Close

લીસા બોલી: `ડેડ, આજે મારી પાસે તમારી સાથે વાતો કરવાનો સમય નથી. ફરી કોઈવાર લાંબી વાતો કરીશું.’

કભી કભી | Comments Off on લીસા બોલી: `ડેડ, આજે મારી પાસે તમારી સાથે વાતો કરવાનો સમય નથી. ફરી કોઈવાર લાંબી વાતો કરીશું.’
આજે `ફાધર્સ ડે’ છે.
કહેવાય છે કે માતાની તેનાં સંતાનો પ્રત્યેની લાગણી નિહાળી શકાય છે, પરંતુ પિતાની તેમના પુત્ર કે પુત્રી પ્રત્યેની લાગણી અદૃશ્ય હોય છે. પિતાની લાગણીઓ શબ્દોમાં નીતરતી હોતી નથી. પિતાની પુત્ર પ્રત્યેની લાગણીનું શ્રેષ્ઠ ઉદાહરણ દશરથ રાજા છે. કૈકેયીએ માંગેલા વરદાનના કારણે ભગવાન શ્રીરામને વનમાં જવું પડ્યું હતું અને પુત્રના વિરહ અને આઘાતથી દશરથ રાજાએ પ્રાણ ત્યજી દીધા હતા.
આજે `ફાધર્સ ડે’ નિમિત્તે કેટલીક સત્ય અને સંવેદનશીલ સત્યઘટનાઓ અહીં પ્રસ્તુત છે.
લીસા
લીસા એક અમેરિકન યુવતી છે. તેની કથા તેના જ શબ્દોમાં વાંચો:
`એ વખતે હું ખૂબ જ નાની હતી. મને યાદ છે કે મારા પિતા કંઈક રિપેરિંગ કરતા હતા. એ વખતે તેઓ મને એક હથોડી પકડી રાખવાનું કહેતા હતા, પરંતુ મારી પાસે સમય નહોતો એટલે હું ઈન્કાર કરી દેતી હતી.’
મારા પિતા કદીયે શરાબ પીતા નહોતા. બારમાં પણ જતા નહોતા. અમને પણ રાત્રે કોઈ પણ દિવસે બહાર લઈ જતા નહોતા. તેઓ બહુ કામમાં રહેતા અને એ બધું તેઓ અમારા ફેમિલી માટે કરતા હતા.
હું મોટી થઈ અને હવે કોલેજમાં ગઈ. હું દૂરના એક શહેરમાં કોલેજની હોસ્ટેલમાં રહી. દર રવિવારે નિયમિતપણે તેઓ મને ફોન કરતા હતા.
કેટલાંક વર્ષો બાદ મેં મારું અલગ ઘર ખરીદ્યું. બહાર સખત ગરમી હોવા છતાં મારા પિતાએ મારા ઘરને પેઈન્ટ કરી આપ્યું. મારા ઘરને પેઈન્ટ કરતી વખતે તેઓ મને માત્ર પેઈન્ટનો ડબ્બો પકડી રાખવાનું કહેતા હતા. એ ડબ્બામાં બ્રશને બોળીને તેઓ ઘરને રંગતા હતા, પરંતુ મારી પાસે બીજાં કામ બહુ હોઈ તેમની સાથે વાતચીત કરવાનો સમય મારી પાસે નહોતો. એમને તો મારી સાથે વાતો કરવાનો જ સમય જોઈતો હતો.
સમય વીતતો ગયો.
હું મોટી થઈ ગઈ. લગ્ન પછી હું દૂરના એક શહેરમાં રહેવા જતી રહી. એ પછી લગભગ ચાર વર્ષ બાદ પિતા મને મળવા આવ્યા હતા. એ વખતે મારાં લગ્ન થઈ ગયાં હતાં. મારે એક નાનકડી પુત્રી હતી. મારા પિતાએ મારા ઘેર આવીને મારી દીકરી માટે એક હીંચકો પણ ફિટ કરી આપ્યો હતો. એ પછી તેમણે મને એક કપ ચા લાવવા અને તેમની સાથે બેસીને વાતો કરવા કહ્યું, પરંતુ મારી પાસે સમય નહોતો. મારે એક ટ્રિપમાં જવાનું હતું. એ વીકએન્ડ ટ્રિપ હતી. એથી મારી પાસે મારા ડેડ સાથે બેસીને વાતો કરવાનો સમય નહોતો.
