તા. ૩૧ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી છે.
ગુજરાતના સામાન્ય ગરીબ કિસાન કુળમાં જન્મેલો બાળક, ખેડાની ખમીરવંતી ધરતીની ગોદમાં ઊછરીને આપબળે વકીલ બને છે. બેરિસ્ટરના અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ જાય છે. ત્રણ વર્ષનો અભ્યાસક્રમ અઢી વર્ષમાં પૂરો કરી ગોલ્ડ મેડલ સાથે બેરિસ્ટરની પદવી પ્રથમ વર્ગમાં પ્રાપ્ત કરે છે. વર્ષ ૧૯૧૩માં અમદાવાદમાં પ્રેક્ટિસનો પ્રારંભ કરી વકીલાતક્ષેત્રે નામાંકિત બને છે. પ્રારંભમાં રાજકારણથી અલિપ્ત રહેલા વિખ્યાત ધારાશાસ્ત્રી વલ્લભભાઈને આ વ્યવસાયમાં યશ હતો, ર્કીિત હતી, વૈભવ હતો, લખલૂટ આવક પણ હતી. ૧૯૧૩થી ૧૯૧૭ના વર્ષોમાં વકીલ વલ્લભભાઈ પટેલની બેરિસ્ટર તરીકેની સરેરાશ માસિક આવક રૂ. ૪૦,૦૦૦ હતી. એ સાથે એમના આખરી દિવસોનું અવલોકન કરીએ તો ૧૫મી ડિસેમ્બર, ૧૯૫૦માં સરદારનું અવસાન થયું ત્યારે નાયબ વડા પ્રધાનના બેંક બેલેન્સમાં માત્ર રૂ. ૩૦૦થી પણ ઓછી સિલક હતી.
ત્રીસ વર્ષ લડત અને જેલમાં
વડા પ્રધાનપદના સાચા હકદાર હોવા છતાં ગાંધીજીના આદેશને અનુસરી નાયબ વડા પ્રધાનપદ સ્વીકાર્યું, પરંતુ પ્રસિદ્ધ બ્રિટિશ પત્રકાર અને લેખક બ્રેશરીએ ૧૯૫૦ના વર્ષના પ્રારંભમાં નોંધ્યું છે ઃ “નહેરુ સરકારના વડા છે, પણ સરકાર તો સરદાર પટેલ ચલાવે છે.” “ગ્દીરિે રીટ્વઙ્ઘજ ંરી ય્ર્દૃીહિદ્બીહં, જીટ્વઙ્ઘિટ્વિ ઁટ્વંીઙ્મ િેહજ ૈં.”
સરદાર પટેલ તેત્રીસ વર્ષ જાહેરજીવનમાં રહ્યા. એમાં એમને ફાળે ખરેખર શાસનની સત્તા તો ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭થી ૧૫મી ડિસેમ્બર, ૧૯૫૦ સુધીની એટલે કે સાડા ત્રણ વર્ષ કરતાં પણ ઓછો સમય નાયબ વડા પ્રધાનપદ ભોગવ્યું. બાકીનાં ત્રીસેક વર્ષ તો આઝાદીની લડતોમાં અને જેલવાસમાં જ વીતી ગયાં. સરદાર સાહેબ બોલ્યા હતા ઃ “હું ગાંધીજીની જમાતમાં ભળ્યો ત્યારે મેં થોડાં ઇંધણલાકડાં ભેગાં કર્યાં હતાં અને એ સળગાવીને કૌટુંબિક લાભો, મારી કારકિર્દી,મારો દરજ્જો બધું એમાં સ્વાહા કરી દીધું હતું.”
