અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું પ્લેન વિમાનના રનવે પરથી ટેક ઓફ થતાં જ થોડીક જ મિનિટોમાં મેઘાણીનગરના રહેઠાણ વિસ્તારમાં તૂટી પડ્યું. પ્લેન ક્રેશની આ ઘટનાના કારણે વિમાનમાં મુસાફરી કરી રહેલા ઉતારુઓ અને મેઘાણીનગરમાં આવેલી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની હોસ્ટેલના ૪૦ ઈન્ટર્ન ડોક્ટરો સહિત મેસની સ્ટાફના કુલ ૨૮૦થી વધુનાં કરુણ મોત નીપજ્યાં. આ વિમાનમાં મુસાફરી કરી રહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ મૃત્યુ નીપજ્યું.આ કરુણ ઘટનાથી માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશ શોકમાં ગરકાવ થઈ ગયો. આ અગાઉ ૧૯૮૮માં પણ મુંબઈથી અમદાવાદ આવી રહેલું ઉતારું વિમાન અમદાવાદના વિમાની મથકે ઉતરાણ વખતે તૂટી પડ્યું હતું. એ દુર્ઘટના વખતે એકમાત્ર ગુજરાત વિદ્યાપીઠના કુલસચિવ વિનોદ ત્રિપાઠી જ બચી ગયા હતા. આ વખતે પણ ટેક ઓફ વખતે તૂટી પડેલા એર ઈન્ડિયાના વિમાનમાં મુસાફરી કરી રહેલ એક જ ઉતારુ બચી ગયો.
આ દુર્ઘટના બાદ ફરી એકવાર એર ઈન્ડિયાનાં વિમાનો સુરક્ષાની દૃષ્ટિએ વિવાદમાં આવ્યાં છે. અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન (AI-171) તૂટી પડ્યું. તે ૧૧ વર્ષ જૂનું હતું. એર ઈન્ડિયાનાં વિમાનોમાં મુસાફરી કરવી તે જોખમી બનતી જાય છે. કેટલાંક વિમાનો ખખડધજ બની ગયાં છે. અંદરની સર્વિસ પણ રેઢિયાળ થતી જાય છે, પરંતુ લોકો એર ઈન્ડિયામાં મુસાફરી કરે છે, કારણ કે તેમાં પીરસાતું ભોજન ભારતીયોને પસંદ છે. એર ઈન્ડિયા આજે પણ વર્ષો જૂના એરક્રાફ્ટનો ઉપયોગ કરે છે. કહેવાય છે કે અમદાવાદમાં જે વિમાન તૂટી પડ્યું તે ટેક ઓફ સાથે જ ટેક્નિકલ ખામીનો ભોગ બન્યું હતું. ટેક ઓફ બાદ એક એન્જિન બંધ થઈ જતાં બીજા એન્જિને સપોર્ટ ન કર્યો તેવું કારણ આપવામાં આવે છે. બીજું કારણ એવું આપવામાં આવે છે કે વિમાન ટેક ઓફ કરે ત્યારે તેનાં ટાયર અંદર સંકેલી લેવામાં આવે છે, પરંતુ પાયલટે વિમાનનાં ટાયરોને અંદર લેવાના બદલે તેની પાંખો અંદર સંકેલી લેવાની ભૂલ કરી. બીજા એન્જિને સપોર્ટ કર્યો નહીં તે કારણે વિમાને જરૂર ઊંચાઈ હાંસલ કરી નહીં અને વિમાન નીચે આવી તૂટી ગયું. પ્લેનમાં એક લાખ લિટરથી વધુ બળતણ હતું અને અંદર ૨૪૨ જેટલા મુસાફરો હતા, તેથી વિમાનનું વજન પણ વધારે હતું. હવે તો વિમાનનું બ્લેક બોક્સ ખૂલશે ત્યારે જ સાચું કારણ જાણવા મળશે.
દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં આગલા દિવસે લંડનથી અમદાવાદ આવેલા એક મુસાફરે કહ્યું કે, `હું લંડનથી અમદાવાદ આવવા આ જ વિમાનમાં બેઠો હતો. ૮-૩૦ વાગે આ વિમાન ઊડવાનું હતું, પરંતુ સફાઈ અને ટેક્નિકલ ખામીના કારણે આ વિમાન એક કલાક મોડું ઊપડ્યું હતું.
છેલ્લા દાયકામાં દેશમાં અનેક મોટા વિમાની અકસ્માતો થયા છે. આ અનેક અકસ્માતોમાં કલિકટ, પટણા, ચરખી-દાદરી, ઔરંગાબાદ, ઈમ્ફાલ, બેંગલોર, અમદાવાદ, મુંબઈ અને મેંગલોર ખાતે થયેલા વિમાની અકસ્માતોનો સમાવેશ થાય છે. જેમાં એર ઈન્ડિયા ઉપરાંત બીજી પણ કેટલીક એરલાઈન્સનાં વિમાનોનો સમાવેશ થાય છે. એ બધા અકસ્માતોમાં ક્યાંક વિમાનની ટેક્નિકલ ખામી અને ક્યાંક પાઇલટની ભૂલ જવાબદાર હતી.’
હવે વિમાની અકસ્માતોના બે ફ્લેશબેક પર નજર નાંખીએ. ૨૦મી સદીમાં ગુમ થયેલાં ૮૦ વિમાનોનો પત્તો જ નથી.
કેટલાંક વર્ષો પહેલાંની વાત છે.
રાતના ૧.૧૯ વાગ્યા હતા. મલેશિયાના પાટનગર કુઆલાલમ્પુર એરપોર્ટથી બૈજિંગ જવા ઊપડેલા વિમાન MH 370ના કો-પાઈલટ ફારિક અબ્દુલ હમીદે કોકપીટમાંથી કહ્યું: `ગુડનાઈટ મલેશિયન થ્રી સેવન જીરો’ અને રડાર ટ્રાન્સપોન્ડર સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યું.
બસ, એ જ ક્ષણથી ૨૩૯ ઉતારુઓને કુઆલાલમ્પુરથી બૈજિંગ લઈ જતું મલેશિયન એરલાઈનનું વિમાન ગુમ છે. તેને શોધવા ૧૪ રાષ્ટ્રો, ૪૩ નૌકાજહાજો અને ૫૮ એર ક્રાફ્ટ્સની મથામણ બાદ આજ સુધી એનો પત્તો લાગ્યો નથી. આ વિમાનને શોધવા જે દેશો સામેલ હતા તેમાં કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગીસ્તાનથી માંડીને ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચીન, મ્યાનમાર, લાઓસ, વિયેતનામ, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયાથી માંડીને અમેરિકા સુધીના દેશોનો સમાવેશ થાય છે. આ ખોજ ગલ્ફ ઓફ થાઈલેન્ડથી માંડીને સાઉથ ચાઈના સમુદ્ર અને મલાક્કાથી માંડીને અંદામાન સુધીના સમુદ્રથી માંડીને અરબી સમુદ્રમાં સુધી પથરાયેલી હતી. છતાં ગુમ થયેલાં વિમાનનો કોઈ પત્તો કે ભાળ નથી. નથી તો વિમાનના અવશેષ મળ્યા કે નથી કોઈ માનવીનો મૃતદેહ. નથી તો પ્લેનના પેટ્રોલનો તરલ પદાર્થ મળ્યો કે નથી મળ્યું બ્લેક બોક્સ.
