પાકિસ્તાને ભારતમાં મોકલેલા આતંકવાદીઓ દ્વારા પહલગામમાં ૨૬ જેટલા હિન્દુ પર્યટકોની હત્યા બાદ માત્ર પાકિસ્તાન જ નહીં, પણ ચીન પણ ઉઘાડું પડી ગયું છે. પહલગામની ઘટનાને માંડ એક જ મહિનો વીત્યો તેના થોડા દિવસ બાદ કંગાળ અને ભિખારી થઈ ગયેલા પાકિસ્તાનને ચીને ૩.૭ બિલિયન અમેરિકન ડોલરની કોમર્સિયલ લોન આપવાની જાહેરાત કરી દીધી. એ સિવાય બીજા ૬૦થી ૭૦ બિલિયન ડોલર પાકિસ્તાનના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટ માટે આપવાની ચીને પાકિસ્તાનને ખાતરી આપી છે.નોંધપાત્ર વાત એ છે કે ચીને પાકિસ્તાનમાં ૨૦૦૫થી ૨૦૨૪ સુધીમાં ૬૮ બિલિયન ડોલરનું મૂડીરોકાણ કર્યું છે. ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર પણ બની રહ્યો છે. વિશ્વમાં ચીનનું સૌથી મોટું મૂડીરોકાણ પાકિસ્તાનમાં છે.
ચીને કેટલાંક વર્ષો પહેલાં પાકિસ્તાનમાં ગ્વાદર પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. પાકિસ્તાનમાં ચીનનો ગ્વાદર-પ્રોજેક્ટ શું છે તે સમજવા જેવું છે.
`ગ્વાદર’ આમ તો પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં આવેલું માછીમારોનું નાનકડું ગામ હતું.
અરબી સમુદ્રના કાંઠે વસેલું `ગ્વાદર’ કરાચીથી ૪૬૦ કિલોમીટર દૂર છે. ઈરાનની સરહદથી માત્ર ૭૨ કિલોમીટર દૂર છે. પર્સિયન ગલ્ફ એનાથી સાવ નજીક છે. અહીંનો દરિયો ઘણો ઊંડો અને તેનાં પાણી હૂંફાળાં છે. કદીક તે પર્સિયન સામ્રાજ્યનો ભાગ હતું.` એલેક્ઝાન્ડર ધ ગ્રેટ’ પણ અહીંથી પસાર થયો હતો. એ `મકરાન’ના નામે પણ ઓળખાય છે. મોહંમદ બિન કાસીમે પણ તેના સૈનિકો સાથે ચઢાઈ કરી ગ્વાદર કબજે કર્યું હતું. એ પછી મોગલોએ તેની પર રાજ કર્યું. ત્યાર પછી પોર્ટુગીઝો આવ્યા. ઈ.સ. ૧૫૮૧માં તેમણે ગ્વાદરને સળગાવી દીધું. એ પછીની બે સદીઓથી તે બલોચી જાતિના શાસકો હેઠળ આવ્યું. મસ્કતના તૈમુરોએ પણ તેની પર આક્રમણ કર્યું. ક્રમશ: નગર બની ગયેલા ગ્વાદરનો કિલ્લો ઓમાનના આરબ શાસકોએ બનાવેલો છે. કોઈ જમાનામાં અહીં ગુલામોનો વેપાર થતો. ૧૯૫૮ સુધી તે ઓમાનનો ભાગ હતું, પરંતુ તા. ૮ સપ્ટેમ્બર, ૧૯૫૮ના રોજ ઓમાને ગ્વાદર પાકિસ્તાનને સોંપી દીધું. પાકિસ્તાને તેને બલુચિસ્તાનમાં ભેળવી દીધું.
ગ્વાદરમાં આજે બલુચી લોકો ઓછા અને ચીનાઓ વધુ દેખાય છે. ચીનનાં મોટાં મોટાં યંત્રો, બુલડોઝરો અને ક્રેઈન્સ અહીં એક મહાકાય બંદર બાંધી રહ્યાં છે. ચીન અબજો ડોલરના ખર્ચે પાકિસ્તાનને આ બંદર બનાવી આપી રહ્યું છે. ગ્વાદર પોર્ટ તૈયાર કરી આપવાનો પ્રોજેક્ટ `ટર્ન-કી-બેઝીસ’ પર પાકિસ્તાને ચીનને આપ્યો છે.
