હજારો વર્ષ પૂર્વે રાજા શાંતનુના મૃત્યુ પછી ચિત્રાંગદ હસ્તિનાપુરની ગાદી પર બેઠો. તેના પછી વિચિત્રવીર્ય રાજા થયો. વિચિત્રવીર્ય રાજાને બે રાણીઓ હતી. એકનું નામ અંબિકા અને બીજીનું અંબાલિકા. વિચિત્રવીર્ય રાજાને કોઈ સંતાન નહોતું અને નિઃસંતાન હાલતમાં તેઓ મૃત્યુ પામ્યા. રાજા વગર રાજ કોણ ચલાવે ? મહર્ષિઓ આવ્યા અને તેમણે રસ્તો કાઢયો કે વેદવ્યાસને બોલાવો. વેદવ્યાસ આવ્યા. બધા મહર્ષિઓએ કહ્યું ઃ ‘વ્યાસજી ! આ રાજ્યને રાજા આપો. આ રાણીઓને પ્રજા આપો.’ ‘વ્યાસે કહ્યું ઃ ‘હું આ બધાથી પર છું. હું આ બધામાં પડવા માંગતો નથી !’
મહર્ષિઓએ રસ્તો બતાવ્યોઃ ‘તમે માનો છો એવું નથી. તમે ભગવાન છો. વેદવ્યાસ છો. દૃષ્ટિમાત્રથી તમે સંતાન આપી શકો છો.’
ભગવાન વ્યાસ સંમત થયા. તેમનાં માતા સત્યવતીની હાજરીમાં સૌથી પહેલાં રાણી અંબિકાને બોલાવવામાં આવ્યા. સૌથી પ્રથમ આવેલાં રાણી અંબિકા લજ્જાના કારણે બંને આંખો પર હાથ ઢાંકીને આવ્યાં. વેદવ્યાસે તેમની તરફ્ દૃષ્ટિ કરી સંતાન બક્ષ્યું અને આશીર્વાદ આપતાં કહ્યું ઃ ‘આ સ્ત્રી આંખો બંધ કરીને આવી હોવાથી તેને પુત્ર થશે પણ તે આંધળો હશે.’ વેદવ્યાસની દૃષ્ટિથી રાણી અંબિકાને જે પુત્ર થયો તે ધૃતરાષ્ટ્ર.
તે પછી બીજા રાણી અંબાલિકાને બોલાવવામાં આવ્યાં. તેઓ શરીર પર ચંદનનો લેપ કરીને આવ્યાં હતાં. ભયભીત હતાં. વેદવ્યાસે તેમની પર દૃષ્ટિ કરી સંતાન બક્ષ્યું. ભયના કારણે અંબાલિકાનો ચહેરો પીળો પડી ગયો. વેદવ્યાસે કહ્યું આ રાણીનો પુત્ર થશે પણ તે હંમેશાં બીમાર રહેશે. અંબાલિકાને જે પુત્ર જન્મ્યો તેનું નામ પાંડુ.
તે પછી દાસીને બોલાવવામાં આવી. દાસી ભગવાનનું નામ લેતી લેતી આવી હતી. તે શાંત અને સ્વસ્થ હતી. વ્યાસે તેની પર દૃષ્ટિ કરી તેને પણ સંતાન બક્ષ્યું. દાસીને જે પુત્ર થયો તે વિદુર. દૃષ્ટિમાત્રથી સંતતિ બક્ષી વેદવ્યાસ ચાલ્યા ગયા. વેદવ્યાસની દૃષ્ટિથી જન્મેલા ધૃતરાષ્ટ્રના પુત્રો તે કૌરવો અને પાંડુના પુત્રો તે પાંડવો. કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવો અને કૌરવો એકબીજાની સામે આવીને ઊભા હતા ત્યારે પોતાના જ પૌત્રોને સમજાવવા વેદવ્યાસ પોતે ગયા પણ દુર્યોધન માન્યો નહીં. ભગવાન શ્રાીકૃષ્ણ પણ અગાઉ વિષ્ટિકાર બનીને ગયા હતા, પરંતુ તેમને પણ નિષ્ફ્ળતા મળી હતી. છેવટે યુદ્ધની નોબત આવી ગઈ અને કુરુક્ષેત્રમાં પોતાના જ ભાઈ-ભાંડુઓને જોઈ અર્જુને ગાંડીવ નીચે મૂકી દીધું અને વિષાદગ્રસ્ત થઈ ગયા. એ સમયે ભગવાન શ્રાીકૃષ્ણે તેને જે જ્ઞાન બક્ષ્યું તે જ શ્રાીમદ્ ભગવદ્ગીતા. મહાભારતની રચના વેદવ્યાસે કરી પરંતુ તેમાં તેમનાથી જ પેદા થયેલી પ્રજાની કથા હતી, જે દાદાજીએ લખી.