આવું પહેલીવાર નથી બન્યું. એવિએશનના ઈતિહાસમાં ૧૯૪૮ પછી આજ સુધીમાં ૮૦ વિમાનો ગુમ થઈ ચૂક્યાં છે, જેની ભાળ આજ સુધી મળી નથી. જોકે, તેની પણ પહેલાં ૧૯૩૭ની સાલમાં એમિલિયા ઈયરહાઈ નામની ૩૯ વર્ષની એમિલિયા એક નાનકડા વિમાન દ્વારા દરિયો ઓળંગી રહી હતી અને તેનું વિમાન અદૃશ્ય થઈ ગયું. આ વિમાનને શોધવા એ જમાનામાં અમેરિકાએ એક ડઝન નૌકાજહાજો, બોટ્સ અને વિમાનો પેસિફિક સમુદ્રમાં મોકલ્યાં હતાં, પરંતુ એ વિમાનના ગુમ થવાનું રહસ્ય કદી ન ઉકેલાયું. એ વિમાનને શોધવા ૪ મિલિયન ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને તા. ૧૯ જુલાઈ, ૧૯૩૯ના રોજ એ ખોજ પર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યું હતું. વાત કંઈક આમ હતી. તા. ૨ જુલાઈ, ૧૯૩૭ના રોજ મધ્યરાત્રિએ એમિલિયા અને ફેડ નૂનાને લેઈ એરપોર્ટથી ટેક ઓફ કર્યું. તેઓ હોલેન્ડ આઈલેન્ડ જવા માંગતાં હતાં. વહેલી સવારે ૭-૪૨ વાગ્યે એમિલિયાએ રેડિયો સંદેશ આપ્યો. `હવે અમે નજીક છીએ, પરંતુ ગેસ ખલાસ થવા આવ્યો છે. અમે ૧૦૦૦ ફૂટની ઊંચાઈ પર ઊડી રહ્યાં છીએ.’ તે પછી ૭-૫૮ વાગ્યે એમિલિયાએ રેડિયો મેસેજ પર કંટ્રોલ ટાવરને કહ્યું: `મને કંઈ સંભળાતું નથી, મોટેથી બોલો.’ હવે વોઈસ મેસેજ પહોંચતો નહોતો. ફ્રીક્વન્સી બદલી, પરંતુ એમિલિયા પ્લેનની દિશા નક્કી કરી શકતી નહોતી.
એ પછી એ નાનકડા વિમાનનો કંટ્રોલ ટાવર સાથેનો સંપર્ક તૂટી ગયો. કેટલાક કહે છે કે, વિમાનમાંથી બળતણ ખૂટી પડતાં એમિલિયા અને નૂનાન પ્લેનમાંથી કૂદી પડ્યાં હતાં. બીજી થિયરી એવી છે કે, એમિલિયા જાપાનીઓ પર જાસૂસી કરતી હતી અને તે કામ તે વખતના પ્રેસિડન્ટ રૂઝવેલ્ટે તેને સોપ્યું હતું. એ વિમાન દુર્ઘટનામાંથી તે બચી ગઈ હતી અને તે જાસૂસ હોઈ નામ બદલીને ન્યૂજર્સીમાં પાછળથી જીવન વિતાવી રહી. ૧૯૬૬માં અમેરિકાની ટેલિવિઝન કંપનીના પત્રકાર ફ્રેડ ગોર્નરે એક પુસ્તક પ્રગટ કર્યું હતું તેમાં તેણે એવો દાવો કર્યો કે, એમિલિયા અને નૂનાન પ્લેન તૂટી ગયા બાદ મરિના આઈલેન્ડ પર પકડાઈ ગયાં હતાં અને એ ટાપુ એ વખતે જાપાનીઓના કબજામાં હોઈ જાપાની સૈનિકોએ એમિલિયા અને નૂનાનની હત્યા કરી નાખી હતી. તે પછી ૨૦૦૯માં એમિલિયાના એક સંબંધીએ એવું વિધાન કર્યું હતું કે, `એમિલિયા અને નૂનાન પકડાઈ ગયાં બાદ જાપાનની કસ્ટડીમાં હતાં અને તેઓ કસ્ટડીમાં જ મૃત્યુ પામ્યાં. જાપાનીઓએ એમિલિયાના નાનકડા વિમાનને કાપી તેના ટુકડા કરી ભંગાર દરિયામાં ફેંકી દીધો હતો.’
