આજે માતૃભાષા દિવસ છે. ગુજરાતી આપણી માતૃભાષા છે, પરંતુ દરેક માતૃભાષા કાળક્રમે પરિવર્તિત પામતી રહે છે. નવા શબ્દો ઉમેરાતા જાય છે અને આજથી ૭૦ કે ૮૦ વર્ષ પૂર્વે બોલાતા તળપદા શબ્દો ભુલાતા જાય છે. આ જ કડીમાં અગાઉ બે વાર ગુજરાતી ભાષાના ભુલાઈ રહેલા તળપદા શબ્દોનું આલેખન કરવામાં આવ્યું હતું.તો આવો, આજે ભુલાઈ રહેલા-ગયેલા ગુજરાતી ભાષાના કેટલાક તળપદા શબ્દોની મહેફિલ માણીએ.
પગી: વર્ષો પહેલાં ગામડામાં કોઈના ઘેર ચોરી થઈ હોય તો ચોરના પગરુંને ઓળખી ચોર કઈ દિશામાં ગયો છે તે બાબતને જાણનારને પગી કહેવાતા. અરવલ્લી જિલ્લાના આકરુન્દ નામના ગામમાં તો એક મહોલ્લાનું નામ જ `પગીવાડો’ છે અને ત્યાં રહેતા લોકોની અટક પણ પગી છે.
ખાતર પડ્યું: એ જ પ્રમાણે રાતના સમયે કોઈના ઘેર લૂંટારાઓ આવી ચોરી કરે તો કહેવાતું કે ફલાણા ભાઈના ઘેર ખાતર પડ્યું.
બુધુ: એ બુધુ એટલે સોટી. કોઈને ફટકારવા માટે વપરાતી લાકડીને બુધુ કહેવામાં આવતું. લોકો કહેતા માર બુધુ એટલે થશે સીધું
હુક્કાપાણી: વર્ષો પહેલાં ગામના લોકો કોઈ પ્રસંગે એકત્ર થતા અને એક હુક્કો પ્રજ્વલિત કરી બધા વારાફરતી હુક્કો પીતા. કોઈવાર કોઈને નાત બહાર મૂક્યો હોય તો કહેવાતું કે ફલાણાભાઈના આજથી હુક્કાપાણી બંધ.
મીંઢળ: વર પરણવા જાય ત્યારે તેના હાથ પર એક પ્રકારના સુકાયેલા ફળને નાડાછડીમાં પરોવીને મીંઢળ બાંધવામાં આવતું. એવી માન્યતા છે કે મીંઢળ બાંધવાથી અનિષ્ઠ તત્ત્વો દૂર રહે છે.
માદળિયું: વર્ષો પહેલાં મંત્રતંત્રથી તૈયાર કરેલું ચામડાનું એક માદળિયું ગળામાં બાંધવામાં આવતું. જો કોઈને કોઈ બીમારી હોય તો એવું માદળિયું જે તે દર્દીના ગળામાં બાંધવામાં આવતું.
મઢી: વર્ષો પહેલાં અઘોર શિવપંથના પૂજારીઓ શરીર પર રાખ લગાવતા અને નાનકડા દેવસ્થાન સામે યજ્ઞકુંડ કરી ધૂણી ધખાવતા. એ ધાર્મિક સ્થળને મઢી કહેવામાં આવતી. અરવલ્લી જિલ્લાના આકરુન્દ ગામમાં આજે પણ એવી એક પૌરાણિક મઢી છે, જે નાથજી બાવાની મઢી તરીકે ઓળખાતી હતી.
બાજી: વર્ષો પહેલાં ગામડાના લોકોને પત્તાં રમવાનું મન થાય તો કહેતાં `ચાલો આપણે બાજી’ રમીએ. એવી જ રીતે સોગઠાં ઉપરથી સોગઠાંબાજી શબ્દ જાણીતો છે.
પછેડી: વર્ષો પહેલાં ગામડાના લોકો શિયાળામાં જાડા કાપડની સુતરાઉ શાલ ઓઢતા, જે પછેડી તરીકે ઓળખાતી.
