આજે તે એક સામાજિક કાર્યકર્તા છે. એ સામાજિક કાર્યકર બની તે પહેલાંની તેની જિંદગીની કહાણી રસપ્રદ છે, સંઘર્ષમય પણ છે.
એ વખતે પ્રિયંકાની ઉંમર માત્ર ૧૪ વર્ષની હતી. ૨૦૦૭ના વર્ષની આ વાત છે. ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાના એક નાનકડા ગામની સ્કૂલમાં આ બાળકી ભણી રહી હતી. એ વખતે તે પાંચમા ધોરણમાં હતી.
એ ગામમાં નાની નાની છોકરીઓને પરણાવી દેવામાં આવતી. ગામની બીજી છોકરીઓની જેમ તે પાંચમા ધોરણમાં હતી ત્યારે જ તેને પરણાવી દેવામાં આવી. મા અને સહેલીઓથી દૂર જવાનું હોઈ તે ખૂબ રડવા લાગી.
માએ એને સમજાવી ઃ ‘બેટા, અત્યારે તો તારું લગ્ન જ થઈ રહ્યું છે. થોડા દિવસ પછી તું પાછી આવી જઈશ. બીજા પાંચ વર્ષ પછી તારું આણું થશે ત્યારે જ તને સાસરે મોકલીશું.’
પ્રિયંકાને થોડીક શાંતિ થઈ.
લગ્નના દિવસે સાડીમાં તે સરસ લાગતી હતી. ઘરેણા પણ પહેર્યાં હતા. બે દિવસ સુધી લગ્નનો જશ્ન ચાલ્યો. પ્રિયંકા ખુશ હતી કે અત્યારથી જ સાસરીમાં રહેવાનું નથી.
લગ્ન બાદ તે તેના માતા-પિતાના ઘેર જ રહીને ફરી સ્કૂલમાં જવા લાગી. આ દરમિયાન તેની માતા તેને ઘરકામ અને રસોઈ બનાવવાનું શીખવવા લાગી. એમ કરતાં કરતાં પાંચ વર્ષ વીતી ગયા.
હવે તે સહેજ મોટી અને સમજદાર થઈ હતી. તેને સાસરે વળાવવાની તૈયારીઓ થવા લાગી. ૨૦૧૨ના વર્ષની આ વાત છે. આણુ કરવામાં આવ્યું. મહેમાનો આવ્યા અને પ્રિયંકાને તેના સાસરે તેડી ગયા.
પ્રિયંકા સાસરે પહોંચી પરંતુ બીજા દિવસે સવારે જ એક મુશ્કેલી સામે આવી. એણે શરમાતાં એની સાસુને પૂછયું ઃ ‘મા, શૌચાલય ક્યાં છે ?’
સાસુએ કહ્યું ઃ ‘થોડીવાર ઉભી રહે હું તારી સાથે આવું છું.’
પ્રિયંકાને આ જવાબ સમજાયો નહીં. તે વિચારમાં પડી ગઈ કે સાસુ એની સાથે કેમ આવવાની વાત કરે છે ?
થોડીવાર બાદ સાસુએ કહ્યું ઃ ‘ચાલ, મારી સાથે ખેતરમાં.
ત્યારે જ પ્રિયંકાને ખબર પડી કે ઘરમાં શૌચાલય નથી. તે સાસુ સાથે વગડામાં ચાલવા લાગી. રસ્તામાં કાંટા હતા. પગદંડીનો રસ્તો મુશ્કેલીઓથી ભરેલો હતો. ખેતરોમાં પાણી ભરાયેલું હતું. રસ્તો ચીકણો પણ હતો. સુંદર લાલ સાડીમાં લપેટાયેલી નવી વહુ ગામના લોકો માટે ઉત્સુક્તાનો વિષય હતો.
પ્રિયંકા કહે છે ઃ’મારા એક હાથમાં લોટો હતો અને બીજા હાથે પાલવ પકડી રાખ્યો હતો. રસ્તામાં સામે મળતા લોકો પાછળ વળી વળીને મને જોતા હતા. મને બહુ જ શરમ આવતી હતી !
પહેલી સવાર તો ગમે તેમ કરીને પસાર થઈ ગઈ. એ દિવસે મેં મારી સાસુ અને પતિને કહ્યું ઃ ‘ઘરમાં શૌચાલય બનાવો. મને બહાર જતાં શરમ આવે છે.’
પરંતુ કોઈએ તેની વાત પર ધ્યાન આપ્યું નહીં, ગામના બીજાં સ્ત્રી-પુરુષો પણ આ રીતે લોટો લઈને બહાર જ જતા હતા. સાસરીવાળાને પ્રિયંકાની માગણી ગેરવાજબી લાગી.
આ રીતે ત્રણ દિવસ વીતી ગયા. હવે પ્રિયંકાને તેના પતિને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું ઃ ‘હું આ રીતે હાથમાં લોટો લઈને બહાર જવા માગતી નથી.’
પરંતુ એની વાત કોઈએ સાંભળી નહીં.
પ્રિયંકાએ બહાર જવાનું ટાળ્યું પરંતુ ત્રીજા દિવસે તેના પેટમાં દુઃખવા લાગ્યું. તે બીમાર પડી ગઈ. એણે નક્કી કરી લીધું કે ઘરમાં શૌચાલય નહીં બને ત્યાં સુધી તે શૌચ રોકી રાખશે.
