Close

ધૂમ્રપાનથી ભારતમાં પ્રતિ વર્ષ ૧૦ લાખ લોકોનાં મોત: પાંચ લાખ લોકો તો કેન્સરથી મોતને ભેટે છે.

રેડ રોઝ | Comments Off on ધૂમ્રપાનથી ભારતમાં પ્રતિ વર્ષ ૧૦ લાખ લોકોનાં મોત: પાંચ લાખ લોકો તો કેન્સરથી મોતને ભેટે છે.
ગઈ કાલે તા. ૩૧મીએ વિશ્વ તમાકુ નિષેધ દિન હતો. કેટલાક લોકો તણાવ દૂર કરવા સિગારેટ પીએ છે, તો કેટલાક લોકો શોખથી સિગારેટ પીએ છે.
તાજેતરમાં થયેલાં સંશોધનો દર્શાવે છે કે દેશની ટીનએજ ગર્લ્સ એટલે કે તરુણીઓમાં ધૂમ્રપાન પહેલાં હતું તે કરતાં બે ગણું વધ્યું છે. તરુણીઓમાં ૨૦૦૯થી ૨૦૧૯ દરમિયાન ધૂમ્રપાન ૩.૮ ગણું વધ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે પુખ્તોમાં જાગ્રતિના કારણે ધૂમ્રપાન ઘટ્યું છે ત્યારે કિશોરીઓમાં ધૂમ્રપાન વધ્યું છે.
એક જમાનો હતો જ્યારે સિગારેટ પીવી એ ફેશન ગણાતી હતી. ૧૯૫૦ના દાયકામાં બનેલી હોલિવૂડની ફિલ્મોમાં એક્ટર્સ સતત ધૂમ્રપાન કરતાં જોવા મળતો. એની અસર ભારતીય ફિલ્મોમાં પણ જોવા મળી. હોલિવૂડના એક્ટર વિલન પ્રાઉની સિગારેટ પીવાની એક આગવી અદા હતી. તે સિગારેટનો કશ ખેંચીને રિંગ કાઢતા અને તે રિંગ સામે બેઠેલી હિરોઈનના ગળામાં પહેરાઈ જતી. હવે જાગૃતિ વધી છે. યુરોપ અમેરિકામાં પહેલાં જાગૃતિ આવી, ભારતમાં બહુ મોડી. પહેલાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સમાં પણ સિગારેટ પીવાની છૂટ હતી. હવે પ્રતિબંધ છે. પહેલાંના જમાનામાં ગામડાંઓમાં રઈશ લોકો ચાંદીનો હુક્કો રાખતા. બીડી પીતા. ચલમ પીતા. હવે ચલમ અને હુક્કાએ વિદાય લીધી છે, પણ બીડીનું જોર વધ્યું છે.
ધ્રૂમપાન એ જોખમી જ નહીં. પરંતુ જિંદગીનો જલદી અંત લાવનારી કુટેવ છે. ૫થી ૨૦ ટકા લોકો સિગારેટ પીવે છે. વસ્તીના ૪૦ ટકા લોકો બીડી પીવે છે. ૫૦ ટકા લોકો તમાકુનું સેવન કરે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ અનુસાર ભારતમાં તમાકુનું સેવન ૧૩થી ૧૫ વર્ષની વયના કિશોરો શરૂ કરી દે છે. તેમાં ૧૦.૩ ટકા છોકરાઓ હોય છે, જ્યારે ૯.૭ ટકા છોકરીઓ હોય છે.
ભારતમાં પ્રતિ વર્ષ ૯૦ હજાર લાખ સિગારેટ્સ વેચાય છે. તેમાંથી ૩૮૦૦ લાખ સિગારેટ્સ આયાત કરવામાં આવે છે. તેની સામે ૨૨૦૦૦ લાખ સિગારેટ્સની નિકાસ થાય છે. આ રીતે પ્રતિ વર્ષ ૬ લાખ મેટ્રિક ટન સિગારેટની ખપત થાય છે.
