બેટા, આપણા ઘરમાં નવું બેબી
આવવાનું છે, તને કેવું લાગશે?
હું મમ્માને બાઝી પડી મમ્મા બોલ્યા હતાઃ
‘મને મારી દીકરી માટે બહુ અભિમાન છે ‘
‘મા’ શબ્દ સ્વયં એકાક્ષરી કાવ્ય છે. કહેવાય છે કે માના ખોળામાં જે શીતળતા પ્રાપ્ત થાય છે તે હિમાલયની ગોદમાં પણ નથી. મા એટલે થીજી ગયેલી માનવતાના હિમાલયમાંથી નિર્ઝરેલું કાવ્ય ઝરણું. કહેવાય છે કે સંસ્કાર પીઠની પહેલી કૂખ છે માતાની કૂખ.
કવિ બોટાદકરે લખેલું અતિ સુંદર કાવ્ય છેઃ
જનનની જોડ સખી નહીં જડે રે લોલ!
એક ઉક્તિ જાણીતી છેઃ ‘ભગવાન બધે જઈ શકતા નહોતા તેથી તેમણે ‘મા’ બનાવી.’
દ્વારિકાના રાજા બન્યા પછી ભગવાન શ્રાીકૃષ્ણને મા યશોદાજીની યાદ રાતોની રાત ઉજાગરા કરાવતી. દ્વારિકાના રાજા ભગવાન શ્રાીકૃષ્ણ તેમના મહેલના શયનખંડમાંથી સવારે પથારીમાંથી ઊઠે અને રાણી રુક્મિણીજી પથારી સંકેલવા જાય ત્યારે ઘણીવાર પથારી પરનું મખમલી ઓશિકું ભીનું હોય. એ ભીના ઓશિકાને જોઈને રુક્મિણીજી સમજી જતાં કે દ્વારિકાના રાજા ભગવાન શ્રાીકૃષ્ણ મા યશોદાજીને યાદ કરીને રડયા હશે.
આટલી પૃાદ્ભૂમિકા બાદ ચાલો ‘મધર્સ ડે’ નિમિત્તે એક સંવેદનશીલ સત્યઘટના જોઈએ.
અમેરિકામાં રહેતી જિન્સ કિન્સીના શબ્દોમાં જ એની વાત વાંચો. ઃ
‘મારી મમ્મીને કાર ચલાવતા આવડતું નહોતું. તે બહુ જ ઓછું ભણેલી હતી. સારા સારા શબ્દોમાં પત્ર લખતા આવડતો નહોતો. મને સારી સારી ચીજવસ્તુઓ ખરીદી આપે એટલા પૈસા પણ નહોતા, પરંતુ સિઅર્સ કે એવા મોટા સ્ટોર્સની ફેશન એડ જોઈ મને એવાં વસ્ત્રો લાવી આપવાની વાત કરતી. અમારા ઘરમાં ઓવન પણ નહોતું, પરંતુ લાકડાંથી સળગતો સ્ટવ હતો. તેની પર ઘણીવાર તે કેક શેકી આપતી.’
જિન્સ કિન્સી નામની એક અમેરિકન યુવતી વાત આગળ વધારે છે. ‘મને યાદ છે કે સવારે મમ્મા મારા રૂમમાં આવીને મારા બેડ પર મારી બાજુમાં બેઠાં હતાં. થોડાક સમય સુધી તેઓ મૌન રહ્યાં. મને લાગ્યું કે તેઓ કંઈક ક્ષોભ અનુભવી રહ્યાં હતાં. થોડીવાર પછી મારી આંખોમાં જોઈ સીધું જ પૂછયુંઃ ‘બેટા, આપણા ઘરમાં એક નવું બેબી આવે તો તને કેવું લાગશે?’
હું જાણતી હતી કે એ હવે શક્ય નથી, કારણ કે ઘરમાં હું સૌથી મોટી દીકરી હતી અને મારી વય ૧૭ વર્ષની હતી. મારી બહેન ૧૨ વર્ષની, નાનો ભાઈ ૯ વર્ષનો હતો. મેં કહ્યુંઃ ‘મમ્મા, મને મૂર્ખ ન બનાવો. આપણા ઘરમાં પૈસા છે તે કરતાં છોકરાં વધુ છે.’
