એક ઉક્તિ છે: `કોઈ પણ માણસ પિતા બની શકે છે, પરંતુ `ડેડી’ બનવા માટે ખાસ વ્યક્તિ બનવું પડે છે. એવી જ બીજી એક ઉક્તિ છે: `દરેક પિતાએ એક વાત યાદ રાખવી જોઈએ કે એક દિવસ તેમનો દીકરો તેમની સલાહને નહીં, પરંતુ તેમના દૃષ્ટાંતરૂપ જીવનને અનુસરશે.’આજે `ફાધર્સ ડે’ છે ત્યારે પિતા અને સંતાનો વચ્ચેના હૃદયંગમ અને પ્રેરક પ્રસંગો અહીં પ્રસ્તુત છે.
– બર્થડે ગિફ્ટ
`તુમ સા નહીં દેખા’, `દિલ દેકે દેખો’, `તીસરી મંજિલ’ જેવી અનેક ફિલ્મોના સુપ્રસિદ્ધ અભિનેતા શમ્મી કપૂરની જિંદગીનો આ પ્રસંગ છે. તેમને એક પુત્રી છે. તેનું નામ કંચન. તા. ૮ ઑગસ્ટે તેનો જન્મદિવસ હતો. તા. ૮-૮-૮૮ના રોજ કંચનના જન્મદિવસે પિતા શમ્મી કપૂરે કહ્યું, `બેટા, આજે તારો જન્મદિવસ છે. બોલ, તને જન્મદિવસની શું ગિફ્ટ આપું?
થોડું વિચારીને કંચન બોલી, `ડેડ, આજે તા. ૮-૮-૮૮ છે. આવો આંકડો એક જ વાર આવે છે. હું માંગીશ તેવી બર્થડે ગિફ્ટ મને આપશો?’
શમ્મી કપૂર બોલ્યા, `અરે બેટા, તું મારી બહુ જ વહાલી પુત્રી છે. તું એક વાર માંગી તો જો!’
પુત્રી કંચન બોલી, `ડેડ, આજે હું તમારી પાસેથી એક બર્થડે ગિફ્ટ માગું છે. તમે સિગારેટ પીવાની છોડી દો. બસ, એ જ મારી શ્રેષ્ઠ બર્થડે ગિફ્ટ હશે.’
શમ્મી કપૂર એક ક્ષણ માટે તો વિચારમાં પડી ગયા. તેઓ બોલ્યા, `બેટા, તણાવ દૂર કરવા હું રોજ ત્રણ પેકેટ સિગારેટ પીવું છું એ કેવી રીતે છોડી શકું?’
કંચન બોલી: `હવે સિગારેટ છોડી દો. સિગારેટના કારણે તમે સતત ઉધરસ ખાતા રહો છો. તમને કફ પણ રહે છે. હવે તમે સિગારેટ છોડી દો તે જ મારી બેસ્ટ બર્થડે ગિફ્ટ હશે.’
અને એ જ ક્ષણે શમ્મી કપૂર બોલ્યા, `ઓ.કે. બેટા, આજ પછી હું કદી સિગારેટ નહીં પીવું. આર યુ હેપી?’
`યસ ડેડ.’ વહાલસોયી પુત્રી પિતાને વળગી પડી.
એ દિવસ પછી શમ્મી કપૂરે કદીયે સિગારેટ પીધી નહીં. આનાથી વધુ શ્રેષ્ઠ બર્થડે ગિફ્ટ બીજી શું હોઈ શકે?
– અબ્રાહમ લિંકન
હવે `ફાધર્સ ડે’ નિમિત્તે એક બીજો પ્રસંગ વાંચો.
અબ્રાહમ લિંકન અનેક વાર ચૂંટણી હારી ગયા બાદ છેવટે ચૂંટણી જીતીને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા. એમના સમયમાં અમેરિકાના ધનવાન અને કુલીન અમેરિકનો ગુલામો રાખી તેમની પાસે વેઠ કરાવતા હતા અને બીજાઓને પોતાના કરતાં નીચા સમજતા હતા. અમેરિકાના કહેવાતા કુલીન અને ધનવાન સેનેટર્સને અબ્રાહમ લિંકન પ્રેસિડેન્ટ બન્યા એ ગમ્યું નહોતું. એ કારણથી જે દિવસે અબ્રાહમ લિંકન પ્રેસિડેન્ટ તરીકે સેનેટમાં શપથ લેવાના હતા તે વખતે તેઓ શપથ લે તે પહેલાં એક કુલીન સેનેટર ઊભા થયા અને બોલ્યા: `મિ. લિંકન, તમે એ વાત ન ભૂલશો કે એક સમયે તમારા પિતા મારા પિતાનાં જૂતાં રિપેર કરવા આવતા હતા. તમારા પિતા જૂતાં રિપર કરનાર કારીગર હતા.’