‘મહાભારત’ના વિષયવસ્તુની કલ્પના કરી લીધા બાદ વેદવ્યાસે બ્રહ્માજીનું ધ્યાન ધર્યું. બ્રહ્માજી પ્રગટ થયા. વેદવ્યાસે કહ્યું ઃ ‘હે પ્રભુ ! મેં ઉત્તમ કૃતિની કલ્પના કરી છે, પણ હું બોલું તે પ્રમાણે લખી આપે તેવું કોઈ મળતું નથી. શું કરવું?’
બ્રહ્માજીએ કહ્યું ઃ ‘હે મુનિ ! તમારા લહિયા થવા ગણેશજીને પ્રાર્થના કરો !’
વેદ વ્યાસે ગણેશજીનું ધ્યાન ધર્યું. ગણેશજી પ્રગટ થયા. વેદવ્યાસે તેમને વિનંતી કરી ઃ ‘હે ગણેશજી! મેં મહાભારતની કથા મનમાં રચી છે. હું બોલીશ અને આપ તે લખી આપવાની કૃપા કરો.’
ગણેશજી સંમત થયા પણ તેમણે શરત મૂકી ઃ ‘તમે લખાવશો તેમ લખીશ પણ હું લખતો હોઉં ત્યારે કલમ અટકવી જોઈએ નહીં. તમારે સતત લખાવવું પડશે.’
વ્યાસજી સંમત થયા પરંતુ તેમણે પણ સાવધાનીપૂર્વક શરત મૂકી ઃ ‘એમ જ થશે પણ હું જે લખાવું તે સમજ્યા પછી એટલે કે તેનો અર્થ ગ્રહણ કર્યા પછી જ તમારે લખવું.’
ગણપતિએ સ્મિત કર્યું અને સંમત થયા. તે પછી વ્યાસજીએ મહાભારતની કથા શ્લોકબદ્ધ કરીને લખાવવા માંડી. વચ્ચે વચ્ચે અઘરા શ્લોક લખાવતા રહ્યા. તે સમજવામાં ગણેશજીને થોડો સમય લાગતો અને તેનો લાભ લઈ વ્યાસજી આગળનોે શ્લોક રચી લેતા. આ રીતે મહાભારત લખાઈ ગયું.
મહાભારત વિશે કહેવામાં આવ્યું છે કે સાડાત્રણ શ્યામ વર્ણના માણસોનું કૃત્ય એ જ મહાભારત. કૃષ્ણ દ્વૈપાયન મહર્ષિ વેદવ્યાસ શ્યામ હતા. અર્જુન પણ કૃષ્ણ જ કહેવાતા તે પણ શ્યામ. કૃષ્ણ તો શ્યામ હતા જ અને દ્રૌપદી પણ કૃષ્ણા જ કહેવાતાં. ત્રણ પુરુષો એટલે આખા અને દ્રૌપદી સ્ત્રી હોવાથી અડધાં એમ સાડા ત્રણ શ્યામ માનવીઓનું કૃત્ય તે મહાભારત બન્યું. વિશ્વના ફ્લક પર બે મહાકાવ્યો જાણીતાં છે ઃ એક મહાભારત અને બીજું ઇલિયડ. બંને મહાકાવ્યોમાં યુદ્ધની કથા છે અને યુદ્ધના કેન્દ્રમાં સ્ત્રી છે. એકમાં દ્રૌપદી અને બીજામાં હેેલન, દ્રૌપદીના મહેલમાં દુર્યોધન પ્રવેશ્યા અને મહેલની સંગેમરમરની ફર્શથી અભિભૂત થયેલા દુર્યોધનનેે લાગ્યું કે તેમના પગ નીચે પાણી કેમ છે ? ત્યારે દ્રૌપદીએ દુર્યોધન પર વ્યંગ કર્યો ઃ ‘આંધળાના છોકરાં પણ આંધળાં જ હોય.’
