Close

સૌંદર્ય સમ્રાજ્ઞી-આશા પારેખ એમનું ઘર ભાંગે નહીં તે માટે મેં એમની સાથે લગ્ન ના કર્યાં

કભી કભી | Comments Off on સૌંદર્ય સમ્રાજ્ઞી-આશા પારેખ એમનું ઘર ભાંગે નહીં તે માટે મેં એમની સાથે લગ્ન ના કર્યાં
આશા પારેખની ‘ધી હિટ ગર્લ’  આત્મકથા
ગૌરવપૂર્ર્ણ રીતે અંગત વાત ઉજાગર કરે છે
ફિલ્મ અભિનેત્રી આશા પારેખની હિંમત માટે દાદ દેવી જોેઈએ. તેમણે પાછલી વયે જાહેરમાં કબૂલ કર્યું કે ‘હા, હું ફિલ્મ દિગ્દર્શક નાસીર હુસેનના પ્રેમમાં હતી. એ એક જ એવી વ્યક્તિ હતી કે જેને મેં પ્રેમ કર્યો. અલબત્ત, તેઓ પરિણીત હોઈ તેમનું ઘર ભાંગે નહીં તે માટે મેં એમની સાથે લગ્ન કર્યા નહીં. આ વાત કોઈ જાણતું નહોતું. મારી મમ્મી પણ નહીં, કે જેની હું બહુ જ નજીક હતી.’
‘આશા પારેખે લખેલી આત્મકથા ‘ધી હિટ ગર્લ’નું લોકાર્પણ થયું જેમાં સલમાન ખાનથી માંડીને એક્ટર ધર્મેન્દ્ર અને બીજી અનેક હસ્તીઓ હાજર હતી. આ આત્મકથા આશા પારેખે જાણીતા પત્રકાર અને ફિલ્મ વિવેચક, દિગ્દર્શક ખાલીદ મોહમ્મદની સાથે રહીને લખી છે. આશા પારેખે તેમની આત્મકથામાં પહેલી જ વાર તેમના નાસીર હુસેન સાથેના પ્રેમ સંબંધોનો જાહેરમાં સ્વીકાર કરતાં લખ્યું છે કે જે લોકોએ મારી જિંદગીમાં મહત્ત્વપૂર્ણ રોલ ભજવ્યો છે તેમના વિશે હું મારી આત્મકથામાં ના લખું તો તેનો કોઈ મતલબ નહોતો. મારા સહ લેખક ખાલીદ મોહમ્મદે આખાયે એપિસોડને ગૌરવપૂર્ણ રીતે સંભાળ્યો છે.’
આશા પારેખે લખ્યું છે કે, ‘હું નાસીર સાહેબને તેમના પરિવારથી દૂર કરવા માંગતી નહોતી. હું કદીયે હોમ બ્રેેકર નહોતી. મારી અને નાસીર હુસેનના પરિવાર વચ્ચે કોઈ અણબનાવ કે ઝઘડો પણ નહોતો. એથીયે વધુ સારી વાત એે છે કે મારા પુસ્તકના લોકાર્પણ વખતે નાસીર સાહેબની દીકરી નસરત અને તેમનો પૌત્ર ઈમરાન ખાન બંને હાજર હતા. મેં કદીયે કોઈની લાગણીને ઠેસ પહોંચાડયા વગર જિંદગીને ગૌરવપૂર્ણ રીતે માણી છે.’
સૌથી વધુ નોંધપાત્ર વાત એ છે કે આશા પારેખના આ પુસ્તકનું લોકાર્પણ ફિલ્મ મેકર નાસીર હુસેનના સગા ભત્રીજા અને મશહૂર એક્ટર આમિરખાનના હસ્તે થયું.
જિંદગીના એક ખાલી ખૂણાની કેવી ગૌરવપૂર્ણ કેફિયત ?
એક જમાનામાં ફિલ્મ નિર્માતા- નિર્દેશક નાસીર હુસેનનો બોલિવૂડમાં ડંકો હતો તેમની તમામ ફિલ્મો હિટ રહેતી. ૧૯૫૯માં નાસીર હુસેને જ આશા પારેખને તેમની ફિલ્મી ‘દિલ દેકે દેખો’માં પહેલી જ વાર તક આપી. ફિલ્મ અને આશા પારેખ બેઉ હિટ રહ્યા. તે પછીની તેમની સાત સુપરહિટ ફિલ્મોમાં આશા પારેખે મુખ્ય અભિનેત્રી તરીકેનો રોલ કર્યો જેમાં ‘તીસરી મંજિલ’ અને ‘કારવા’ જેવી ફિલ્મોનો પણ સમાવેશ થાય છે.