એક સર્વેક્ષણ અનુસાર ભારતમાં ૫૬ ટકા લોકો ધૂમ્રપાન કરે છે. તેમાંથી ૨૦ કરોડ લોકો નિયમિતરૂપે ધૂમ્રપાન કરે છે. ધૂમ્રપાન કરનારા લોકો પૈકી એક તૃતીયાંશ લોકોની વય ૨૫થી ૭૦ વર્ષની હોય છે.
`SMOKING KILLS’ એવું સિગારેટના પેકેટ પર સ્પષ્ટ લખવું કાનૂની અને ફરજિયાત છે. એ વાંચ્યા પછી પણ સિગારેટ પીનારા તેવી ચેતવણીની પરવા કર્યા વિના ધૂમ્રપાન કર્યે જાય છે. સિગારેટ પીવાથી સર્જનાત્મક વિચારો આવે છે અને ચિંતા તથા તણાવ દૂર થાય છે તેવી ગલત માન્યતા લોકો ધરાવે છે, પરંતુ ખરી વાત એ છે કે એ નિકોટીનનો પ્રભાવ છે. સતત ધૂમ્રપાન કરવાની ટેવ ધરાવતી વ્યક્તિ એટલી વ્યસની બની જાય છે કે ચોક્કસ સમયે તેનું શરીર નિકોટીનની માંગ ઊભી કરે છે અને માનવી વારંવાર ધૂમ્રપાન કરવાની ઈચ્છા સેવે છે, જે માનવ સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. સિગારેટની તમાકુમાં હજારો ખતરનાક રસાયણો છે. તેમાંથી કેટલાંક આર્સેનિક અને કેટલાંક કેન્સર પેદા કરનારાં છે. આ રસાયણોમાં રહેલાં તત્ત્વ હૃદયરોગનો હુમલો અને લકવો તથા બ્રેઈન સ્ટ્રોક પણ લાવી શકે છે. વિશ્વમાં ૨૦ કરોડ લોકો સિગારેટના ધૂમ્રપાનના કારણે બીમાર છે. તમાકુમાં કેન્સર પેદા કરનાર તત્ત્વ કેડિયમ છે. નિકોટીન પણ હૃદય માટે હાનિકારક છે. તેમાં રહેલો કાર્બન મોનોક્સાઈડ શરીરમાં ઓક્સિજનનો પ્રભાવ ઓછો કરી દે છે. તેના કારણે લોહીમાં હિમોગ્લોબીન ઘટી જઈ શકે છે.
આંકડા દર્શાવે છે કે એક દિવસમાં અંદાજે છ બીડી પીવાથી મૃત્યુનો ખતરો એક તૃતીયાંશ જેટલો વધી જઈ શકે છે. ત્યારે એટલી જ સિગારેટ પીનારાઓ માટે મૃત્યુની સંભાવના બે ગણી વધી શકે છે. આટલી બીડી પીવાથી માનવીની ઉંમર પાંચ વર્ષ ઘટી જઈ શકે છે, ત્યારે સિગારેટ પીનારાઓની ઉંમર ૧૦ વર્ષ ઘટી શકે છે.