દ્રૌપદીના આ વચનોથી દુર્યોધનને ખોટું લાગ્યું અને પોતાના અપમાન અને ઉપહાસનો બદલો લેવા એ દિવસે જ એણે મનોમન નિૃય કરી લીધો હતો. એનું પરિણામ જ મહાભારત, મહાભારતની ખૂબી એ છે કે અઢારનો આંકડો વેદવ્યાસને બહુ જ પ્રિય છે. કુરુક્ષેત્રમાં અઢાર અક્ષૌહિણી સેના, મહાભારતનાં પર્વો પણ અઢાર, ભગવદ્ગીતાના અધ્યાય પણ અઢાર. મહાભારતમાં નવ પર્વ છે. તેની બરાબર વચ્ચે તેમણે ભગવદ્ગીતા પર્વ મૂકી દીધું છે.
મહાભારતની રચના કરનાર વેદવ્યાસ માટે એવું કહેવાય છે કે વેદવ્યાસ તપોબળથી યોગવિદ્યાના જાણકાર હતા. તેઓ ભવિષ્યને પણ જાણતા હતા. મહર્ષિ વેદવ્યાસ મહાભારતની ઘટનાને દોઢસો વર્ષ અગાઉથી જાણતા હતા. તેમને દોઢસો વર્ષ અગાઉથી મહાભારતના યુદ્ધની ઝાંખી થઈ હતી. મહાભારતના યુદ્ધ વખતે વેદવ્યાસ હાજર હતા. એ સમયે યોગીઓ અને તપસ્વીઓ ૪૦૦થી ૫૦૦ વર્ષનું આયુષ્ય ભોગવતા. મહાભારતનું લોહિયાળ યુદ્ધ પૂરું થયા બાદ પાંડવો વેદવ્યાસને લઈ ધૃતરાષ્ટ્રને મળવા ગયા હતા. ખુદ યુધિષ્ઠિરે પણ વેદવ્યાસ સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરતાં કહ્યું હતું ઃ ‘મારું મન દુઃખી છે. મારું મન માનતું નથી. આટલા બધા લોકોનો સંહાર થયો ?’
વેદવ્યાસે કહ્યું ઃ ‘મહારાજ! અહીં કોઈ મર્યું જ નથી. બધા અહીંના અહીં જ છે. તમને એ દેખાતા નથી તેથી તમે કહો છો કે, તેઓ મૃત્યુ પામ્યા છે. એ તો આપણા આંગણે જ છે.’
એે વખતે ગાંધારીએ પણ વેદવ્યાસને વિનંતી કરી હતી કે ‘મૃત્યુ પામેલા સર્વ કૌરવો અને પાંડવકુળના કુટુંબીજનોને જીવિત કરો. હવે કોઈ વેરઝેર રહ્યાં નથી. સર્વેને જીવિત કરી તેમનું મિલન કરાવો જેથી સર્વને શાંતિ થાય.’
ગાંંધારીની આ વિનંતીથી વેદવ્યાસને કરુણા ઊપજી અને બધાને ગંગાકિનારે લઈ ગયાં. વેદવ્યાસેે મૃત્યુ પામેલા કૌરવો અને પાંડવ-પરિવારનાં સભ્યોને પોતાની અલૌકિક શક્તિથી જીવિત કર્યા અને એ સૌ એક રાત ગંગાના કિનારે સાથે રહ્યાં. એ રીતે બધાનાં મન અને હૃદયને ખૂબ જ શાંતિ અને સુખ મળ્યાં.
મહાભારતમાં અર્જુનનો વિષાદ દૂર કરવા ભગવાન શ્રાીકૃષ્ણે ગીતાબોધ આપ્યો હતો. વળી પાછળથી ફ્રી એક વાર અર્જુને ભગવાન શ્રાીકૃષ્ણને ગીતાબોધ કરવા કહ્યું હતું. તેના જવાબમાં શ્રાીકૃષ્ણે કહ્યું હતું કે, ‘તારો મોહભંગ કરવા માટે આપેલો ગીતાબોધ હવે હું ભૂલી ગયો છું.’
