Close

સ્વપ્ના, આપણે અમેરિકા આવ્યા છીએ, પરંતુઆપણે ભારતીય છીએ

કભી કભી | Comments Off on સ્વપ્ના, આપણે અમેરિકા આવ્યા છીએ, પરંતુઆપણે ભારતીય છીએ
સ્વપ્ના. ગુજરાતમાં જન્મેલી એટલે સુંદર ગુજરાતી બોલતી. એનાં લગ્ન સુનીલ સાથે થયાં હતાં. સુનીલ અત્યંત દેખાવડો અને તેજસ્વી છે. તે એક આઈ.ટી. કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર છે. સ્વપ્ના શહેરની એક કૉલેજમાં અંગ્રેજી ભાષાની અધ્યાપિકા. બેઉ જણાં સારું કમાઈ લેતાં. એમના સુખી દામ્પત્યના પરિપાક રૂપે સ્વપ્નાએ એક બાળકીને જન્મ આપ્યો. તેનું નામ જૂઈ પાડવામાં આવ્યું.
સ્વપ્નાનું એક આગવું વ્યક્તિત્વ હતું. તે ના કોઈથી ડરતી, ના કોઈથી અંજાઈ જતી. સ્વપ્ના એક વાર કૉલેજમાં પિરિયડ લેતી હતી તે દરમિયાન એક વિદ્યાર્થીએ ગંદી કોમેન્ટ કરી. સ્વપ્નાએ જરા પણ શરમાયા વગર હાથમાંનું પુસ્તક ટેબલ પર મૂકી દીધું. ભણાવવાનું થોડીક વાર માટે અટકાવી દીધું અને સીધી જ વિદ્યાર્થીની બેંચ તરફ્ જઈ કોમેન્ટ કરનાર વિદ્યાર્થીના શર્ટનો કોલર પકડી પ્લેટફોર્મ પાસે ખેંચી લાવી સણસણતો તમાચો મારતાં કહ્યુંઃ ‘માય સન… મને લાગે છે કે તારી મમ્મીએ તને જે નથી શીખવ્યું તે હવે મારે શીખવવું પડશે.. હવે ફરી એ ભૂલ કરીશ તો તને કૉલેજના કમ્પાઉન્ડમાં ફટકારીશ.’
આખો ક્લાસ સ્તબ્ધ બની ગયો.
એક દિવસ સુનીલની એક બહેન કે જે અમેરિકા સ્થિર થઈ હતી તેનો સુનીલ પર પત્ર આવ્યો. પત્રમાં એણે પોતાના ભાઈને અમેરિકા આવી સ્થિર થવા આમંત્રણ આપ્યું હતું. અમેરિકામાં સોફ્ટવેર એન્જિનિયરની ખૂબ જરૂરત ઊભી થઈ હતી. સુનીલ અને સ્વપ્નાએ અમેરિકા જઈ કારકિર્દી બનાવવા વિચાર્યું. સુનીલે એચ વન-બી વિઝા માટે પેપર્સ તૈયાર કરાવરાવ્યાં. અમેરિકામાં ન્યૂજર્સીમાં રહેતી તેની બહેન પ્રતીક્ષાએ અને તેના પતિએ મદદ કરી. સુનીલને વિઝા મળી ગયા. પહેેલાં સુનીલ અમેરિકા ગયો. પછી સ્વપ્ના પણ કૉલેજની ટર્મ પૂરી થયા બાદ નાનકડી દીકરી જૂઈને લઈ અમેરિકા ગઈ.
સુનીલ હજી તેની બહેન પ્રતીક્ષા અને બનેવી સાથે જ રહેતો હતો. ન્યૂજર્સીમાં તેમનું સરસ મોટું હાઉસ હતું. સ્વપ્નાને નણંદ પ્રતીક્ષા અને તેના પતિનું ઘર ગમી ગયું. ઘરમાં પગ ખૂંપી જાય તેવી કાર્પેટ અને આકર્ષક સોફા હતા. બે અતિ મોંઘી મોટરકારો હતી.
થોડા દિવસ પસાર થયા.
એક દિવસ સ્વપ્નાએ કહ્યું. ‘સુનીલ, મારે પણ આવું લક્ઝયુરિયસ હાઉસ જોઈએ છે.’
