Close

તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે… પૂનમની રાત ઊગી પૂનમની રાત

અત્યારે નવરાત્રી ચાલી રહી છે ત્યારે વીસરાતાં જતાં ગરબા અને બીજાં લોકગીતો અહીં પ્રસ્તુત છે.
ગુજરાતમાં કહેવત છે કે બાર ગાઉએ બોલી બદલાય. સૌરાષ્ટ્રની એક આગવી ભાષા છે. કચ્છમાં એક આગવો લહેકો છે. ઉત્તર ગુજરાત કે દક્ષિણ ગુજરાતની પણ આગવી શૈલી છે, પરંતુ આજે વાત કરવી છે. ગુજરાતી ભાષાનાં લુપ્ત થઈ રહેલાં સુંદર મધુર ગરબા, લોકગીતો અને લગ્નગીતોની. ૫૦, ૬૦ કે ૭૦ વર્ષ પહેલાં કેટલાંયે લોકગીતો લોકોના હોઠ પર રમતાં હતાં. ગ્રામ્ય નારીઓ ભલે ભણેલી ન હોય તો પણ તેમના હોઠ પર આ બધાં ગીતો રમતાં હતાં. એ ગીતો ગાનાર અને સાંભળનાર એ બધાને એ ગીતો હૃદયંગમ લાગતાં. દા.ત., અવિનાશ વ્યાસની રચનાઓ આજે પણ ગણગણવી ગમે છે. ચાલો ફરી એકવાર ગુજરાતી ગીતોના એ સુવર્ણ યુગને માણીએ.
(1) માલા રે માલ લહેરણિયું લાલ,
ઘમ્મર ઘમ્મર ચાલે રે ચાલ,
નવી તે વહુના હાથમાં રૂમાલ.
(2) તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત ઊગી પૂનમની રાત.
 આસમાની ચૂંદડીમાં લહેરણિયું લહેરાય રે,
પૂનમની રાત ઊગી પૂનમની રાત.
 (૩) પાંદડું લીલું ને રંગ રાતો (૨)
મારી મેંદીનો રંગ મદમાતો મદમાતો
ભૂલી રે પડી હું તો રંગના બજારમાં,
લાગ્યો મને રંગ કેરો છાંટો,
 રેશમની કાયા તારી જાણે લજામણી,
લટકંતી લટ તો જાણે ભૂલ રે ભુલામણી,
રૂપને ઘેરીને બેઠો ઘૂંઘટનો છેડલો,
 વાયરાની લહેરમાં લહેરાતો.
(૪) મારી ગાગરડીમાં ગંગા જમના રે,
પનઘટ પાણી મારે જાવાં નથી.
(૫) છેલાજી રે માટે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો
એમાં રૂડા રે મોરલિયા ચીતરાવજો,
 પાટણથી પટોળાં મોંઘાં લાવજો.
રંગ રતુંબલ, કોર કસુંબલ પાલવ પ્રાણ બિછાવજો રે.
(૬) છાનું રે છપનું કંઈ થાય નહીં થાય નહીં,
ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં.
એક ઘાયલ ને પાયલ બે છૂપ્યા છુપાય નહીં,
 ઝાંઝર સંતાડી રાખ્યું રખાય નહીં.
(૭) હે તને જાતાં જોઈ પનઘટની વાટે,
 મારું મન મોહી ગયું.
 હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે,
 મારું મન મોહી ગયું.
(૮) તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે, મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળિયા તને અમથું.
તારા પગનું પગરખું ચમચમતું રે,
અને અંગનું અંગરખું તમતમતું રે, મને ગમતું રે,
 આ તો કહું છું રે પાતળિયા તને અમથું.
 (૯) પિયરને પીપળેથી આવ્યું પારેવડું,
પારેવડાને સોના કેરી ચાંચ રે,
પારેવડાને કોઈ ના ઉડાડશો.
અન્ય બીજા લેખકોનાં ગીતો કવિ ગીતકાર ઈન્દુલાલ ગાંધીની રચના વાંચો
(૧૦) મેંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે મેંદી રંગ લાગ્યો.
નાનો દિયરિયો લાડકો ને કંઈ લાવ્યો મેંદીનો છોડ રે,
મેંદી રંગ લાગ્યો.
વાટી ઘૂંટીને ભર્યો વાટકોને
ભાભી રંગો તમારા હાથ રે, મેંદી રંગ લાગ્યો.
હવે કેટલાક ગુજરાતી ગરબા જોઈએ.
(૧૧) ગુલાલ વહુ ગરબે રમવા આવો હોંકે હોંકે,
(૧૨) માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો,
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો,
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.