એ પછી પરવેઝ મુશર્રફની હાજરીમાં ચીનના નાયબ વડાપ્રધાન વુ બંગાઉએ પોર્ટનું શિલારોપણ કર્યું હતું. ૨૦૦૭ની સાલમાં પાકિસ્તાનના એ વખતના પ્રેસિડન્ટ પરવેઝ મુશર્રફે ચીનના સંદેશાવ્યવહાર ખાતાના પ્રધાન લી શેંગલીનની હાજરીમાં આ પોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ગ્વાદર માત્ર બંદર જ નથી, પરંતુ મિલિટરીનું નૌકામથક પણ છે.
ચીને પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ પર કરેલું રોકાણ જબરદસ્ત છે. આખોયે પ્રોજેક્ટ ૧.૧૬ બિલિયન ડોલરનો છે. તેમાં એકમાત્ર ચીને જ ૧૯૮ મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે અને તે પણ પહેલા તબક્કામાં જ બાકીના તબક્કાઓનું રોકાણ જુદું. આ સિવાય ચીન ૨૦૦ મિલિયન ડોલર ગ્વાદર પોર્ટને જોડતા હાઈવે માટે ખર્ચી રહ્યું છે. ગ્વાદરને પેશાવર અને કરાચી સાથે પણ જોડવામાં આવી રહ્યું છે.
ચીનના ૪૫૦ જેટલા ઈજનેરો ગ્વાદર પોર્ટ પર કામ કરી રહ્યા છે. તેઓ આ બંદર પર એપ્રોચ ચેનલ, ગોદીઓ, સ્ટોરેજ ટર્મિનલ બનાવી રહ્યા છે.
ગ્વાદરથી કરાચી પહોંચવામાં પહેલાં ત્રણ દિવસ લાગતા હતા, પરંતુ હવે એક જ દિવસમાં પહોંચી શકાશે. ગ્વાદરમાં ફાઈવસ્ટાર હોટલો, ફ્લેટો, નાનાં મકાનો, બજાર, રેસ્ટોરાં અને ગ્વાદર ક્લબ પણ ઊભાં થઈ રહ્યાં છે. ગ્વાદરનું ચેમ્બર ઓફ કોમર્સ પણ ઊભું થયું છે. સી ફૂડ પ્રોસેસ કરવાની ફેક્ટરીઓ પણ ઊભી થવા માંડી છે.
ઈ.સ. ૨૦૦૮થી ગ્વાદર પોર્ટ કાર્યરત થઈ ગયું છે. ચીનાઓએ ગ્વાદર પોર્ટને કારાકોરમ હાઈવે સાથે સરખાવ્યું છે. આ હાઈવેના કારણે પાકિસ્તાન અને ચીનના સંબંધો મજબૂત બન્યા હતા તેમ ગ્વાદર પોર્ટથી તે સંબંધો વધુ મજબૂત બનશે તેવું વિધાન ચીને કર્યું છે.
ગ્વાદર પોર્ટ અખાતના દેશોથી નજીક છે. અખાતના દેશોમાંથી આવતું તેલ ગ્વાદર આવશે અને ગ્વાદરથી તેલ ચીન પહોંચે તેવી પાઈપલાઈન ગ્વાદરથી ચીન સુધી નાંખવામાં આવી રહી છે. ટૂંકમાં, ગ્વાદર પોર્ટ ચીન માટે ઓઈલ હબ બની જશે. ચીનને લાંબા અંતરથી મંગાવવા પડતા ક્રૂડના ટ્રાન્સપોર્ટનો ખર્ચો બચી જશે. બીજી બાજુ ગ્વાદર પોર્ટ પાકિસ્તાન માટે અબજોની આવક અને ૨૦ લાખ લોકો માટે નવી નોકરીઓ ઊભી કરશે.
