Close

મહેશ, આજે હું મારી જાતે જ આ ઉમા તને સોંપું છું

કભી કભી | Comments Off on મહેશ, આજે હું મારી જાતે જ આ ઉમા તને સોંપું છું
સવારના ખુશનુમા હતી.
રેલવે સ્ટેશન ઉપરની સવાર. રાતના પ્લૅટફૉર્મ ઉપર સૂઈ ગયેલાં મુસાફરો જાગી ગયાં હતો. પાણીની એક ચકલી ઉપર દસ-દસ સ્ત્રી-પુરુષોનાં ટોળાં જામ્યાં હતાં. લાલ ડગલો પહેરીને કુલીઓ પ્લેટફોર્મની ધાર પર બેસીને ટ્રેનના પાટાને ઝાંખી રહ્યા હતા. થોડીક વારમાં ટકોરા શરૂ થયા અને દોડતી દોડતી એક યુવતી પ્લેટફૉર્મ તરફ આવી રહી હતી. ટ્રેન હજુ નથી આવી એ જાણીને તેણે ‘હા…શ’ અનુભવી. તે પણ છેક પ્લેટફોર્મની ધાર પર ઊભી રહી ટ્રેનના પાટાને ઝાંખી રહી. તે ઉમા હતી. દૂરથી આવી રહેલ ટ્રેનને જોઈ તેનું મન પુલક્તિ થઈ નાચી ઊઠયું. સાડીના છેડાને સરખો કરી લીધો. તેનું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું. તેના મોં ઉપર સ્મિતની રેખાઓ લહેરાવા લાગી.
ધસમસતું એન્જિન પસાર થઈ ગયું. પહેલો ડબ્બો, બીજો ડબ્બો, ત્રીજો ડબ્બો એમ ટ્રેન પસાર થવા લાગી. છેક બે-ચાર ડબ્બા જ બાકી રહ્યા… ઉમા હાંફળી થઈ ફાંફે ચડી. તેણે છેલ્લા ડબ્બામાં પણ તપાસ કરી. મુસાફરો ઠલવાઈ ગયા… તે નિરાશ વદને ઊભી રહી ગઈ અને અચાનક પાછળથી અવાજ આવ્યો ઃ
‘ઉમા !’
ઉમાએે પાછળ જોયું. મહેશ ઊભો હતો.
‘ઓહ… મહેશ! મને તો લાગ્યું તું આવ્યો જ નહીં હોય’ ઃ ‘મહેશના ગળે હાથ મૂકતાં ઉમા બોલી ઊઠી.’
મહેેશ હેબતાઈ ગયો. ઉમાના હાથ છોડાવતાં તેણે કહ્યું ઃ ‘ગાંડી થઈ છે? આટલા બધા માણસોની હાજરીનો ખ્યાલ તો રાખ…’
‘આઈ એમ સોરી’ શરમાઈ જતાં ઉમાએ કહ્યું ઃ ‘પણ મહેશ, તું કેટલા દિવસથી ગામડે ચાલ્યો ગયો હતો. સાચું કહે તને મારા વગર ફાવતું હતું?’
પ્લેટફોર્મની બહાર નીકળી પગથિયાં ઊતરતાં મહેશે કહ્યું ઃ ‘પણ તું વહેલી સવારે શા માટે અહીં દોડી આવી? બપોરે તો હું તને મળવાનો જ હતોને!’
પોતાના મૂળ સવાલને ઉડાડીને વાત બદલવાની મહેશની આજની રીત પ્રત્યે ઉમાને સાહજિક અચંબો થયો.
 તેણે કહ્યું ઃ ‘હું ગાંડી થઈ હતી કે વહેલી સવારે કોઈક માટે અહીં દોડી આવી.’
મહેશ સમજી ગયો કે પોતાની કંઈક ભૂલ થઈ ગઈ છે અને માનુનિ ઉમાના હૃદયને તે જાણતો હોવા છતાં હળવું દર્દ આપી બેઠો છે.
‘ઉમા, ડૉન્ટ બી એંગ્રી… કહે, આજે શો પ્રોગ્રામ છે?’
