ગુજરાતના એક પ્રતિષ્ઠિત કુટુંબનો એ યુવાન છે. એના ઘરની પરિસ્થિતિ સારી અને સુખી હતી છતાં એના માતા-પિતાની તીવ્ર ઇચ્છા હતી કે, અર્થ અમેરિકા જાય. એ ગયો પણ ખરો પરંતુ એ પહેલાંની એની સ્કૂલની જિંદગીમાં ખીલી ઊઠેલાં કેટલાંક પુષ્પોનો પમરાટ હજીયે તે ભૂલ્યો નથી.
અર્થ કહે છે ઃ ‘એ વખતે હુંં ૧૨મા ધોરણમાં હતો. મારે અનેક મિત્રો હતા. મારી જ સ્કૂલમાં એક છોકરી ભણતી હતી – ફોરમ. એ મારી સાથે કદી બોલતી નહીં પરંતુ મને ફોરમ ગમતી હતી.
ફોરમ દેખાવમાં એટલી બધી રૂપાળી નહોતી પરંતુ તે ભારે ચપળ અને ચબરાક છોકરી હતી. વિનયી અને વિવેકી પણ હતી. કોણ જાણે કેમ પણ મને તેના પ્રત્યે એક આકર્ષણ હતું. તે વણિક કટુંબની દીકરી હતી. એના પિતા એક વેપારી હતા. હું દરરોજ એને સ્કૂલમાં જોઈ લેતો અમે એકબીજા સાથે વાત કરી શકતાં નહોતાં. એ દર રવિવારે મંદિરે જતી. એને ખબર ના પડે એ રીતે હું દૂર ઊભો રહી ફોરમને જોઈ લેતો. ૧૨મું પૂરું થવા આવ્યું ત્યાં સુધી હું એની સાથે વાત કરી શક્યો નહોતો. છેક છેલ્લા દિવસોમાં મેં થોડીક વાત કરી હતી. ત્યારબાદ થોડીક વધુ વાતો થતી.
સ્કૂલના છેલ્લા દિવસે મેં ફોરમને કહ્યું હતું ઃ ‘ફોરમ, તું મને ગમે છે. તું મારી સાથે લગ્ન કરીશ ?’
ફોરમે તત્ક્ષણ ના પાડી દીધી.
હું શૂન્યમનસ્ક બની ગયો હતો – જાણે કે એક જબરદસ્ત આઘાતમાં હું સરી પડયો.
થોડા દિવસો સુધી મારા પર એ ઈન્કારની ભારે અસર રહી, પણ મેં વિચાર્યું કે, હજી તો મારી ઉંમર ૧૭ જ વર્ષની છે. હજી તો જિંદગી ઘણી બાકી છે. કૉલેજમાં જઈશ અને બીજાં છોકરા-છોકરીઓ મળશે ત્યારે હું ફોરમને ભૂલી જઈશ.
સમય વીતતો ગયો. આમ ને આમ ચાર વર્ષ પસાર થઈ ગયાં. હું કૉલેજના છેલ્લા વર્ષમાં આવ્યો ત્યારે રીના મારી સૌથી નજીકની ફ્રેન્ડ હતી. રીના એક એવી ફ્રેન્ડ હતી જેને હું મારા દિલની વાત કહી શકતો. તે નિખાલસ, સાચું બોલનારી, આનંદી અને દેખાવમાં પણ સુંદર હતી. તે મારી કાળજી પણ બહુ રાખતી. મેં મારા ફોરમ પ્રત્યેના ખેંચાણની વાત પણ એને કહી હતી.