પાકિસ્તાને આ આખુંયે ગ્વાદર બંદર પોર્ટ ઓફ સિંગાપોરને સંચાલન માટે આપી દીધું છે. આ કોન્ટ્રાક્ટ ૨૫ વર્ષ માટેનો છે. જ્યારે આખાયે ગ્વાદર પોર્ટ વિસ્તારને ૪૦ વર્ષ માટે ટેક્સ ફ્રી ઝોન જાહેર કર્યો છે. શરૂઆતમાં દુબઈ પોર્ટ આ બંદરનું મેનેજમેન્ટ કરવાનું હતું, પરંતુ ભારતે વાંધો ઉઠાવ્યા પછી દુબઈના આરબ શાસકે ગ્વાદર પોર્ટની કામગીરી સંભાળવાની ના પાડી દીધી.
ગ્વાદર પોર્ટ ખાતે પાકિસ્તાનની સિવિલ એવિયેશન ઓથોરિટી એક અત્યાધુનિક ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ ઊભું કરી રહ્યું છે. તેની પાછળ ૨૫૦ મિલિયન ડોલર ખર્ચ થશે, જ્યારે ગ્વાદરથી કરાચી સુધીના કોસ્ટર હાઈવે પાછળ બીજા ૨૦૦ મિલિયન ડોલર ખર્ચાઈ રહ્યા છે. આ ખર્ચ પણ ચીનની નાણાકીય સહાયથી થઈ રહ્યું છે.
બીજી ચોંકાવનારી માહિતી એ છે કે શ્રીલંકા અને બાંગ્લાદેશમાં પણ ચીન આવાં નૌકામથકો ઊભાં કરી રહ્યું છે. બાંગ્લાદેશમાં ચિતાગોંગ ખાતે કન્ટેનર પોર્ટ ફેસિલિટી ઊભી કરી રહ્યું છે. આવી જ ફેસિલિટી ચીન થાઈલેન્ડ અને કંબોડિયામાં પણ ઊભી કરી રહ્યું છે.
ચીન ભારતની આસપાસના તમામ દેશોમાં પોતાનાં લશ્કરી થાણાં નાંખી ભારતની આસપાસ ભરડો લઈ રહ્યું છે.
ચીન પાકિસ્તાનના ગિલગિટ-બાલ્ટિસ્તાનને પોતાના હસ્તક કરી લેવા માંગે છે. ભિખારી થઈ ગયેલું પાકિસ્તાન આમેય પહેલેથી જ ચીનને ગિલગિટ વેચી દેવા માંગતું હતું. આજે પાકિસ્તાનના વડાઓની મહેરબાનીથી ચીને ગિલગિટમાં પગપેસારો કરી જ દીધો છે. અલબત્ત, આ મામલો ફક્ત પીઓકે, ગિલગીટ બાલ્ટિ સ્તાનનો જ નથી. આ બધામાં ચીન પણ એક મોટો ખેલાડી છે જેણે જમ્મુ અને કાશ્મીરમાંનો મોટો હિસ્સો કબજે કરેલો છે. જમ્મુ અને કાશ્મીરનો ૩૮૦૦૦ ચોરસ કિલોમીટરનો અકસાઈચિનનો ઈલાકો ચીનના કબજા હેઠળ છે જેને તે પોતાના હોતાન પ્રાંતનો વિસ્તાર બતાવે છે. તેના કબજામાં ૫૮૦૦ ચોરસ કિલોમીટરનો શાકસાંગ ઘાટીનાં વિસ્તાર પણ છે જે પાકિસ્તાને ૧૯૬૩ની પાકિસ્તાન-ચીન સીમા સમજૂતી પ્રમાણે ચીનને ભેટ આપેલો છે. ચીન તેનું નામ બદલીને ટ્રાંસ કારાકોરમ ટ્રેક કરી દીધું છે.
ચીન લડાખને પણ ભારતનો હિસ્સો માનતું નથી. ૧૯૧૪માં ચીન, તિબેટ અને બ્રિટિશ ઈન્ડિયા વચ્ચે શિમલા સમજૂતી થઈ હતી. એ મુજબ લડાખ જમ્મુ-કાશ્મીર રિયાસતનો હિસ્સો છે પરંતુ ચીન તેને માન્યતા આપતું નથી. ચીને ૧૯૫૦માં તિબેટ હડપ કરી લીધું. હવે ૧૯૧૪ની સમજૂતીની બાબતમાં ચીન કહે છેકે આ કરાર એવી સરકારે કર્યો હતો. જે ચીનની પ્રજાનું પ્રતિનિધિત્વ કરતું નહોતું. તેથી તે સમજૂતી કરારનું કોઈ મહત્ત્વ નથી. આ કારણથી જ લડાખને પણ પોતાનો હિસ્સો માને છે.