એક જમાનામાં દેશમાં આશા પારેખનો વિશાળ ફેન વર્ગ હતો. આશા પારેખની એ જમાનાની હિટ ફિલ્મોમાં (૧) મેરે સનમ (૨) ફિર વોહી દિલ લાયા હું (૩) જબ પ્યાર કિસી સે હોતા હૈ અને (૪) લવ ઈન ટોક્યોનો સમાવેશ થાય છે. આ બધી જ ફિલ્મોમાં તેણે એક હેપી ચાર્િંમગ-લકી ગર્લનો રોલ કર્યો હતો પરંતુ એ જ સમયગાળામાં તેનું અંગત જીવન અંદરથી એટલું સુખી નહોતું. કારણ કે તે જેમને ચાહતી હતી તેને તે હાંસલ કરી શકતી નહોતી.
આશા પારેખનો જન્મ તા. રજી ઑક્ટોબર ૧૯૪૨ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતા પ્રાણલાલ પારેખ હિંદુ હતા. તેમના માતા દાઉદી વ્હોરા મુસ્લિમ હતા. પરિવારનું તેઓ એક માત્ર સંતાન હોઈ માતાએ પુત્રીને શાસ્ત્રીય નૃત્યની તાલીમ માટે નાની વયે જ કલાસિકલ ડાન્સ કલાસમાં મોકલી આપી હતી.
આશા પારેખે એની આશા પારેખના નામથી બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. બિમલ રૉયે આશાને એક સ્ટેજ ફંક્શનમાં નૃત્ય કરતી જોેઈ. ૧૦ વર્ષની વયે ફિલ્મ ‘મા’ (૧૯૫૨)માં રોલ આપ્યો હતો. તે પછી ૧૯૫૪માં પણ તેમણે બાળ કલાકાર તરીકે ‘બાપ-બેટી’ ફિલ્મમાં કામ કર્યું. આશાએ ૧૬ વર્ષની વયે અભિનય ક્ષેત્રે ઝંપલાવી પોતાની કારકિર્દીને અભિનેત્રી તરીકે પ્રારંભ કરવાનું નક્કી કર્યું. પરંતુ નિર્દેશક વિજય ભટ્ટે તેનામાં સ્ટાર બનવાના ગુણ નથી- એમ કહી ફિલ્મ ‘ગુંજ ઊઠી શહનાઈ’ (૧૯૫૯) માંથી બાકાત કરી દીધી. ત્યારબાદ તરત જ નિર્માતા એસ. મુખરજી અને દિગ્દર્શક નાસીર હુસૈને તેને ફિલ્મ ‘દિલ દેકે દેખો’ (૧૯૫૯) માં કામ આપ્યું અને આ ફિલ્મે જ તેને પ્રસિદ્ધિ અપાવી હતી. ‘દો બદન’ની વાર્તા આશા પારેખ પર આધારિત હતી. ખાસ કરીને નિર્દેશક રાજ ખોસલા જેણે તેને પોતાની વધુ ત્રણ ફિલ્મોમાં કામ આપ્યું હતું. આશા દ્વારા અભિનિત ફિલ્મ ‘ઉપકાર’ (૧૯૬૭)ને બેસ્ટ ફિલ્મફેર એવોર્ડ મળ્યો. આ સાથે જ આશાની ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’ (૧૯૬૧), ‘ઘરાના’ (૧૯૬૧), ‘શિકાર’ (૧૯૬૮) અને ‘આન મિલો સજના’ (૧૯૭૦) જેવી ફિલ્મોને બોક્સ ઑફિસ પર લગાતાર સફળતા મળવાને કારણે તેણે ‘જ્યુબિલી ગર્લ’ તરીકે નામના મેળવી.