સુનીલ બોલ્યો ઃ ‘થોડી ધીરજ ધર. હજી તો હમણાં જ મારી જોબ શરૂ થઈ છે.’
‘તો તું શું એટલું નથી કમાતો ?’
‘ના, હમણાં મંદી છે. જે કંપનીએ મને જોબ આપી હતી તે કંપની જ બંધ થઈ ગઈ, એટલે હમણાં હું એક રેસ્ટોરાંમાં જોબ કરું છું.’
‘આહ !’ ઃ સ્વપ્નાને અમેરિકાનું સપનું તટતું જણાયું.
સુનીલ બોલ્યો ઃ ‘થોડાક સમયમાં સારી જોબ નહિ મળે તો ઇન્ડિયા પાછાં જઈશું.’
‘ના’ ; સ્વપ્ના ઊંચા અવાજે મક્કમતાથી બોલી. તેને અમેરિકા ગમી ગયું હતું, એને કોઈ પણ સંજોગોમાં અમેરિકા છોડવું નહોતું.
એક દિવસ સ્વપ્નાએ કહ્યુંઃ ‘ચલ સુનીલ, બૅન્કની લોન પર એક હાઉસ લઈએ. હવે હું પણ કોઈ જોબ કરીશ.’
સુનીલ અનિચ્છા છતાં ઘર લેવરાવ્યું. બેઉ વચ્ચે ઝઘડો પણ થયો પરંતુ સ્વપ્ના પહેલેથી જ આધિપત્ય ધરાવવાની પ્રકૃતિની હતી. તે હવે અમેરિકાની સિસ્ટમથી વાકેફ થઈ ગઈ. અંગ્રેજી તો એને આવડતું જ હતું. ન્યૂજર્સીથી ન્યૂયોર્ક સુધી સબ વેમાં તે એકલી ફરી શકતી એક દિવસ જાતે જ એક જોબ શોધી લાવી.
સુનીલે પૂછયું ઃ ‘ક્યાં જોબ શોધી કાઢી ?’
સ્વપ્નાએ કહ્યું ઃ ‘તારે જોબ સાથે સંબંધ છે કે જોબના પ્રકાર સાથે ?’
‘પણ તારા હસબન્ડ તરીકે હું જાણી તો શકુું ને ?’
‘તો સાંભળ ! મેં શરાબના એક બારમાં બારગર્લ તરીકે કામ શોધી કાઢયું છે. મારે ગ્રાહકના ઑર્ડર પ્રમાણે દારૂ પીરસવાનો છે. થોડા દિવસ મને તાલીમ અપાશે.’
સુનીલ સ્તબ્ધ થઈ ગયો કે, શું આ એ જ સ્વપ્ના છે જે ઇન્ડિયામાં હતી ? પૈસા કમાવા તેણે આ નોકરી સ્વીકારી ? બેઉ વચ્ચે ફરી ઝઘડો થયો. સુનીલ ઇચ્છતો નહોતો કે સ્વપ્ના શરાબના બારમાં જોબ કરે.
સુનીલ બોલ્યો ઃ ‘જો સ્વપ્ના ! આપણે અમેરિકા આવ્યાં છીએ પણ આપણે ભારતીય છીએ, અમેરિકન નથી. તું પબમાં જોબ કરે તે આપણને ના શોભે.’
સ્વપ્ના ગુસ્સે થઈ ગઈઃ ‘તને ખબર છે ને સુનીલ કે હું જિદ્દી છું. મેં નક્કી કર્યું છે તે હું કરીશ જ. મારે પૈસા જોઈએ છે. અતિ ભવ્ય હાઉસ અને લક્ઝયુરિયસ કાર એવરીથિંગ…. એવરીથિંગ આઈ વોન્ટ.’
બીજા જ દિવસથી સ્વપ્નાએ બારમાં જોબ કરવા જવાનું ચાલુ કરી દીધું. તે દિવસથી સુનીલે તેની સાથે બોલવાનું ઓછું કરી નાંખ્યું. તે હજી થોડું જ કમાતો હતો.  એક દિવસ સ્વપ્ના ઘેર આવી તો એ જુદી જ લાગી. એણે વાળ કપાવી બૉય કટ કરી નાંખ્યા હતા. સુનીલે પૂછયું ઃ ‘કેમ આમ કર્યું ?’
