Close

લંડનની એક બર્ફીલી રાતે હૉસ્પિટલમાં બાળકીને જન્મ આપી યુવતી જતી રહી

કભી કભી | Comments Off on લંડનની એક બર્ફીલી રાતે હૉસ્પિટલમાં બાળકીને જન્મ આપી યુવતી જતી રહી
એ દિવસો  પણ નાતાલના હતા.
લંડનમાં ભારે બરફ વર્ષા થઈ હતી. રસ્તાઓ શ્વેત બરફથી ઢંકાઈ ગયા હતા. જનજીવન સ્થગિત થઈ ગયું હતું. માત્ર અંડરગ્રાઉન્ડ ટ્રેનોે ચાલતી હતી.એલિફન્ટ એન્ડ કેસલ ટયૂબ સ્ટેશનની નજીક એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં બત્તીઓ હજી પ્રજ્વલિત હતી. ડૉક્ટર શેરવૂડ હવે ઘેર જવાની તૈયારી કરી રહ્યા હતા. એવામાં જ એક મહિલા તેમની રૂમમાં આવી અને બોલી ઃ ‘ડૉક્ટર, મને ઓળખી ?’
ડૉક્ટરે સહેજ ઝીણી આંખ કરીને જોયું. તેમને સત્તર વર્ષ પહેલાં આ હૉસ્પિટલમાં આવેલી એક છોકરી યાદ આવી ગઈ. તેઓ બોલ્યા ઃ ‘તમે મેરી ક્રિસ્ટોફર જ ને ?’
‘થેંક્સ… ડૉક્ટર. તમે મને ઓળખી લીધી.’
અને ડૉક્ટરના મનઃચક્ષુ સમય ૧૭ વર્ષ પહેલાંની ઘટના તરવા લાગી. એ રાત્રે  પણ લંડનમાં કાતિલ ઠંડી હતી. બરફવર્ષા થઈ હતી. ડૉક્ટરે તેમની હૉસ્પિટલનાં તમામ દર્દીઓને તપાસી લીધા હતા. હવે તેઓ ઘેર જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં જ નર્શે આવી ને કહ્યું ઃ ‘સર, પેલી છોકરીને લેબર પેઇન શરૂ થઈ ગયું છે. તમે થોડીવાર રોકાઈ જાવ તો સારું આજે રાત્રે જ તેને ડિલિવરી થઈ જશે.’
ડૉક્ટર તરત જ દર્દીના રૂમમાં ગયા. યુવતીને તપાસી હજી તે ૨૦ વર્ષની જ હતી. પ્રેગ્નન્ટ હતી. તેને શરૂ થયેલું લેબર પેઇન હવે પરાકાષ્ઠાએ હતું. ડૉક્ટરે નર્સને કહ્યું, ‘પેશન્ટને લેબરરૂમમાં લઈ જાવ.’
સગર્ભા યુવતીને લેબર રૂમમાં ખસેડવામાં આવી. મિડવાઇફે ડિલિવરી માટેની ટ્રોલી તૈયાર કરી. ડૉક્ટરે જોયું તો યુવતીની આંખોમાં ભય હતો. તે ધ્રૂજી રહી હતી. એનું નામ મેરી હતું. ચહેરો ગોરો પણ આંખોે કાળી હતી. ગાલે  ખંજન પડતા હતા. તેની સાથે અત્યારે કોઈ નહોતું.
ડૉક્ટરે કહ્યું ઃ ‘મેરી, ડોન્ટ વરી… એવરીથિંગ વીલ બી ઑલ રાઇટ…’
અને  બીજા એક કલાકમાં તો મેરીને એક બાળકી અવતરી. મેરીને અસહ્ય પીડા થઈ હતી પરંતુ બાળકીને જોયા બાદ તેણે કૃતજ્ઞતાથી ડૉક્ટર સામે જોયું એણે ઊભા થવા કોશિશ કરી. ડૉક્ટરે એને કહ્યું ઃ ‘યોર ચાઈલ્ડ ઇઝ નોર્મલ.’
