Close

મને શરીર સુખ નહીં પણ સંવેદનાનો સ્પર્શ જોઈએ છે

કભી કભી | Comments Off on મને શરીર સુખ નહીં પણ સંવેદનાનો સ્પર્શ જોઈએ છે
શરદપૂર્ણિમાની એ રાત હતી.
શહેરની એક ક્લબમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ રાત્રે પ્રતીક્ષા સુંદર રેશમી સાડી પહેરીને ગઈ હતી. ચાલીસ વર્ષની વયે પણ નાજુક ને નમણી લાગતી હતી. એ ગરબે ઘૂમતી ત્યારે નાની ને યુવાન છોકરીઓ કરતાંયે તે વધુ આકર્ષક લાગતી હતી.
રાસ લાંબો ચાલ્યો હતો. રાસ પૂરો થતાં એ પાછી આવીને એક ખુરશી પર ગોઠવાઈ ગઈ. એ સહેજ થાકી હતી. એને પાણી પીવું હતું.
એક યુવાન એની પાસે જ બેઠો હતો. એ બોલ્યો ઃ ‘મેડમ ! યુ આર વન્ડરફુલ, તમે સરસ ગરબો કર્યો.’
‘થેંક યુ.’
ત્યાર પછી થોડીક વધુ વાતચીત થઈ. યુવાન પ્રતીક્ષા માટે પાણીની બોટલ લઈ આવ્યો.
યુવાન બોલ્યો જ જતો હતો. પણ પ્રતીક્ષા સાવ ઓછું બોલતી હતી. મોડી રાત સુધી ગરબા ચાલ્યા. થોડીવાર પછી પ્રતીક્ષાના પતિ પણ આવ્યા. થોડીક ઓળખાણ થઈ, અને ગરબા પૂરા થયા એ પહેલાં બેઉ જણ ચાલ્યાં ગયાં.
કોણ જાણે કેમ પણ બસ, એ દિવસ પછી પ્રતીક્ષાને એ યુવાનની યાદ મનમાં ઘુમરાતી હતી. એક દિવસ તો એને એમ પણ થયું કે, આજે એનો ફોન આવે તો કેટલું સારું! એણે એના પતિ પાસે નંબર પણ માંગ્યો હતો.
અને એની આકાંક્ષા એક દિવસ ફળીભૂત પણ થઈ. એ યુવાનનો ફોન આવ્યો ઃ ‘કેમ છો, પ્રતીક્ષા… મને ઓળખ્યો ?’
પ્રતીક્ષા જાણે વર્ષોથી ઓળખતી હોય એમ બોલી ઃ ‘હા હા… મને હતું કે એક દિવસ તમારો ફોન આવશે જ.’
‘રિઅલી?’
‘આઇ લાઇક યુ….’ કહેતાં પ્રતીક્ષા સહેજ શરમાઈ. એને ઘડીભર એમ લાગ્યું કે, પોતે વધુ પડતી આત્મીયતા દર્શાવી દીધી છે.
થોડી વધુ વાતો થઈ.
પ્રતીક્ષાએ એવો અણસાર આપ્યો કે, ‘તમે અવારનવાર મને ફોન કરશો તોે ગમશે.’
‘તમે ડિસ્ટર્બ તો નહીં થાવ ને ?’
‘ના-ના.’
પ્રતીક્ષાએ ક્યારે ફોન કરવો એનો પણ આડકતરો ઈશારો આપી દીધો. પતિ કેટલા વાગે ઘેર હોય છે, કેટલા વાગે ઊઠે છે, કેટલા વાગે જમવા બેસે છે, કેટલા વાગે ઓફિસે જાય છે – એ બધું જ એણે ક્રમશઃ કહી દીધું.
આ વાતને કેટલોક સમય વીત્યો. બીનાઓે બનતી ગઈ. સમય સમયનું કામ કરતો રહ્યો.
એક દિવસ પ્રતીક્ષાએ અનાયાસે જ કોઈ એક કિસ્સો વાંચ્યા બાદ એની કેફિયત આ રીતે એના જ શબ્દોમાં મને અભિવ્યક્ત કરી – ‘હું નાની હતી. ગામડે રહેતી હતી. હસતી-રમતી, ચંચળ અને ઝરણાં જેવી હતી. કોલેજમાં ભણવા ગઈ હતી કોઈ મને ચાહે તેવી ઈચ્છા હતી, પણ હું બહુ બોલી શકતી નહોતી. કોઈ મને શરમાળ કહેતું. કોઈ મને ઘમંંડી કહેતું હું બધાની સાથે ઝડપથી ભળી શકતી નહોતી. બીજી છોકરીઓ તેમના બોયફ્રેન્ડની  વાતો કરતી. મને તો કોઈ પ્રેમ જ કરતું નહોતું.
