હંગેરીના બુડાપેસ્ટના બહારના પરગણામાં એક આદમી રહેતો હતો. તેનું નામ બેલા કિસ. તે રૂપાળો હતો. તેની પત્ની પણ સ્વરૂપવાન હતી.બેલાકિસ જ્યોતિષી હતો, સ્ફટિકના એક ગોળામાં જોઈ લોકોનું ભવિષ્ય ભાખતો હતો. તેનું ઘર એક સૂમસામ જગા પર હતું. બેલા કિસને એક મિત્ર હતો. પૉલ. પૉલ અવારનવાર તેના ઘેર આવતો.
એકવાર બેલા કિસને કોઈ કામ અંગે બહાર ગામ જવાનું થયું. પૂરા છ મહિના બાદ તે પાછો ફર્યો. ઘરનું બારણું બંધ હતું. બહારથી તાળું મારેલું હતું. તાળું તોડીને તે અંદર પ્રવેશ્યો.ઘરમાં કોઈ નહોતું. તેની પત્ની પણ નહીં. ટેબલ પર એક કવર પડેલું હતું. બેલા કિસે તે કવર ખોલ્યું. તેમાં એક પત્ર હતો, જે તેની પત્નીએ લખેલો હતો. તેની પત્નીએ લખ્યું હતું ઃ ‘હું મારા પ્રેમી પૉલ સાથે જઈ રહી છું. આટલો લાંબો સમય હું પુરુષ વિના રહી શકું તેમ ના હોઈ તમારા મિત્ર પૉલ સાથે કાયમ માટે જઈ રહી છું. માફ કરજો.’
બેલા કિસ સ્તબ્ધ બની ગયો. અત્યંત ક્રોધ આવ્યો કારણ કે પત્ની તેના મિત્ર સાથે જ ભાગી ગઈ હતી. પત્નીના ગયા બાદ બેલા કિસ ભાંગી પડયો. તે આઘાતમાં સરી પડયો. એણે પોતાની જાતને ઘરમાં જ કેદ કરી લીધી. બારી-બારણાં બંધ કરી તે અંદર જ પૂરાઈ રહ્યો. હવે તે બુડાપેસ્ટ પણ જતો નહોતો. તે સાયકોમેટ્રી અને મિસ્ટીસિમના પુસ્તકો વાંચવા લાગ્યો. યુવાન સ્ત્રીઓ પ્રત્યે તેને હવે નફરત થઈ ગઈ હતી. રાત્રે એક જ બારી ખુલ્લી રાખતો. અંદર એક મીણબત્તી જ સળગતી દેખાતી.
કેટલાક વખત બાદ તે રાત પડે બહાર નીકળવા લાગ્યો. બુડાપેસ્ટ જઈ છેક અડધી રાત્રે પાછો આવતો. ઘરમાં કોઈ આવી જાય તો તેની પત્નીના સામાનને તે અડવા દેતો નહીં.
એકવાર તેણે એક કાલયાન નામની એક નોકરાણીને કામ પર રાખી. કાલયાનને ઘર અવાવરું થઈ ગયેલું જણાયું. એક બંધ ઓરડામાં બારીમાંથી તેણે જોયું તો અંદર પાંચ મોટા ડ્રમ એક લાઇનમાં મૂકેલા હતા. એ રૂમમાં જવાની મનાઈ હતી.
કોઈવાર તેના ઘરમાંથી શરાબની તીવ્ર વાસ આવતી. પડોશીઓને લાગ્યું કે બેલા કિસે ગેરકાયદે દારૂ વેચવાનો ધંધો શરૂ કર્યો છે. કેટલાકને લાગ્યું કે બુડાપેસ્ટની નાઇટક્લબોમાં અવૈધરૂપે શરાબ મોકલતો હતો. લોકોએ તેને પૂછયું તો એણે કહ્યું ઃ ‘હું પેટ્રોલનો સંગ્રહ કરી રહ્યો છું. એક માણસ પાસે હું પૈસા માગતો, ના હોઈ મેં તેના પેટ્રોલનો જથ્થો મેં કબજે કરી લીધો છે.’
