હોસ્પિટલની લોબીમાંથી દોડતી દોડતી એક નર્સ સીધી સુપરિન્ટેન્ડેન્ટની ચેમ્બરમાં ધસી ગઈ.
ડૉ. મિસ વિશાખા એમના કાર્યમાં ખૂબ જ મગ્ન હતાં. નર્સનો અવિવેક જોેઈ ઠપકાભરી નજરે એમણે ઊંચે જોેયું. નર્સ બોલી ઃ’એક ઈમરજન્સી કેસ છે. એક્સિડન્ટમાં બ્રેઈન પર ઘા થયેલો છે. ઓપરેશન કરવું પડશે. ડૉ. ગુપ્તા આજે રજા પર છે.’
ડૉ. વિશાખાએ કોઈ અન્ય ચર્ચા કરવાનું છોડી પેન બંધ કરી અને કહ્યું ઃ ‘ઑપરેશનની તૈયારી કરો. હું આવું છું.’
નર્સ દોડીને પાછી જતી રહી. હોસ્પિટલમાં ખૂબ જ ઊંચું પદ અને જવાબદારી ભોગવી રહેલા ડૉ. મિસ વિશાખા નિપુણ સર્જન હતાં. ડૉ. વિશાખા ઝડપથી ઓપરેશન ખંડ તરફ રવાના થયાં.
ઓપરેશન ખંડના દ્વાર પાસે એક યુવતી ધ્રુસકે ધ્રુસકે રડતી હતી. વિશાખાએ એની તરફ એક નજર કરી-ન કરી અને એ અંદર ચાલ્યાં ગયાં. ઓપરેશન ખંડનું બારણું બંધ થયું ત્યારે બપોરના બાર વાગ્યા હતા.
બહારના બાંકડે બેસીને હૈયાફાટ રોતી સ્ત્રીને જોેઈ આસપાસથી કેટલાક ભેગા પણ થયા, સાંત્વન આપ્યું ઃ ‘ ડૉ. મિસ વિશાખા જાતે ઓપરેશન કરે છે એ જ એના માટે મોટું નસીબ છે-‘ એવું પણ કેટલાકે કહ્યું.
ઘડિયાળનો કાંટો ફરતો હતો. બપોરના બે વાગ્યા. એ રોઈ રોઈને હવે થાકી હતી. એક બાળકીની જેમ કાયર બની દ્વાર ખૂલે એની રાહ જોેઈ રહી. ત્રણ વાગ્યા. હવે એની ધીરજ ખૂટી રહી હતી. એણે ઊભા થઈ આમતેમ ફરવા માંડયું
છેક ચાર વાગે બારણું ખૂલ્યું. લોહીથી રંગાયેલાં ઉપરનાં વસ્ત્રો અને માસ્કને છોડીને બહાર આવતાં ડૉ. વિશાખા પાસે દોડી જઈ એમના હાથ પકડી લેતાં એણે પૂછયું ઃ ‘શું થયું ?’
‘ચિંતા કરવાની જરૂર નથી.’ એટલું જ બોલી એમણે ચાલવા માંડયું.
અને ત્યાર બાદ એણે ઓપરેશન થિયેટરમાં દોડી જવા કોશિશ કરી, પણ નર્સોએ અને બીજા સહાયક તબીબોએ રોકતાં કહ્યું. ‘ખૂબ જ અઘરું ઓપરેશન હતું. ડૉ. વિશાખા ના હોત તો કદાચ….સફળ ના પણ થાત.’
બીજા દિવસે સવારે ડૉ. વિશાખા જેવાં એમની ચેમ્બરમાં પ્રવેશ્યાં તેવી જ એક સ્ત્રી પણ એમની પાછળ પાછળ પરવાનગી વગર જ પ્રવેશી. એના હાથમાં તાજાં જ ફૂલોનો એક ગુચ્છ હતો.
ડૉ. વિશાખાએ કહ્યું ઃ ‘તમે ?’
‘હું તમારા માટે આ ફૂલ લાવી છું. મારા પતિને હવે સારું છે. ગઈકાલે તમે ના હોત તો-!’ કહેતાં એણે ટેબલ પર ફૂલ મૂકી દીધાં.
પરંતુ વિશાખાની નજર એના ટેબલ પરની ફૂલદાની પર હતી. જેમાં કેટલાંક સુકાયેલાં ફૂલોની ડાળીઓ હતી. જાણે કે એ કહી રહ્યાં હતાં ઃ ‘મને આવાં ફૂલ પસંદ છે.’
‘આપના પ્રતિ મારી લાગણી વ્યક્ત કરવાના પ્રતીકરૂપે જ હું આ લાવી છું.
ડૉ.વિશાખાએ કૃતજ્ઞતાનો બદલો પસંદ ના હોય એ રીતે વાત બદલતાં કહ્યું ઃ ‘શું નામ છે તમારું?’