આવાં તો બીજાં અનેક વિમાનો ગુમ થયેલાં છે, જેની ભાળ આજ સુધી મળી નથી. ૧૬ માર્ચ, ૧૯૬૨ના રોજ લોકહ્યુ એલ-૧૦૪૯ સુપર કોન્સ્ટેલેશન ટાઈગર વિમાન ફિલિપાઈન્સના ક્લાર્ક એરબેઝથી ઊપડ્યું હતું, જેમાં ૩૯ જેટલા અમેરિકન સૈનિકો હતા. એ વિમાન અચાનક ગુમ થઈ ગયું. એ વિમાનને શોધવા પેસિફિક મહાસાગર ખૂંદી વળ્યા બાદ પણ તેનો પત્તો આજ સુધી લાગ્યો નથી. તેનો ભંગાર કે માનવ મૃતદેહો પણ મળ્યા નથી.
એ પછી ૧૯૭૪માં ડગ્લાસ ડીસીએમ ટેમ-પર વિમાન સાન્તા રોમી એરપોર્ટથી લા પાઝ ખાતે જવા ઊપડ્યું તે અધવચ્ચે જ ગુમ થઈ ગયું. એ વિમાનમાં ૨૧ ઉતારુઓ હતા. વિમાન કે ઉતારુઓની આજ સુધી કોઈ ભાળ મળી નથી.
તા. ૧૭ નવેમ્બર, ૧૯૬૫ના રોજ ૬૮ ઉતારુઓને લઈ આર્જેન્ટિના સી-૫૪ વિમાન કોસ્ટારિકા જઈ રહ્યું હતું. અધવચ્ચે જ તેનાં સિગ્નલ્સ તૂટી ગયાં અને વિમાન ગુમ થઈ ગયું. વિમાનનો ભંગાર કે માનવ મૃતદેહો તો ન મળ્યા, પરંતુ ૨૫ જેટલી લાઈફ બોટ્સ મળી.
૨૦૦૩માં અમેરિકન એરલાઈન્સના વિમાન બોંઈગ ૭૨૭-૨૨૩એ એંગોલાના એરપોર્ટ પરથી ઉડાન ભરી તે વખતે તેની સાઈટો બંધ થઈ ગઈ હતી અને ટ્રાન્સપોન્ડર કામ કરતું નહોતું. આ વિમાન પણ ગુમ થઈ ગયું. એફબીઆઈ અને સીઆઈએએ તેની વિશ્વવ્યાપી ખોજ કરી, પણ તેનો કોઈ જ પત્તો લાગ્યો નહીં. તે વિમાન ક્યાં જતું રહ્યું તે આજે પણ એક રહસ્ય છે.
એ નોંધપાત્ર છે કે બર્મુડા ટ્રાયેંગલ પાસે આજ સુધીમાં ૧૦૦ જેટલાં વિમાનો અને સમુદ્રી જહાજો ગુમ થઈ ચૂક્યાં છે. આ ટ્રાયેંગલમાં દરિયામાં ગુમ થનારાં વિમાનો કે નૌકાજહાજોમાં મુસાફરી કરી રહેલા ૧૦૦૦ માણસો પણ ગુમ થઈ ગયા છે. ૧૯૪૫માં પાંચ અમેરિકન બોમ્બર વિમાનો તાલીમ માટે આ વિસ્તારમાં ઊડ્યાં હતાં અને એનો આજ સુધી કોઈ પત્તો નથી.
૧૯૪૮ અને ૧૯૪૯માં બે બ્રિટિશ સાઉથ અમેરિકન એરબેઝ વિમાનો પણ ઉતારુઓ સાથે ગુમ થઈ ગયાં. તેની ખોજ માટે અનેક સર્ચ મિશન મોકલવામાં આવ્યાં, પરંતુ પરિણામ શૂન્ય. તા. ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ બીએસએએ એવરો ટ્યૂડર ફાઈવ વિમાન ગુમ થઈ ગયું. જેની ભાળ આજ સુધી મળી નથી. તેમાં ૨૫ ઉતારુઓ અને છ ક્રૂ મેમ્બર્સ હતા. વિમાનનો ભંગાર કે મૃતદેહો પણ મળ્યા નથી.