(૧૩) ઝમકે ઝાંઝરને ઝમકે ઝાંઝરી રે લોલ,
ઝમકે છે કંઈ ચાંદો સૂરજ સાથ જો,
રમવા આવે છે રાંદલ માવડી રે લોલ.
(૧૪) ગરબો ઘૂમતો જાય
આજ માનો ગરબો ઘૂમતો જાય,
પહેલે તે ગરબે અંબે મા નીસર્યાં,
લળી લળી લાગુ પાય,
આજ માનો ગરબો ઘૂમતો જાય.
(૧૫) ઊંચી તલવાડીની કોર પાણી ગ્યા’તાં,
પાણી ભરતા રે જોયો સાયબો.
બોલે અષાઢીનો મોર
પાણી ગ્યા’તા પાણી…
(૧૬) દૂધે તે ભરી તલવાડીને
મોતીડે બાંધી પાળ રે,
જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા.
(૧૭) સાથિયા પુરાવો દ્વારે દીવડા પ્રગટાવો રાજ,
આજ મારે આંગણે પધારશે મા પાવાવાળી…
(૧૮) અંબામાના ઊંચા મંદિર નીચા મોલ,
ઝરૂખડે દીવા બળે રે લોલ,
અંબામાના ગોખ ગબ્બર અણમોલ કે
શિખરે શોભા ઘણી રે લોલ.
(૧૯) માએ ગરબો કોરવ્યો ગગન ગોખમાં રે,
સજી સોળે શણગાર, મેલી દીવડા કેરી હાર,
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે.
(૨૦) લીલી લીંબડી રે લીલો નાગરવેલનો છોડ,
પરભુ પરુણલા રે મારા ઘેર ઉતારા કરતા જાવ,
ઉતારા નહીં કરું રે મારા ઘેર સીતા જુએ વાટ,
સીતા એકલાં રે જુએ રામ-લખમણની વાટ.
(૨૧) ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી,
કરો થોડો થોડો લટકોને
આંખડીનો મટકો જુઓ લટકાળી…
 (૨૨) કંકુ છાંટી કંકોતરી મોકલો,
એમાં લખજો લાકડીનું નામ,
માણેક થંભ રોપિયા.
કેસર છાંટી કંકોતરી મોકલો.
(૨૩) નાણાવટી રે સાજન બેઠું માંડવે,
લાખોપતિ રે સાજન બેઠું માંડવે.
(૨૪) શુકન જોઈને સંચરજો રે.
સામો મળિયો છે જોશીડો રે.
જોશ જોઈ પાછો વળિયો રે.
શુકન જોઈને સંચરજો રે.
 (૨૫) મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે,
મારા હૈડા હારોહાર, મારા દલડે લેરાલેર જાય,
જનાવર જીવતા ઝાલ્યા રે મોર ક્યાં બોલે.
મારે ટોડલે બેઠો રે મોર…
(૨૬) તમે કિયા તે ગામના ગોરી રાજ
અચકો મચકો કારેલી,
અમે ગોંડલ ગામના ગોરી રાજ
અચકો મચકો કારેલી.
(૨૭) આડા પડદડા બંધાવો,
મને કેડ કાંટો વાગ્યો હો રાજ રે
ઢોલીડા મંગાવો,
માંહી પાથરણાં પથરાવો
આડા પડદડા બંધાવો,
મને કેડ કાંટો વાગ્યો.
(૨૮) રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે,
મૃત્યુ લોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે…
(૨૯) પંખીડાને આ પીંજરું જૂનું જૂનું લાગે,
બહુ રે સમજાવ્યું તોય પંખી નવું પીજરું માંગે.
(૩૦) ચરર ચરર મારું ચકડોળ ચાલે,
ચાકડ્યું ચીં ચીં ચાકડ્યું ચીં ચીં તાલે,
આજે રોકડા ને ઉધાર કાલે, ચરર…
(૩૧) મીઠા લાગ્યા તેમને આજના ઉજાગરા
જોતી’તી વ્હાલાની વાટ રે.
મીઠા લાગ્યા તેમને આજના ઉજાગરા…
(૩૨) અમે અમદાવાદી, અમે અમદાવાદી
જેનું પાણી લાવ્યું તાણી ભારતની આઝાદી
અમે અમદાવાદી…
જ્યાં પહેલાં બોલે મિલનું ભૂંગળુ પછી પુકારે કૂકડો.
મુંબઈની કોઈ મહિલા જવા જમાલપુર નીકળી.
વાંકીચૂકી ગલી ગલીમાં વળી વળીને ભલી,
માણેકચોકથી નીકળી પાછી માણેકચોકમાં વળી.
(૩૩) એક લાલ દરવાજે તંબુ તાણિયા રે લોલ,
એક અમદાવાદી નગરી, એની ફરતે કોટે કાંગરી,
સીદી સૈયદની જાળી, ગુલઝારી જોવા હાલી.
કાંકરિયાનું પાણી, ગુલઝારી જોવા હાલી,
હે વહુ તમે ના જશો જોવાને ત્યાં બાદશો બડો મિજાજી.
—————————————————————————————————

Be Sociable, Share!