‘શૈલી.’
‘સુંદર નામ છે.’
‘મારા હસબન્ડે આ નામ પાડયું છે. ‘શૈલી’ મારું અસલ નામ નથી.’
‘તમારું નામ કેમ બદલી નાંખ્યું ?’
‘હા… એનો પણ એક નાનકડો ઈતિહાસ છે.’
‘શું ઇતિહાસ છે?’
‘કહીશ કોઈ વાર… પણ તમે એમને તપાસવા ક્યારે આવશો?’
શૈલી સમજી ગઈ કે ડૉ. વિશાખા હવે પોતાના કામમાં ઝાઝો વિલંબ ન થાય એમ ઈચ્છે છે. તે ઊઠી અને રવાના થઈ.
‘એક મિનિટ !’ ડૉ. વિશાખા બોલ્યાં ઃ ‘ખોટું ના લગાડશો. કાલે હું તમારી સાથે પાંચ મિનિટ ગાળીશ.’
‘થેંક યુ’ કહીને શૈલી ચાલી ગઈ.
બીજા દિવસે પણ એ જ સમયે મોરપીંછ રંગની સાડીમાં સજ્જ થયેલી શૈલી ફરી ડૉ. વિશાખાની ચેમ્બરમાં પ્રવેશી. એ બોલી ઃ ‘હું તાજાં ફૂલ લાવી. એ તમને ગમતાં નથી. હું તમને હાથ જોેડીને વિનવણી કરું છું છતાં તમારા જ દર્દીને જોેવાની તમને કોઈ ઇચ્છા નથી. આખરે તમે પણ માનવી છો, સ્ત્રી છો. તમારું હૃદય આટલું દયાહીન કેમ છે ?’
ડૉ. વિશાખાએ સ્મિત કરતાં કહ્યું ઃ ‘કારણ કે હું કદી દંભ કરતી નથી. હું અંદરથી જેવી છું તેવી જ બહાર પણ છું.’
‘તમને એક વાત કહું?’
‘ કહોને ?’
‘હું અંદરથી જેવી છું તેવી બહાર નથી. કારણ કે મને બળજબરીપૂર્વક બદલી નાંખવામાં આવી છે. મને લગ્ન કર્યે ચારેક વર્ષ થયાં. હું પરણીને આવી ત્યારે જ મારા પતિએ મને ‘શૈલી’ કહીને સંબોધી. મારા મનમાં કે આજથી લાડમાં મને એમ કહીને વહાલ કરશે. પણ એક દિવસ એમણે કબૂલ કર્યું કે, મારી સાથે લગ્ન પહેલાં ‘શૈલી’ નામની એક યુવતી સાથે એમને પ્રેમ હતો. શૈલી કોઈ ગર્ભશ્રાીમંત પરિવારની પુત્રી હતી, અને એ સામાન્ય બેંક કર્મચારી હતા. શૈલીની અપેક્ષાઓ ઊંચી હતી. એ નહીં સંતોષાય તો પરણ્યા બાદ વાસ્તવિકતાઓ ખડી થશે ત્યારે સંસાર સોહામણો નહીં રહે એ ખ્યાલે એમણે શૈલીથી પોતાની જાતને અળગી કરી દીધી.’
‘ઓહ !’
‘ત્યાર બાદ અમારા લગ્ન થયાં. અમારા પ્રેમલગ્ન નથી. મારા પિતાએ મને જ્યાં કહ્યું ત્યાં હું પરણી છું. હું આજે ખૂબ પતિપરાયણ છું. એ જેમ કહે છે તેમ-તેટલું બધું જ કરું છું. એમની પસંદગીનો ખૂબ ખ્યાલ રાખું છું. એક રાત્રે એમણે શૈલીના સાથેના સંબંધની વાત કહી ત્યારે મેં તરત જ તેમને કહ્યું કે, મને હવે ‘શૈલી’ જ કહેજોે.’
‘સુંદર.’
શૈલી બોલ્યે જ જતી હતી ઃ ‘જુઓ ! આજે મેં સાડી પહેરી છે….ને. આવા મોરપીંછ રંગની સાડી, એ પણ, તેઓ કહે છે કે, શૈલીને ખૂબ પસંદ હતી. બીજું તો બધું તમને શું કહું ને શું ના કહું?’
ડૉ. વિશાખાએ ફરી પૂછયું ઃ ‘પરંતુ તમે ‘શૈલી’ બનીને એમને રીઝવો છો તો તમારા આગવા વ્યક્તિત્વનું શું ?
શૈલી ચૂપ રહી.
‘કેમ જવાબ ના આપ્યો ?’