અને તેઓ એમના ઘરે જતા રહ્યા, પરંતુ દર રવિવારે સવારે મને ફોન કરવાનું કદી ચૂકતા નહીં. એ વખતે મારી પાસે બહુ સમય ન હોઈ હું ટૂંકી જ વાત કરી લેતી અને કહેતી: `ડેડ, આજે મારી પાસે સમય નથી. ફરીથી કોઈવાર લાંબી વાતો કરીશું!’
આમ, અમારી વચ્ચે ટૂંકમાં જ વાતચીતનો સિલસિલો રહેતો.
એક દિવસ મારા પર એક ફોનકોલ આવ્યો: `લીસા, તમારા ડેડ હોસ્પિટલમાં છે, તમે જલદી હોસ્પિટલ આવો.’
મારું શહેર મારા પિતાના શહેર કરતાં દૂર હતું. મેં તાત્કાલિક ફ્લાઈટ્સની ટિકિટ કરાવી અને પ્લેનમાં બેસી ગઈ. પ્લેનમાં હું એ બધું જ યાદ કરતી રહી કે મારા પિતાએ મારી સાથે અનેક વાર કોઈ ને કોઈ બહાને મારી સાથે વાતો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મેં તેમની સાથે નિરાંતે કદી વાતચીત કરી નહીં.
હું હોસ્પિટલ પહોંચી, પરંતુ એ પહેલાં મારા ડેડનું અવસાન થઈ ચૂક્યું હતું. હવે તેમની આંખો બંધ હતી. હોઠ બંધ હતા. આજે મારી પાસે તેમની સાથે વાતો કરવાનો સમય હતો, પરંતુ હવે તેમની પાસે મારી સાથે વાતો કરવાનો સમય નહોતો. આજે હું પસ્તાઉં છું. મારા પિતા એક પરિશ્રમી અને કર્મઠ વ્યક્તિ હતા. અમારા માટે એમણે જિંદગીભર પરિશ્રમ કર્યો. તેમની પાસે અમારા માટે કોઈ ને કોઈ વિચારો અને સ્વપ્ન હતાં, પણ હવે એમના હોઠ બંધ હતા. પિતાની અંતિમ ક્રિયા બાદ હું પિતાના ઘરે ગઈ. તેમના કબાટમાંથી મળેલી અંગત ડાયરી મેં વાંચી. એ ડાયરીમાં પિતાએ લખ્યું હતું કે `મારી દીકરી મારી સાથે બેસીને વાત કરે એટલે હું કોઈ ને કોઈ રીતે તેને મારી પાસે બોલાવતો હતો, પરંતુ મારી દીકરી મારી લાગણી કદી ન સમજી, પરંતુ મારી દીકરી મને ખૂબ વહાલી છે. આઈ લવ યુ, લીસા – યૉર ડેડ.’ મારા પિતાની આ નાનકડી અભીપ્સા પણ હું પૂરી ન કરી શકી. આજે હું પસ્તાઉં છું. મારે પિતાની માફી માંગવી છે, પરંતુ તેઓ હવે મારી વાત સાંભળવા હયાત નથી. સૉરી ડેડ.
મારા ડેડના અવસાન પછી જ મેં મારા ડેડના પરિશ્રમ અને પરિવારની ચિંતાઓ વિશે વધુ જાણ્યું. તેમણે અમારા માટે ઘણું દુ:ખ વેઠ્યું હતું. એ બધાના બદલામાં તેમણે મારી પાસે વાતચીત કરવાનો સમય જ માંગ્યો હતો, જે મેં તેમને કદી ન આપ્યો. હવે તેઓ મને રોજ યાદ આવે છે. હું મારા પિતાની નાની માંગણી પણ ન સમજી શકી.
