એક પત્ર છે.
તે લખે છે ઃ ‘મારું શરીર સૌષ્ઠવ સારું છે. હું નાની હતી ત્યારથી જ રૂપાળી છું. મોટી થઈ. સ્કૂલમાં બધા વિદ્યાર્થીઓ મને જોઈ રહેતા. પરંતુ હું સ્વભાવથી શાંત અને નિર્મળ હતી. હું કુંવારી હતી ત્યારથી મને કોઈ છોકરીઓમાં રસ નહોતો. મારા મનમાં એક વાત ઠસી ગઈ હતી કે પુરુષ જાત સ્વાર્થી છે. પુરુષને પૈસા અને સ્ત્રીમાં જ રસ છે. મારી આ માન્યતા ખોટી પણ હોઈ શકે છે. પરંતુ હું તેમ માનતી હતી. હું ભાગ્યે જ કોઈ છોકરાની સામે જોતી. સ્કૂલમાં મારી સખીઓ મને કહેતી ઃ ‘અનન્યા જો પેલો તારી સામે જોઈ રહ્યો છે ?
પરંતુ મને કોઈ છોકરામાં રસ નહોતો.
મારી બહેનપણીઓ મને કહેતી ઃ ‘અનન્યા, તને પરણવાવાળો ખરેખર ભાગ્યશાળી હશે.’
સ્કૂલમાંથી હું કૉલેજમાં ગઈ. કૉલેજનું ભણવાનું પૂરું કરીને મારાં એક યુવાન સાથે લગ્ન થયા. એ સામાજિક ગોઠવણ પ્રમાણેનાં લગ્ન હતા. મેં મારા પતિને સરસ રીતે સ્વીકારી લીધા. અમારું દાંપત્યજીવન પણ સરસ ચાલવા લાગ્યા. દાંપત્યજીવનના પરિપાકરૂપે સમયાંતરે હું બે બાળકોની માતા પણ બની. પહેસાં દીકરી અને તે પછી દીકરો જન્મ્યો.
ઈશ્વર પ્રત્યે મને પહેલેથી જ ઊંડી શ્રાદ્ધા. સવારે નાહી ધોઈને ભગવાનની સેવા-પૂજા કરવી. માળા કરવી એ મારો નિત્યક્રમ હતો. મને કોઈ મૂંઝવણ થાય હું મારા ઘરમંદિરમાં ભગવાન સમક્ષ ચિઠ્ઠી નાંખીને નિર્ણય કરતી. મારા પતિ એ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા. તેમના એક મિત્ર વિશ્વાસ. તે ખૂબ સારા સ્વભાવનો અને મળતાવડો પણ. તે પણ પરિણીત હતો. બે બાળકોનો પિતા હતો. તે ઘણીવાર અમારા ઘેર આવતા. મારી અને મારા પતિ વચ્ચે કોઈવાર કોઈ મતભેદ થાય તો વિશ્વાસ મધ્યસ્થી બનતા. તેઓ ખૂબ જ સારા સ્વભાવના હતા. અમે પણ અવારનવાર તેમના ઘેર જતા.
એક દિવસ મારા પતિએ મને કહ્યું ઃ ‘હવેથી આપણે વિશ્વાસના ઘેર જવું નથી.’
મેં પૂછયું ઃ ‘કેમ?’
મારા પતિએ કહ્યું ઃ ‘એ માણસની નજર સારી લાગતી નથી.’
મારા પતિ વહેમી બની ગયા હતા. એ દિવસથી એમણે વિશ્વાસના ઘેર જવાનું બંધ કરવી દીધું. ધીમે ધીમે તેમણે મને આસપાસના પડોશીઓના ઘેર જવા દેવા પર પણ પ્રતિબંધ ફરમાવી દીધો. હું બહાર ઓેટલા પર બેઠી હોઉં તો પણ મને ઉઠાડી મૂકી કહેતા ઃ ‘ઘરની અંદર જતી રહે.’
હું ઘરની અંદર જતી રહેતી.
હવે કોઈને કોઈ બહાને મારી ઉપર હાથ ઉપાડવા લાગ્યા. મને ફટકારવા લાગ્યા. હું પૂછતી ઃ ‘કેમ’.
પણ તેઓ કોઈ કારણ આપ્યા વગર મને માર મારતા. હું સહનશીલ સ્ત્રી છું. મેં બધાં જ દુઃખો સહન કરવા માંડયા. પરંતુ દુઃખો સહન કરવાની પણ એક હદ હોય છે. હું પિયર જઈ શકતી નહોતી. કોઈ પિયરથી આવ્યું હોય તો તેની સાથે એકલી બેસીને વાત કરી શકતી નહીં. હું કંટાળી ગઈ. હતાશ થઈ ગઈ. હવે મારે કોઈ બહેનપણી પણ નહોતી.
