Close

જ્યારે ઉમેદવારને રૂ. ૨,૦૦૦ અને એક જીપ જ મળતાં હતાં

ચીની કમ | Comments Off on જ્યારે ઉમેદવારને રૂ. ૨,૦૦૦ અને એક જીપ જ મળતાં હતાં

chini cumદેશના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓનું બ્યૂગલ ફૂંકાઈ ગયું છે. રૂ. ૫૦૦ અને રૂ. ૧,૦૦૦ની નોટબંધી પછી આ પહેલી ચૂંટણીઓ છે. ફરી એક વાર લાખોની માનવ મેદનીથી ભરેલી ચૂંટણી સભાઓ જોવા મળશે. વિશાળ શમિયાણા જોવા મળશે. ભવ્ય પન્ડાલ્સ જોવા મળશે. નેતાઓને લઈ જતાં હેલિકોપ્ટર્સના ઉડ્ડયનો જોવા મળશે. રસ્તાઓ પર ભવ્ય હોર્ડિંગ્સ જોવા મળશે. શમિયાણામાં નેતાઓની બેઠકની પાછળ ઝગમગાટભર્યા એલઈડી સ્ક્રીન જોવા મળશે.

પૈસા ક્યાંથી આવે છે ?

આ બધાની પાછળ લાખો નહીં, પરંતુ કરોડો રૂપિયાનું ખર્ચ થશે. બધી જ પોલિટિકલ પાર્ટીઓનો કુલ ખર્ચો અબજોમાં હશે. સવાલ એ થાય છે કે, દેશના રાજકીય પક્ષોને નોટબંધી કેમ નડતી નહીં હોય ? કોઈ પણ લોકતાંત્રિક દેશ માટે ચૂંટણી જરૂરી છે, પરંતુ ભારત જેવા ગરીબ દેશમાં સામાન્ય માણસ માટે ચૂંટણી લડવી મોંઘી છે.

ભારત ૭૦ કરતાં વધુ વર્ષોથી ચૂંટણીઓ લડે છે. લોકતંત્રની દૃષ્ટિએ તો એક મજબૂત દેશ છે, પરંતુ એ પણ એક હકીકત છે કે ભારતમા ૫૮.૪ ટકા સંપત્તિ ભારતના માત્ર એક ટકા લોકો પાસે જ છે. એક અહેવાલ અનુસાર ભારતના ધનવાનો વધુ ધનવાન થઈ રહ્યા છે. ગયા વર્ષે આ હિસ્સો ૫૩ ટકા હતો. ૨૦૧૦ના આ ધનવાનોનો આ હિસ્સો ૪૦.૩ ટકા હતો. જે ૨૦૧૪માં વધીને ૪૯ ટકા થઈ ગયો. તેનો સીધો અર્થ એ છે કે, ભારતમાં શ્રીમંતો અને ગરીબો વચ્ચેની ખાઈ વધી રહી છે. આ એક ચિંતાનો વિષય છે. આર્િથક નીતિઓ અને ઉદારીકરણથી દેશનો વિકાસ જરૂર થયો છે, પરંતુ આ વિકાસનો ફાયદો દેશના મર્યાદિત લોકોને જ મળ્યો છે. કોર્પોરેટ ગૃહોની સંપત્તિ વધતી ગઈ છે. જ્યારે ગરીબો તો જ્યાં હતા ત્યાં જ છે. દેશની ૮૩ ટકા જનતા ગરીબીમાં જીવન પસાર કરી રહી છે. દેશમાં ૪૦ કરોડ લોકો પેટ ભરીને જમી શકતા નથી. ૨૩ કરોડ લોકો રોજ એક જ ટંક જમે છે. સવારે ખાય છે તો સાંજે ભૂખ્યા સૂઈ જાય છે.

આટઆટલી ચૂંટણીઓ બાદ પણ દેશની આ હાલત છે. આવા ગરીબ દેશની ચૂંટણીઓ જોતાં જ એમ જ લાગે કે દેશમાં નેતાઓ જ અમીર છે.

એક જ જીપમાં પ્રચાર

બાકી એ જમાનો હતો જ્યારે આ જ દેશમાં ઓછામાં ઓછા ખર્ચે ચૂંટણીઓ લડાતી. ૧૯૫૦-૬૦ના ગાળામાં તો વિધાનસભાની ચૂંટણીમાં એકમાત્ર ઉમેદવાર પાસે જ જીપ હોય અને તે પણ ભાડાની. બાકીના કાર્યકરો તો બસમાં જ ફરતા. એ વખતે દીવાલો પર પક્ષનો પ્રચાર થતો. હોર્ડિંગ્સ તો હતાં જ નહીં.