નર્સે બાળકીને સ્વચ્છ કરી. નવજાત શિશુના ધબકારા પણ માપી લીધા. ડૉક્ટરે ચાર્ટ જોઈ લીધો અને  નર્સને પૂછયુંઃ ‘આ પેશન્ટનું કોઈ સગાં-સંબંધી નથી.’
નર્સે ધીમેથી ડૉક્ટરને બાજુમાં આવવા ઈશારો કર્યો. ડૉક્ટર બહાર નીકળ્યા. નર્સે ધીમેથી કહ્યું ઃ ‘ડૉક્ટર, મેરી અવિવાહિતા છે. એના ઘરનું સરનામું પણ રજિસ્ટરમાં લખ્યું નથી. આવી જ હાલતમાં તે દાખલ થઈ હતી. તે એકલી જ આવી છે.’
‘ઓહ ઃ ‘ કહેતાં ડૉક્ટર વળી પાછા લેબરરૂમમાં ગયા.
મેરી એના બાળકને સ્તનપાન કરાવી રહી હતી. ડૉક્ટરે એને કંઈ પણ પૂછવાનું ટાળ્યું. એમણે ફરી બાળકી અને યુવતીને તપાસી લીધી. બાકીની તબીબી પ્રક્રિયા પૂરી કરવામાં રાતના ૧૨ વાગી ગયા હતા. ડૉક્ટર હવે  લેબરરૂમ છોડી તેમના પર્સનલ રૂમમાં જઈ રહ્યા હતા ત્યાં જ યુવતીએ કહ્યું ઃ ‘ડૉક્ટર, હું તમારી સાથે કાંઈ વાત કરવા માંગું છું.’
ડૉક્ટરે કહ્યું ઃ ‘મેરી ! તને અત્યારે બીજા રૂમમાં શિફ્ટ કરીએ છીએ. તું અત્યારે આરામ કર. કાલે વાત કરીશું.’
મેરીએ એ જ હાલતમાં બેઠા થઈ જતાં કહ્યું ઃ ‘મારે આરામ નથી કરવો. હું જવા માગું છું.’
‘પણ, હમણાં તો તે બાળકીને જન્મ આપ્યો છે.’
‘ના સર, મારા ઘરના સભ્યો જાગી જાય તે પહેલાં મારે ઘેર પહોંચી જવું છે. આ બાળકી હું તમને સોંપીને જાઉં છું. તેના એડોપ્શનની મંજૂરી આપતા પત્ર પર મેં સહી કરી દીધી છે. આ બાળકી તમે એવા શિક્ષિત દંપતીને સોંપજો, જે તેને ભણાવી-ગણાવીને મોટી કરે ઃ’ બોલતાં બોલતાં તેની આંખો આંસુથી ઉભરાઈ ગઈ.
‘પણ, આ રીતે તું જઈ ના શકે. તબીબી દૃષ્ટિથી હંુ તને એવી રજા આપી ના શકું. તને રક્તસ્ત્રાવ થઈ શકે છે.’
પણ મેરી ઘેર જવા મક્કમ હતી ઃ ‘ના સર, મારે  જવું પડશે. હું મારી જવાબદારી પર જવા માગું છું.’
ડૉક્ટરે જોયું કે મેરી હવે હૉસ્પિટલમાં રોકાવા ઈચ્છતી નથી. એટલે તેમણે એક કાગળ પર તેની સહી  લઈ લીધી અને તેને તેની જવાબદારી પર જવા દીધી. મેરીએ નજીકમાં જ આવેલા અંડરગ્રાઉન્ડ સ્ટેશનમાં ઉતરી છેલ્લી ટ્રેન પકડી લીધી.
આ વાતને સમય વીતી ગયો. તે પછી તેનો ફોન કદી ના આવ્યો તે ખુદ પણ કદીના આવી. ડૉક્ટરે પણ ૨૦-૨૧ વર્ષની એ છોકરીને શોધવા કોશિશ કરી પણ  તે કદી ના મળી.