છતાં લોકોને શંકા તો હતી જ કે આ માણસ રોજ રાત્રે બુડાપેસ્ટ કેમ જાય છે? કોઈએ પોલીસને જાણ કરી કે બેલા કિસ કાળો જાદુ શીખવવા બુડાપેસ્ટ જાય છે. ગેરી નામના પોલીસે તેની પર વૉચ રાખવાની શરૂ કરી. તેને કોઈ ગરબડ જણાઈ નહીં.
અચાનક એક દિવસ પડોશીઓએ તેને એક ખૂબસૂરત છોકરી સાથે જોયો. પછી તે છોકરી ગુમ થઈ ગઈ. થોડા દિવસ બાદ લોકોએ તેને બીજી એક સુંદર યુવતી સાથે ફરતો જોયો. પછી તે પણ ગુમ થઈ ગઈ.
એક દિવસ લૂઇસ નામની એક છોકરીએ પોલીસ સ્ટેશન પર જઈ ફરિયાદ નોંધાવી ઃ ‘સાહેબ, એક દિવસ સાંજે સિનેમા ઘરની બહાર એક આદમી સાથે મારી મુલાકાત થઈ. બીજા દિવસે તે મને લોંગ ડ્રાઇવ પર ગયો. ત્રીજા દિવસે તેણે મને તેના ઘેર બોલાવી. એણે મને કહ્યું હું સ્ફટિકના ગોળાને જોઈ તારું ભવિષ્ય બતાવીશ.’ હું રાજી થઈ ગઈ. એણે પીળા રંગનો કોઈ વિચિત્ર શરાબ મને પીવા આપ્યો. દારૂ તેજ હતો. તે પછી તેણે મારી સમક્ષ એક ગોળો મૂક્યો. મને ગોળા સમક્ષ જોવા કહ્યું. મને ચક્કર આવવા લાગ્યા. હું અર્ધબેભાન હતી. છતાં મેં જોયું તો તે પીળા રંગની રેશમી દોરી લઈ તે મારી સામે ઊભો હતો. તેણે મારા ગળા માટે ફાંસીનો ફંદો બનાવ્યો હતો. એણે મારા ગળામાં ફાંસોનો ફંદો નાખ્યો. હું બેહોશ થઈ ગઈ. જેને હું દોસ્ત સમજતી હતી તે મને મારી નાખવા માગતો હતો. ઘણા સમય બાદ મને હોશ આવ્યા ત્યારે હું એક પાર્કમાં પડેલી હતી.’
પોલીસ સ્તબ્ધ થઈ ગઈ. લૂઇસને એ માણસે પોતાનું નામ આપ્યું નહોતું. રાતના અંધારામાં તે તેના ઘેર લઈ ગયો હોઈ તે ઘર પણ બતાવી શકી નહીં.
આ ઘટનાના બે સપ્તાહ બાદ બુડાપેસ્ટના એક એરિસ્ટ્રોેક્રેટ પરિવારની પત્નીએ પણ પોલીસ સમક્ષ આવી જ ફરિયાદ નોંધાવી. એ સ્ત્રીને ચર્ચમાં એ માણસ ભેગો થઈ ગયો હતો અને મૈત્રી કેળવી રાતના સમયે ભવિષ્ય બતાવવાના બહાને પોતાના ઘેર લઈ ગયો હતો. કોઈ વિચિત્ર દારૂ પીવરાવીને તેના ગળામાં રેશમી પીળી દોરીથી તેને બેહોશ કરી તે મરી ગઈ છે તેમ માની રસ્તામાં ફેંકી દીધી હતી.
આ ઘટના બાદ પોલીસ હરકતમાં આવી ગઈ.
એ ઘટનાના બે સપ્તાહ બાદ ફરી ત્રીજી એક મહિલાએ પણ આવી જ ફરિયાદ નોંધાવી. પોલીસ હવે તપાસ શરૂ કરવાની હતી ત્યાં જ વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું. હંગેરીએ જર્મનીનો પક્ષ લીધો. બેલા કિસ હંગેરીમાં એકલો જ હતો. તેથી તે આર્મીમાં ભરતી થઈ ગયો. ડયૂટી પર જતી વખતે તેણે પોતાના ઘરના બધાં જ બારણા, દરવાજા અને બારીઓ મજબૂતીથી બંધ કરી દીધા.
