઓ પર સ્ત્રીઓ તેમને જોવા ધમાલ મચાવી દેતી.
કલ્પના કાર્તિક કહે છે કે, ‘મારા પતિદેવ સાહેબ હંમેશાં શરમાળ, સંવેદનશીલ અને મળતાવડા હતા. જિંદગીના છ દસકા અમે સાથે પસાર કર્યા. ઘણા લોકો એવી અફવાઓ ફેલાવતા કે તેઓ મને છોડી દેશે, પરંતુ હું જાણતી હતી કે રખડુ લાગતા દેવ હંમેશાં મારા જ રહેશે.’
દેવ આનંદ-કલ્પના કાર્તિકને એક પુત્ર સુનૈલ અને પુત્રી દેવીના છે. કલ્પના
કહે છે, ‘મારા પતિ એક અત્યંત કાળજી લેનાર અને બાળકોના પિતા હતા. ઘણા લોકો માનતા કે અમે અલગ થઈ ગયાં છીએ, પરંતુ તે વાત તદ્દન ખોટી હતી. દેવ આજે પણ મારા હૃદયમાં વસે છે. તેઓ આજે અમારી સાથે નથી તેમ હું માની શકતી નથી.’
આવી છે, કલ્પના કાર્તિકની યાદોની ઝાલર
કલ્પના કાર્તિક ૯૩ વર્ષની વયનાં થયાં છે
દેવેન્દ્ર પટેલ




