Close

ગાંધીજીની પુણ્યતિથિ: મારા નામને વળગી ન રહો, હું મરું ત્યાં જ મને બાળી મૂકજો

રેડ રોઝ | Comments Off on ગાંધીજીની પુણ્યતિથિ: મારા નામને વળગી ન રહો, હું મરું ત્યાં જ મને બાળી મૂકજો
તા. ૩૦મી જાન્યુઆરી ગાંધીજીની પુણ્યતિથિ છે. આજે ગાંધીજીના જીવનના અંતિમ દિવસ પર એક દૃષ્ટિપાત કરીએ.
વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને કહ્યું હતું કે, `આવનારી પેઢીઓ આ પૃથ્વી પર હાડમાંસવાળો આવો કોઈ માનવી વિચર્યો હશે તેમ માનવા તૈયાર થશે નહીં.’
ગાંધીજી વ્યવસાયે લેખક નહોતા, પરંતુ સ્વામી આનંદના કહેવાથી તેમણે આત્મકથા લખી. ગાંધીજીએ ખૂબ જ નમ્રતાપૂર્વક એની પ્રસ્તાવનામાં લખ્યું છે કે, `એ પ્રયોગો મારફતે મને `મહાત્મા’નું બિરુદ મળ્યું, પરંતુ એની કિંમત બહુ જ જૂજ છે. કેટલીક વાર તો એ વિશેષણે મને અતિશય દુઃખ આપ્યું છે. `મહાત્મા’ના વિશેષણથી હું ફુલાઈ ગયો હોઉં તેવી એક પણ ક્ષણ મને યાદ નથી.’
ગાંધીજી માટે `મહાત્મા’ ઉપરાંત બીજાં અનેક વિશેષણો વપરાયાં છે. કોઈએ તેમને `બાપુ’ કહ્યા, તો કોઈએ તેમને આ સદીના `મહામાનવ’ કહ્યા. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે તેમને ભિખારીના વેશમાં `મહાન આત્મા’ કહ્યા. બ્રિટનના એ વખતના પૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે ગાંધીજીની પોતડી જોઈને `અર્ધનગ્ન ફકીર’ પણ કહ્યા, પરંતુ બાપુ સાચા અર્થમાં મહાત્મા જ હતા.
સંવત ૧૯૨૫ના ભાદરવા વદ બારસના દિવસે એટલે કે ઈ.સ. ૧૮૬૯ની બીજી ઓક્ટોબરે પોરબંદરમાં જન્મેલો એક સામાન્ય બુદ્ધિવાળો, ગરબડિયા અક્ષરોવાળો, ડરપોક અને બચપણમાં ક્યારેક જૂઠું બોલતો બાળક એક દિવસ આ યુગનો `મહાપુરુષ’ બની જશે એવી કોઈએ કલ્પના પણ કરી નહોતી.
 `સત્યના પ્રયોગો’માં ગાંધીજી લખે છે. `બચપણમાં મને નિશાળમાં મૂકવામાં આવેલો તેવું વાદ છે. મુશ્કેલીથી થોડુંક શીખેલો તે કાળે છોકરાઓની સાથે હું મહેતાને-સાહેબને ગાળ દેતાં શીખેલો. હું અનુમાન કરું છું કે મારી બુદ્ધિ મંદ હશે. ઘંટ વાગવાના સમયે નિશાળ પહોંચવું અને નિશાળ બંધ થયે ભાગવું. મને કોઈનીયે સાથે વાતો કરવાનું ગમતું નહીં.’ કોઈ મારી મશ્કરી કરે તો એવી બીક મને રહેતી. હું અતિશય શરમાળ છોકરો હતો. દક્ષિણ આફ્રિકામાં વકીલાત કરતાં મેં ટેવ પાડી હતી. મારું અજ્ઞાન બીજા હું મારા અસીલો પાસે છુપાવતો નહીં. બીજા વકીલો પાસે પણ નહીં. જ્યાં જ્યાં મને ખબર ન પડે ત્યાં ત્યાં જે તે અસીલને હું બીજા અનુભવી વકીલ પાસે જવાનું કહેતો.’
