જીવન અનિશ્ચિતતાઓથી ભરેલું છે. ક્યારેક એક ભવમાં અનેક ભવનો અહેસાસ થાય છે. આ કથા પણ એક એવા જ પરિવારની છે, જેણે એક ભવમાં બબ્બે ભવના અનુભવ કર્યા.
એમનું નામ છે ચૂડામણિ. તેઓ એક દક્ષિણ ભારતીય મહિલા છે. એ દિવસે તેમના પતિનો જન્મદિવસ હતો. તા. ૨૬ ડિસેમ્બર, ૨૦૦૪. બધાએ નક્કી કર્યું કે આજે આખો પરિવાર સમુદ્રના કિનારે પિકનિક કરશે. દીકરાએ કહ્યું: `આજે બહુ મજા આવશે. સમુદ્ર કિનારે હું પાપા સાથે વોલીબોલ રમીશ.’
ચૂડામણિએ કહ્યું: `તમે બધાં બાળકો પાપાની સાથે દરિયાકિનારે જાવ. હું રસોઈ તૈયાર કરી તમારા માટે જમવાનું લઈને આવું છું.’
ક્રિસમસના દિવસો હતા. ચેન્નાઈના દરિયાકિનારે નાગાપટ્ટિનમ બીચ પર બધાં પહોંચી ગયાં. ચૂડામણિના પતિ પરમેશ્વરે આજે ઓફિસમાંથી રજા લઈ લીધી હતી. સમુદ્રતટથી તેમનું ઘર સાવ નજીક જ હતું.
ચૂડામણિ સવારે સાત વાગ્યાથી જ રસોઈ બનાવવા લાગી હતી. પતિ, બાળકો એ બધાં જ હવે સમુદ્રતટે પિકનિક મનાવવા લાગ્યાં. બાળકો ખેલકૂદમાં મશગૂલ થઈ ગયાં. પરમેશ્વરને બીચ પર કેટલાક મિત્રો મળી ગયા. તેઓ બીચ પર બેસીને તેમની સાથે વાતો કરવા લાગ્યા. એટલામાં પુત્રએ જીદ પકડી: `પાપા, મારી સાથે વોલીબોલ રમો.’
પરમેશ્વર તેમના પુત્ર સાથે વોલીબોલ રમવા લાગ્યા. બે પુત્રીઓ તટ પર બેસી પિતા-પુત્રની રમત જોઈ રહી હતી.
અત્યાર સુધી બધું સામાન્ય હતું. સમુદ્રમાંથી ઊઠતાં મોજાં કિનારા સાથે ટકરાઈને પાછાં જતાં રહેતાં હતાં. દૂર દૂર હોડીઓ આવતી જણાતી હતી. કોઈ કંઈ વિચારે તે પહેલાં એક પ્રચંડ મોજું ધસી આવ્યું. એ સુનામી હતો. આસમાનને સ્પર્શતી એ સુનામીની લહેર કિનારા પર ફરી વળી અને બીચ પરના લોકોને દરિયામાં ખેંચી ગઈ. કોઈને કંઈ વાત કરવાનો મોકો જ ન મળ્યો. થોડીક જ મિનિટોમાં બધું ખતમ થઈ ગયું.
ભાન આવ્યું ત્યારે પરમેશ્વર રેતી પર પડેલા હતા. બાળકો અને કિનારે ઊભેલાં લોકો ક્યાંય દેખાતાં નહોતાં. પરમેશ્વર ચીસો પાડવા લાગ્યા, પરંતુ કોઈ જવાબ ન મળ્યો. દરિયો ઘૂઘવાટા કરી રહ્યો હતો. તેમને કંઈ સમજાયું નહીં. બધાં ક્યાં અદૃશ્ય થઈ ગયાં? ચારે તરફનો નજારો ભયાવહ હતો. કિનારા પર જે કોઈ થોડા માણસો હતા તે બધા રડી રહ્યા હતા. તેઓ પોતાના સ્વજનોની શોધ કરી રહ્યા હતા, પરંતુ તે ક્યાંથી મળે? બધા જ સુનામીનાં પ્રચંડ મોજાંમાં દરિયામાં તણાઈ ગયા હતા. કિનારા પર થોડીક માનવ લાશો પડી હતી.
પરમેશ્વરને ખ્યાલે આવ્યો કે હું કેટલીકવાર પહેલાં પુત્ર સાથે વોલીબોલ રમી રહ્યો હતો. અચાનક તેણે પાછળથી આવતાં ઊંચાં મોજાં તરફ ઈશારો કર્યો હતો: `પાપા જુઓ!’ અને મેં દોડીને તેનો હાથ પકડી લીધો હતો. અમે દરિયાનાં ભયંકર મોજાંથી બચવા ભાગ્યા હતા, પરંતુ તે ક્યારે મારાથી જુદો પડી ગયો તેની ખબર જ ન પડી.
હવે પરમેશ્વર તટ ઉપર એકલા જ હતા. તેમનો પુત્ર અને બે દીકરીઓને સુનામીનાં મોજાં દરિયામાં ખેંચી ગયાં હતાં. ચારે તરફ તબાહી જ તબાહી હતી. બાળકો ક્યાંય દેખાતાં નહોતાં. તેઓ બદહાલ અવસ્થામાં ઘર તરફ દોડ્યા. પતિને જોતાં ચૂડામણિએ પૂછ્યું: `શું થયું? બાળકો ક્યાં છે?’
એમની પાસે કોઈ જવાબ નહોતો. તેઓ અર્ધપાગલ જેવા થઈ ગયા હતા. પડોસીઓએ ચૂડામણિને કહ્યું: `બીચ પર સુનામી આવ્યો હતો. બધું નાશ પામ્યું છે!’