કૉલેજનો અભ્યાસ પૂરો કરી લીધા પછી મારાં માતાપિતાએ મારી લગ્ન કરાવી દીધા. યૌવનનો ઉંબરો હજી મેં હમણાં જ વટાવ્યો હતો. પૈસાવાળુ નહીં તો પ્યારભર્યું જીવન તો હું ઈચ્છતી જ હતી. મારા હસબન્ડ મને પ્રેમ કરે, મસ્તી કરે, મજાક કરે, એ રિસાઈ જાય. હું રિસાઈ જાઉં, મને મનાવે, શરારત કરે – એવું જીવન હું ઈચ્છતી હતી.
પણ મારા પતિ સાવ સીધા-સાદા, કામ પૂરતું જ બોલે. ઊઠીને તૈયાર થઈ નોકરી જાય, હું કહું તો પિક્ચર જોવા લઈ જાય પણ મારા અંતરને ઓળખવા માટે નાકામયાબ, અમારું દાંપત્ય યંત્રવત્ હતું. બાળકો પણ થયા પરંતુ ઉષ્માવિહીન જિંદગી એક ઢસરડો બની ગઈ. વર્ષો થઈ ગયાં પરંતુ મારી સાથે એમણે કદી તોફાન ના કર્યું. એક નીરસ જીવન અમે બસર કરી રહ્યા હતાં. ત્યારે જ પેલા યુવાનની શરદપૂર્ણિમાની રાત્રે ઓળખાણ થઈ. મને હવે
૪૦ વર્ષ થયાં હતાં. એ યુવાન મારાથી ૧૨ કે ૧૩ વર્ષ નાનો હતો. મને ખબર જ ના પડી અને એ મને ગમવા લાગ્યો. કદાચ હું એને પ્રેમ કરતી હતી.
એેક નાનકડી વાત કહું તમને. એકવાર નક્કી કરેલા સમયે એણે મને ફોન ના કર્યો અને હું એનાથી રિસાઈ ગઈ. ત્યારબાદ એણે ફોન પર ફોન કર્યે રાખ્યા, પરંતુ મેં. એની સાથે વાત જ ના કરી. એનો અવાજ સાંભળીને હું ફોન મૂકી દેતી. બે-ત્રણ દિવસ પછી એનો ફરી ફોન આવ્યો. એ બોલ્યો ઃ ‘આ શહેરમાં મારું કોણ ? તમે પણ મારી સાથે નથી બોલતાં ?’
અને હું રડી પડી.
મેં એને કહ્યું ઃ ‘તેં તે દિવસે બપોરે ફોન કેમ નહોતો કર્યો ?’
એણેે મને મનાવી લીધી.
એ સીધો ઘેર જ આવી ગયો. કેટલીયે વાર સુધી બેઠો. સાથે ચા પીધી. અમે બહુ જ વાતો કરતાં, પરંતુ શબ્દોથી ના તો હું પ્રેમનો એકરાર કરી શકતી, ના તો એ. એ આવે એટલે અમે એકબીજાની સામે જોઈ રહીએ. એ જતો રહે એટલે હું બેચેન બની જતી. એ આવે એ પહેલાં હું નક્કી કરી રાખતી કે એ આવશે એટલે હું આમ કરીશ, તેમ કરીશ. પણ એ આવે ત્યારે હું કાંઈ બોલી શકતી નહીં. એ આવે ત્યારે હું એની આંખોમાં જોયા કરું, એ મારી આંખોમાં જોયા કરે.
અંદરથી હું બહુ દુઃખી હતી. હું પ્રેમ માટે ઝૂરતી હતી. તમે અહીં જ લખ્યું હતું કે, એક શિક્ષિત પરિણીતા બીજા પુરુષના પ્યારથી ખુશ છે. મારા નસીબમાં તો બીજો પુરુષ આવ્યો હતો. પણ અમારી વચ્ચેના સબંધનું હજી નામ જ પડયું નહોતું, મારા પતિને તો મને અનેક રાત્રિઓએ પ્યાર વિના એમની ઈચ્છા પ્રમાણે ભોગવી જ છે. એમણે કદી પ્રેમથી મારી આંખોમાં જોયું નથી. થોડીક લાગણીઓના સહારે તો લોકો આખી જિંદગી જીવી જાય છે. હું કઈ ખુશીમાં જિંદગી વિતાવું ?
એક દિવસ એ યુવાન જોડે હું બેઠી હતી. એણે મારી હાજરીમાં જ એક સિગારેટ પીધી.
મેં પૂછયું ઃ ‘રોજ કેટલી સિગારેટ પીઓ છો ?’
એણે કહ્યું ઃ ‘ચારથી પાંચ.’
મેં કહ્યું ઃ ‘ચારથી પાંચ બહુ ના કહેવાય ?!
ત્રીજા દિવસે એ મને ફરી મળ્યો. એણે કહ્યું ઃ ‘મેં સિગારેટ છોડી દોધી છે.’
મારું તો હૃદય ઝણઝણી  ઊઠયુંં. હું માનવા જ તૈયાર નહોતી કે મારી ઈચ્છાને એ આટલી ઝડપથી માન આપશે. હું ખુશ થઈ ગઈ.