આજે હું પસ્તાઈ રહી છું.
અને આ વાત કરતાં કરતાં લીસા રડી પડે છે.
– લીસા
અને હવે બીજી એક લીસાની વાત.
લીસા એક અમેરિકન પરિવારની નાનકડી પુત્રી છે. એ સમય ક્રિસમસનો હતો. નાનકડી લીસા ક્રિસમસ અંગે તૈયારીઓ કરી રહી હતી. ક્રિસમસમાં ઘરમાં મૂકવામાં આવતા ક્રિસમસ ટ્રીની નીચે મૂકવા માટે એ દીકરી એક નાનકડા બોક્સને સુવર્ણ રંગના ચમકતા પેપરથી વીંટાળી રહી હતી, જેથી એ નાનકડું બોક્સ પણ ક્રિસમસ ટ્રીની નીચે સુંદર લાગે અને તે બોક્સ પિતાને ભેટ આપે. એ દિવસોમાં એના ઘરની આર્થિક પરિસ્થિતિ સંકડામણ અનુભવતી હતી. દરેક બાબતમાં કરકસર કરવામાં આવતી હતી.
નાનકડી લીસાએ પિતાને સુંદર પણ કીમતી સોનેરી પેપરથી વીંટાળેલું બોક્સ પિતાને ભેટ આપ્યું. એ બોલી: `ડેડ, મેં શણગારેલું આ બોક્સ તમારા માટે છે.’
પિતાએ બોક્સ ખોલ્યું. બોક્સ ખાલી હતું. પિતા ગુસ્સે થઈ ગયા અને તાડૂક્યા: `તને ખબર નથી કે આપણે જ્યારે પણ કોઈને કોઈ ગિફ્ટ બોક્સ આપીએ છીએ ત્યારે તેમાં કંઈક હોવું જોઈએ. તેં મને આપેલું બોક્સ તો સાવ ખાલી છે.’
પિતાએ દીકરીને ખૂબ ખખડાવી નાંખી, તે રડવા લાગી. રડતાં રડતાં નાનકડી દીકરી બોલી: `ડેડ, મેં તમને આપેલું બોક્સ ખાલી નથી. મેં તમારા માટે મારી ચૂમીઓથી અનેક પપીઓ-કિસથી એ ભરેલું છે. એમાં મેં ભરેલી તમામ પપીઓ તમારા માટે છે.’
અને પિતા સ્તબ્ધ થઈ ગયા અને ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયા. નાનકડી દીકરીના ખભા પર હાથ મૂકી તેમણે દીકરીને પોતાની પાસે ખેંચી લીધી અને દીકરી પાસે ક્ષમા માંગી રહ્યા.
આ ઘટનાના ઘણાં વર્ષો બાદ પણ લીસાના પિતાએ દીકરીએ ભેટ આપેલું નાનકડું બોક્સ પોતાના શયનખંડમાં તેમના પલંગની બાજુમાં જ રાખ્યું. લીસા તો મોટી થઈને પરણીને જતી રહી, પરંતુ જ્યારે જ્યારે તેઓ એકાકીપણું કે ઉદાસીનતામાં સરી જતા ત્યારે ત્યારે તેઓ લીસાએ આપેલું એ બોક્સ ખોલતા અને તેમની નાનકડી દીકરીએ આપેલા પ્રેમને યાદ કરી તેઓ રાહત અનુભવતા.
આવી હોય છે નાનકડાં બાળકોની લાગણીઓ. એમની ફીલિંગ્સ રજૂ કરવાની તેમની આગવી શૈલી હોય છે. બાળકોનો તેમનાં માતા-પિતા માટેનો પ્રેમ બિનશરતી હોય છે. માત્ર બાળકોનો જ નહીં, પરંતુ પરિવારના તમામ સભ્યોનો અને ઇશ્વરનો પણ આપણા પ્રત્યેનો પ્રેમ બિનશરતી હોય છે. લીસાનું એક બોક્સ એક કીમતી ચીજ હતી.