મેં જોયું તો મારી મમ્મીના ચહેરા પર ઉદાસીનતા છવાઈ ગઈ. તે બોલીઃ ‘હું પ્રેગ્નન્ટ છું.’ બસ એટલું બોલી મમ્મા ચાલ્યાં ગયાં. તેમણે મારા રૂમનું બારણું બંધ કરી દીધું. મને લાગ્યું કે મેં મારી મમ્મીની લાગણીને ઠેસ પહોંચાડી છે, પણ હું એ વખતે ટીનેેજર હતી. માફી માંગવાનો વિવેક હું શીખી નહોતી. હું જોતી કે મમ્મી ઘરની કાળજી રાખવા સખત મહેનત કરતી હતી, પરંતુ આ વખતની પ્રેગ્નન્સી સહેજ મુશ્કેલ હતી. કોઈ કારણસર તેને સૂઈ જ રહેવું પડતું હતું. હું મદદ કરવા વિચારતી પણ મદદ કરતી નહોતી. કોઈવાર મને તેની ચિંતા થઈ આવતી.
હવે વસંતઋતુ આવી.
ઠંડી ઓછી થઈ હતી. વૃક્ષો પર નવી કુંપળો ફૂટવા લાગી હતી. હું ફ્રેંકલિન સિમ્પસન હાઈસ્કૂલમાં ભણતી હતી. વર્ષના અંતે અમારા ક્લાસમાંથી એક ટ્રિપ ફ્લોરિડા જવાની હતી. મારાં માતા-પિતા પાસે એટલા પૈસા નહોતા કે મને ટ્રિપમાં મોકલી શકે, તેથી નવરાશના સમયમાં મેં કાર વૉશ કરવાનું કામ શરૂ કર્યું. ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં હું રજાના દિવસે જોબ કરી લેતી. હવે હું ગ્રેહાઉન્ડ બસમાં બીજા વિદ્યાર્થીઓ સાથે ફ્લોરિડા જઈ શકું એટલા પૈસા મારી પાસે ભેગા થઈ ગયા હતા. અમે બધાં ફર્મમાં રહેતાં હતાં. મારાં માતા-પિતા ગરીબ હતાં. અમે કદીયે ફર્મની બહાર ગયાં નહોતાં. ફ્લોરિડા જવું, દરિયો જોવો એ બધું મારા માટે એક સ્વપ્ન હતું. મારું સ્વપ્ન હવે સાકાર થઈ રહ્યું હતું.
વેકેશન પડયું.
હવે હું ફ્લોરિડા જવાની છું એ વાતથી મમ્મી ખુશ હતી. તે બિચારી ચાર જ ચોપડી ભણેલી હતી. મારા માટે એણે જાતે જ સરસ કપડાં સીવ્યાં હતાં, તે બીમાર હતી તો પણ. બીજા દિવસે સવારે મમ્મી અચાનક બીમાર પડી ગઈ. એનો ચહેરો કરમાઈ ગયો હતો. મને લાગ્યું કે કંઈક ગરબડ છે. એની આંખોમાં સ્મિત નહોતું. મારે ચાર દિવસ પછી તો ફ્લોરિડા જવાનું હતું. મમ્મીને તાબડતોબ નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. મને લાગ્યું કે કંઈક ગંભીર બાબત છે. એ દિવસોમાં ખેડૂતોને વીમો મળતો નહોતો. ડૉક્ટરોને આપી શકાય તેટલા પૈસા ફર્મર્સ પાસે રહેતા નહીં. લોકો છેક મૃત્યુના આરે હોય ત્યારે જ હોસ્પિટલમાં દાખલ થતા. મારા ડેડ પણ મમ્મીની તબિયત અંગે ચિંતામાં પડી ગયા હતા. તેમની પાસે હોસ્પિટલ ખર્ચ માટે પૂરતા પૈસા નહોતા. ડેડ મમ્મા સાથે રહ્યા એટલે ઘરમાં હું સૌથી મોટી હોઈ મેં મમ્મા સાથે હોસ્પિટલમાં રહેવાનું નક્કી કર્યું. ડેડ ઘેર રહી બીજાં બાળકોને તથા ગાયોને સાચવે તેવું નક્કી કર્યું. હું આખી રાત મમ્માની બાજુમાં બેસી રહેતી. આખી રાત જાગતી. તેઓ બચી જાય તે માટે ભગવાનને પ્રાર્થના કરતી. બીજા દિવસે હું સ્કૂલમાં જઈ શકું તે માટે પણ પ્રાર્થના કરતી. હું થાકી ગઈ હતી.