ફરી એકવાર મેં ફોરમને મળી બીજી કોઈ પણ વાત કર્યા વગર એની સાથે લગ્નનો જ સીધો પ્રસ્તાવ મૂક્યો પણ ફરી ફોરમે મને ના પાડી અને કાંઈ જ વધુ બોલ્યા વગર તે જતી રહી. મને એવું લાગ્યું કે ફોરમ મને અંદરથી ચાહે છે પણ ગમે તે બંધન-કારણના કારણે તે કહી શકતી નથી. ફોરમના પુનઃ ઇન્કાર પછી હું વધુ ને વધુ ઉદાસ રહેવા લાગ્યો હતો. કૉલેજની મારી ફ્રેન્ડ રીના મારા ચહેરા પરની વ્યથા પારખી જતી. એ મને લાગણી બક્ષતી હતી. એની સાથે બેસીને વાત કરવામાં મને સારું લાગતું હતું. ક્યારેક મને થતું કે રીના જો મને પ્રેમ કરતી હોય તો ફોરમને ભૂલી જાઉં ને રીના સાથે લગ્ન કરી લઉં પણ મારું હૃદય એમ કરવા તૈયાર થતું નહોતું.
હવે હું એલએલ.બી. કરતો હતો.
કોઈ કોઈ વાર રીના સાથે ટેલિફોન પર વાત કરી લેતો. અમે અવારનવાર મળતાં પણ હતાં. મને એમ લાગતું કે, રીના મારી સાથે કાંઈક વાત કરવા માંગે છે પણ તે કહી શકતી નથી. હું તેને પૂછતો તો તે વાત બદલી નાંખતી.
આ દરમિયાન બન્યું એવું કે, મારા મોટા ભાઈ મને અમેરિકા મોકલી ત્યાં સ્થાયી કરાવવા વિચારતા હતા. મેં એમને કહ્યું કે, ‘મને અમેરિકા ક્યારેય ગમતું નહોતું. મને અમેરિકાની જિંદગી ગમતી નથી’ – પણ મારા ઘરમાં બધાની ઇચ્છા મને અમેરિકા મોકલવાની હતી. મારો વિરોધ ચાલ્યો નહીં. છેવટે મેં હા પાડી. અનિચ્છા છતાં મારી હા થવાથી મારા મોટા ભાઈએ ખૂબ ઝડપથી મારા અમેરિકા જવાનું ગોઠવી દીધું. એ બધું એટલી ઝડપથી બન્યું કે હું કાંઈ વિચારી શક્યો નહીં. મને વિઝા મળે તેમ નહોતા તેથી મારા મોટાભાઈએ એક એજન્ટને ૨૦ લાખ રૂપિયા આપી એક ગ્રૂપ ટૂરમાં મને ગોઠવી દીધો. આ ટૂર સીધી અમેરિકા જતી નહોતી. બીજા આલતુ-ફાલતુ દેશોમાં થઈ મેક્સિકોની સરહદેથી દરિયામાર્ગે મારા જેવા યુવાનોને અમેરિકામાં ઘુસાડવાનું કામ એ એજન્ટ કરતો હતો. મને આ બધી ઊલટી રીતોની પહેલાં ખબર નહોતી. ટ્રેન મારફતે મુંબઈ જઈ મુંબઈથી પ્લેનમાં અમારે મેક્સિકો જવાનું હતું. રીના પણ મને અમદાવાદના રેલવે સ્ટેશન સુધી મૂકવા માટે આવી હતી. છેલ્લી ઘડી સુધી તે મને સમજાવતી રહી કે, ‘અર્થ, તું અમેરિકા ન જા. અહીં તારી પાસે બધું જ છે. તું ત્યાં નોકરી કરી શકીશ નહીં’ પણ મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. મારો એક બીજો મિત્ર પણ મને રેલવે સ્ટેશન પર આવ્યો હતો. ઉતાવળમાં મેં એક ચિઠ્ઠી ફોરમ પર લખી સ્ટેશન પર આવેલા મારા દોસ્તને આપી. રીના તો અમદાવાદથી છેક વડોદરા સુધી મને મૂકવા મારી સાથે આવી હતી. એ તો ટ્રેનમાંથી ઊતરતી જ નહોતી, મેં એને બહુ સમજાવી ત્યારે તે વડોદરા ઊતરી હતી. એણે છેલ્લી યાદગીરીરૂપે એક રિંગ મારી આંગળી પર પહેેરાવી હતી. રીના ટ્રેનમાંથી ઊતરી ત્યારે એની આંખોમાં જે વેદના મેં જોઈ હતી તે મને બરાબર યાદ છે. એ ના જોઈ શકાતાં મેં પણ મારી આંખો બંધ કરી દીધી હતી.