એથીયે આગળ વધીને ગાંધીજી `સત્યના પ્રયોગો’માં લખે છે. `૧૩ વર્ષની વયે મારાં લગ્ન થયાં એની નોંધ લેતાં અકળામણ થાય છે. મારી એક પછી એક એમ ત્રણ વાર સગાઈઓ ક્યારે થઈ તેની મને ખબર નથી. એ વેળા મને તો સારાં કપડાં પહેરવા મળશે. વાજાં વાગશે, સારાં ભોજન મળશે. ફૂલેકાં ચડશે, નવી બાળા સાથે વિનોદ કરીશું એવી અભિલાષા હતી. એ સિવાય બીજું સ્મરણ નથી. મારે કહેવું જોઈએ કે હું મારી સ્ત્રી પ્રત્યે વિષયાસક્ત હતો. હું ભણતો હતો ત્યારે જ અમારાં લગ્ન થયાં હતાં. હું નિશાળમાં હોઉં ત્યારે પણ મને તેના વિચારો આવતા. રાત્રિ ક્યારે પડે ને ક્યારે મળીએ એ જ વિચારો આવતા. વિયોગ અસહ્ય હતો. મારી કાલીઘેલી વાતોથી કસ્તુરબાઈને જગાડ્યા કરું. કસ્તુરબાઈને ભણાવવાની મને ઘણી હોંશ હતી, પરંતુ મારી વિષયવાસના મને ભણાવવા ક્યાં દે? હું પ્રેમી જેવો જ વહેમી પતિ હતો. યુવાનીમાં મેં તેને ભણાવવાના જેટલા પ્રયોગો કર્યા તે બધા જ નિષ્ફળ ગયા. હું વિષયની ઊંઘમાંથી જાગ્યો ત્યારે તો હું જાહેર જીવનમાં ઝંપલાવી ચૂક્યો હતો. ઈ.સ. ૧૯૦૦ની સાલથી મારા વિચારોમાં ગંભીર પરિવર્તન આવ્યું અને ધીમે ધીમે નિર્વિકાર થતો ગયો તેમ તેમ મારો ઘરસંસાર શાંત, નિર્મળ અને સુખી થતો ગયો. કસ્તુરબાઈને માંદગીની ત્રણ ઘાતો ગઈ. સર્જરી કરાવવી પડી. ધીમે ધીમે એનો રક્તસ્રાવ બંધ થયો. એનું શરીર વળવા લાગ્યું. એ પછી ૧૯૦૬ની સાલમાં મેં બહ્મચર્યનું વ્રત લીધું.
ગાંધીજીએ તેમના દાંપત્યજીવનની આ અંગત વાત પોતાની જીવનકથામાં જ લખી છે. આજનો કોઈ પણ વ્યક્તિ આવું લખી શકે ખરો?
આ કારણથી જ તેઓ વ્યક્તિ નહીં, પરંતુ `મહામાનવ’ હતા.
દક્ષિણ આફ્રિકાના ગાંધી તરીકે ઓળખાયેલા નેલ્સન મંડેલાએ એક જ વાક્યમાં ઘણું બધું કહી દીધું છેઃ `તમે અમને ગાંધી આપ્યા, અમે તમને `મહાત્મા’ આપ્યા.’
મોહનલાલ કરમચંદ ગાંધી યુવાન વયે વિલાયતમાં બેરિસ્ટર થઈને દક્ષિણ આફ્રિકામાં વકીલાત કરવા ગયા હતા. ટ્રેનમાં તેમની પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં રંગભેદની નીતિના કારણે ગોરા અંગ્રેજ ટિકિટ કંડક્ટરે ટ્રેનના ડબ્બામાંથી તેમને બહાર ફેંકી દીધા. એ ઘટના જ તેમના જીવનમાં વળાંક લાવી. મોહનદાસ કરમચંદ ગાંધીએ ગોરાઓની રંગભેદની નીતિ સામે લડવાનો નિર્ણય કર્યો અને એક દિવસ તેઓ `મહાત્મા’ બનીને જ ભારત આવ્યા. દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિના વિરોધમાંથી જ `સત્યાગ્રહ’ અને `અહિંસા’ના અમોઘ શસ્ત્રનો જન્મ થયો. ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં ભેદભાવભરેલી ગોરાઓની નીતિનો અનુભવ ન થયો હોત તો વિશ્વને `મહાત્મા’ સાંપડ્યા જ ન હોત.