તા. ૧૭ જાન્યુઆરી, ૧૯૪૯ના રોજ સ્ટાર એરિયલ વિમાને ૧૮૦૦૦ ફૂટની ઊંચાઈથી કંટ્રોલ ટાવરનો સંદેશો મોકલ્યો અને તે પછી વિમાન ગુમ થઈ ગયેલું, તેની ભાળ આજ સુધી મળી નથી.
૮ માર્ચ, ૨૦૧૪ના રોજ કુઆલાલમ્પુરથી મિગ ૩૭૦ વિમાને સવારે ૬-૩૦ વાગ્યે ટેક ઓફ કર્યું હતું અને તેમાં ૨૨૭ મુસાફરો તથા ૧૨ ક્રૂ મેમ્બર્સ હતા. વિમાન ઊપડવાના એક કલાક બાદ વિમાનનો કંટ્રોલરૂમ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. છેલ્લે છેલ્લે તે વિમાન મલેશિયાના પૂર્વ કિનારા પર આવેલા કોટાભારુ નગરથી ૧૨૦ નોટિકલ્સ માઈલ દૂર હતું, જેનો આજ સુધી પત્તો નથી.
મલેશિયન એરલાઈન્સના વિમાન મિગ ૩૭૦ સહિત બીજાં ૮૦ વિમાનો આજે પણ લાપતા છે. દુનિયા પાસે શ્રેષ્ઠ ટેક્નોલોજી હોવા છતાં એ વિમાનો ગુમ છે. તે ક્યાં છે તે એક રહસ્ય છે.
ફરી એકવાર અમદાવાદમાં તૂટી પડેલા વિમાનની વાત પર આવીએ. કહેવાય છે કે ટેક ઓફ થયાની થોડી જ મિનિટોમાં વિમાન નીચે આવવા લાગ્યું હતું. કેટલાક ક્રૂ મેમ્બરે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હશે, પરંતુ લેન્ડિંગ ગિયર બિલ્ડિંગની છત પર અથડાતાં ભીષણ અવાજ થયો. વિમાન બળતણથી ભરેલું હોઈ તેનું તાપમાન ૧૦૦૦ ડિગ્રી થઈ ગયું. આ કારણે એક પાંખ છૂટી પડી ગઈ અને બે જ મિનિટમાં ૯૦૦ મીટરમાં ફરી વળતા આસપાસ પણ ઘણું નુકસાન થયું.
અમદાવાદમાં તૂટી પડેલા વિમાનની ઘટના બાદ ડ્રીમ લાઈનર વિમાનોની સુરક્ષા અંગે હવે સવાલો પેદા કર્યા છે. આ વિમાનોમાં રહેલી ટેક્નિકલ ખામીઓ સોફ્ટવેર બગ્સ અને સુરક્ષા ચેતવણીઓનો લાંબો ઈતિહાસ રહ્યો છે. બોઈંગ ૭૮૭ ડ્રીમ લાઈનરને ભવિષ્યનું વિમાન ગણવામાં આવતું હતું. હળવું વજન, લાંબી રેન્જ અને આધુનિક ટેક્નિકના કારણે એવિએશનની દુનિયામાં તે ગેમ ચેન્જર મનાતું હતું, પરંતુ છેલ્લા કેટલાંક વર્ષોથી આ વિમાન ટેક્નિકલ ખામી, સોફ્ટવેર બગ્સ અને બેટરી ફેલ થવાની સમસ્યાઓનો ભોગ બન્યું હોવાનું કહેવાય છે.
આ અગાઉ પણ ઘણીવાર આ વિમાનોને ગ્રાઉન્ડ કરવાં પડ્યા હતાં, પરંતુ અમદાવાદમાં જે વિમાન તૂટી પડ્યું તેનું બ્લેક બોક્સ ખૂલશે ત્યારે જ અકસ્માતનું અસલી કારણ બહાર આવશે.
—————————— —————————— ———————-