આશાને  શક્તિ સામંતની ફિલ્મ ‘કટી પતંગ’ (૧૯૭૦)માં બેસ્ટ એક્ટ્રેસ તરીકેનો ફિલ્મ ફેર ઍવોર્ડ મળ્યો. આ ફિલ્મમાં તેણે સફેદ સાડીમાં એક વિધવાનું પાત્ર ભજવ્યું હતું, જેના ભેદી હાસ્યમાં તેનો દુઃખદ ભૂતકાળ છુપાયેલો હતો. હવે આશાએ નામ અને પ્રસિદ્ધિની ઊંચાઈને આંબી લીધી હતી. જોે કે તે હવે ૩૦ વર્ષની આયુ પાર કરી ગઈ.
ઉલ્લેખનીય છે કે નાસીર હુસેને આશા પારેખને છેક ૧૯૯૭માં તેમની ફિલ્મ ‘બહારો કે સપનેં’ માં અભિનયની તક આપી હતી ત્યાંથી શરૂ થયેલા આશા અને નાસીર વચ્ચેના વ્યાવસાયિક સંબંધો આશરે ૨૧ વર્ષ સુધી લંબાયા હતા. ધીમે ધીમે આશાએ સમાજસેવાના કાર્યો પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. નોંધપાત્ર છે કે, સાંતાક્રુઝની એક હૉસ્પિટલ સાથે આશા પારેખનું નામ જોેડવામાં આવ્યું છે.
૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં આશાની સિરિયલ ‘કોરા કાગઝ’ ઘણી જ લોકપ્રિય સાબિત થઈ. ત્યારબાદ ૧૯૯૫માં આશાએ અભિનયને હંમેશા માટે તિલાંજલિ આપવાનું નક્કી કર્યું. ૧૯૯૮માં આશાએ સેન્સર બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશનના ચેરપર્સન તરીકેનો હોદ્દો ગ્રહણ કર્યો. ઉલ્લેખનીય છે કે સેન્સર બોર્ડના ચેરપર્સન બનનાર તે પ્રથમ મહિલા હતા.
આશા હિન્દી ફિલ્મ જગતના સુપરસ્ટાર તરીકેનું બિરુદ મેળવનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી છે. જોે કે હિંદી ફિલ્મોમાં તે કારકિર્દીની ટોચ પર હતી તે વખતે પણ ૧૯૯૩માં ‘અખંડ સૌભાગ્યવતી’ જેવી ગુજરાતી ફિલ્મમાં કામ કરવાને પ્રાથમિક્તા તેણે આપી હતી. તે ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી.
આશા હવે તેનો બધો જ સમય સમાજસેવાના કાર્યોમાં પસાર કરે છે, એના ખુદના નામથી જ ઓળખાતી ‘આશા પારેખ હૉસ્પિટલ’ સાંતાક્રુઝ મુંબઈમાં ચલાવવાની સાથે સાથે આકૃતિ નામની પ્રોડક્શન કંપનીના બેનર હેઠળ ટીવી સિરિયલોના નિર્માણમાં વ્યસ્ત છે. તેણે ‘કલા ભવન’ના નામે નૃત્ય તાલીમ સંસ્થાની પણ સ્થાપના કરી છે, જેણે ઘણા પ્રતિભાશાળી નૃત્યકારોને મદદ કરી છે.
આશા પારેખ આજે પણ તેના જમાનાની પ્રતિસ્પર્ધી અભિનેત્રીઓ વહીદા રહેમાન અને વૈજયંતી માલાને નિયમિતપણે મળતા રહે છે, તેમની સાથે ફિલ્મો જુએ છે, ભોજન કરે છે અને ભૂતકાળના સુખદ સંસ્મરણોની યાદો તાજી કરે છે. બીજી તરફ ભૂતકાળની બધી જ જાણીતી અભિનેત્રીઓ અવારનવાર આશાને મળવા તેમના ઘરે આવતી જતી રહે છે. ૨૦૦૨માં આશાના અભિનય જગતમાં આપેલ યોગદાન બદલ ફિલ્મફેર દ્વારા લાઈફટાઈમ એચીવમેન્ટ ઍવોર્ડ એનાયત કરવામાં આવ્યો. તેણીને ભારત સરકાર તરફથી પદ્મ શ્રાી પુરસ્કાર મળ્યો હતો. આશા પારેખ વીતેલા જમાનાનાં એક જાજરમાન ગુજરાતી મૂળનાં અભિનેત્રી હોવા છતાં ગુજરાતે તેમનું જેટલું સન્માન કરવું જોેઈએ તેવું કર્યું નથી.
દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!