ખેર !
હવે હું અમેરિકામાં હતો. મારાં સગાંસંબંધીઓના પત્રો અને ટેલિફોન આવવા લાગ્યા હતા. એ બધાં મારાં વખાણ કરતાં હતાં પરંતુ હું જ સાચી વાત જાણતો હતો કે મેં કેવી યાતનાઓ ભોગવી છે. અમેરિકામાં ગોઠવાતાં મને કેટલોક સમય લાગ્યો. એક દિવસ મારા એક મિત્રનો પત્ર મળ્યો જેમાં એણે ફોરમનો ઉલ્લેખ કર્યો હતો. ફોરમનું નામ વાંચતાં જ હું ખુશ થઈ ગયો. એણે લખ્યું હતું કે હું પાંચ મહિના સુધી અમેરિકા પહોંચ્યો નહોતો તેથી ફોરમ મારી ચિંતા કરતી હતી. એણે એમ પણ લખ્યું હતું કે હું ઇન્ડિયા પાછો આવું ત્યારે ફોરમ મારી સાથે સંબંધ રાખવા તૈયાર છે – આ વાંચીને હું મારાં બધાં જ દુઃખ ભૂલી ગયો. મેં ફોરમને પત્ર લખી જણાવ્યું કે, *બે વર્ષ મારા માટે રાહ જોજે. હું પાછો આવીશ ત્યારે લગ્નનું વિચારીશું.’
પણ ફોરમ અને મારા સુખી દામ્પત્યજીવનનાં સ્વપ્ન વધુ ચાલ્યાં નહીં. થોડાક જ મહિનામાં મારા દોસ્તનો પત્ર મળ્યો કે, ફોરમનું સગપણ એક ડૉક્ટર સાથે થઈ ગયું છે અને થોડાક જ દિવસમાં એનું લગ્ન પણ છે. આ વાંચતાં જ મારા ફ્રેન્ડને ફોન જોડયો. એણે મને આખીયે બીના કહી. ફોરમ માટે ડૉક્ટર છોકરો એનાં માતા-પિતાએ શોધી કાઢયો હતો. ફોરમ તેના માતા-પિતાની વિરુદ્ધ જઈ શકી નહોતી. ફોરમના ડૉક્ટર સાથેનાં લગ્ન તેે હવે નક્કર હકીકત છે એ બધું સાંભળીને હું પાગલ જેવો થઈ ગયો. એક ક્ષણે તો મને એમ લાગ્યું કે હું મારું અસ્તિત્વ ગુમાવી બેસીશ. મારી હાલત જોઈને મારા સંબંધીઓ મને સમજાવતાં રહ્યાં પણ જે બની રહ્યું હતું તે મારા માટે અસહ્ય હતું. મારી પરિસ્થિતિ માટે મને મારી જાત પર જ દયા ઊપજતી હતી. હું વિઝા વગરનો, મારાં માતા-પિતા અને મોટા ભાઈના અરમાનો તોડીને હવે પાછો ઇન્ડિયા પણ જઈ શકતો નહોતો.
સમય વીતતો ગયો.
કેટલાય દિવસે હું સ્વસ્થ થયો.
એક દિવસ રીનાનો મારી પર પત્ર આવ્યો. રીનાનો પત્ર મારા ઘા પર જાણે કે મલમ હતો. એણે લખ્યું હતું ઃ ‘અર્થ ! મેં તમારાથી કદીયે કાંઈ છુપાવ્યું નથી. પણ એક વાત મેં તમને કહી નથી. હું કહી શકી નથી. મને માફ કરજો. મને હતું કે સમય આવતાં હું કહીશ પણ એવો સમય કદી મારા જીવનમાં આવ્યો નહીં. આજે પણ કાંઈ કહેતી નથી, ફક્ત સમયની રાહ જોઉં છું.’
રીનાના પત્રમાં કાંઈ સ્પષ્ટ નહોતું છતાં એમાં ઘણુંબધું અભિપ્રેત હતું. એ જે વાત કહેવા માંગતી હતી તે વગર કહે એણે કહી દીધી હતી. હું સમજી ગયો હતો.