આ વાતને ૧૮ માસ વીતી ગયા. બેલા કિસને સર્બિયા મોકલી દેવાયો. બેલા કિસે તેના પડોશી લિટમેનને જાણ કરી કે મારી ડયૂટી સર્બિયામાં છે. આ પત્રના જવાબમાં લિટમેને બેલા કિસને વળતો પત્ર લખ્યો પરંતુ ચાર મહિના બાદ તેનો પત્ર પાછો આપ્યો. તેની પર એક નોંધ લખવામાં આવી કે સોલ્જર બેલા કિસ ઘવાયો હતો અને બેલગ્રેડની આર્મી હૉસ્પિટલમાં તેનું મૃત્યું થઈ ગયું છે.
આ ખબર આવ્યા બાદ લોકોએ બુડાપેસ્ટની બહાર સિનેકોપમાં બેલા કિસના નામે એક શહીદ સ્મારક બનાવ્યું.
કેટલાક મહિના બાદ ફરી ચોંકાવનારા સમાચાર આવ્યા. બેલા કિસના ઘર પાસેના જંગલમાંથી એક યુવતીની લાશ મળી. પોલીસને કોઈ જ કડી ના મળી. અલબત્ત મૃત યુવતીની આંગળી પરની એક વીંટીથી એટલો તો ખ્યાલ આવ્યો કે તે વિયેનાના કોઈ મોટા વેપારીની પત્ની હતી.
આ ઘટનાના ત્રણ સપ્તાહ બાદ ફરી એ જ વિસ્તારમાંથી વધુ એક યુવતીની લાશ મળી. તપાસ કરતાં ખબર પડી કે મરનાર યુવતીનું નામ ઇસાબેલ હતું. વળી તે હંગેરીના નાણામંત્રીની ભત્રીજી હતી. બે ઘટનાઓથી હંગેરીની સરકાર ધ્રૂજી ગઈ. તપાસ ગુપ્તચર વિભાગને સોંપવામાં આવી. તપાસ ચાલુ હતી ત્યાં વધુ એક સ્ત્રીની લાશ મળી..
આ તરફ વિશ્વયુદ્ધ ચાલુ હતું. હંગેરીની સેનાએ ફરમાન જારી કર્યું કે જરૂર પડે લશ્કર કોઈ પણ ગેરેજ સ્થળ કે પેટ્રોલપંપ પરથી પેટ્રોલનો કબજો લઈ શકે છે.
લશ્કર પેટ્રોલ શોધી રહી હતી તે દરમિયાન બેલા કિસના ઘરમાં કામ કરવા ગયેલી નોકરાણી કાલયાનને યાદ આવ્યું કે બેલા કિસના ઘરના એક ઓરડામાં પેટ્રોલ ભરેલા પાંચ ડ્રમ છે. તેે લશ્કરને મદદ કરવા પોલીસને જાણ કરી.
પોલીસ સીધી બેલા કિસના ઘેર ગઈ. બેલા કિસના ઘરના બારણા તોડી અંદર પ્રવેશ કર્યો. અંદરના એક રૂમમાં પાંચ ડ્રમ ભરેલા હતા. પોલીસ અને સૈનિકોએ ડ્રમના ઢાંકણાં ખોલ્યાં તો અંદરથી સ્પિરિટની સખત દુર્ગંધ આવી. સૈનિકોને શક ગયો તેમણે ડ્રમની અંદરથી મહિલાઓની લાશો મળી. દરેક મૃત મહિલાના ગળામાં ફંદાના નિશાન હતા. પોલીસ દંગ રહી ગઈ.
પોલીસ હંગેરીમાંથી ગુમ થયેલી યુવતીઓની તપાસ કરી અખબારોમાં જાહેરાત આપી.
બે જ દિવસમાં ૨૩ પત્રો આવ્યા. બેલા કિસના ઘરમાંથી અખબારોની કાપલીઓ મળી, જેમાં તેણે વિજ્ઞાપન
આપેલી હતી કે, ‘તમારું ભવિષ્ય જાણવું હોય તો મળો….. બેલા કિસ’.