રહેટં: કૂવામાંથી પાણી કાઢવા કેટલાંક ગામોમાં પાણીના ડબ્બાઓનો ઉપયોગ કરતા યંત્રને રહેટં કહેવામાં આવતો હતો. જેમાં ખેડૂત બળદ દ્વારા એક ધરીને ઘુમાવતો રહે અને પાણીના ભરેલા ડબ્બા ઉપર આવતા જાય અને ઉરામાં ઠલવાતા જાય.
આંણ: ગામડામાં લોકો ખાટલાને એક પ્રકારના દોરડાથી સજાવતા, જેની પર ગોદડી કે ગાદલું પાથરવામાં આવતું. તે સૂતરની જાડી દોરીને `આંણ’ કહેવામાં આવતું. ગરીબ લોકો પાસે ગોદડી ન હોય તો માત્ર આંણ પર જ સૂઈ જતા તેને અખવાળો ખાટલો કહેવામાં આવતો હતો.
ગંજીફો: ગંજીફો એટલે પણ પત્તાંની રમત. પત્તાં રમતાં પહેલાં લોકો કહેતાં, `ચાલ, પહેલાં ગંજીફો ચીપી લે.’
થાળીવાજું: વીજળી અને રેડિયો આવ્યાં ત્યારે શહેર અને ગામડાના રહીશ લોકોના ઘેર થાળીવાજું રાખવામાં આવતું. તે યંત્રની ઉપર કાળા રંગની એક પ્રકારના પ્લાસ્ટિક જેવા મટીરિયલની થાળી જેવી રેકર્ડ મૂકવામાં આવતી હતી અને યંત્રને ચાવી ભરવામાં આવતી. ચાવી ભરાઈ જાય તે પછી એ કાળા રંગની રેકર્ડ ગોળ ગોળ ફરતી અને તેની પર રહેલી પિનમાં સુંદર અને અગાઉથી મુદ્રિત કરાયેલું ગીત વાગતું રહતું. સુમધુર ગીતો સાંભળતાં ભારતીય ફિલ્મ ઉદ્યોગની ફિલ્મોનાં ગીતો આવી રેકર્ડ પર જ ઉપલબ્ધ હતાં. તેમાંયે `હાર માસ્ટર્સ વોઈસ’ બ્રાન્ડની રેકર્ડ તો અત્યંત જાણીતી હતા.
તબેલો: પહેલાંના જમાનામાં ઘોડાઓને જ્યાં રાખવામાં આવતા તે ભાગને તબેલો કહેવામાં આવતો.
પરબડી: પરબડી એટલે પક્ષીઓને દાણા ચણવા માટે એક ઊંચા ટાવર પર બનાવેલું સ્થળ. હવે નવા જમાનામાં લોકો પરબડીને જ ભૂલી ગયા છે. રસ્તા પર જ પક્ષીઓ માટે દાણા વેરી દેવામાં આવે છે.
કાંબર: કાંબર એટલે શિયાળામાં ઓઢવા માટેની ગરમ શાલ.
નેવાં- ચોમાસામાં ઘરની ઉપરના ઢાળવાળી છત પરથી પાણી ઘરની આગળ પડે તે જગ્યાને નેવાં કહેવામાં આવતાં હતાં. એક કહેવત જાણીતી છે કે નેવાંનાં પાણી મોભે ના ચડે.
પૈણાયું: પૈણાયું એટલે માટીનું બનેલું કોડિયું, જેમાં તેલ કે ઘી પૂરીને દીવો કરવામાં આવતો હતો.
લવિંગિયું: વર્ષો પહેલાં ગામડાના લોકો, પુરુષો કાન વીંધાવીને તેમાં સોનાનું લવિંગિયું પહેરતા હતા. લવિંગિયું પહેરવું તે આઉટ ઓફ ડેટ ગણાય છે.
ઠાગાઠૈયા: કોઈને એક કામ સોંપ્યું હોય અને તે કોઈ ને કોઈ બહાનું કાઢી કામમાં ઢીલ કરે તેને ઠાગાઠૈયા કહેવામાં આવતા હતા.