મેં રીનાને વળતો પત્ર લખ્યો ઃ ‘હું જાણતો હતો કે તને મારા માટે પ્રેમ હતો. એ વાત આપણે કરી શક્યાં નહીં. હું પણ તને કહી શક્યો નહીં કારણ કે મારા મનમાં ફોરમ હતી. રીના, મને ખબર છે કે, વિના સ્વાર્થે તું મને ચાહતી રહી છે અને ફોરમ કે જેને હું વર્ષો સુધી ચાહતો રહ્યો તેને હું પામી શક્યો નહીં. રીના, હું તારી લાગણીઓની કદર કરું છું. હું તને ચાહુ છું.’
મારા પત્રના જવાબમાં એક દિવસ રીનાનો બીજો પત્ર આવ્યો. એણે લખ્યું હતું ઃ ‘બસ, અર્થ ! હું ધન્ય થઈ ગઈ. તેં મારા પ્રેમની કદર કરી છે. જે શબ્દો સાંભળવા મને વર્ષોથી ઇન્તજાર હતો તેનો આજે અંત આવ્યો છે. હવે ભલે તું અને હું ના પણ મળીએ તો પણ મને હંમેશાં લાગશે કે તું મારા હૃદયમાં છે. અર્થ, તે મારા પ્રેમને સ્વીકારીને દુનિયાની મોટામાં મોટી ખુશી આપી છે. અર્થ ! કદાચ આપણે કદી એકબીજાના બની શકવાનાં નથી. તારી ને મારી જ્ઞાતિ અલગ છે. સમાજની પકડ એ સ્વીકારશે નહીં. વળી, તું વિ ઝા વગર ગયો હોવાથી ભારત કદી આવી શકવાનો નથી. કડવી વાસ્તવિકતાને હું સમજું છું. પ્રેમ માટે લગ્ન કરવા જરૂરી નથી. બસ, તું મને યાદ કરતો રહેજે. મને લાગે છે કે કોઈ મને ચાહે છે. અર્થ ! તારું મન ફોરમમાં હતું તેથી જ આટલાં વર્ષોથી હું ચૂપ હતી. હવે ફોરમ તારા માટે રહી નથી એ જાણ્યા પછી જ મેં મારી આજ સુધી છુપાવેલી લાગણીઓ આમ વ્યક્ત કરી દીધી છે.’
રીનાના પત્ર પછી હું ગદ્ગદિત થઈ ગયો. મેં મારી જ જાતનું આત્મવિશ્લેષણ કરવા માંડયુું. ફોરમ ના પ્રાપ્ત કરવાની વેદના જેમ હું સહન કરતો હતો તેમ રીના મારા તરફની વેદના સહન કરતી હતી. રીના નિખાલસ પણ છે અને સહનશીલ પણ. આજે હું વિચારું છું કે જો હું અમેરિકા આવવાને બદલે ઇન્ડિયા હોત તો ચોક્કસપણે રીના સાથે લગ્ન કરીને એને હું મારી જીવનસંગિની બનાવી શક્યો હોત. પણ વાસ્તવિકતા એ છે કે જે રીતે હું અમેરિકામાં પ્રવેશ્યો છું એ જોતાં મારો પુનઃ ભારત પ્રવેશ શક્ય નથી. ભારત આવું તો ફરીથી અમેરિકા પ્રવેશ સંભવિત નથી. રીનાને હું કદી મારા જીવનમાં લાવી શકવાનો નથી. કદાચ બીજા જન્મમાં અમે એકબીજાનાં બની શકીએ એની રાહ જોતાં હું આજે તો હું આ જન્મ વિતાવી રહ્યો છું.’
– હૃદયની લાગણીઓને ઉલેચી નાંખતો અર્થનો પત્ર આ કટાર માટે અમેરિકાના ન્યુ જર્સીના પીસ્કાટવે નામના ટાઉનમાં હર્ષદ પટેલના મેઇલ બૉક્સમાં પડયો હતો.
વીઝા વિના અમેરિકા ગયેલા એક લાચાર યુવાનની આ કબૂલાત છે.
(નામ પરિવર્તિત છે)
– દેવેન્દ્ર પટેલ