ચૂડામણિ દરિયાકિનારે ભાગી. તેણે જોયું તો સમુદ્ર કિનારે હોડીઓ ઊલટી પડી હતી. પતિ-પત્ની ગાંડાની જેમ દરિયાકિનારે બાળકોને શોધવા લાગ્યાં. દરિયાની રેતી પણ ખોદવા માંડ્યાં. ચૂડામણિને લાગ્યું કે બાળકો રેતીની નીચે દટાઈ ગયાં હશે, પરંતુ બાળકોનો કોઈ જ પત્તો ન લાગ્યો. તેમનું મન માનવા તૈયાર નહોતું કે બાળકો હવે આ દુનિયામાં નથી.
બીચ પર બાળકોનો પત્તો ન લાગતાં પતિ-પત્ની બેઉ રાહત કેમ્પ તરફ ભાગ્યાં. બાળકો ત્યાં પણ નહોતાં. સાંજે તેઓ હોસ્પિટલ ગયાં જ્યાં મૃતદેહો રાખવામાં આવ્યા હતા અને તેમનાં ત્રણેય બાળકોનાં શબ હોસ્પિટલમાંથી જ મળી આવ્યાં.
ચૂડામણિ એકદમ શાંત થઈ ગઈ. એણે પતિને કંઈ ન કહ્યું. રાત્રે બાળકોનાં શબનો કબજો લઈ તેઓ ઘેર આવ્યાં. સગાંસંબંધીઓને બોલાવ્યા. સવારે ભારે હૈયે તેમના અગ્નિસંસ્કાર કર્યા. પિતાએ પુત્ર-પુત્રીઓના અગ્નિસંસ્કાર કરવા પડે એથી મોટું દુ:ખ આ સંસારમાં નથી.
કેટલાયે દિવસો સુધી ચૂડામણિ અને તેમના પતિ ઘરમાં જ બેસી રહ્યાં. તેઓ એકબીજા સામે મૌન અને શૂન્મમનસ્ક બનીને બેસી રહ્યાં. એક દિવસ ચૂડામણિએ એના પતિને કહ્યું: `હવે બાળકો જ રહ્યાં નથી તો આપણે જીવીને શું કરવાનું? ચાલો આપણે પણ દરિયામાં જ આત્મહત્યા કરી લઈએ!’
બીજા દિવસે પતિ-પત્ની બેઉ સંગ સંગ સમુદ્ર કિનારે પહોંચ્યાં, પરંતુ સમુદ્ર કિનારે તેમણે ફરી કેટલાંક નવાં જ દૃશ્યો નિહાળ્યાં. આ વખતે વાત ઊલટી હતી. કેટલાંક નાનાં નાનાં બાળકો સુનામીની બહારમાં ગુમ થઈ ગયેલાં તેમનાં માતા-પિતાને શોધી રહ્યાં હતાં. માસૂમ થઈ ગયેલાં બાળકોની આંખોમાં એક આશાનું કિરણ હતું કે, એક દિવસ તો અમારાં મમ્મી-પપ્પા મળી આવશે. સુનામીનાં પ્રચંડ મોજાંઓએ એ બાળકોને અનાથ બનાવી દીધાં હતાં. ચૂડામણિ એ દૃશ્ય જોઈ ભાવવિભોર થઈ ગઈ. તેનું હૃદય ધ્રુજારી અનુભવવા લાગ્યું. અચાનક તેનું મન બદલાઈ ગયું. ચૂડામણિએ આત્મહત્યા કરવાનો નિર્ણય માંડી વાળ્યો. તે કહે છે: `મેં એ અનાથ બાળકોના ભોળા ચહેરાઓને ધ્યાનથી જોયા. મને બાળકો જોઈતાં હતાં અને એ અનાથ બાળકોને માતા-પિતા જોઈતાં હતાં. મેં એ બાળકોને મારા ગળે લગાડ્યાં. અમે ખૂબ રડ્યાં.’
ચૂડામણિ કહે છે: `ત્યારે જ મને અહેસાસ થયો કે, ફક્ત મેં જ બધું ગુમાવ્યું નથી. બીજાઓએ પણ ઘણું બધું ખોયું છે. આ અનાથ થઈ ગયેલાં બાળકો બિચારાં ક્યાં જશે? એમને કોણ સહારો આપશે? એમ વિચારીને એ જ ઘડીએ મેં નિર્ણય કરી લીધો કે હું આ અનાથ બાળકોની માતા બનીશ!’
અને પોતાના મૃત્યુ પામેલાં માતા-પિતાને શોધતાં ૧૨ બાળકોને ચૂડામણિ પોતાના ઘરે લઈ આવી. એ બાળકોને પોતાનાં બાળકોની જેમ જ ઉછેરવા લાગી. થોડી દિવસો બાદ શરણાર્થી કેન્દ્રોમાંથી બીજાં કેટલાંક વધુ બાળકો આવ્યાં. ચૂડામણિ અને તેના પતિએ એ બધાં જ અનાથ બાળકોને પોતાના ઘરમાં સમાવી લીધાં.
ઘર નાનું પડતાં પરમેશ્વરે છતની ઉપર બીજા પાંચ ઓરડા બનાવી દીધા.
ચૂડામણિ કહે છે: `એ બાળકોને કોઈ અનાથ ન કહેશો. હું એ બાળકોની માતા છું. આ બાળકોએ અમારું ઘર ફરી આબાદ કરી દીધું છે. એમના સ્નેહથી તો અમને ફરી જીવવાની હિંમત મળી છે, નહીંતર ક્યારનાયે અમે મરી ગયાં હોત!’
ચૂડામણિનું ઘર હવે બાળકોની કિલકારીઓ અને શરારતોથી ગુંજે છે.