ગાંધીજીને ગોળીથી ઠાર કરવામાં આવ્યા તે પૂર્વે એટલે કે તા. ૨૯ જાન્યુઆરી, ૧૯૪૮ના દિવસે મૃત્યુના કલાક અગાઉ જ આ શબ્દો ઉચ્ચાર્યા હતા: `હું જો માંદગીના કારણે મૃત્યુ પામું તો લોકો તમારા પર ક્રોધે ભરાય એ જોખમ વહોરીને પણ દુનિયા આગળ જાહેર કરવાની તમારી ફરજ છે કે ગાંધીજી જેનો દાવો કરતા હતા એવો ખુદાનો બંદો નહોતો. તમે એમ કરશો તો મારા આત્માને શાંતિ મળશે. હમણાં જ કોઈએ મને એક દિવસ બોમ્બ વતી એમ કરવા ધાર્યું હતું. કોઈ મને ગોળીથી ઠાર કરી મારા જીવનનો અંત લાવવા પ્રયત્ન કરે અને એ ગોળી હું દુઃખના એક પોકાર વગર ઝીલી લઉં અને રામનું નામ રટતો રટતો પ્રાણ ત્યાગું તો જ મારો એ દાવો સાચો ઠરશે. ભૂતકાળમાં મારા પર જાનલેવા હુમલા કરવામાં આવ્યા છે, પણ ભગવાને મને આજ સુધી બચાવી લીધો છે, પરંતુ મને ગોળીથી મારનારને એમ લાગે કે હું એક બદમાશને પૂરો કરી રહ્યો છું અને તેની તેવી માન્યતાથી જ પ્રેરાઈને મને ગોળીથી ઠાર મારે તો તેણે ખરા ગાંધીને નહીં, પરંતુ તેને જે બદમાશ લાગ્યો તેને તેણે મારી નાંખ્યો હશે.’
બાપુનું આ વિધાન તેમના હૃદયમાં રહેલી નિર્મળતાનું શ્રેષ્ઠ પ્રમાણ છે.
 બાપુએ તો તેમના મૃત્યુ પહેલાં કહ્યું હતું: `મારા મૃત્યુ બાદ મારા દેહને કોઈ સરઘસ આકારે લઈ જવાનો પ્રયત્ન કરે તો હું તેમને કહું છું કે, `મારું મડદું બોલી શકે તો ભલા મને એમાંથી છોડો અને હું મર્યો ત્યાં જ મને બાળી મૂકજો.’
એક મહાત્મા કેવા મહામાનવી હતા તે એમનાં આ વિધાનો પરથી સમજી શકાય છે.
એથીયે આગળ વધીને બાપુએ કહ્યું હતું: `મને વીસરી જાવ. મારા નામને ન વળગો, તત્ત્વને વળગો. હું તો ગરીબ સાધુ છું. છ રેંટિયા, જેલની થાળીઓ, બકરાના દૂધ માટેનું એક વાસણ, ખાદીનાં છ લંગોટ અને એક ટુવાલ-આટલી જ મારી ઐહિક પૂંજી છે. મારી કીર્તિની કોઈ ઝાઝી કિંમત ન હોઈ શકે. મારા મરણ પછી કોઈ એક જ વ્યક્તિ સંપૂર્ણપણે મારો ઉત્તરાધિકારી બની શકે નહીં.’
ગાંધીજીએ પોતાની ધર્મશ્રદ્ધા વિશે પણ આવા ઉદ્‌ગારો કાઢ્યા હતા. `મેં કરેલાં અગણિત પાપોની ખુલ્લાદિલે કબૂલાત કરેલી છે. મને લાગે છે કે હું દરેક ક્ષણે ઈશ્વરની સમીપ જઈ રહ્યો છું. ત્યારે મારે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. ઈશ્વરની નિકટ વસીને એનો પ્રકાશ અને હૂંફ પ્રતિક્ષણે અનુભવું છું. મારા ઉપવાસો, મારી પ્રાર્થનાઓ મને તારશે તેમ માનીને હું બધું જ તેમની પર નાંખી દઉં તો એથી મારો કશો અર્થ સરશે નહીં, પરંતુ પોતાના સર્જનહારના ખોળામાં મસ્તક મૂકીને નિર્ભયપણે સૂવાની આત્મઝંખના રૂપે એ સર્વ થતું હોય તો એમની કિંમતનો કોઈ પાર રહેતો નથી.’
બાપુ સાચે જ `મહાત્મા’ હતા. બીજાં એક હજાર વર્ષ સુધી તેમના જેવો મહામાનવ આ પૃથ્વી પર શાયદ જ પેદા થશે.
આખા વિશ્વને સત્ય અને અહિંસાનો માર્ગ બતાવનાર ગાંધીજીની દિલ્હીમાં નીકળેલી સ્મશાનયાત્રામાં ૩૦ લાખ લોકો જોડાયા હતા અને દેશના પ્રત્યેક નાગરિકની આંખમાં આંસુ હતાં. ગાંધીજી માટે અનેક વિશેષણો વપરાયાં છે. મોહનલાલ કરમચંદ ગાંધી `ગાંધીજી’ના નામે ઓળખાયા. `બાપુ’ના નામે ઓળખાયા. `મહાત્મા’ના નામે ઓળખાયા. કોઈએ તેમને સદીના `મહામાનવ’ કહ્યા તો કવિવર રવીન્દ્રનાથ ટાગોરે તેમને ભિખારીના વેશમાં મહાન આત્મા પણ કહ્યા. બ્રિટનના એ વખતના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે તેમની પોતડી જોઈ ગાંધીજીને `અર્ધનગ્ન ફકીર’ કહ્યા હતા.