મને એટલી ખબર હતી કે મારા પતિ હવે એકલા જ તેમના મિત્ર વિશ્વાસના ઘેર જતા. બેઉ સાથે ડ્રિંક્સ પણ લેતા.
એકવાર મારા પતિએ મને કહ્યું ઃ વિશ્વાસ તેની પત્નીથી ખુશ નથી. બેઉ વચ્ચે બનતું નથી.
હું ચૂપ રહી પરંતુ મને ચિંતા થઈ. વિશ્વાસ એક સારા માણસ હતા. મને તેમના માટે માન હતું.
એક દિવસ વિશ્વાસ મારા ઘેર આવવાના હતા. એકલા જ આવવાના હતા. તેઓ આવ્યા અને મારા પતિ સાથે બેસીને જતા રહ્યા. આ વાતની ખબર પડતાં વિશ્વાસના પત્નીએ વિશ્વાસ સાથે ખૂબ ઝઘડો કર્યો ઃ ‘તમે પેલી અનન્યાના ઘેર ગયા જ કેમ ? એ સારી સ્ત્રી નથી.’
મારા પતિએ મને આ ઝઘડાની વાત કરી. વિશ્વાસની પત્નીને એવો વહેમ પડી ગયો હતો કે, વિશ્વાસને મારી સાથે સાથે સંબંધ છે અને વિશ્વાસને મારી પર એવોે વહેમ પડી ગયો હતો કે મારે વિશ્વાસ સાથે સંબંધ છે. હકીકતમાં બેઉ વહેમ ખોટા હતા.
વાત આગળ વધતાં મેં જ વિશ્વાસને કહી દીધું ઃ ‘હવેથી તમે અમારા ઘેર આવશો નહીં.
ફરી એમના ઘેર ઝઘડો થયો. વિશ્વાસે ઝેરી દવા પી લીધી. પરંતુ તેઓ બચી ગયા. તે પછી તેઓ કદી અમારા ઘેર આવ્યા નહીં.
પરંતુ મારા પતિના મારા તરફના વર્તનમાં કોઈ જ ફરક પડયો નહીં. તેમણે જ અમારા મિત્ર વર્તુળમાં વાત ફેલાવી દીધી કે મારે અને વિશ્વાસને અફેર છે. હકીકતમાં એવું કાંઈ હતું જ નહીં. મારી તો ઊંઘ જ ઊડી ગઈ કે મારા પતિએ મારા માટે સાવ આવું કેમ વિચાર્યું હશે ? રાતોની રાત હું જાગતી રહી. મારા પતિએ મારી સાથે બોલવાનું બંધ કરી દીધું. મારી સાથે જમવા, બેસવાનું બંધ કરી દીધું. મારી સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા. મારા ઘરમાં હું એકાકી બની ગઈ. મારા માટે એક જબરજસ્ત માનસિક ત્રાસ હતો. હું હતાશ થઈ ગઈ, ભાંગી પડી. મને લાગ્યું કે હું નર્વસ બ્રેકડાઉનનો ભોગ બનીશ. હું સમજી શકતી નહોતી કે શું કરવું ?
છેવટે મને વિશ્વાસ જ યાદ આવ્યા મને તેમની પ્રત્યે માન હતું. મેં તેમની જ સલાહ લેવા તેમને ફોન કર્યો.
વિશ્વાસે મને સાંત્વના આપી. તેમણે કહ્યું ઃ ‘સમય જતાં બધું સારું થઈ જશે.’
પછી હું જ્યારે જ્યારે એકલી પડું ત્યારે ત્યારે મન હળવું કરવા વિશ્વાસને ફોન કરી લેતી. તેઓ મને હૂંફ આપતા. લાગણીથી વાત કરતા. વિશ્વાસ સિવાય મારો કોઈ સહારો નહોતો.
એક દિવસ વિશ્વાસનો જ મારી પર ફોન આવ્યો ઃ ‘હું તમારા ઘેર આવું છું.’
તે દિવસે તેઓ મારા ઘેર આવ્યા. એ વખતે મારા પતિ ઘેર નહોતા. અમે બંનેએ ખૂબ વાતો કરી.
એ પછી અમે બંને અવારનવાર ફોન પર વાતો કરતાં મને લાગ્યું કે હું વિશ્વાસના પ્રેમમાં પડી ગઈ છું.