બાળકોને ચાહો અને બાળકોની લાગણીઓને સમજો. ભૌતિક ભેટ કરતાં બાળકોની પ્રેમભરી ચૂમી-કિસ અમૂલ્ય છે. એના જેવી કીમતી ચીજ આ દુનિયામાં બીજી કોઈ નથી.
જેમ્સ
હવે એક બીજી ટચૂકડી પ્રેરકકથા વાંચો. આ કથા પણ અમેરિકાના જ એક પરિવારની છે.
જેમ્સ એ વખતે કૉલેજમાં ભણતો હતો. એને બચપણથી જ મોટરકારો બહુ ગમતી હતી. તે બજારમાં જતો અને મોટરકારોના શૉ-રૂમ આગળ જઈ ઊભો રહેતો. એક શૉ-રૂમના ગ્લાસમાંથી એણે એક સ્પોર્ટ્સ કાર જોઈ. એને એ કાર બહુ જ ગમી ગઈ. એણે અંદર જઈ કારની કિંમતની પૂછપરછ કરી. એ સમજી ગયો કે આ કાર બહુ જ મોંઘી છે પરંતુ તેના પિતા માટે એ કાર ખરીદીને તેને ભેટ આપવી બહુ મુશ્કેલ વાત નહોતી. આમ છતાં એ કારનું બ્રોશર પિતાને આપતાં જેમ્સ બોલ્યો: `ડેડ, આ સ્પોર્ટ્સ કાર મોંઘી છે એટલે અત્યારે નહીં તો છેવટે હું ગ્રેજ્યુએટ થઈ જાઉં ત્યારે તમે તે કાર ખરીદીને ભેટ આપજો.’
પિતા મૌન રહ્યા અને એ દિવસ પણ આવી ગયો જ્યારે જેમ્સ ગ્રેજ્યુએટ થઈ ગયો અને પિતા બિઝનેસ કરતા હતા. સુખી હતા. જેમ્સ ગ્રેજ્યુએટ થતાં એના પિતાએ જેમ્સને તેમની પ્રાઈવેટ ઑફિસમાં બોલાવ્યો અને કહ્યું: `જેમ્સ, મને તારા જેવો પુત્ર મળ્યો તેથી હું ખુશ છું અને મને આ વાતનો ગર્વ પણ છે. તું ગ્રેજ્યુએટ થયો તેની ખુશીમાં હું તને કંઈક ગિફ્ટ આપવા માગું છું.’
એમ કહી પિતાએ જેમ્સને એક સુંદર ચમકતા પેપરથી વીંટાળેલું બોક્સ ભેટ આપ્યું. જેમ્સને નિરાશા થઈ, કારણ કે તેને કારના બદલે એક બોક્સ જ ભેટ મળ્યું હતું. આમ છતાં કુતૂહલતાથી એણે બોક્સ ખોલ્યું. એણે જોયું તો બોક્સમાં પિતાએ `પવિત્ર બાઈબલ’ ભેટ આપ્યું હતું. એ બાઈબલ પણ લેધરકવરથી વીંટાળેલું હતું.
જેમ્સ નિરાશ થઈ ગયો. એનાથી ન રહેવાયું અને તે બોલ્યો: `ડેડ, તમે આટલા ધનવાન છો અને તમે મને માત્ર `પવિત્ર બાઇબલ’ જ આપ્યું ?’
એમ કહી જેમ્સે પિતાનું ઘર છોડી દીધું. ગુસ્સામાં તે ઘર છોડીને ક્યાંય જતો રહ્યો. એ પછી તે તેના પિતાને કદી મળ્યો નહીં.
આ વાતને વર્ષો થયાં.