એ દરમિયાન એક રિવાજ મુજબ તેનો ભાઇ પ્રિયંકાના સાસરે આવ્યો. પ્રિયંકા તેનો સામન પેક કરીને તેના ભાઈની સામે ઊભી રહી ગઈ. તે બોલી ઃ ‘હું પણ તમારી સાથે આવું છું.’
ભાઈએ ખૂબ સમજાવી પરંતુ તે માની નહીં.
સાસરીવાળાએ કહ્યું ઃ ‘ગામના બધા જ લોકો અને બધી જ મહિલાઓ શૌચ માટે બહાર જ જાય છે, તો તને શું વાંધો છે?’
પરંતુ પ્રિયંકાએ સ્પષ્ટ કહી દીધું ઃ ‘જ્યાં સુધી ઘરમાં શૌચાલય નહીં બને ત્યાં સુધી હું સાસરે પાછી નહીં આવું.’
પ્રિયંકા તેના ભાઈની સાથે પિયર આવી ગઈ. માતા-પિતાએ પણ તેને સમજાવ્યું કે ‘આ રીતે પતિનું ઘર છોડીને આવવું તે ઠીક નથી. આવી જીદ યોગ્ય નથી. તારી સાસુ અને તારી નણંદ પણ લોટો લઈને બહાર જાય છે તો તને શું વાંધો છે?’
પરંતુ પ્રિયંકા માની નહીં.
આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે પ્રિયંકા સાસરીથી ભાગીને પાછી આવી ગઈ છે. કેટલાક ગામ લોકોએ એવી અફવા પણ ફેલાવી દીધી કે, પ્રિયંકા પહેલેથી જ ગામના એક છોકરાના પ્રેમમાં હોઈ પતિને છોડીને પાછી આવી ગઈ છે.’
સગાંસંબંધી પણ તેને મહેણાં મારવા લાગ્યાં. પરંતુ પ્રિયંકા પોતાના હઠાગ્રહ પર અડગ રહી.
આ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં શૌચાલયો બાંધવાની કામગીરી બજાવતી એક એન.જી.ઓ.- સંસ્થાને આ વાતની ખબર પડી. તે પછી એનજીઓે ટીમ પ્રિયંકાના ઘેર પહોંચી. ટીમે પ્રિયંકાના સાહસને અને પગલાને બીરદાવ્યું. એ લોકોએ કહ્યુંઃ ‘આ મુદ્દા પર તે સાસરી છોડવાની હિંમત બતાવી તે પ્રશંસનીય છે, અગર ગામની તમામ વહુ-દીકરીઓ આવો નિર્ણય કરે તો ગામના દરેક ઘરમાં શૌચાલય બની જાય.
એનજીઓની ટીમે પ્રિયંકાના માતા-પિતાને સમજાવ્યું કે આ મુદ્દા પર તમારી દીકરીએ સાસરી છોડી દઈ ને કાંઈ ખોટું કર્યું નથી. તેની જીદ યોગ્ય જ છે.
તે પછી એનજીઓની ટીમે પ્રિયંકાની સાસરીવાળાનો સંપર્ક કર્યો. ટીમ પ્રિયંકાના સાસરે ગઈ. એનજીઓએ પોતાના ખર્ચે તેમના ઘેર એક શૌચાલય બનાવી આપ્યું.
એ પછી જ પ્રિયંકા તેની સાસરીમાં ગઈ.
આ મોકા પર ગામમાં એક સમારંભનું પણ આયોજન થયું, જેમાં શૌચાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પ્રિયંકા કહે છે ઃ ‘મને તો ખબર જ નહોતી કે મારી જીદ એક સમાચાર બની જશે. હું સાસરીમાં પાછી ગઈ તો ગામમાં ભોજન સમારંભનું આયોજન થયું. મને મંચ પર બોલાવીને મારું સન્માન કરવામાં આવ્યું. મારા સાસરીયામાં પણ ઘરમાં શૌચાલય બનવાથી ખુશ હતા.’
આ ઘટનાના કેટલાક સમય બાદ એન.જી.ઓ.એ પ્રિયંકાને પોતાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી. તેની આ કથા પર એક વિજ્ઞાપન ફિલ્મ પણ બની. જેમાં પ્રિયંકાને અભિનેત્રી વિદ્યા બાલન સાથે દર્શાવવામાં આવી હતી.
વિજ્ઞાપનના શૂટિંગ માટે પ્રિયંકા મુંબઈ ગઈ. તે પછી તેણે ગ્રેજ્યુએશન કર્યું. લગ્ન બાદ પણ ભણી. છેલ્લાં પાંચ વર્ષથી તે ઘેર ઘેર જઈને ગામ વાસીઓને ઘરમાં શૌચાલય બનાવવા તથા દીકરીઓને ભણાવવાનો સંદેશ આપી રહી છે. તે સીવણ કેન્દ્ર પણ ચલાવે છે. જ્યાં મહિલાઓને સીવણ શીખવવામાં આવે છે. આ કામમાં તેના પતિ પણ તેને સાથ આપે છે. સસુરાલવાળા પણ તેનાથી ખૂબ જ ખુશ છે.
પ્રિયંકા કહે છે ઃ ‘મારું એક જ સ્વપ્ન છે ઃ ગામો સ્વચ્છ બને. મહિલાઓને શૌચ માટે બહાર જવું ના પડે. દરેક દીકરીઓને ભણવાનો મોકો મળે.’
-આવી છે પ્રિયંકા ભારતીની વાત.
– દેવેન્દ્ર પટેલ