અને આ રીતે અકસાઈચિન પરના પોતાના કબજાને તે વાજબી ઠેરવે છે. પરંતુ હવે વાત એથીયે આગળ વધી છે. ચીને ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરના નામ પર પાકિસ્તાની લશ્કરની મદદથી પીઓકેનો એક મોટો હિસ્સો કબજે કરી લીધો છે અને આ કોરિડોરના બહાને બાકીના પાકિસ્તાન અને બલૂચિસ્તાનનો એક મોટો ભૂભાગ પણ હડપ કરી લીધો છે. આ બધું મીલાવીને જોઈએ તો એમ કહી શકાય કે ચીને પાકિસ્તાન હવે ચીનનો જ એક ખંડીયો પ્રાંત બનાવી દીધો છે. પાકિસ્તાનને ચીનના તાબાનું `ચીની-પાકિસ્તાન’ એટલું નામ જ આપવાનું બાકી છે અને આ કારણથી જ જમ્મુ અને કાશ્મીર અંગેની કલમ ૩૭૦ની નાબૂદી બાદ ચીન પૂરેપૂરી તાકાતથી પાકિસ્તાનની પડખે અને ભારતના વિરોધમાં મેદાનમાં આવી ગયું હતું. પીએમ મોદીની સરકારે જેવી કલમ ૩૭૦ની નાબૂદીની અને લડાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની જાહેરાત કરી એટલે ચીને આ વાતને પોતાના સર્વભૌમમાં દખલ થઈ છે તેમ કહ્યું હતું કારણ કે ચીન લડાખને પોતાનો હિસ્સો માને છે. દેશના ગૃહમંત્રી અમિત શાહે તેમના વક્તવ્યમાં અકસાઈચિનનો ઉલ્લેખ કર્યો તે ચીનને ગમ્યું નહીં. તે પછી ચીને આ મુદા પર સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદની અનૌપચારિક બેઠક બોલાવી પરંતુ એ બેઠકમાં ચીનની ઈચ્છા પ્રમાણે કાંઈ જ પરિણામ ના આવ્યું. હવે એ વાત સ્પષ્ટ છે કે પાકિસ્તાન તો ફક્ત `પ્રોકિસી’ છે, પરદાની પાછળ તો અસલી ખેલ ચીનનો છે અથવા તો બીજા શબ્દોમાં કહી શકાય કે પાકિસ્તાન ચીનનું પેપટ-કઠપૂતળી જ છે, દોરી ચીનના હાથમાં છે.
હાલની પરિસ્થિતિ જોતાં લાગે છે કે પાકિસ્તાન ચીનનું ખંડિયું રાજ્ય બની ગયું છે. બીજા શબ્દોમાં કહી શકાય કે પાકિસ્તાન તો પપેટ છે, અસલી વિલન ચાઈનીઝ ડ્રેગન અર્થાત્ ચીન છે. ચીન ભારત સાથે હવે સીધું યુદ્ધ કરવાની સ્થિતિમાં નથી, તેથી તે આતંકવાદી દેશ પાકિસ્તાન દ્વારા ભારત સાથે પ્રોક્સી વૉર લડી રહ્યું છે. ભારત માટે ચીન અને પાકિસ્તાન એ બંને દેશ ભારતના મોટા શત્રુઓ છે. નહેરુના સમયમાં ચીને પંડિત જવાહરલાલ સાથે દગો કરીને ભારત પર હુમલો કરી દીધો હતો અને ભારતની હજારો ચોરસ કિલોમીટર જમીન પર કબજો જમાવી દીધો હતો. ચીનનો વડો શી જિનપિંગ એક ખંધો નેતા છે. પાકિસ્તાન પરની ભારતની મિસાઈલોની એરસ્ટ્રાઈક બાદ ચીનના વિદેશમંત્રી પાકિસ્તાન ગયા હતા અને પાકિસ્તાનના વડાપ્રધાનને મળ્યા હતા.
આ શું દર્શાવે છે?
ચાઈનીઝ ડ્રેગનથી ભારતે સાવધાન રહેવાની જરૂર છે.