પોલીસને ખ્યાલ આવી ગયો કે પોલીસ મહિલાઓનું ભવિષ્ય બતાવવાના બહાને તેમને ઘેર બોલાવી દારૂ પીવરાવી
તેમની હત્યા કરી નાખતો હતો. કોઈ લાશ સ્પિરિટ ભરેલા ડ્રમમાં છુપાવી દેતો હતો તો કોઈ લાશ જંગલમાં ફેંકી દેતો હતો. જંગલમાં ખોદકામ કરતાં ૨૬ લાશો મળી.
પોલીસે તપાસ કરી તો ખબર પડી કે બેલા કિસનું તો સર્બિયામાં મૃત્યુ થઈ ગયું છે. પોલીસે તપાસ બંધ કરી દીધી.
અચાનક એક દિવસ પોલીસને જાણ થઈ કે વળી એક યુવતીની લાશ જંગલમાં પડી છે. થોડા દિવસ બાદ બીજી એક યુવતીએ પોલીસને જાણ કરી કે એક માણસ ભવિષ્ય જોવાના બહાને તેને ઘેર લઈ ગયો હતો. ગોળા સામે બેસાડી તેને દારૂ પીવરાવ્યો હતો પરંતુ તે બચીને ભાગી ગઈ હતી.
બેલા કિસ મૃત્યુ જ પામ્યો હતો તો આ નવો માણસ કોણ? પોલીસે ફરી બેલગ્રેડ જઈ તપાસ શરૂ કરી. રેકોર્ડ પરથી માલૂમ પડયું કે બેલા કિસનું મૃત્યુ થઈ ગયું હતું. પરંતુ એક નર્સે પોલીસને જણાવ્યું ઃ ‘બેલા કિસ જખ્મી હાલતમાં દાખલ થયો હતો. તે માત્ર ૨૦ વર્ષનો હતો.
પોલીસને શંકા ગઈ કારણ કે બેલા કિસ સેનામાં ભરતી થયો ત્યારે તે ૪૦ વર્ષનો હતો. પોલીસ સમજી ગઈ કે બેલા કિસે કાગળોની અદલાબદલી કરી તે હૉસ્પિટલમાંથી ભાગી ગયો હતો અને એક યુવાન સૈનિક કે જે ઘાયલ થયો હતો તેના પલંગ પાસે પોતાના નામના કાગળો મૂકી દીધા હતા. તે યુવાન સૈનિક મૃત્યુ પામ્યો એટલે લશ્કરના રેકોર્ડ પર બેલા કિસ મૃત્યુ પામ્યો છે તેવું પ્રગટ થયું. પોલીસે હવે છાપા મારવા માંડયા.
પણ બેલા કિસ લંડન ભાગી ગયો હતો એ વાતની જાણ થતાં પોલીસે સ્કોટલેન્ડ યાર્ડને જાણ કરી પરંતુ બેલા કિસ આખા યુરોપના ગુપ્તચરોની આંખમાં ધૂળ નાંખીને તે ભાગતો રહ્યો. અમેરિકા પણ તેને શોધતું રહ્યું. ફ્રાન્સની પોલીસ પણ તેને શોધતી રહી. ફ્રાનસની પોલીસ તેને પકડે તે પહેલાં તેણે ફ્રાન્સ છોડી દીધું. તે અમેરિકા જતો રહ્યો. અમેરિકાની પોલીસ તેને શોધે તે પહેલાં તેણે અમેરિકા છોડી દીધું.
૨૬ જેટલી યુવતીઓની હત્યા કરનાર બેલા કિસ કદી ના પકડાયો. ઇન્ટરપોલ, સ્કોટલેન્ડ યાર્ડ અને એફબીઆઇના હાથમાં બેલા કિસ કદી ના આવ્યો. બેલા કિસે એ યુવતીઓની હત્યા કેમ કરી અને તે ક્યાં છે તે વાત આજે પણ રહસ્ય છે.
– દેવેન્દ્ર પટેલ