એ જમાનામાં એકમાત્ર કોંગ્રેસ જ શક્તિશાળી પાર્ટી હતી. ૧૯૫૨-૫૭ સુધી તો કોંગ્રેસ પક્ષ પોતાના ઉમેદવારને પક્ષની કચેરીએ બોલાવીને ફક્ત ૨,૦૦૦ રૂપિયા અને એક જીપ ચૂંટણી પ્રચાર માટે આપતા. એ દિવસોમાં લાલબહાદુર શાસ્ત્રી કોંગ્રેસના ઉમેદવાર હતા. તેમને પણ ચૂંટણી પ્રચાર માટે રૂ. ૨,૦૦૦ મળ્યા હતા. ચૂંટણી જીત્યા બાદ તેમને મળેલા રૂ. ૨,૦૦૦માંથી વધેલા રૂ. ૧,૨૦૦ પક્ષની તિજોરીમાં પાછા જમા કરી દીધા હતા. આજે ઊંધું છે. જે રકમ આપે છે તેમાંથી કેટલાક ઉમેદવારો અડધી જ રકમ ચૂંટણી પ્રચારમાં વાપરે છે. બાકીની રકમ ઘરમાં મૂકી દે છે.

રિક્ષામાં નેતાઓ

એક સમય એવો પણ હતો કે, નેતાઓ જાતે જ રિક્ષામાં બેસી પોતે જ માઈક પર મતદાતાઓને મત માટે અપીલ કરતા. આવો પ્રચાર કરનારા સાદાઈપૂર્વક નેતાઓમાં પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, પૂર્વ નાયબ વડાપ્રધાન ચૌધરી દેવીલાલ, બલરામજી દાસ ટંડન, હરિયાણાના પહેલા મુખ્યમંત્રી પંડિત ભગવતી દાસ શર્મા અને પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી શેરસિંહનો સમાવેશ થાય છે. ગુજરાતમાં સાદગીપૂર્ણ રીતે ચૂંટણી લડનારાઓમાં ઈન્દુલાલ યાજ્ઞિાકનું નામ મોખરે છે. તેઓ અમદાવાદમાંથી એક મજૂર નેતા તરીકે લોકસભાની ચૂંટણી લડયા હતા. તેમની પાસે પોતાનું ઘર કે બંગલો કે કાર નહોતાં. તેઓ રિક્ષામાં ફરતા. તેમની સામે અમદાવાદના મિલમાલિક જયકૃષ્ણ હરિવલ્લભદાસ ચૂંટણી લડતા હતા. ઈન્દુલાલ યાજ્ઞિાકે ઓછામાં ઓછાં સાધનોથી ચૂંટણી લડીને જયકૃષ્ણભાઈને હરાવી દીધા હતા. લોકસભાના સભ્ય બન્યા પછી પણ અમદાવાદમાં ભદ્ર પાસે પક્ષની ઓફિસે મેડા પર જ સૂઈ જતા. તેઓ પત્રકાર પરિષદ બોલાવે તો પત્રકારો જ પ્રેમથી ચાના પૈસા ચૂકવતા.

રૂ. ૧,૨૦૦માં ચૂંટણી

આવા બીજા નેતાઓના પ્રસંગો પણ છે. ૧૯૫૨માં અંબાલા મત વિસ્તારમાંથી સુભદ્રા જોશીએ માત્ર રૂ. ૧,૨૦૦ના ખર્ચમાં લોકસભાની ચૂંટણી લડી હતી. એ વખતે નેતાઓ પાસે એક જ જીપ રહેતી. ટેકેદારો જ તેમાં પેટ્રોલ ભરાવી દેતા. માઈક અને મંચની વ્યવસ્થા સ્થાનિક કાર્યકર્તાઓ કરી દેતા.

એક જમાનામાં કોંગ્રેસ પાસે કામરાજ જેવા તામિલભાષી શક્તિશાળી નેતાઓ હતા. તેઓ પક્ષના પ્રમુખ પણ હતા. તેઓ સવારે ને સાંજે માત્ર ઈડલી સંભાર કે ચાવલ સંભાર ખાઈ લેતા. તેમની પાસે ત્રણ ધોતી અને ત્રણ કૂર્તા જ હતા. સાથે એક થેલો રાખતા. તેઓ રબરનાં ચંપલ પહેરતા. તેઓ તામિલનાડુના મુખ્યમંત્રી પણ બન્યા હતા, પરંતુ તેમના બેન્ક ખાતાં ખાલી જ રહેતાં.

આવી સાદગી આજે તો મમતા બેનરજીમાં જોવા મળે છે.

હવે તો ચૂંટણી સભાઓમાં લાખોની ભીડ એકત્ર કરવા લોકોને લાવવા બસો મૂકવી પડે છે. વર્ષો પહેલાં જવાહરલાલ નહેરુ હિંમતનગરમાં સભાને સંબોધવા આવ્યા ત્યારે લોકો બળદગાડાં જોડીને નહેરુને જોવા-સાંભળવા હિંમતનગર ગયા હતા

Be Sociable, Share!