આજે ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી છે.
પોતાના બચપણથી માંડીને અંત સુધી જીવનને જેવું છે તેવું આરપાર લોકો સમક્ષ મૂકી શકે તેવી આજે કોઇની હિંમત નથી. ગાંધીજીની આત્મકથા વાંચ્યા પછી લાગે છે કે બીજા કોઇને પણ આત્મકથા લખવાનો અધિકાર નથી.
‘સત્યના પ્રયોગો’માં ગાંધીજી લખે છેઃ ‘બચપણમાં કોઇ મને નિશાળમાં મૂકવા આવેલું તે યાદ છે. મુશ્કેલીથી થોડુંક શીખેલો. તે કાળે છોકરાઓની સાથે હું મહેતાને ગાળ દેતાં શીખેલો. હું અનુમાન કરું છું કે મારી બુદ્ધિ મંદ હશે, અને યાદશક્તિ કાચી હશે.’
‘હું અતિશય શરમાળ છોકરો હતો. નિશાળમાં ઘંટ વાગવાના સમયે પહોંચવું અને નિશાળ બંધ થયે ભાગવું. મને કોઇનીયે સાથે વાતો કરવાનું ગમતું નહીં. કોઈ મારી મશ્કરી કરશે તો? એવી બીક રહેતી.’
મારું અજ્ઞાન
તેઓ લખે છે : ‘દક્ષિણ આફ્રિકામાં વકીલાત કરતાં મેં એક ટેવ પાડી હતી. મારું અજ્ઞાન હું અસીલો પાસે છુપાવતો નહોતો, બીજા વકીલ સમક્ષ પણ નહીં. જ્યાં જ્યાં મને ખબર ના પડે ત્યાં હું મારા અસીલને બીજા વકીલ પાસે જવાનું કહેતો અથવા બીજા વધુ અનુભવી વકીલની સલાહ લેવાનું કહેતો.’
બાપુ આઝાદી માટે સત્યાગ્રહ કરતાં અને ત્યારે જેલમાં ગયા હતા. આ સંદર્ભમાં તેઓ હળવાશથી લખે છે : ‘વાંચનાર જાણે છે કે હું રીઢો થયેલો ગુનેગાર છું. ૧૯૨૨ના માર્ચ મહિનામાં હું કેદમાં પુરાયો હતો તે મારી જિંદગીની પહેલી કેદ નહોતી. દક્ષિણ આફ્રિકામાં ત્રણ વાર હું ગુનેગાર ઠરી ચૂક્યો હતો. દક્ષિણ આફ્રિકાની સરકાર મને તે વખતે એક જોખમકારક કેદી ગણતી હતી. તેથી એક જેલમાંથી બીજી જેલમાં ફેરવવામાં આવતો. હિંદુસ્તાનમાં આવ્યા પછી જેલમાં જતાં પહેલાં હું છ જેલોનો અનુભવ લઇ ચૂક્યો હતો, એટલા જ જેલ સુપરિન્ટેન્ડન્ટ અને એટલા જેલરોના સંપર્કમાં આવી ચૂક્યો હતો. મને અમદાવાદની સાબરમતી જેલમાં લઇ જવાયો ત્યારે બીજાઓની જેમ મને કઠતું નહોતું. પ્રેમથી વધુ વિજય મેળવવા માટે એક ઘર બદલીને બીજા ઘેર જતો હોઉં તેમ મને લાગતું.’
માથે ઉંદર ફરી ગયા ?
બાપુએ જીવનના મોજશોખ અને જરૂરિયાતો ક્રમશઃ કેવી રીતે ઓછી કરી તેનું વર્ણન તેમના જ શબ્દોમાં : ‘જેમ ધોબીની ગુલામીમાંથી હું છૂટયો તેમ વાળ કાપનારની ગુલામીમાંથી પણ છૂટવાનો પ્રસંગ આવ્યો. પ્રિટોરિયામાં હું એક અંગ્રેજની વાળ કાપવાની દુકાને પહોંચ્યો. તેણે મારા વાળ કાપવાની ઘસીને ના પાડી. તેણે ના પાડતી વખતે અત્યંત તિરસ્કાર બતાવ્યો તે વધારામાં. મને દુઃખ થયું. હું પહોંચ્યો બજારમાં. વાળ કાપવાનો સંચો ખરીદ્યો અને અરીસામાં સામે ઊભા રહી મેં જાતે જ વાળ કાપ્યા. વાળ જેમ તેમ કપાયા તો ખરા, પણ પાછળના વાળ કાપતા મુશ્કેલી પડી.
હું એવા વાળ સાથે કોર્ટમાં ગયો. બધા મને જોઇને હસવા લાગ્યા.
કોઇએ કહ્યું : ‘તારા માથે ઉંદર ફરી ગયા છે ?’
મેં કહ્યું: ‘ના, મારા કાળા માથાનો સ્પર્શ કોઇ ગોરા શા માટે કરે? એટલે જેવા તેવા પણ હાથે કાપેલા વાળ મને વધુ પ્રિય છે.’