જે સ્ત્રીઓ ધૂમ્રપાન કરે છે કે તમાકુનું સેવન કરે છે તેમની સંતાન પેદા કરવાની ક્ષમતા ઘટી જાય છે. ધૂમ્રપાન કરનારા પુરુષો ઝડપથી માથાના વાળ ગુમાવવા માંડે છે તથા હોર્મોનનું સંતુલન બગડી જાય છે. તેમને પેશાબની બીમારી થઈ શકે છે. ન્યૂરોસાયન્સ જર્નલના મત મુજબ ધૂમ્રપાન કરવાથી મગજમાં ક્રમશ: નિકોટીન જમા થતું રહે છે અને દિમાગ પર તેનો દુષ્પ્રભાવ પડે છે. ધૂમ્રપાન મગજને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે તેની સાથે સાથે ફેફસાંમાં, દાંત, મોં, ગળામાં પણ ગંભીર બીમારીઓ લાવે છે. ડાયાબિટીસના રોગીઓ માટે તો ધૂમ્રપાન સૌથી વધુ ખતરારૂપ છે. ધૂમ્રપાન ટીબી અને કેન્સર સર્જી શકે છે. ૫૦ ટકા કેન્સર માત્ર ધૂમ્રપાનના કારણે થાય છે. તમાકુના સેવનના કારણે પ્રતિ વર્ષ મગજ, ગળું, ફેફસાં અને ગાલના કેન્સરનો ભોગ બનતા લાખ્ખો લોકો મોતને ભેટે છે. મહિલાઓને લાગેવળગે છે ત્યાં સુધી તમાકુ સ્તન અને પેટમાં કેન્સર જેવી બીમારીઓ પેદા કરે છે. એક મોજણી અનુસાર દર વર્ષે પાંચ લાખ લોકો કેન્સરથી મૃત્યુ પામે છે, જ્યારે આઠ લાખ પ્રતિ વર્ષ નવા કેન્સરના રોગી બની જાય છે. એકમાત્ર ભારતમાં જ ધૂમ્રપાનના કારણે અસંખ્ય લોકો મોતને ભેટ છે. ધૂમ્રપાન ૩૮ ટકા ટીબીના, ૨૦ ટકા હૃદયરોગના તથા ૩૧ ટકા શ્વાસના દર્દીઓ પર દુષ્પ્રભાવ ઊભો કરે છે.
એક ચેતવણી એવી છે કે જો ભારતમાં ધૂમ્રપાનની સ્થિતિ આજે છે તેવી જ રહી તો આગામી થોડાં વર્ષોમાં પ્રતિ વર્ષ ધૂમ્રપાનથી મરવાવાળાઓની સંખ્યા ૧૦ લાખની થઈ જશે. આ આંકડા ચિંતાજનક છે. આ બાબતમાં એક મનોવૈજ્ઞાનિક પ્રશ્ન એ ઊભો થાય છે કે, છેવટે મનુષ્ય ધૂમ્રપાનનો વ્યસની કેમ બની જાય છે? કયા કારણથી એ ધૂમ્રપાન છોડી શકતો નથી? આ અંગે મનોવૈજ્ઞાનિકો કહે છે: ક્યારેક તો ધૂમ્રપાન કરવા માટે કોઈ જ કારણ હોતું નથી. ખરાબ સોબતના કારણે જ ધૂમ્રપાન કરવાની શરૂઆત થાય છે. ક્યારેક દેખાદેખીથી સિગારેટ પીવાની શરૂઆત થાય છે. કેટલીકવાર મિત્રોના આગ્રહને માન આપવા સિગારેટ પીવાનો આરંભ થાય છે. ધીમે ધીમે તે ટેવમાં બદલાઈ જાય છે.
બદલાતા સમયની સૌથી મોટી ખતરનાક વાત એ છે કે મોટાં શહેરોમાં અંગ્રેજી માધ્યમની શાળાઓમાં આવતા ઉચ્ચ વર્ગનાં કેટલાંક સંતાનો પણ હવે ધૂમ્રપાન કરતાં દેખાય છે. માત્ર શોખના કારણે એની શરૂઆત થાય છે. ધીમે ધીમે એ વ્યસન બની જાય છે. બાળકોને ધૂમ્રપાનથી થતા નુકસાન અંગે શિક્ષણ અને સમજ આપવાની તથા ધૂમ્રપાનની ખરાબ ટેવ ધરાવતાં બાળકોને શોધી તેમનાં માતા-પિતાને વાકેફ કરી સમજાવટથી તેમની આ ટેવ દૂર કરાવવાની જરૂર હોય છે. મારવાથી કે શિક્ષા કરવાથી બાળકમાં ઊંધી પ્રતિક્રિયા જન્મે છે. ધૂમ્રપાન કરતાં બાળકોને સમજ આપવાના બદલે શિક્ષા કરવાથી તેઓ બળવાખોર બની જઈ શકે છે.