વરવાઘો: વરરાજા માટે જે નવાં વસ્ત્રો તૈયાર કરવામાં આવે તેને વરવાઘો કહેવામાં આવતો હતો.
ધૈણ: વર્ષો પહેલાં લુહારી કામના જાણકારો ખેતરનાં ઓજારો તૈયાર કરવા માટે લોખંડને તપાવતા અને તેને ચોક્કસ આકાર આપવા માટે ઉપર ફટકારવામાં આવતા લોખંડના મોટા હથોડાને `ધૈણ.’ કહેવામાં આવતો.
ધમણ: લુહારી કામ માટે લોખંડને તપાવવા એક ભઠ્ઠીમાં લોખંડનો ટુકડો મૂકવામાં આવતો અને ભઠ્ઠીમાંના અંગારાને વધુ પ્રજ્વલિત કરવા પંપ જેવું દેશી સાધન વપરાતું તેને ધમણ કહેવામાં આવતી.
મેથીપાક: મેથીપાક આમ તો શિયાળામાં ખાવાનો, પરંતુ ગામમાં કોઈ નબીરાને ફટકારવામાં આવે તો તેને મેથીપાક ચખાડ્યો તેમ કહેવામાં આવતું.
નાવણિયું: ગામડામાં વર્ષો પહેલાં પાણીના નળ નહોતા, પરંતુ ગામડાના લોકો એક નાનકડી ઓરડીમાં ગરમ પાણીની ડોલ મૂકીને સ્નાન કરતા એટલે કે એ બાથરૂમને નાવણિયું કહેવામાં આવતું હતું.
પીઠું: આઝાદી મળી તે પહેલાં દારૂબંધી નહોતી. એ વખતે ગામના છેવાડા કે કેટલાક લોકો દારૂ ગાળતા અને દારૂડિયાઓ ત્યાં દેશી દારૂ પીવા જતા. આ અડ્ડાને પીઠું કહેવામાં આવતું હતું.
રણઝણિયું : રમઝણિયું એટલે ગામની યુવતીએ પગારમાં ઘૂઘરીવાળી ઝાંઝર પહેરતી અને તે ચાલે ત્યારે તેમાંથી મધુર અવાજ આવતો. ઝાંઝરને રણઝણિયું કહેવામાં આવતું. વર્ષો પહેલાં મેળા વખતે એક લોકગીત જાણીતું હતું. `હાલ રે છોરી હાલને, રમઝણિયું રે પેંજણિયું વાગે.’
લાલી: લાલી એટલે લિપસ્ટિક. વર્ષો પહેલાં ગામડાની સ્ત્રીઓને લિપસ્ટિક બોલતાં આવડતું નહીં. તે હોઠ પર લિપસ્ટિક લગાડે તો તેને લાલી લગાવી છે તેમ કહેવામાં આવતું.
મથુરિયું: ગામના પૂજારીઓ સામાન્ય રીતે લાલ રંગનો ખેસ ગળામાં રાખતા હોય છે, તેને મથુરિયું કહેવામાં આવે છે.
લવારું: બકરીના બચ્ચાને લવારું કહેવામાં આવે છે.
બલૂન: ગામડાના લોકો વિમાનને બલૂન કહેતા હતા.
ભૂંગળી: ગેસના ચૂલા આવ્યા તે પહેલાં ગ્રામ્ય મહિલાઓ ચૂલામાં લાકડાં મૂકી ચૂલો પેટાવતી. તેને પ્રજ્વલિત કરવા માટે મહિલાઓ ભૂંગળીથી ફૂંકીને ચૂલાની આગને પેટાવતી, તે સાધનને ભૂંગળી કહેવામાં આવતી હતી.
પટ્ટી: પટ્ટી એટલે લાકડાની કે લોખંડની પટ્ટી નહીં. વર્ષો પહેલાં ગામના લોકો ફિલ્મ જોવા જાય તો તે `પટ્ટી’ જોવા ગયા છે તેમ બોલાતું.