એક સેનેટરનું આ વિધાન સાંભળી આખી સેનેટ સ્તબ્ધ થઈ ગઈ, કારણ કે એક રીતે નવા પ્રેસિડેન્ટનું આ એક પ્રકારનું અપમાન હતું. બધાની નજર હવે નવનિયુક્ત પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકન પર હતી.
અબ્રાહમ લિંકને જરા પણ ઉશ્કેરાયા કે ગુસ્સે થવાના બદલે એ સેનેટરને શાંતિપૂર્વક જવાબ આપ્યો: `મિ. સેનેટર સર, આજે હું અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે શપથ લેવા જઈ રહ્યો છું તે જ વખતે આપે મારા પિતાની યાદ અપાવી દીધી તેથી રૂડું બીજું શું હોઈ શકે? આજે આ શપથવિધિ વખતે મારા પિતાની યાદ અપાવવા બદલ હું આપનો આભાર માનું છું.’
બધા સેનેટર્સ શાંતિથી સાંભળી રહ્યા હતા. અબ્રાહમ લિંકને આગળ બોલતાં કહ્યું: `મિસ્ટર સેનેટર સર, એક વાત કહું આપને? હા, મારા પિતા જૂતાં રિપેર કરવાના જેટલા શ્રેષ્ઠ કારીગર હતા એટલો શ્રેષ્ઠ પ્રેસિડેન્ટ કદાચ હું ન પણ બની શકું અને મારા પિતાએ આપના પિતાનાં જૂતાં રિપેર કરતી વખતે કોઈ ભૂલ કરી હોય તો એમની વતી હું આપની માફી માગું
અબ્રાહમ લિંકનના આ સ્વસ્થતાપૂર્વક ઉચ્ચારાયેલાં વિધાન સાંભળી આખી સેનેટે તેમને તાળીઓથી વધાવી લીધા અને અબ્રાહમ લિંકનના પિતાનો ઉલ્લેખ કરીને નિવેદન કરનાર સેનેટર નીચું જોઈ ગયા. આવો છે પિતાનો મહિમા અને આવો હતો પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકનનો તેમના પિતા માટેનો આદર. તેમના પિતા જૂતાં રિપેર કરનાર એક કારીગર હતા જેનો તેમને કોઈ વસવસો નહોતો.
લીસા
`હવે ફાધર્સ ડે’ નિમિત્તે બીજા કેટલાક પ્રેરક પ્રસંગો વાંચો. લીસા એક અમેરિકન પરિવારની નાનકડી પુત્રી છે. એ સમય ક્રિસમસનો હતો. નાનકડી લીસા ક્રિસમસ અંગે તૈયારીઓ કરી રહી હતી. ક્રિસમસમાં ઘરમાં મૂકવામાં આવતા ક્રિસમસ ટ્રીની નીચે મૂકવા માટે એ દીકરી એક નાનકડા બોક્સને સુવર્ણ રંગના ચમકતા પેપરથી વીંટાળી રહી હતી, જેથી એ નાનકડું બોક્સ પણ ક્રિસમસ ટ્રીની નીચે સુંદર લાગે અને તે બોક્સ પિતાને ભેટ આપે. એ દિવસોમાં એના ઘરની આર્થિક પરિસ્થિતિ સંકડામણ અનુભવતી હતી. દરેક બાબતમાં કરકસર કરવામાં આવતી હતી.
નાનકડી લીસાએ સુંદર પણ કીમતી સોનેરી પેપરથી વીંટાળેલું બોક્સ પિતાને ભેટ આપ્યું. એ બોલી: `ડેડ, મેં શણગારેલું આ બોક્સ તમારા માટે છે.’
પિતાએ બોક્સ ખોલ્યું. બોક્સ ખાલી હતું. પિતા ગુસ્સે થઈ ગયા અને તાડૂક્યા: `તને ખબર નથી કે આપણે જ્યારે પણ કોઈને કોઈ ગિફ્ટ બોક્સ આપીએ છીએ ત્યારે તેમાં કંઈક હોવું જોઈએ. તેં મને આપેલું બોક્સ તો સાવ ખાલી છે.’
પિતાએ દીકરીને ખૂબ ખખડાવી નાંખી. તે રડવા લાગી. રડતાં રડતાં નાનકડી દીકરી બોલી: `ડેડ, મેં તમને આપેલું બોક્સ ખાલી નથી. મેં તમારા માટે મારી ચૂમીઓથી અને પપીઓ-કિસથી એ ભરેલું છે. એમાં મેં ભરેલી તમામ પપીઓ તમારા માટે છે.’