ત્યારબાદ ડૉક્ટરે તેમની હૉસ્પિટલમાં મોજૂદ નિઃસંતાન યુગલોની યાદી શોધી કાઢી. યાદીમાં પહેલા નંબર પર જે યુગલ હતું. તે પતિ-પત્ની બેઉ ટીચર્સ હતા. ડૉક્ટરે તેમને બોલાવી બાળકીને જન્મ આપનાર યુવતીની ઈચ્છા અનુસાર નવજાત શિશુ તેમને દત્તક આપી દીધું.
એમાં બન્યું એવું કે બાળકીને જન્મ આપનાર ટીચર પતિ-પત્ની સાથે ડૉક્ટરને ઘરોબો થઈ ગયો. એ બાળકીને ‘ફિલોમીના’ એવું નામ આપવામાં આવ્યું હતું.
ધીમે ધીમે એ વાતને ૧૭ વર્ષ વીતી ગયા.
ડૉક્ટર તો હજુ પણ તેમની એ જ નાનકડી હૉસ્પિટલ ચલાવતા હતા. આજે બરાબર ૧૭ વર્ષ બાદ ફરી લંડનની બર્ફીલી રાતે એક મહિલા તેમની ચેમ્બરમાં આવીને ઊભી હતી. ડૉક્ટર તેનો ચહેરો જોઈ ઓળખી ગયા કે આ એ  જ મહિલા છે જે ૧૭ વર્ષ પહેલાં બાળકીને જન્મ આપી રાત્રે જ જતી રહી હતી.
એણે કહ્યું ઃ ‘ડૉક્ટર, મારું નામ મેરી છે. હું તમારી આભારી છું કે તમે મારા નાજુક સમયમાં તમે મને મદદ કરી હતી. હું મારી બાળકીને છોડી જવા માગતી નહોતી પરંતુ હું જેને ચાહતી હતી તેનું નામ પીટર હતું અને હું પીટરથી જ પ્રેગ્નન્ટ હતી. પરંતુ તેણે જવાબદારી લેવા ઇનકાર કરી દીધો હતો. છેલ્લા મહિનાઓ દરમિયાન કોઈને ખબર પડી ના જાય તે માટે હું કેમ્બ્રિજમાં ભણવાના બહાને ઘરેથી બહાર નીકળી ગઈ હતી અને મારી સહેલી સાથે રહેતી હતી. પરંતુ પીટરે મારી સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દેતાંએ એ રાત્રે જ બાળકીને જન્મ આપી હું મારા માતા-પિતાના ઘેર પહોંચી ગઈ હતી. મારા માતા-પિતા અત્યંત ધાર્મિક છે. તેથી મેં આખી યે વાત એમનાથી છૂપાવી હતી. હું ધાર્મિક  છું. તેથી મેં ગર્ભપાત કરાવવાનું ટાળ્યું હતું.’
‘તો હવે?’ ડૉક્ટરે પૂછયું.
‘ડૉક્ટર, તે પછી તો મેં યુનિવર્સિટીનું શિક્ષણ લીધું. મેં કાયદાશાસ્ત્રમાં ડિગ્રી લીધી. હવે હું વકીલ છું. યુનિવર્સિટીમાં કોલબી નામના યુવાન સાથે મારે પરિચય થયો. તે પણ લૉ ગ્રેજ્યુએટ છે. અમે બેઉ  પરણી ગયા. અમારા ત્રણ બાળકો પણ છે. બે દીકરા અને એક દીકરી. અમે પતિ-પત્ની હવે બહું સારું કમાઈએ છીએ. અમારી મોટી લૉ ફર્મ છે. આજે મારી પાસે બધું જ એશ્વર્ય છે. પણ એક વાત વર્ષોથી મારી છાતીમાં દબાવી રાખી છે. જે રાત્રે હું હૉસ્પિટલમાંથી નીકળીને ઘેર ગઈ તે રાતથી આજ સુધી હું ચેનથી ઊંઘી નથી. મને હરહંમેશ મારી પ્રથમ દીકરી યાદ આવે છે. હું મારું આ દુઃખ કોઈને કહી શકતી નથી. હું તેને હૉસ્પિટલમાં છોડીને જતી રહીએ  વેદના હું આ જ સુધી ભૂલી શકી નહોતી. મારા કે પીટરની ભૂલના દુઃખ મારી દીકરીએ શા માટે ભોગવવા  પડે ? મને સતત ચિંતા થાય છે કે મારી દીકરી આજે ક્યાં હશે ? જીવતી હશે કે મરી ગઈ હશે? જીવતી હશે તો કેવી હાલતમાં હશે? એને ભણાવવાનું ખર્ચ કો આપતું હશે? હું રોજ રાત્રે એનો માસૂમ ચહેરો જોઈ રડું છું.’