કહેવાતા ઘણા સંસ્કારી માણસોએ ગાંધીજીના પોશાકની મજાક ઉડાવી હતી. અલબત્ત, પોતાની પોતડીના ટીકાકારોને જવાબ આપતાં ગાંધીજીએ કહ્યું હતું કે, `પોતડીની સંસ્કૃતિનો તો અહીં પ્રશ્ન જ નથી. મારા માટે પોતડી ધારણ કરવી તે જરૂરિયાત બની હતી. મારી પોતડી જેટલે અંશે સાદાઈ વ્યક્ત કરે છે. તેટલે અંશે તે ભારતીય સંસ્કૃતિની પ્રતિનિધિ પણ છે.’
વર્ષો પહેલાં ગાંધીજીએ ટોપી અને કુરતાનો ત્યાગ કર્યો અને ગરીબો સાથેની એકરૂપતા સાધવા જ તેમણે પોતડી અને ઉપર એક ચાદર જેવું વસ્ત્ર અપનાવ્યું હતું. `યંગ ઈન્ડિયા’ના તા. ૨૯ સપ્ટેમ્બર ૧૯૨૧ના અંકમાં `ગરીબોનો ઈલાજ’ એવા મથાળા હેઠળ લખેલા લેખમાં ગાંધીજીએ ભારતની પ્રજાને વિદેશી કાપડનો ત્યાગ કરી તેના સ્થાને ખાદી અપનાવવા અનુરોધ કર્યો હતો, પરંતુ એ લેખમાં તેમણે સ્પષ્ટ લખ્યું હતું કે જ્યાં સુધી તેમને ખરેખર પોતાના કામ માટે જરૂરી લાગે એ સિવાય સહકાર્યકરો પણ પોતડી ધારણ કરે એવી અપેક્ષા હું રાખતો નથી.
ગાંધીજી સાદગીને વર્યા છતાં રસહીન નહોતા. તેઓ સંગીતને ચાહતા હતા. એકવાર તેમણે સંગીત માટે કહ્યું હતું: `સંગીત એટલે જ સંવાદિતતા, સુવ્યવસ્થા. એની અસર વીજળિક છે. એ તત્ક્ષણ મનની શાંતિ પ્રેરે છે.’
ગાંધીજીના સાબરમતી આશ્રમમાં સંગીત પણ કેળવણીનું મહત્ત્વપૂર્ણ અંગ હતું. સાબરમતી આશ્રમમાંથી વિદાય લેતી વખતે તેઓ બોલ્યા હતા: `શ્રી ખરેએ સંગીતમાં જે રસ લગાડ્યો છે તે ચાલુ રાખજો.’
એ ઘટનાનાં વર્ષો પછી મયૂરીબહેન ખરે બાપુને પ્રિય એવાં ભજનો અહીં ગાતાં.
ગાંધીજી કહેતા: `હું ઈશ્વરને કોઈ પુરુષ વિશેષ માનતો નથી. મારે મન તો સત્ય એ જ પરમેશ્વર છે. જેમને હાજરહજુર ઈશ્વર જોઈએ છે તેમને મન ઈશ્વર પૂરુષરૂપ છે. જેમને એમનો સ્પર્શ જોઈએ છે તેમને મન ઈશ્વર શરીરધારી છે. જેને જેવો જોઈએ તેવો તે છે.’
અલબત્ત, ગાંધીજીએ પોતાની ધર્મશ્રદ્ધા વિશે જે સુંદર ઉદ્‌ગારો કાઢ્યા હતા તે આ પ્રમાણે છે: `મેં કરેલાં અગણિત પાપોની ખુલ્લા દિલે મેં કબૂલાત કરેલી છે. મને લાગે છે કે હું દરેક ક્ષણે ઈશ્વરની સમીપ જઈ રહ્યો હોઉં તો મારે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. ઈશ્વરની નિકટ વસીને એનો પ્રકાશ અને એની હૂંફ હું પ્રતિક્ષણે અનુભવું છું. મારાં વ્રતો, મારા ઉપવાસો, મારી પ્રાર્થનાઓ મને તારશે તેમ માનીને હું બધું એમની પર નાંખી દઉં તો એથી મારો કશો અર્થ સરે નહીં એ હું જાણું છું, પરંતુ પોતાના સર્જનહારના ખોળામાં થાકેલું મસ્તક મૂકીને નિર્ભયપણે સૂવાની આત્માઝંખના રૂપે એ સર્વ થતું હોય તો એમની કિંમતનો કોઈ પાર રહેતો નથી.’

Be Sociable, Share!