એક દિવસ તેમણે પણ એવી જ લાગણી વ્યક્ત કરી. મને લાગ્યું કે હવે તો વિશ્વાસ જ મારો સહારો છે. આમેય હું દુઃખી હતી. તેમણે મને ધરપત આપી હતી. વળી આમેય મારું નામ તેમની સાથે જોડી મારા પતિએ મને બદનામ કરી દીધી હતી તો હવે વિશ્વાસ સાથે જ મિત્રતા બાંધવામાં ખોટું શું છે ? મેં ઘણોે વિચાર કર્યો. મારે બે બાળકો છે. વિશ્વાસને પણ બે બાળકો છે. મને બંને સમદુઃખીયા છીએ.
પહેલાં અમે બંને મિત્રો બન્યા પછી અમે બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા. એ પછી તો અમે બંને એક બીજા સાથે રોજ વાતો કરવા લાગ્યા. અવારનવાર મળવા પણ લાગ્યા. હા, પણ એક વાત તમને કહી દઉં. મેં તેમને કદી સ્પર્શ કર્યો નહીં. મેં એમની સાથે એ મર્યાદા જાળવી રાખી. એમણે મારી સાથે સ્પર્શ કરવા પ્રયાસ કર્યો પરંતુ મેં એ લક્ષ્મણ રેખા કદી ઓળંગી નહીં. તેમણે ઘણો પ્રયાસ કર્યો પરંતુ મેં મર્યાદા જાળવી રાખી. મને હંમેશા એવું માન્યું છે કે શારીરિક સંબંધ પ્રેમનો એક હિસ્સો હોઈ શકે પરંતુ શારીરિક સંબંધ જ પ્રેમ નથી.
મને એક દિવસ ખબર પડી કે વિશ્વાસ રમોના નામની એક બીજી છોકરીના પ્રેમમાં છે. રમોનાના રોજ તેમની પર ફોન આવતા મેં તેમને પૂછયું ઃ ‘મને બહારથી ખબર પડી છે કે તમને રમોના નામની છોકરીને પ્રેમ કરે છે અને રોજ ફોન પર તમારી સાથે વાત કરે છે તે વાત સાચી છે.’ તેમણે ઇન્કાર કરી દીધો.
મારો ઇન્કાર તેમને ગમ્યો નહીં. એક રાત્રે તેમણે ડ્રિંક્સ લઈને મને ફોન કર્યો. તેમણે કરેલી વાતો યોગ્ય નહોતી. તેઓ મને બધી જ રીતે પામવા માગતા હતા. એક વાર મારા પતિ ઘેર નહોતા. એ વાતની એમને ખબર હતી. એ રાત્રે ફરી ડ્રિંક્સ લઈને મારા ઘેર આવી ગયા. નશાની હાલતમાં તેમણે મને બાહુપાશમાં લેવા પ્રયત્ન કર્યો. હું દૂર હટી ગઈ. તેમણે મારી પર બળજબરી કરવા પ્રયાસ કર્યો. મેં તેમને દૂર હડસેલી દીધા. મેં લક્ષ્મણ રેખા ઓળંગવા દીધી નહીં. મેં તેમને કહ્યું ઃ ‘વિશ્વાસ તમે અત્યારે ને અત્યારે તમારા ઘેર ચાલી જાવ હવે ફરીથી અહીં આવશો નહીં.’
વિશ્વાસને રવાના કરી દીધા બાદ ફરી હું વિચારવા લાગી. ‘અરેરે ! મારા પતિ જેવા છે તેવા પણ મારા પતિ જ છે. તેમને હું કદીયે અન્યાય નહીં કરું.’
તે પછી મેં વિશ્વાસ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા.
હવે એક રહસ્ય ખોલું છું. વિશ્વાસ પર રમોના નામની જે છોકરીના ફોન આવતા હતા અને તેઓ જેને રમોના સમજીને ફોન પર મીઠી મીઠી વાતો કરતા હતા તે બીજી કોઈ નહીં પરંતુ હું જ હતી. હું જ રમોનાના નામે વિશ્વાસ સાથે વાતો કરતી હતી. વિશ્વાસ વિશ્વાસપાત્ર નહોતા.
સમય વહેતો રહ્યો. મેં ફરી મારા પરિવારને અપનાવી લીધું છે. મેં નક્કી કરી નાંખ્યું છે કે મારા પતિ મને ગમે તેટલું દુઃખ આપે તો પણ હું ખોટું નહીં જ કરું. સહન કરતી રહીશ.
અનન્યાની વાત પૂરી થાય છે.
(નામ પરિવર્તિત છે)
– દેવેન્દ્ર પટેલ