ઘણા લોકો માને છે કે સિગારેટ પીવાથી ચિંતા દૂર થાય છે, રિલેક્સ થઈ જવાય છે અને મૂડમાં આવી શકાય છે, પરંતુ આ માન્યતા ખોટી છે. `હર ફિક્ર કો ધુંએ મેં ઉડાતા ચલા ગયા’ એ ગીત ફિલ્મમાં ઠીક છે, પરંતુ વાસ્તવમાં સિગારેટનો ધુમાડો જીવલેણ સાબિત થઈ શકે છે. સિગારેટનો ધુમાડો જિંદગીમાં આનંદ લાવવાના બદલે વહેલું મોત લાવી શકે છે.
ફેંસલો તમારે કરવાનો છે.
હવે ટોબેકો ઉદ્યોગ વિશ્વમાં કેવો છે તે જોઈએ.
ટોબેકો-સિગારેટ ઉત્પાદનનું વિશ્વવ્યાપી માર્કેટ ૨૦૨૫માં ૯૮૮.૪ બિલિયન ડોલર જેટલી રેવન્યુ પેદા કરનારું હશે. ટોબેકો ઈન્ડસ્ટ્રીનો એન્યુઅલ ગ્રોથ ૨.૫૭ ટકા જેટલો છે. નોંધપાત્ર વાત એ છે કે અમેરિકા અમેરિકાના માર્કેટના વિવિધ સેગ્મેન્ટમાં ટોબેકો ઉદ્યોગ સૌથી મોટો હિસ્સો ધરાવે છે. હવે વિશ્વના સ્તરે જોઈએ તો ચીન ટોબેકો ઉત્પાદનમાં સૌથી વધુ રેવન્યુ જનરેટ કરતો દેશ છે.
ગ્લોબલ ટોબેકો ઈન્ડસ્ટ્રીના આંકડા જાણવા જેવા છે. વિશ્વભરમાં પ્રતિ વર્ષ ૬૦ બિલિયન મેટ્રિક ટન ટોબેકોનું ઉત્પાદન થાય છે. એ બધામાં ચીન મોખરે છે. તે પછી બ્રાઝિલ અને ભારત આવે છે. વિશ્વમાં ટોબેકોનું ઉત્પાદન કરતી જાણીતી કંપની ફિલિપ મોરિસ ઈન્ટરનેશનલ છે. અમેરિકાની આ કંપની વર્ષે દહાડે ૩૫.૭ બિલિયન અમેરિકન ડોલરની સિગારેટ્સનું વેચાણ કરે છે.
૨૦૨૨ની સાલમાં ગ્લોબલ ટોબેકો પ્રોડક્ટ ૯૧૨ બિલિયન ડોલરની હતી. અમેરિકા સહિત બીજા અનેક દેશોમાં સરકારો માટે પણ ટોબેકો ઈન્ડસ્ટ્રી મોટી ટેક્સ રેવન્યુ વિપુલ પ્રમાણમાં કમાવી આપે છે. એ ટોબેકો ઈન્ડસ્ટ્રીઝમાં ચીન મોખરાનું સ્થાન ધરાવે છે. ૨૦૨૧ના વર્ષમાં સૌથી વધુ ટોબેકો ઉત્પાદનમાં પ્રથમ નંબરે ચીન પછી અનુક્રમે ભારત, બ્રાઝિલ અને ઈન્ડોનેશિયા આવતા હતા. એ જ અમેરિકામાં નોર્થ કેરોલિના કેન્ટકી એ બે સ્ટેટ્સ ટોબેકો ઉત્પાદનમાં સહુથી મોખરે હતાં.
ટોબેકો ઉત્પાદન કરતી કંપનીઓએ ૨૦૨૨માં ૮.૬ બિલિયન ડોલર ટોબેકોના પ્રચાર માટે ખર્ચ્યા હતા. એટલે કે દર એક કલાકે એક મિલિયન ડોલર.
બીજી નોંધપાત્ર વાત એ છે કે ૨૦૧૫થી ૨૦૨૧માં અમેરિકામાં સિગારેટ્સનું ઉત્પાદન ૨૭ ટકા જેટલું ઘટ્યું હતું. એટલે કે ૧૨.૫ બિલિયન પેકેટ્સથી ઘટીને ૯.૧ બિલિયન થઈ ગયું હતું.