મેં કેલેન્ડર જોયું. દિવસો પસાર થઈ રહ્યા હતા. મમ્મી બધું જ જોઈ રહી હતી. મારી ફ્લોરિડા જવાની તારીખ હવે નજીક આવી રહી હતી. મમ્મીએ મારો હાથ તેના હાથમાં લેતાં મને પૂછયુંઃ ‘બેટા, તારો સામાન પેક થઈ ગયો? તું ફ્લોરિડા જુએ એવી મારી ઈચ્છા છે. અમે તો કદી ફ્લોરિડા ગયાં નથી, પરંતુ તું ત્યાં જઈને પાછી આવીને બધી વાતો કરજે. મારો એક અંશ તું છે અને તું દરિયો જોઈશ ત્યારે હું પણ દરિયો જોઈ રહી છું એવું મને લાગશે.’
હું જાણતી હતી કે મારાં માતા-પિતા પાસે ફ્લોરિડા જવા જેટલા પૈસા કદી નહોતા. મમ્માની ગંભીર હાલત જોઈ મેં કહ્યુંઃ ‘નહીં મમ્મા! મારે ફ્લોરિડા જવું નથી.’
‘ના, તારે જવાનું જ છે.’ મમ્મી આગ્રહી બની ગઈ. હું પણ મમ્માની દીકરી હતી. હું પણ ન જવા માટે દુરાગ્રહી બની ગઈ ત્યારે મમ્મી બોલીઃ ‘બેટા, જીવનમાં ક્યારેક ચમત્કારો પણ સર્જાય છે. હું સાજી થઈ જઈશ.’
હજુ વચ્ચે એક દિવસ ને એક રાત બાકી હતાં. મેં મારો ફ્ેંસલો આપી દીધોઃ ‘ઈટ્સ ઓલ રાઈટ મમ્મા. હું અહીં તમારી પાસે જ રોકાઈ જવાની છું.’ અને મેં મારો ચહેરો ઓશિકામાં છુપાવી દીધો જેથી મારો રડવાનો અવાજ તે સાંભળી ન શકે.
રાત વીતી ગઈ અને ચમત્કાર થયો.
બીજા દિવસે સાંજે મારા ડેડી અને હું હોસ્પિટલ પર પહોંચ્યાં ત્યારે મમ્મા સ્વસ્થ હતાં. ચહેરા પર સ્મિત હતું. સામાન પેક કરી દીધેલો હતો. તે અમારી રાહ જ જોતાં હતાં. મમ્મા બોલ્યાં, ‘મેં કહ્યું હતુંને ચમત્કારો થતા જ હોય છે. મને ડૉક્ટરે રજા આપી દીધી. હું સાજી થઈ ગઈ.’ અમે ત્રણે એકબીજાને વળગી પડયાં. બધાંની આંખોમાં હર્ષનાં આંસુ ઊભરાયાં, પણ સાચું કહું મને પહેલો જ વિચાર એ આવ્યો કે ‘આવતી કાલે હવે હું ફ્લોરિડા જઈ શકીશ.’
અમે બધાં ઘેર ગયાં.
બીજા દિવસે સવારે ૬-૩૦ વાગ્યે ક્લાસના બીજા વિદ્યાર્થીઓ સાથે હું ફ્લોરિડા જવા માટેની બસમાં બેઠી. મમ્માએ આનંદથી, ગર્વથી અને સંતોષની લાગણીથી મારી સામે જોઈ મને વિદાય આપી. તેની નરમ ભૂરી આંખોમાં આનંદનાં આંસુ હતાં.