અને પિતા સ્તબ્ધ થઈ ગયા અને ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયા. નાનકડી દીકરીના ખભા પર હાથ મૂકી તેમણે દીકરીને પોતાની પાસે ખેંચી લીધી અને દીકરી પાસે ક્ષમા માંગી રહ્યા.
આ ઘટનાના ઘણાં વર્ષો બાદ પણ લીસાના પિતાએ દીકરીએ ભેટ આપેલું નાનકડું બોક્સ પોતાના શયનખંડમાં તેમના પલંગની બાજુમાં જ રાખ્યું. લીસા તો મોટી થઈને પરણીને જતી રહી, પરંતુ જ્યારે જ્યારે તેઓ એકાકીપણું કે ઉદાસીનતામાં સરી જતા ત્યારે ત્યારે તેઓ લીસાએ આપેલું એ બોક્સ ખોલતાં અને તેમની નાનકડી દીકરીએ આપેલા પ્રેમને યાદ કરી તેઓ રાહત અનુભવતા.
આવી હોય છે નાનકડાં બાળકોની લાગણીઓ. એમની ફીલિંગ્સ રજૂ કરવાની તેમની આગવી શૈલી હોય છે. બાળકોનો તેમનાં માતા-પિતા માટેનો પ્રેમ બિનશરતી હોય છે. માત્ર બાળકોનો જ નહીં, પરંતુ પરિવારના તમામ સભ્યોનો અને ઇશ્વરનો પણ આપણા પ્રત્યેનો પ્રેમ બિનશરતી હોય છે. લીસાનું એ બોક્સ એક કીમતી ચીજ હતી.
બાળકોને ચાહો અને બાળકોની લાગણીઓને સમજો. ભૌતિક ભેટ કરતાં બાળકોની પ્રેમભરી ચૂમી-કિસ અમૂલ્ય છે. એના જેવી કીમતી ચીજ આ દુનિયામાં બીજી કોઈ નથી. કહેવાય છે કે માતાની લાગણી પ્રત્યક્ષ જોઈ શકાય છે. બાળક રડે છે ત્યારે માતા તેને ઊંચકી લે છે. તેને સ્તનપાન કરાવે છે. નવડાવે છે. વસ્ત્રો પહેરાવે છે. તૈયાર કરી સ્કૂલમાં મોકલે છે. પિતા આવું કરતા નથી, પરંતુ પિતાની લાગણીની અભિવ્યક્તિ અલગ પ્રકારની હોય છે. માતા બાળકને શારીરિક રીતે કોઈ તકલીફ ન પડે તેનું ધ્યાન આપે છે, પરંતુ પિતા સંતાનની કારકિર્દીની ચિંતા કરે છે. બાળકને શ્રેષ્ઠ શિક્ષણ અપાવવાની ચિંતા કરે છે. બાળક સ્કૂલમાંથી ઘેર આવે છે ત્યારે તેને સારામાં સારી સ્કૂલમાં દાખલ કરાવવા પ્રયાસ કરે છે. બાળકની પરીક્ષાનું પરિણામ આવે છે તો માર્કશીટ જોવાનું કામ પહેલાં પિતા કરે છે. ઓછા માર્ક્સ આવ્યા હોય તો પૂછપરછ કરે છે. બાળક તોફાન કરે તો તેને શિક્ષા પણ કરે છે. બાળકને શ્રેષ્ઠ કારકિર્દી તરફ લઈ જવા પિતા જે ત્યાગ અને બલિદાન આપે છે તેનો મહિમા બહુ ઓછો થયો છે. સામાન્ય રીતે પિતાની લાગણીઓ શબ્દોમાં બહુ ઓછી અવતરે છે. એનો અર્થ એ નથી કે પિતા પોતાના સંતાનને ચાહતા નથી.
`મહાભારત’માં આ બાબતમાં પ્રમાણ મોજૂદ છે. ભગવાન શ્રી રામના રાજ્યાભિષેકના જ દિવસે કૈકેયીએ દશરથ રાજાને પાછલું વચન યાદ કરાવી ભગવાન શ્રી રામને વનમાં મોકલવા કહ્યું અને એ વચન પાળવા ભગવાન શ્રી રામને વનમાં જવું પડ્યું. તે પછી પુત્રપ્રેમના વિરહમાં પિતા રાજા દશરથે પ્રાણ ત્યજી દીધા હતા. આનાથી વધુ એક પિતાના પુત્રપ્રેમનું શ્રેષ્ઠ ઉદાહરણ બીજું શું હોઈ શકે?
આજે `ફાધર્સ ડે’ની સૌને શુભકામના.