હું રાત્રે ઊંઘી જતી ત્યારે એની સાથે સ્વપ્નવિહાર કરતી. દિવસે અવારનવાર તે મારા ઘેર આવતો. એની સામેથી મને ઊઠવાનું મન જ ના થતું. તે આવે, ચા પીવે, શરબત પીવે. એના પીધેલા ગ્લાસમાં હું પાણી પીઉં. એના પીધેેલા કપમાં જ હું બીજી ચા રેડીને પીવું. હું ખુશ થઈ જતી.
તમને  એમ થશે કે આ સ્ત્રી ૪૦ વર્ષની છે અને આ બધું એને શું સૂઝતું હશે ? પણ સાચું કહું ? મારા અંતરનાં સજાવી રાખેલાં બધાં જ સ્વપ્નો હું આ યુવાનમાં જોતી હતી. એશે આજ સુધી મને સ્પર્શ પણ કર્યો નહોતો, પણ સાચું કહું ? કોઈવાર હું સાવ એકલી હોઉં ત્યારે મને કદીક વિચાર આવતો કે મને એની જોડે એક રાત વિતાવવાની મળી જાય તો? રાતની વાત આવી એટલે કોઈ બીજું જ વિચારે પણ એવું નથી. મને એક જ રાત એ મળે તો એનું માથું મારા ખોળામાં રાખીને બેસી જ રહું. એની સામે અપલક જોયા જ કરું. એ ઊંઘી જાય તો એને સૂઈ જવા દઉં. એની બંધ આંખો અને એનો ચહેરો જોયા કરું ન નાત. ન જાત. ઉંમરનો તફાવત છતાં એ મને ગમતો હતો.
મારાથી હવે રહેવાતું નહોતું. એક દિવસ ફોન પર મેં એને કહી જ દીધું ઃ ‘હું તમને પ્રેમ કરું છું.’
એણેે જવાબ આપ્યો ઃ ‘એવું કદી બોલશો નહીં – એ શક્ય નથી.’
હું ડઘાઈ ગઈ.
મને મારી જાત માટે શરમ ઊપજી.
કેટલાક વખત પછી મને ખબર પડી કે એ ભણતો હતો ત્યારે કોલેજમાં એક છોકરી સાથે પ્રેમ કરતો હતો. પણ એ છોકરીએ બીજાની જ સાથે લગ્ન કરી લીધો હતાં. ત્યાર બાદ એ કોઈનેય પ્રેમ કરી શકતો નથી. એ છોકરી એના દિલોદિમાગમાંથી હટતી નથી. એનું હૃદય વિલાઈ ગયું છે. મેં એનામાં પ્રાણ પૂરવા પુષ્કળ પ્રયાસો કર્યા પરંતુ એમાં કૂપળો ફૂટતી જ નથી. એ આવે છે. મને મળે છે. પરંતુ પ્રેમ કરી શકતો નથી. રોજ તે અમારા ઘર આગળથી જ પસાર થાય છે. મને માત્ર પાંચ-દસ સેકંડ જ જોવા મળે છે. એને બાઈક પર પસાર થતો જોવા કલાકો સુધી હું રાહ જોઉં છું, એ મારો કલ્પના પુરુષ છે, પણ તેને હું પામી શકતી નથી. હું જાણું છું કે તે અત્યંત સોફિસ્ટિકેટેડ છે. બની શકે કે મારો એના તરફનો પ્રેમ કદાચ એકતરફી પણ હોઈ શકે. એે આવે છે, મળે છે પણ એના પ્રેમ વિના હું તડપું છું. હું એટલી બધી પરેશાન છું કે મને કદીક આપઘાત કરવાનો પણ વિચાર આવે છે. પણ ના, એમ નહીં કરું. મૃત્યુ પછી તો બધું જ ખલાસ થઈ જાય છે ને ! અત્યારે એ મને જોવા તો મળે છે ને !
હું એને કહું છું કે, તને જે કઈ લાગણીઓ હોય તે તું બોલી શકતો ના હોય તો લખીને આપ. પણ એ લખીને આપવાની પણ ના પાડે છે. એની લાગણીઓનો છોડ સુકાઈ ગયો છે.
હુંં પરેશાન છું.
હું કોઈને કહી શકતી નથી. મેં મારો ઊભરો ઠાલવવા જ આ બધું તમને જણાવ્યું છે. એ ભલે ના સમજે પણ આ માધ્યમ દ્વારા પણ જો તેના સુધી મારી લાગણીઓ પહોંચશે તોયે હું ખુશ થઈ જઈશ !
મારે શરીરસુખ નહીં સંવેદનાઓનો સ્પર્શ જોઈએ છે. બસ એક વાર એ મારા ખોળામાં માથું મૂકીને સૂઈ જાય- મને બધું જ સુખ મળી જશે.
-પ્રતીક્ષાની કથા અહીં પૂરી થાય છે.
પ્રતીક્ષા મુંબઈની છે અને જુહૂ વિસ્તારમાં રહે છે.
(નામ પરિવર્તિત છે)
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!