અમેરિકાની જે જાણીતી કંપનીઓ સ્મોકલેસ સિગારેટ્સનું વેચાણ કરે છે. તેમાં (૧) અસ્ટ્રિયા ગ્રૂપ, (૨) નોર્થ એટલાન્ટિક ટ્રેડિંગ (૩) રેનોલ્ડ્સ અમેરિકન (૪) સ્વીડિશ મેચ અને (૫) સ્પિશર ઈન્ટરનેશનલ ગ્રૂપનો સમાવેશ થાય છે.
હવે ઈ-સિગારેટ્સની વાત. ૨૦૧૭ જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૨ સુધીમાં અમેરિકામાં ઈ-સિગારેટ્સનું વેચાણ ૭૫ મિલિયન ડોલરથી વધીને ૪૬૯ મિલિયન ડોલર સુધી પહોંચ્યું હતું.
૨૦૨૩માં ટોબેકો માર્કેટ ૮૭૨ અમેરિકન ડોલરનું હતું તે વધીને ૨૦૩૨માં ૧૧૫૭.૮ બિલિયન ડોલર થવા સંભવ છે.
ચિંતાનો વિષય એ છે કે સિગારેટ્સના દરેક પેક પર ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એવી ચેતવણી લખવામાં આવે છે છતાં સિગારેટનું વ્યસન ધરાવનારાઓ પર તેની કોઈ જ અસર થતી નથી. કેટલાક લોકોની માનસિકતા જ એવી છે કે ખુશ હોવ તો પણ સિગારેટ પીઓ અને ચિંતામાં હો તો પણ સિગારેટ કે બીડી પીઓ. કોરોના કાળ વખતે તો દુકાનો બંધ હોવાથી સિગારેટ મળતી નહોતી અને સપ્લાય બંધ હોવાથી કેટલાક સિગારેટ્સના કાળા બજાર કરતા હતા.
એ તો ઠીક, પણ અાજકાલ છોકરીઓમાં પણ સિગારેટની આદત હોવાનું ક્યાંક ક્યાંક દેખાઈ રહ્યું છે. અલબત્ત, તેનું પ્રમાણ નહીંવત્ છે, પણ એક ગુજરાતી છોકરી સ્કૂટર પર બેસીને તેના બોયફ્રેન્ડ સાથે સિગારેટ પીતી હોય તો એ દૃશ્ય વરવું લાગે છે.
વિશ્વના સંખ્યાબંધ દેશો ટોબેકોના વ્યસન સામે ઝુંબેશ ચલાવી રહ્યા છે અને ટોબેકો પ્રીવેન્શનના પ્રચાર પાછળ બિલિયન્સ ડોલર ખર્ચી રહ્યા છે, પરંતુ તેનો કોઈ અર્થ સરતો નથી. અમેરિકાનાં કેટલાંક રાજ્યો ધૂમ્રપાન વિરોધી ઝુંબેશ માટે મોટી રકમ ખર્ચી રહ્યા છે, પરંતુ કેટલાંક રાજ્યોને સિગારેટ્સના વેચાણમાંથી મળતી ટેક્સ રેવન્યુમાં જ વધુ રસ છે. પરિણામ એ પણ આવે છે કે ધૂમ્રપાનથી થતી બીમારી પાછળ પણ અમેરિકાનાં રાજ્યોએ મોટી રકમ ખર્ચવી પડે છે. સિગારેટ સ્મોકિંગના કેટલાક બંધાણીઓ તો વિમાનના ટોઈલેટ્સમાં જઈને પણ સિગારેટ પી લે છે અને પકડાઈ પણ જાય છે.
આ હવે અટકવું જોઈએ નહીંતર આવનારાં વર્ષોમાં ધૂમ્રપાનથી મરનારાંઓનો આંકડો ક્યાંય પહોંચી જશે.

Be Sociable, Share!