‘બાર વાગે વ્રત ઊજવવાનું છે. બપોરનું જમવાનું પણ ઘેર છે. તારાથી આવી શકાય તો આવજે. સાંજે મમ્મી-પપ્પા મુંબઈ જવાનાં છે. જો તારે મળવું હોય તો!’ ઃ  ઉમાએ હૈયાનો ભાવ સંતાડીને સહેજ રૂક્ષ બનતાં કહ્યું.
‘આવીશ, આવીશ, ક્વાર્ટર્સ પર જઈને નાહીધોઈને સીધો જ તારા ઘેેર આવું છું. માત્ર જમવાનું નહીં પણ સવારનો બ્રેકફાસ્ટ પણ તારા ઘેર જ બસ.’ ઃ મહેશે આત્મીયતા દર્શાવવા નાટકીય મોરચો માંડયો.
‘વેરી ગુડ… તો જલદી આવજો.’ ઃ કહી ઉમા અને મહેશ અલગ-અલગ રિક્ષા કરી અલગ- અલગ રસ્તે વળી ગયાં.
થોડીક વારમાં મહેશ નાહીધોઈને તૈયાર થઈને ઉમાના ઘેર પહોંચ્યો. આશરે નવેક વાગ્યા હશે.
‘આવો પ્રોફેેસર સાહેબ, આવો.’ ઃ ઉમાના પિતાજીએ મહેશનું સ્વાગત
‘થેંક્યું પાપા.’ મહેશે સાફા ઉપર જમાવતાં પૂછયું.
‘ભઈ, તમારી દોસ્તી કહેવી પડે. સાથે ભણ્યાં, કહોને કે હવે ભણી રહ્યાં છતાં તમારી દોસ્તી એવી ને એવી જ રહી છે. મને તો એમ હતું કે તમે રજાઓ બગાડવા નહીં આવો. પણ ઉમાની વાત સાચી પડી.’
‘શું વાત?’ઃ જાણી જોઈને કાલા થતાં મહેશે પૂછયું.
‘એ જ કે, તમે આજે આવશો… મિ. પ્રોફેસર, આ તમારી ફ્રેન્ડશિપ બહુ ચાલી…’ ઃ અર્થસૂચક વાક્ય અડધું છોડી દેતાં ઉમાના પપ્પા બોલ્યા.
બધા ખડખડાટ હસી પડયા. ઉમા ચા અને નાસ્તો લઈ આવી. તેણે જોયું તો મહેશ ગમગીન હતો.
‘મુસાફરીનો ઉજાગરો નડતો હોય તો આરામ કર, પણ આમ બાઘાની જેમ શું બેસી રહ્યો છે. લે આ ચા પી લે.’ ઃ ઉમાએ ચાનો કપ ધરતાં મહેશને કહ્યું.
મહેેશ ફરીથી જાગૃત થયો. તેણે ચા પી લીધી. થોડી વારમાં તો ઘર ભરાઈ ગયું અને બધા વ્રતની ઉજવણીમાં પડયાં.
બે કલાક સુધી એ માથાકૂટ ચાલી પણ મહેશને કશાયમાં રસ પડયો નહીં. બપોરે ત્રણેક વાગે સૌની રજા લઈ તે ક્વાર્ટર્સ પર પાછો આવવા નીકળ્યો. કાલે સવારે ઉમા ક્વાર્ટર્સ પર મળવા આવે તેવો સમય નક્કી કરી લીધો અને મહેશ પહેરેલે જ કપડે પલંગમાં આડો પડયો.
આખા દિવસની થાકેલી ઉમા મમ્મી-પપ્પાને રેલવે સ્ટેશને મૂકી રાત્રે ઘેર આવી. જમવાની ખાસ ઇચ્છા નહોતી એટલે માત્ર દૂધ પીને આડી પડી.