વાળના મુદ્દે બેઉ વચ્ચે ફરી લાંબો ઝઘડો થયો. પરંતુ સ્વપ્ના હઠીલી હતી. એ રાત્રે સુનીલ જમ્યા વગર જ સૂઈ ગયો. સ્વપ્નાને તેની પરવા નહોતી. બેઉ અલગ અલગ પડખાં ફેરવી સૂઈ ગયાં. કેટલાયે દિવસો સુધી બેઉ વચ્ચે અબોલા રહ્યા. થોડા દિવસ બાદ સુનીલ નરમ પડયો એક રાત્રે એણે સૂતેલી સ્વપ્નાને હાથથી સ્પર્શ કર્યો. સ્વપ્ના છંછેડાઈ ગઈ, જાણે કે તે દાઝી ગઈ ના હોય !
સુનીલ આખી રાત જાગતો રહ્યો ઃ ‘સ્વપ્ના અધ્યાપિકા હતી હતી અને આજે કેટલી બદલાઈ ગઈ છે ?..’
નાનકડી જૂઈને પણ હવે ખબર પડી ગઈ હતી કે મમ્મી-પપ્પા વચ્ચે ઝઘડો છે. તે પણ મમ્મી કરતાં ડેડી સાથે રહેવાનું વધુ પસંદ કરતી. સુનીલ બિચારો રજા હોય ત્યારે તેની બહેન પ્રતીક્ષાના ઘેર જાય. બદલાઈ ગયેલી પત્ની વિષે વાત કરી દુઃખ હળવું કરતો. બહેન પ્રતીક્ષા એને સાંત્વના  આપતી. પણ સ્વપ્નામાં કોઈ જ ફરક ના પડયો. તે અમેરિકાની હવાના સ્પર્શ સાથે જ બદલાઈ ગઈ હતી. ભૌતિક સુખ જ તેને સર્વસ્વ લાગતું હતું. એક દિવસ સ્વપ્ના મોડી રાત સુધી ઘેર ના આવી. સુનીલ ચિંતામાં પડી ગયો. સ્વપ્નાનો મોબાઈલ સ્વીચ ઑફ આવતો હતો. એણે પબ પર ફોન કર્યો. સ્વપ્ના પબમાંથી નીકળી ગઈ હતી. છેક પરોઢિયે તે ઘેર આવી.
બીજા દિવસે સુનીલે નરમાશથી મોડા આવવાનું કારણ પૂછયું, તો સ્વપ્ના ચીડાઈ ગઈ ઃ ‘હું વહેલી આવું કે મોડી-તારે ચિંતા કરવાની નહિ.’
‘હું ચિંતા નહીં કરું તો બીજું કોણ કરશે? હું તારો હસબન્ડ છું.’ સુનીલે પતિ હોવાનું યાદ દેવરાવ્યું, પણ સ્વપ્ના બોલી ઃ ‘મારી અંગત બાબતોમાં દરમિયાનગીરી કરવાની નહિ. ઓ.કે.?’
સુનીલ સ્તબ્ધ બની ગયો. સ્વપ્ના આટલી હદે બદલાઈ જશે તેની તેને કલ્પના નહોતી. સ્વપ્ના પછી તો અવારનવાર મોડી આવવા લાગી.
કેટલાક સમય પછી બન્યું એવું કે સ્વપ્ના રાત્રે પણ ઘેર ના આવતી. તે બહાર જ રહેતી અને બીજા દિવસે સીધી જ જોબ પર જતી. તે વસ્ત્રોની વધારાની જોડી અન્યત્ર રાખતી.
જૂઈ રોજ પૂછતી ઃ ‘ડેડ ! મમ્મી ક્યારે આવશે ?’
‘હમણાં આવશે’ કહી સુનીલ દીકરીને સુવરાવી દેતો.
પણ તે ઊંઘી શક્તો નહીં.  એક દિવસે કંટાળીને સુનીલ અને જૂઈ પોતાનું દિલ હળવું કરવા ન્યૂજર્સીમાં રહેતા એના એક જૂના મિત્રના ઘેર જતાં રહ્યાં. કેટલાક દિવસો સુધી બેઉ ત્યાં રોકાયાં. સુનીલ ત્યાંથી જ સીધો જોબ પર જતો. મિત્રના ઘેર તેનો માનસિક અજંપો ઓછો થયો. કેટલાક દિવસો બાદ સુનીલ પુત્રી સાથે પોતાના ઘેર ગયો. જૂઈને તેણે બહાર જ જમાડી દીધી હતી. મોડી રાત્રે ઘેર પહોંચ્યો. તેની પાસે પણ એક ચાવી. હતી. એણે પોતાની ચાવીથી ઘરનું બારણું ખોલ્યું. તેે અંદર પ્રવેશ્યોે.રાત પડી ગઈ હોવા છતાં ઘરમાં આછી લાઇટો ચાલુ હતી. અંદરના બેડરૂમમાં કોઈ વાતો કરતું હોય તેમ લાગ્યું.