છાપું બહાર પાડયું
જીવનના કોઇ પણ ક્ષેત્રમાં બાપુએ ખેડાણ ના કર્યું હોય એવું બન્યું નથી. ‘સત્ય અને અહિંસા’ નામના અમોઘ શસ્ત્ર અને સત્યાગ્રહની શોધ કરનાર બાપુએ દક્ષિણ આફ્રિકામાં એક છાપું પણ કાઢયું હતું. ‘ર્રૃહખ્ત ૈહઙ્ઘૈટ્વ’ અને ‘નવજીવન’ ના તેઓ તંત્રી પણ હતા. બાપુ અખબારો માટે લખે છે : ‘વર્તમાનપત્રો સેવાભાવથી ચાલવા જોઇએ એ હું ઇન્ડિયન ઓપિનિયન’ના પહેલા માસની કારકિર્દીમાં જ જોઇ ગયો. વર્તમાનપત્ર એ ભારે શક્તિ છે પણ નિરંકુશ પાણીનો ધોધ ગામનાં ગામ ડૂબાડે અને પાકનો નાશ કરે છે તેમ નિરંકુશ કલમનો ધોધ પણ વિનાશ પણ વેરી શકે છે. એ અંકુશ બહારથી આવે તો તે નિરંકુશતા વધારે ઝેરી નીવડે છે. અંદરનો અંકુશ (સંયમ) જ વધુ લાભદાયી હોઇ શકે.
બાપુને એક વાર દિલ્હીની પ્રાર્થના બાદ પ્રશ્નોત્તરી વખતે પૂછવામાં આવ્યું : ‘જો એક દિવસ માટે આપને હિંદુસ્તાનના સરમુખત્યાર બનાવવામાં આવે તો આપ શું કરો?’
બાપુ : ‘પ્રથમ તો હું સરમુખત્યાર બનું જ નહીં છતાં માની લઇએ કે મને એક દિવસ માટે સરમુખત્યાર બનાવવામાં આવે તો હું વાઇસરોય ભવન (હાલનું રાષ્ટ્રપતિ ભવન)ને હોસ્પિટલમાં ફેરવી નાખું. વાઇસરોયને આવડા મોટા ઘરનું શું કામ?’
મૃત્યુ પહેલાં શું બોલ્યા ?
પોતાની ગોળીથી ઠાર કરવામાં આવ્યા તે પૂર્વે એટલે કે તા. ૨૯મી જાન્યુઆરી ૧૯૪૮ના દિવસે મૃત્યુના ૨૦ કલાક જ અગાઉ જ આ શબ્દો ઉચ્ચાર્યા હતા : ‘હું જીર્ણ માંદગીના કારણે મરણ પામું, તો લોકો તમારા પર ક્રોધે ભરાય એ જોખમ વહોરીને પણ દુનિયા આગળ જાહેર કરવાની તમારી ફરજ છે કે, ગાંધી જેનો દાવો કરતો હતો એવો ખુદાનો બંદો નહોતો. તમે એમ કરશો તો એથી મારા આત્માને શાંતિ મળશે. હમણાં કોઈએ એક દિવસ બોમ્બ વડે એમ કરવા ધાર્યું હતું. તેમ કોઈ મને ગોળીથી ઠાર મારીને મારા જીવનનો અંત લાવવાનો પ્રયત્ન કરે અને એ ગોળી દુઃખના એક પોકાર વિના હું ઝીલી લઉં અને રામનું નામ રટતો રટતો પ્રમાણ ત્યાગ કરું તો જ મારો એ દાવો સાચો ઠરશે… ભૂતકાળમાં મારો જાન લેવા મારા પર હુમલા કરવામાં આવ્યા છે પણ ભગવાને મને આજ સુધી બચાવી લીધો છે પરંતુ મને ગોળી મારનારને એમ લાગે કે હું એક બદમાશને પૂરો કરી રહ્યો છું અને તેવી માન્યતાથી જ પ્રેરાઈને મને ગોળીથી ઠાર કરે તો ખરા ગાંધીને નહીં પરંતુ તેને જે બદમાશ લાગ્યો હતો તેને તેણે મારી નાખ્યો હશે.’
બાપુનું છેલ્લું વિધાન તેમની નિખાલસતાની પરાકાષ્ટા છે. એવું કોણ કહી શકે કે કોઈ મને મારી નાખે તો મારામાં રહેલી કોઈ બદમાશીને મારી નાખી છે.
ત્યાં જ બાળી મુકજો
તેમણે મૃત્યુ પહેલાં કહ્યું હતું કે ‘મારા મૃત્યુ બાદ મારા દેહને કોઈ સરઘસ આકારે લઈ જવાનો પ્રયત્ન કરે તો હું તેમને કહું છું કે, મારું મડદું બોલી શકે તો-ભલા, મને એમાંથી છોડો અને હું મર્યો હતો ત્યાં જ મને બાળી મૂકો.’
છેલ્લે તેમણે કહ્યું હતું, ‘મને વીસરી જાવ. મારા નામને ના વળગો. તત્ત્વને વળગો. તમારી પ્રત્યેક હાલચાલ તે ગજથી માપો, અને આગળ ઉપર આવનારા દરેક પ્રશ્નનો નિર્ભયતાથી જવાબ આપો, હું તો ગરીબ સાધુ છું. છ રેંટિયા, જેલની થાળીઓ, બકરીના દૂધનું એક વાસણ, ખાદીના છ લંગોટ અને એક ટુવાલ-આટલી મારી ઐહિક પૂંજી છે, અને મારી કીર્તિની ઝાઝી કિંમત ન હોઈ શકે. મારા મરણ પછી કોઈ એક જ વ્યક્તિ સંપૂર્ણપણે મારો પ્રતિનિધિ નહીં બની શકે. પરંતુ મારો સ્વલ્પ અંશ તમારા પૈકી ઘણાના જીવનમાં જીવતો રહેશે. દરેક જણ ધ્યેયને પ્રથમ સ્થાન આપે અને પોતાની જાતને છેલ્લી મૂકશે તો ખાલીપો ઘણે અંશે ભરાઈ જશે.
DEVENDRA PATEL