ઉમા પૈસે ટકે સુખી મા-બાપની દીકરી હતી. આલીશાન કહી શકાય એવા બંગલાના ઉપરના ભાગમાં તેનો રૂમ હતો. નીચેથી બધું બરાબર બંધ કરી નોકરોને સૂચના આપી તે તેના રૂમમાં આવી. ટેબલ લેમ્પ ચાલુ કરીને તેણે
‘પેરેડાઈઝ લોસ્ટ’ હાથમાં લીધું. કોણ જાણે કેમ પણ આજે એને એ પુસ્તક વાંચવાનું મન થયું છતાં તે માત્ર અંદર નજર જ ફ્ેરવી રહી. તેનો જીવ અન્યત્ર ભટકી રહ્યો હતો, કેટલો પ્રેમાળ! કેટલો બોલકણો – મહેશ ! આજે પહેલી જ વાર મને જોઈને ઉદાસ કેમ? ઉમા ખૂબ લાગણીશીલ હતી. એને જાતજાતના વિચારો આવવા લાગ્યા. એના સ્વર્ગની કલ્પના ખોવાતી જણાઈ. એક નિસાસો તેના મુખમાંથી સરી પડયો. ઉમાના શબ્દો સામેની ભીંતે અથડાઈને પાછા પડવા પણ ત્યાં જ ડોરબેલ રણકી ઊઠયો.
ઉમાને સહેજ અચંબો થયો. અત્યારે મોડી રાત્રે કોણ હશે? કપડાં સરખાં કરીને તે નીચે આવી. ભારણું ખોલ્યું. સામે મહેશ ઊભો હતો.
‘મહેશ!’ ઃ ઉમાએ આૃર્ય આવકાર આપ્યો.
પણ મહેશ જાણે કે ઊંઘમાંથી ચાલીને આવ્યો હોય એમ સ્થિતપ્રજ્ઞ થઈ ઊભો હતો. ઘડીભર ઉમાને નવાઈ લાગી, પણ તેની લાગણીઓ બુદ્ધિ કરતાં વધુ પ્રભાવ હેઠળ હતી. તેણે મહેશનો હાથ પકડી લીધો. બારણું બંધ કરીને તે મહેશને ડ્રોઈંગરૂમમાં લઈ આવી. બંને જણ એક જ સોફા ઉપર બેઠાં, ઉમાએ જાણી-બૂજીને જ આજે નાઈટ લેમ્પ ઉપર આધાર રાખ્યો. તેને લાઈટ કરવાનું ભાન પણ રહ્યું નહીં.
‘ઉમા !’ ઃ કંઈક કહેવા માગતો હોય તેમ બોલીને મહેશ અટકી ગયો.
‘શું કહેવું છે મહેશ? શા માટે સંકોચ રાખે છે? તેં આજ સુધીમાં મારી પાસે કશી માગણી કરી નથી, પણ આજ હું મારી જાતે તને આ ઉમા સોંપું છું. તારા ધૈર્ય આગળ કોઈપણ સ્ત્રી નમી પડે… પણ મહેશ! આપણા એકરારમાં કંઈક ખૂટે છે. હું ઇચ્છું છું કે, આ ઉમાના રક્તને તું તારી નસનસમાં ભરી દે. મારું અલગ અસ્તિત્વ મિટાવી દે.’ ઃ  એકશ્વાસે બોલી રહેલી ઉમા ક્યારે મહેશના સાંનિધ્યમાં ખોવાઈ ગઈ તેનું તેને ભાન ન રહ્યું. મહેશે બળપૂર્વક ઉમાને સહેજ અળગી કરી. ઉમાના મોં ઉપર કશી આજીજી હતી. મહેશે ઉમાને છાતીસરસો ચાંપી દીધો અને તેના છૂટા વાળમાં હાથ ફેરવતાં ઉમાના ઊના ઊના શ્વાસને પોતાની છાતી ઉપર સહી રહ્યો. ઉમાના બદન પરનાં વસ્ત્રો સરી પડયાં હતાં, પણ એમાં એને કશું અજુગતું લાગ્યું નહીં.