પૂરું એક અઠવાડિયું વેકેશન ભોગવી ફ્લોરિડાથી હું પાછી આવી, પરંતુ ઘણાં વર્ષો બાદ જ મને ખબર પડી કે મારું ફ્લોરિડા જવાનું સ્વપ્ન પૂરું થાય તે માટે મમ્મા ડૉક્ટરની સલાહની વિરુદ્ધ હોસ્પિટલ છોડી ઘેર પાછાં આવી ગયાં હતાં. મમ્મા હજી ઘેર ન હતાં. બાળકનો જન્મ થયો નહોતો. મમ્માને છેલ્લા દિવસો જતા હતા. તા. ૯મી મે ૧૯૫૯ના દિવસે જ તેમને લેબર પેઈન શરૂ થયું. મમ્માને હોસ્પિટલમાં લઈ જવાયાં તે દિવસ પણ ‘મધર્સ ડે’ હતો.
એ જમાનામાં મોનિટર્સ કે ઈન્ટરકોમ નહોતા. અમારા ગામ નજીકની એ નાની કોમ્યુનિટી હોસ્પિટલ હતી. એક નર્સ જ મેટરનિટી હોલમાં હતી. ડૉક્ટરને નજીકના શહેરમાંથી બોલાવવા ફેન કરવામાં આવ્યો, પરંતુ એ દરમિયાન નર્સ અને મેં ભેગાં થઈ પ્રસૂતિ કરાવી. નાનકડું બાળક અમારા હાથમાં હતું. મને લાગ્યું કે બાળક મરેલું છે ને મમ્મા પણ હવે મૃત્યુ પામી રહ્યાં છે. હું ગભરાઈ ગઈ. મમ્માના ચહેરા પર પરસેવો હતો. આંખો ખૂલતી જ નહોતી.
એટલામાં ડૉક્ટર બેસલી આવી પહોંચ્યા. મમ્મા બોલ્યાંઃ ‘મારી દીકરીને બહાર કાઢો. તે માત્ર ૧૭ વર્ષની છે.’ મમ્માને હજી મારી ચિંતા હતી.
ડૉક્ટરે કહ્યુંઃ ‘હવે એનો કોઈ અર્થ નથી. શી હેઝ સીન ધ વર્સ્ટ ઓફ્ ઈટ’ ડૉક્ટરે માથા પર હાથ મૂકતાં કહ્યુંઃ ‘બેટા, ચિંતા ન કર. મમ્મા અને બેબી બેઉ સારાં સાજાં છે! બાળક જન્મે ત્યારે બેઉની હાલત આવી જ હોય.’
ડૉક્ટરે બેબીને મમ્માની છાતી પાસે મૂક્યું. મમ્માએ મારા નાના ભાઈને જન્મ આપ્યો તે હું કદી નહીં ભૂલું. ડૉક્ટરે મમ્માને સંપૂર્ણ આરામની સૂચના આપી. હું મમ્માને બાઝી પડી. તેમની આંખોમાં ઝળઝળિયાં હતાં. મમ્મા બોલ્યાંઃ ‘મને, મારી દીકરી માટે ગૌરવ છે. અભિમાન છે!’
– આ વાતને ૨૫ વર્ષ વીતી ગયાં.
હું ફરી એકવાર મારાં મમ્મીની બાજુમાં બેઠેલી છું, પરંતુ મમ્માની અંતિમ વિદાયની ક્ષણોમાં. તેઓ ભગવાનના ઘેર જવાની તૈયારી કરતાં હતાં. થોડીવાર સુધી તેમણે મારી આંખોમાં જોયું. આંખોમાં આંસુ અને સ્મિત સાથે તેમણે વિદાય લીધી. તે એમનું છેલ્લું દર્શન. મમ્મા કેન્સરથી મૃત્યુ પામ્યાં હતાં. ઈશ્વરના ફ્રિશ્તાઓ તેમને અમારી પાસેથી દૂર દૂર લઈ ગયા.
જિન્સ કિન્સી પોતાની માને ‘મધર્સ ડે’ના દિવસે આ રીતે યાદ કરીને પોતાની વાત પૂરી કરે છે.
દેવેન્દ્ર પટેલ