ગાંધીજીની સચ્ચાઈ અને વાણી-વર્તનના સુમેળ વિશે ખાતરી થતાં જ સરદારે એમને નેતા તરીકે સ્વીકાર્યા અને આજીવન આ નેતાને અનુસર્યા. આમ છતાં પોતાની વિવેકબુદ્ધિ કે પોતાનું દૃષ્ટિબિંદુ ધરાવવાનો હક સરદારે કોઈનેય સુપરત કર્યો નહોતો. ગાંધીજીને પણ નહીં. કેટલાય બનાવોમાં એમનો મત ગાંધીજીથી જુદો પડતો ત્યારે જાહેરમાં પણ પોતાના વિચારોને વ્યક્ત કરતા. ઉદાહરણ તરીકે દેશના સંરક્ષણ અંગે ગાંધીજી સાથેનો એમનો વિચારભેદ આ શબ્દોમાં સ્પષ્ટ કર્યો છે ઃ “મુઝે રાજ ચલાના હૈ,બંદૂક રખની હૈ, તોપ રખની હૈ, આર્મી રખની હૈ । ગાંધીજી કહતે હૈં કિ કુછ ન કરો । તો વહ મૈં નહીં કર શકતા । ક્યોં કિ મૈં તીસ કરોડ કા ટ્રસ્ટી હો ગયા હૂઁ । મેરી જિમ્મેદારી હૈં કિ મૈં સબ કી રક્ષા કરું । દેશ પર હમલા હોગા તો મૈં બરદાસ્ત નહીં કરુંગા ક્યોં કિ મેરી જિમ્મેદારી હૈં ।… મૈંને ગાંધીજી કો કહા, ‘આપકા રાસ્તા અચ્છા હૈ । લેકિન વહાઁ તક મૈં નહીં જા પાતા હૂઁ ।’
કોગ્રેસનું ભંડોળ અને પ્રમાણિકતા
તેઓ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી બન્યા. એ સમયે જમનાલાલ બજાજ કોંગ્રેસ પક્ષના કોષાધ્યક્ષ હતા. શેઠ જમનાલાલ બજાજના અવસાન પછી કોંગ્રેસ કારોબારીએ સરદાર વલ્લભભાઈની કોંગ્રેસના કોષાધ્યક્ષપદે નિમણૂક કરી. આ હોદ્દો તેઓએ જિંદગીના અંત સુધી સંભાળ્યો અને શોભાવ્યો. એના ઉદાહરણ તરીકે એક પ્રસંગનું સ્મરણ કરીએ તો ૧૯૫૦માં સરદાર અવસાન પામ્યા ત્યારે કોંગ્રેસ પક્ષનું ભંડોળ રૂ. ૨૮ લાખ હતું. સરદારની નાદુરસ્ત તબિયતને કારણે કામનું ભારણ ઓછું થાય તે માટે સરદારનાં પુત્રી મણિબહેને રૂપિયા અઠ્ઠાવીસ લાખથી વધુ રકમનું બેંક બેલેન્સ તથા પક્ષના ફંડની આવક-જાવકનો તમામ હિસાબ દર્શાવતાં કાગળો કોંગ્રેસ પ્રમુખ ટંડનજીને સુપરત કર્યાં ત્યારે ટંડનજીની આંખો સજળ બની ગઈ હતી. તેમના મુખમાંથી શબ્દો સરી પડયા હતા ઃ “ધન્ય સરદાર તમારી પ્રામાણિકતાને !”
સરદાર પટેલ ભ્રષ્ટાચારની સંપૂર્ણપણે વિરુદ્ધ હતા. કેન્દ્ર સરકારના કેટલાક આઈ.સી.એસ. અધિકારીઓ સામે લાંચ-રુશવતની અનેક ફરિયાદો આવી. વહીવટી દૃષ્ટિએ સનદી અધિકારીઓ એમના ગૃહખાતા નીચે આવતા હતા તેથી સરદારે દિલ્હીના તમામ આઈ.સી.એસ. અધિકારીઓની બંધબારણે સભા બોલાવી અને કોણે કેટલા પૈસા બનાવ્યા છે એની વિગતો સાથેની ફાઈલો રજૂ કરી. એ પછી એમણે અધિકારીઓને જણાવ્યું કે, ‘તમે જે કંઈ કર્યું તે ભૂલી જાવ… આજે હું તમને માફ કરું છું અને હવે પછી કોઈ પ્રકારની લાંચ લેવાની બંધ કરો. જો તમારી સામે કોઈ ફરિયાદ નહીં આવે તો આ ફાઈલોનો હું કોઈ ઉપયોગ નહીં કરું. જો ફરિયાદ આવશે તો કોઈને નહીં છોડું.’ આ સભા પછી સરદાર જીવ્યા ત્યાં સુધી કોઈ અધિકારી લાંચ લેવાની હિંમત નહોતો કરી શક્યો. આવી હતી સરદારની ભ્રષ્ટાચાર નાબૂદીની નીતિ.