‘ એ વિશે હું ઝાઝો વિચાર કરતી નથી. હું તો એટલું જ જાણું કે જ્યારથી હું શૈલી બની ત્યારથી મને અનહદ ચાહે છે. દુનિયાની કોઈ સ્ત્રી આટલી ચાહત ભાગ્યે જ પ્રાપ્ત કરી શકી હશે…’
ડૉ. વિશાખા બોલી ઊઠયાં ઃ મને એમ લાગે છે કે, મારે પણ કોઈના પ્રેમમાં પડી જવું પડશે ?’
અને બેઉ ખડખડાટ હસી પડયાં. કાલે પણ પાંચ મિનિટ આવજોે.’
‘જરૂર આવીશ’ કહીને શૈલી ચાલી ગઈ.
પછી તો રોજ રોજ શૈલી ડૉ. વિશાખાને મળતી રહી. બેઉ અવનવી વાતો કરતાં અને એમ કરતાં કરતાં બેઉ વચ્ચે એક જાતની દોસ્તી બંધાઈ ગઈ. હોસ્પિટલમાં પણ ઘણાને આૃર્ય લાગતું કે, ડૉ. વિશાખાએ કોઈનેય પોતાની ચેમ્બરમાં આટલું સ્થાન અને માન આપ્યું હોય તો આ જ સ્ત્રી પ્રથમ છે.
એક દિવસ શૈલીએ કહ્યું ઃ ‘ડૉ. વિશાખા ! કાલે એમને રજા મળશે.’
‘એેટલે કે કાલથી તમે નહીં આવો એમ જ ને !’
શૈલીએે આંખો ઢાળી હા પાડી.
‘ના એવું નહીં. કોઈક દિવસ આ તરફ નીકળો તો જરૂર આવજોે. તમને મળવા હું સદાયે આતુર રહીશ.’
‘આ મારા ઘરનું સરનામું છે. કોઈક વાર જરૂર આવજોે.’ કહેતાં શૈલીએ એક કાર્ડ આપ્યું.
‘હવે તમારા પતિને સારું છે એવા રિપોર્ટ્સ છે મારી પાસે.’
‘તમે જ એમને બચાવી લીધા છે. કાલે અમે બન્ને તમને મળવા આવીશું.’ બોલતાં શૈલીની આંખ ભીની થઈ.
અને ડૉ. વિશાખાએ પણ પોતાની આંખો લૂછી.
બીજા દિવસે બરાબર અગિયાર વાગે શૈલીના પતિને રજા મળી. બેઉ સીધાં જ સુપરિન્ટેન્ડેન્ટની ચેમ્બરમાં પ્રવેશ્યાં. સામેની ચેરમાં ડૉ. વિશાખા નહોતાં. કોઈ અન્ય તબીબ હતા.
‘ડૉ. વિશાખા નથી ?’ શૈલીએ પૂછયું
‘ના…..એમણે રાજીનામું આપ્યું.’
‘ક્યારે?’
‘થોડા દિવસ થયા, બનતાં સુધી તા. ૩જી ફેબ્રુઆરીએ જ આપ્યું હતું.’
‘એટલે કે મારા ઓપરેશનના દિવસે.’ શૈલીનો પતિ બોલી ઊઠયો.
શૈલી બબડી ઃ ‘રોજેરોજ મારી સાથે કેટકેટલી વાતો કરી…. પણ મને આ વાતની જરાયે ગંધ આવવા દીધી નહીં. મને તો કાંઈ સમજાતું નથી…’
દરમિયાન શૈલીનો પતિ બોલી ઊઠયો ઃ ‘આવાં સુક્કાં જંગલી ફૂલો…..ડૉક્ટરસાહેબ ! તમને ગમે છે ?’
‘ના….મેં આજે જ ચાર્જ લીધો. એ ડૉ. વિશાખાને પસંદ હતાં.’
‘શૈલી…આવાં ફૂલ ‘શૈલી’ને પણ પસંદ હતાં.’
શૈલી ઘડીભર વિચારમાં પડી ગઈ.
એ સમજી. એનો પતિ પણ કદાચ સમજી ગયો હતો. બેઉના મનમાં એક જ વિચાર હતો. ‘જે શૈલી હતી તે ડૉ. વિશાખા બની હતી. જે શૈલી નહોતી તે ‘શૈલી’ બની હતી.’
‘ડૉ. વિશાખા હવે ક્યાં મળે!’ શૈલીએ પૂછયું.
‘એ અમેરિકા ગયાં, આજે સવારની ફ્લાઈટમાં’ ડૉક્ટરે કહ્યું.
અનેે ભારે હૈયે બેઉ ચેમ્બરની બહાર નીકળ્યાં. -ડૉ. વિશાખાએ બેઉને રડાવી મૂક્યાં.
– દેવેન્દ્ર પટેલ