સુનીલ અંદર પ્રવેશ્યો. અંદરનું દૃશ્ય જોઈ તે અવાક થઈ ગયો. સ્વપ્ના પોતાના સગા બનેવી અર્થાત્ પ્રતીક્ષાના પતિ સાથે  સાંનિધ્યમાં હતી. સ્વપ્નાએ શરૂઆતમાં થોડોક ક્ષોભ અનુભવ્યો પરંતુ થોડીક ક્ષણોમાં સ્વસ્થતા ધારણ કરી એણે પતિના બનેવીનો હાથ પકડી રાખ્યો. સુનીલ પરિસ્થિતિ પામી ગયો. સ્વપ્ના હવે નફ્ફટ બની ચૂકી હતી. પતિની બહેનના પતિની સોડમાં પડી રહેવા બદલ તેને હવે કોઈ શરમ નહોતી. તે વગર બોલ્યે જ કહી રહી હતી કે, ‘જો સુનીલ, હું આ છું… પ્રતીક્ષાનો પતિ હવે મારો છે. હી ઈઝ માય લવ.’
સુનીલ જાણતો હતો કે બનેવી પાસે પુષ્કળ પૈસા છે. પુષ્કળ એશો આરામ છે. બસ, એ માયામાં સ્વપ્ના લપેટાઈ ચૂકી હતી. સુનીલ બીજા રૂમમાં જતો રહ્યો. એના બનેવી પણ કાંઈ પણ બોલ્યા વગર પોતાના ઘેર જતા રહ્યા. એ
રાત્રે સ્વપ્ના અને સુનીલ વચ્ચે પુષ્કળ ઝઘડો થયો. બેઉ વચ્ચે ખૂબ બોલાચાલી થઈ. નાનકડી જૂઈ તો ગભરાઈ જ ગઈ. બેઉ વચ્ચે શારીરિક ખેંચતાણ પણ થઈ. ઝઘડાના અંતે સ્વપ્નાએ મધ્યરાત્રિએ જ ઘર છોડી દીધું. એણે પોતાની દીકરીની પણ પરવા ના કરી. સુનીલ અને જૂઈ આખ્ખી રાત જાગતાં જ બેસી રહ્યાં.
એ આઘાત જીરવી ના શક્યો. એ રાત્રે જ એણે દારૂનો સહારો લીધો. બેભાન થઈ જવાય એટલી હદે વ્હિસ્કી પીવા માંડી. જૂઈ એને ના પાડતી ઃ ‘ડેડ, હવે ના પીવો.’
પરંતુ સુનીલ રડતો જતો અને પીતો જતો. બેભાન બની ઊંઘી ગયો. સવારે કોઈએ ડૉરબેલ વગાડયો. તે માંડ માંડ ઊઠયો. બારણું ખોલ્યું તો બારણામાં તેની બહેન પ્રતીક્ષા ઊભી હતી. તેના હાથમાં સૂટકેસ હતી. આંખમાં આંસુ હતાં. આખી રાત રડી રડીને તેની આંખો સૂઝી ગઈ હતી.
પરંતુ’બોલી ઃ ‘ભાઈ, મારું ઘર નંદવાઈ ગયું. સ્વપ્ના તારા બનેવીની પત્ની બનીને આવી છે.’
સુનીલ સમજી ગયો.
થોડી જ વારમાં પ્રતીક્ષા ફસડાઈ પડી. સુનીલે તેને પકડીને બેઠી કરી. કેટલીયે વાર સુધી ભાઈ-બહેન એકબીજાને બાઝીને રડતાં રહ્યાં.
સ્વપ્નાએ એકસાથે બે ઘર ભાંગ્યાં હતાં. એક તો પોતાનું ઘર અને બીજું નણંદનું ઘર.
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!