પાનેતર: લગ્ન વખતે નવવધૂ માટે જે સુંદર વસ્ત્ર પહેરવામાં આવતું તેને પાનેતર કહેવામાં આવતું હતું.
પટોળું: પટોળું એટલે એક પ્રકારની હાથે વણેલી કીમતી સાડી. એક લોકગીત અત્યંત જાણીતું છે. છેલાજી રે, મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો.
ગેંશ: એક પ્રકારની ગ્રામીણ વાનગી. વર્ષો પહેલાં ગ્રામ્ય મહિલાઓ કોદરાના લોટની કે મકાઈના કરકરા લોટને બાફી નાંખી જે વાનગી બનાવતી તેને ગેંશ કહેવામાં આવતી હતી.
કાંકણા: કાંકણા એટલે વગડામાં ઊગતી કાંટાળી વનસ્પતિ પર બેસતાં બોર જેવા પણ બોરથી સાવ નાનાં ખાટાં મીઠાં ફળ. કાંકણા વીણતાં બહુ સાચવવું પડે, કારણ કે તેમાં કાંટા વાગવાનો ભય રહે છે.
ઢેખારો: ઈંટના ટુકડાને ઢેખારો કહેવામાં આવતો હતો.
ઢેફું: માટીના ટુકડાને ઢેફું કહેવામાં આવતું હતું.
તંબૂરો: શહેરના લોકો હવે તંબૂરો ભૂલી ગયા છે. વર્ષો પહેલાં ગામમાં ચાલતી ભજનમંડળીઓમાં કોઈ ભગત તંતુવાદ્યનું બનેલું વાજિંત્ર વગાડતાં વગાડતાં ભજન ગવડાવતા હતા. જેમાં એકતારાનું ભજન ખૂબ જાણીતું હતું.
પ્રભાતિયાં: વર્ષો પહેલાં ગામના કેટલાક ભજનિકો પરોઢિયે ગામના લોકો સાંભળી શકે તેવાં સુંદર ભજન ગાતા, તેને પ્રભાતિયાં કહેવામાં આવતાં હતાં.
શકોરું: ભીખ માંગવા માટે જે પાત્ર વપરાતું તેને શકોરું કહેવામાં આવતું હતું.
ડોળ: મહુડાના ઝાડ પર મહુડાના ફૂલ બેસે અને તે પછી તેની પર તેનાં ફૂલ બેસે. તે નાનકડા ફળને `ડોળ’ કહેવામાં આવતું. ડોળમાંથી તેલ પણ કાઢી શકાતું.
ધરપત: ધરપત અને ધીરજ. કોઈ કહે કે ધરપત રાખો એટલે કે ધીરજ રાખો.
દીવો રાણા કરવો: દીવો રાણા કરવો એટલે દીવો બુઝાવી દેવો.
ફૂમતું : ફૂમતું એટલે પતંગિયું
શેંલી: શેંલી એટલે રાખ.
અડીંગો: ચાર મિત્રો એક જગ્યાએ બેઠાં બેઠાં વાતો કરતા રહે અને ઊભા ન થાય, તો એમણે અડીંગો જમાવ્યો છે તેમ કહેવામાં આવતું.
ફુલેકું:
વર્ષો પહેલાં લગ્નની આગલી રાત્રે વરરાજાનો ગામમાં વરઘોડો નીકળે તેને ફુલેકું કહેવામાં આવતું હતું અને આજે કોઈ વ્યક્તિ અનેક લોકો પાસેથી ધિરાણ લઈ દેવાળું ફૂંકે તો તેને પણ `ફૂલેકું’ ફેરવ્યું તેમ કહેવામાં આવે છે.
પાહવટીયા: વરરાજા પરણવા જાય તેની સાથે જતાં વરરાજાના મિત્રો `પાહવટીયા’ કહેવાતા હતા
કુરકુરીયું: કુતરાના નાના બચ્ચાંને `કુરકુરિયું’ કહેવામાં આવતું.
—————————— —————————— ——–