જેમ્સે પોતાની રીતે પોતાની જિંદગી અને કારકિર્દી બનાવી. તે એક સફળ બિઝનેસમેન બન્યો. એણે મનપસંદ યુવતી સાથે લગ્ન પણ કરી લીધાં. એ બે સંતાનોનો પિતા પણ બન્યો. આખોયે પરિવાર એક સુંદર અને આલિશાન મકાનમાં રહેવા લાગ્યો, પરંતુ જેમ્સ હજુ તેના પિતાએ તેને સ્પોર્ટ્સ કારની ગિફ્ટ આપવાના બદલે માત્ર બાઈબલ જ આપ્યું હતું તે વાત હજુ તે ભૂલ્યો નહોતો. છતાં અંદરથી પિતાને યાદ કરતો રહ્યો. જોકે, એ દિવસ પછી તે એના પિતાને કદી મળ્યો નહોતો.
એક દિવસ તેને કોઈનો પત્ર આવ્યો. તેના પિતાના મૃત્યુના સમાચાર મળ્યા. એમાં લખ્યું હતું: `જેમ્સ તારા પિતા હવે રહ્યાં નથી.’
એને પિતાની મિલકત મળે તેમાં રસ હતો. વસિયતનામા પ્રમાણે તે તેના પિતાની તમામ મિલકતનો વારસદાર હતો. એ વાતની ખબર પડતાં તે તેના પિતાને ઘેર પહોંચ્યો. બાદ જેમ્સે પિતાના ઘરનાં તમામ કબાટ ખોલી તેમાં રહેલા મહત્ત્વના દસ્તાવેજો અને કાગળો તપાસવા માંડ્યો. એટલામાં એક કબાટમાંથી તેને એ જ `પવિત્ર બાઈબલ’ મળી આવ્યું જે તેના પિતાએ તેને ગ્રેજ્યુએશનના દિવસે ભેટ આપ્યું હતું. એ બાઈબલ જેમ્સે કદી ખોલ્યું જ નહોતું. તે હજુયે લેધર અને સુવર્ણપેપરથી વીંટાળેલું હતું. એ ઘટના યાદ આવી જતાં એ દુઃખી થઈ ગયો કે મેં મારા પિતાની લાગણીને ઠેસ પહોંચાડી હતી. એ પછી આંખમાં આંસુ સાથે એણે બાઈબલ પર વીંટાળેલું રેપર ખોલ્યું અને એ બાઈબલમાં જ તેની નીચે મૂકેલી કારની એક ચાવી નીચે સરી પડી. જેમ્સને ખ્યાલ આવી ગયો કે આ એ જ સ્પોર્ટ્સ કારની ચાવી છે, જેની તેણે પિતા પાસે ગિફ્ટ તરીકે માગણી કરી હતી. કારની ચાવી સાથે કારનું ટેગ પણ હતું અને તે કાર ક્યારે ખરીદવામાં આવી તેની તારીખ પણ લખેલી હતી. પિતાએ જેમ્સ માટે એના ગ્રેજ્યુએશનના દિવસે જ કાર ખરીદીને તેની ચાવી બાઈબલની સાથે જ એ બોક્સમાં મૂકેલ હતી. એ કારના ટેગમાં લખવામાં આવેલું હતું કે, Paid in full એટલે કે કારની કિંમત ચૂકવાઈ ગઈ છે.
જેમ્સ હવે નિ:શબ્દ હતો. સ્તબ્ધ હતો. આઘાતમાં હતો. પિતાને તે ન સમજી શક્યો તે વ્યથાથી તે આઘાતમાં હતો.
સંતાનો પણ પિતાની લાગણીઓને સમજે.
એક ઉક્તિ છે, `કોઈ પણ માણસ બાપ’ બની શકે છે, પરંતુ `ડેડી’ બનવા માટે ખાસ વ્યક્તિ બનવું પડે છે. બીજી ઉક્તિ છે: `દરેક પિતાએ એક વાત યાદ રાખવી જોઈએ કે એક દિવસ તેમનો દીકરો તેમની સલાહને નહીં, પરંતુ તેમના દૃષ્ટાંતરૂપ જીવનને અનુસરશે.’
—————————————————-

Be Sociable, Share!