સરદારના જીવનવ્યવહારમાં અકિંચન સ્વરૂપના સમ્યક્ દર્શન કરાવતા અનેક પ્રસંગો મળી આવે છે… મહાવીર ત્યાગીએ મણિબહેનની સાડીમાં એક મોટું થીંગડું જોઈને મણિબહેનની મજાક કરી, “તમે એવા બાપની દીકરી છો, જેમણે એવું અખંડ રાજ્ય સ્થાપ્યું છે, જે રામ, કૃષ્ણ કે અશોકનું પણ નહોતંુ, મોગલોનું કે અંગ્રેજોનું પણ નહોતું. આવા સરદારની દીકરી થઈ તમે સાંધેલાં કપડાં પહેરતાં શરમાતાં નથી.” આ સાંભળી સરદાર તાડૂકી ઊઠયા, “ગરીબ માણસની દીકરી છે. સારા કપડાં ક્યાંથી લાવે ? એનો બાપ થોડો કંઈ કમાય છે ?” સરદારે એમના ચશ્માનું ખોખું બતાવ્યું. જે ૨૦ વર્ષ જૂનું હતું. એમનાં ચશ્માની એક જ દાંડી હતી. બીજી બાજુએ દોરો બાંધ્યો હતો. એ જ રીતે એમની ઘડિયાળ ત્રણ દાયકા જૂની હતી અને પેન દસ વર્ષ જૂની હતી. ડો. સુશીલા નાયરે નોંધ્યું છે, “મણિબહેન નિયમિત રેંટિયો કાંટે ને એમાંથી જ સરદારની કફની અને ધોતિયા બને છે. એ કપડાં જ્યારે ફાટી જાય ત્યારે એને કાપી સીવીને સાંધીને મણિબહેન પોતાનાં કપડાં બનાવે છે.”
સરદારના દીકરા ડાહ્યાભાઈના પુત્ર બિપીનભાઈ વ્યવસાયની શોધમાં દિલ્હીથી મુંબઈ જઈ રહ્યા હતા. દાદાજીના આશીર્વાદ લેવા ગયા ત્યારે સરદારે એમને સલાહ આપી… “જગતમાં જાતજાતના અને ભાતભાતનાં લોકો મળશે, રોટલી ના મળે તો અહીં આવશો, પણ સરદારના નામે કમાશો નહીં, સરદારના નામનો ઉપયોગ કરશો નહીં, સરદારની લાગવગ વાપરશો નહીં. હું દિલ્હીમાં છું ત્યાં સુધી દિલ્હીથી હંમેશાં દૂર રહેજો…”
સરકારી વાહનનો ઉપયોગ નહીં
સરદાર નાયબ વડા પ્રધાન હતા ત્યારે વી. શંકર એમના અંગત સચિવ હતા. તેઓએ સરદારના પક્ષ વ્યવહારનાં બે પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે. એમણે લખ્યું છે, “અંગત ઉપયોગ માટે થતાં ફોનનું અલગ રજિસ્ટર રાખવામાં આવતું અને સરદાર પોતાના ખિસ્સામાંથી એ રકમ ભરપાઈ કરતાં… ખાનગી કામ માટે સરકારી વાહનનો ઉપયોગ સરદાર નહોતા કરતા. પોતાની જૂની અંગત ગાડી વાપરતા… પક્ષ તેમ જ ખાનગી પત્રવ્યવહારનો ખર્ચ પોતે ભોગવતા… સરકારી પ્રવાસ કરે તો પણ પ્રવાસભથ્થું લેતાં નહોતાં… નાદુરસ્ત તબિયત હોવા છતાં રોજના ૧૮ કલાક કામ કરતાં… નહેરુ વિદેશ ગયેલા, એ સમયગાળામાં સરદાર વડા પ્રધાનપદનો હવાલો સંભાળતા હતા… સરદારે પ્રધાનો અને કર્મચારીઓના પગારમાં ૧૫ ટકા કાપ મૂક્યો અને દરેક સરકારી ખાતાંને કરકસર કરવાની સૂચના આપી. એનાથી લગભગ રૂપિયા ૮૦ કરોડની બચત થઈ હતી. આ આંકડો વર્ષ ૧૯૪૯નો છે. આજે કરકસરની વાત તો બાજુ પર રહી, પણ બેફામ ખર્ચની કોઈ સીમા રહી નથી.
આમ ગાંધીજીની જેમ સરદાર પણ આજીવન અકિંચન રહ્યા હતા. એમના અંતકાળે તેમની પાસે પોતાની અંગત મિલકત જેવું ગણાય તેમાં ચારેક જોડી કપડાં, બે જોડી ચંપલ, એક પતરાંની બેગ, રેંટિયો, બે ટિફિન, એલ્યુમિનિયમનો લોટો અને સગડી હતાં જે અમદાવાદમાં શાહીબાગ ખાતે આવેલા સરદાર સ્મારકમાં એમની સ્મૃતિરૂપે આજે પણ જળવાઈ રહ્યાં છે.
આજે દેશના પ્રધાનોની સંપત્તિ બેસુમાર વધતી જાય છે ત્યારે સરદાર સાહેબે તેમનાં પુત્રી માટે એક મકાન સુદ્ધાં બનાવ્યું નહોતું.
મારે રાજ ચલાવવાનું છે, બંદૂક પણ રાખવી પડે અને આર્મી પણ રાખવું પડે – સરદાર