પરંતુ વેદવ્યાસે પોતાના તપ અને યોગબળથી ભગવાન શ્રાીકૃષ્ણે આપેલા ગીતાબોધનું પવિત્ર જ્ઞાન યોગબળના પ્રતાપે જ પાછું મેળવ્યું હતું અને ગીતારૂપે રજૂ કર્યું હતું. આવું અદ્ભુત ‘મહાભારત’ આમ તો વેદવ્યાસે રચ્યું પણ તે નારદે દેવોને સંભળાવ્યું. દેવોએ પિતૃઓને તથા શુકદેવજીને સંભળાવ્યું. શુકદેવજીએ રાજા પરીક્ષિતને સંભળાવ્યું. આ પૃથ્વી પર વેદવ્યાસ જેવા કોઈ લેખક થયા નથી અને થશે નહીં. મહાભારતમાં સેંકડો પાત્રો આવે છે અને દરેક પાત્રની સ્વતંત્ર કથા છે. અનેક પાત્રો પર આધારિત આવા મહાન ગ્રંથની રચના કોઈ અલૌકિક શક્તિ ધરાવતી દૈવીપ્રતિભા જ કરી શકે. એ પ્રતિભા તે ભગવાન વેદવ્યાસ જ હતા. ભગવાન વેદવ્યાસ એ કૌરવો અને પાંડવોના દાદા હતા છતાં એમણે પોતાના જ કુટુંબના ઝઘડાની કથા લખી. જગતને સ્વાર્થ, માન-અપમાન, કૂટનીતિ અને છેવટે ધર્મના વિજયનું જ્ઞાન આપ્યું. એ કરતાંયે તેમણે ભગવાન શ્રાીકૃષ્ણના મુખે કહેવાયેલા દિવ્ય ગ્રંથ – શ્રાીમદ્ ભગવદ્ગીતા જેવો શ્રોષ્ઠ જ્ઞાનબોધ વિશ્વને આપ્યો.
ચક્રવર્તી રાજગોપાલાચારીએ લખ્યું છે કે, ‘મહાભારત પર માત્ર ભારતનો જ નહીં, પણ સમગ્ર વિશ્વનો અધિકાર છે. આ મહાકાવ્ય આધ્યાત્મિક અને દૈવીશક્તિનો ચિરંજીવ સ્ત્રોત છે. માતાના ખોળે બેસીને પ્રેમ અને ભક્તિથી મેળવેલા એના પરિચયે મહાત્માઓ અને વીરોને પ્રેરણા આપી છે જ્યારે સામાન્ય માનવીને કષ્ટ, ધીરજ અને શ્રાદ્ધાથી સહન કરવાનું બળ આપ્યું છે. ભારત જેવા વિરાટ દેશની પ્રજાના વ્યક્તિત્વ અને સંસ્કાર ઘડવામાં ‘મહાભારતે’ ખૂબ મોટો ભાગ ભજવ્યો છે. મહાભારતનાં પાત્રોમાં જીવનનો ધબકાર સંભળાય છે. વિશાળ પાયા પર થયેલું આવું તાદૃશ્ય આલેખન અન્યત્ર મળવું મુશ્કેલ છે. વીર યોદ્ધા અને રાજનીતિજ્ઞ ભીષ્મ પિતામહ, વિદ્યાગુરુ દ્રોણ, સ્વાભિમાની છતાં દાનવીર કર્ણ, શૂરવીર છતાં પ્રપંચી દુર્યોધન, પરાક્રમી પાંડવો, ત્યાગ અને કરુણાની મૂર્તિ છતાં અભાગી દ્રૌપદી, વીરપુત્રોની માતા કુંતી, દુષ્ટ પુત્રોની દુઃખી માતા અને અંધ ધૃતરાષ્ટ્રની પતિવ્રતા પત્ની ગાંધારી – આ બધા ‘મહાભારત’નાં અમર પાત્રો છે. આ બધાં જ શક્તિશાળી પાત્રો હોવા છતાં સમગ્ર મહાકાવ્ય પર સર્વત્ર પ્રભાવ પાડતા યોગેશ્વર તો છેવટે પૂર્ણ પુરુષ શ્રાીકૃષ્ણ જ છે. માનવદેહમાં રહેલા એ પરમાત્મા સૌને મુગ્ધ કરી પૂજ્યભાવ જન્માવે છે, ‘મહાભારત’ની બધી જ ઘટનાઓની વચ્ચે ધર્મબોધ નિરંતર વહેતો જ રહે છે. વેરથી વેર જન્મે છે. હિંસાથી હિંસા જન્મે છે. વાસના, કામ, ક્રોધ અને લોભ પર કાબૂ મેળવવો એ જ સાચો વિજય છે. જ્યાં નીતિ છે, જ્યાં સત્ય છે ત્યાં જ વિજય છે – એ જ મહાભારતનો સંદેશ છે.’
કહેેવાય છે કે ભારતમાં તમે સઘળે ફરી આવો પણ ‘રામાયણ’ અને ‘મહાભારત’ને વાંચ્યા અને સમજ્યા વિના ભારત અને તેના જીવનને સમજી શકશો નહીં. ભારતીય પુરાણો અનુસાર પૃથ્વી પર જે સાત પ્રતિભાઓ આજે પણ હયાત છે તેમાંના એક ભગવાન વેદવ્યાસ પણ છે.