ઉમાની ખુલ્લી થઈ રહેલી પીઠ પર ફરી રહેલો મહેશનો હાથ કશાકને સહારે અટકી ગયો. તેને કશુંક યાદ આવ્યું. હા, ગઈ રાત્રે એણે જિંદગીનો એક અણમોલ સમય વિતાવ્યો હતો. સુષ્માની પીઠ પર પણ આ રીતે જ તેનો હાથ ફરી રહ્યો હતો અને સુષ્મા ઊંચું મસ્તક કરી શકતી નહોતી. આજે ઉમા પણ… મહેશનો હાથ અટકી ગયો. આગળ કશી જ કાર્યવાહી કરી શક્યો નહીં. તેના હૃદયમાં કંઈક ડંખવા લાગ્યું. અચાનક તેને ભાન થયું હોય એમ સ્વસ્થ થવા પ્રયાસ કર્યો.
‘ઉમા, હું તને એક વાત કહેવા માગું છું.’
કહી દે ને! એમાં પ્રસ્તાવના બાંધવાની શી જરૂર છે?’ ઃ મહેશના ખભા ઉપર માથું મૂકતાં ઉમાએ વહાલથી કહ્યું.
‘ઉમા, હું પરિણીત છું.’ તલવારનો ઝાટકો નાખતો હોય એમ મહેશ બોલી ગયો.
ઉમાની જીભ સિવાઈ ગઈ. આંખો ચોંટી ગઈ. એના હાથ જકડાઈ ગયા. લોહી થીજી ગયું.
મિનિટો સુધી વાતાવરણ સ્તબ્ધ રહ્યું. ઘડિયાળનો ટક ટક અવાજ મહેશના મગજને હથોડા મારી રહ્યો. તેને પરસેવો છૂટયો. કોઈ કશું બોલ્યું નહીં, પાંચ મિનિટ, પંદર મિનિટ, વીસ મિનિટ પસાર થઈ ગઈ. મહેશને લાગ્યું કે ઉમા વિચારશૂન્ય બની ગઈ છે. મહેશે ઉમાને ઢંઢોળી, ઉમા તરફથી થનારા પ્રહારોનો સામનો કરવા તેણે માનસિક તૈયારી કરી લીધી. સહેજ આગળ થતાં ઉમાએ ગળું ખોંખાર્યું.
તેે બોલી ઃ ‘મહેશ, તું પરણેલો છે એ વાત તેં પહેલેથી ન કરી તે કેટલું સારું કર્યું! જો તેં પહેલેથી કહ્યું હોત તો હું તારા તરફ જોવત પણ નહીં. પરિણામે હું તને ગુમાવત. મહેશ, તું ભલે પરણેલો હોય, તું ભલે બીજા કોઇનો પણ હોય હું તો માત્ર મહેશની જ છું. હવે મહેશ મારો રહે કે ના રહે એની મને ચિંતા નથી.’
‘ઉમા… ઉમા’ ઃ મહેશ બોલતો રહ્યો.
ઉમાએ આગળ ચલાવ્યું. ઃ  ‘હું તારા પરિણીત જીવનની આડે કદી નહીં આવું.’
મહેેશ ઉમાની નજીક સરક્યો. તેણે ઉમાના ભીના ગાલ પર હાથ ફેરવવા પ્રયાસ કર્યો પણ ઉમા ઊભી થઈ ગઈ.
તેણેે કહ્યું ઃ ‘મહેશ, મારા શરીર અને આત્મા ઉપર તારો અધિકાર છે. પણ આ શરીર કે આત્મા તારી ઇચ્છાઓ સંતોષવા, તને કલંક્તિ કરવા માટે ભાગીદાર નહીં બને. ભગવાન મહાદેવને પ્રાપ્ત કરવા ઉમાને હિમાલય પર તપ આદરવું પડયું હતું. હવે ફેર એટલો જ છે કે મેં તને પહેલાં મેળવી લીધો અને તપ પાછળથી આદરું છું.’
ઉમાના છેલ્લા શબ્દો દાદરનાં પગથિયાં ચડતાં બોલાયા હતા. મહેશ બાઘાની જેમ તેને જતાં જ જોઈ રહ્યો. થોડી વારમાં તો ઉપરની બધી જ લાઇટો બંધ થઈ ગઈ.
એ ફરીથી પરાજિત હતો.
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!