અને તે રડવા લાગી.
એ ફરી બોલી ઃ ‘ડૉક્ટર, મને એટલું જ કહી દો કે એ ક્યાં છે ? મારી દીકરી સુખી છે કે કેમ ? એ શું કરી રહી છે ? શું ભણી રહી છે? ગરીબ તો નથી ને ? હું એને ભણાવવાનું તમામ ખર્ચ આપવા તૈયાર છું. એ પૈસા હું તમને જ આપવા માગું છું. આ રહસ્ય તમારી અને મારી વચ્ચે જ રહેશે.
– પરંતુ ડૉક્ટર મૌન રહ્યા.
એમને તો ખબર હતી કે ફિલોમીના કયાં છે. બસ, મેરી જેવી જ રૂપાળી, ગોરી ચામડીને કાળી ભમ્મર આખોય અને મેરી જેવા જ ગાલે પણ ખંજન. પરંતુ તેમણે કાંઈ જ કહેવા ઇનકાર કરી દીધો. છેવટે મેરી એક કાર્ડ મૂકીને જતી રહી. ‘ડૉક્ટર, તમને ઠીક લાગે તો મારા આ નંબર પર ફોન કરજો.’
ત્રણ દિવસ  બાદ મેરીનો ફોન રણકી ઊઠયો. સામે છેડેથી ડૉક્ટર શેરવૂડ બોલી રહ્યા હતા. મેરીએ કહ્યું ઃ ‘મને વિશ્વાસ હતો કે તમારો ફોન આવશે જ.’
ડૉક્ટર બોલી રહ્યા હતા ઃ ‘મેરી, તમે સાચા છો કે હું તમારી દીકરી કયાં છે તે જાણું છું પરંતુ હું તમને એ માહિતી આપી શકું તેમ નથી. એક  દીકરી દત્તક લેવાઈ જાય પછી તેને તેને અસલી મા-બાપ વિશે કે અસલી માતા-પિતાને તેમની દત્તક અપાયેલી દીકરી વિશે માહિતી આપવી તે એથિક્સની બહાર છે. હા, હું તમને એટલું જણાવી શકું કે, તમારી દીકરી યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી રહી છે. અત્યંત શિક્ષિત પરિવારમાં તે ઉછરી રહી છે. તે બહુ જ સુખી છે. તેને કોઈ જ આર્થિક મદદની જરૂર નથી. તે કોઈ તકલીફમાં છે એવું પણ વિચારવાની જરૂર નથી. હા, એક વાતનો તમને વાયદો કરી શકું છું કે, તેને કોઈ તકલીફ પડશે તો હું તમને જણાવીશ. તમારો ફોન નંબર મારી પાસે સુરક્ષિત છે.’
બરાબર બે દિવસ બાદ મેરીનો એક પત્ર ડૉક્ટર શેરવૂડ પર આવ્યો. તેણે લખ્યું હતુંઃ ‘ડૉક્ટર, હું તમારી આભારી છું. તમારો ફોન આવ્યા બાદ મને શાંતિ થઈ છે. બરાબર ૧૭ વર્ષ પછી પહેલી જ વાર હું શાંતિથી ઊંઘી શકી છું… મેરી ક્રિસમસ.’
નાતાલના પવિત્ર દિવસોમાં લંડનની આ ભાવુક ઘટનાની પ્રસ્તુતિ સાથે સૌને મેરી ક્રિસમસ.
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!