Close

મુગલ-એ-આઝમ @ ૬૬ – આ ફિલ્મ મુંબઈના `મરાઠા મંદિર’ છબીઘરમાં સતત ત્રણ વર્ષ સુધી ચાલી હતી

બોલિવૂડે જે લેન્ડમાર્ક ફિલ્મો બનાવી છે, તેમાં એક છે `મુગલ-એ-આઝમ.’ આ ફિલ્મ રજૂ થયાને ૬૬ વર્ષ થયાં. આ ફિલ્મ ૧૯૬૦માં રજૂ થઈ હતી. આ ફિલ્મને `ધ ગ્રેટ એપિક હિસ્ટોરિકલ ફિલ્મ’ તરીકે ગણવામાં આવે છે. આ ફિલ્મના નિર્દેશક હતા કે. આસીફ. આ ફિલ્મના મુખ્ય કલાકારોમાં પૃથ્વીરાજ કપૂર, દિલીપ કુમાર, મધુબાલા અને દુર્ગા ખોટે હતાં.
આ ફિલ્મ આમ તો ૧૯૨૮માં બનેલી ફિલ્મ `અનારકલી’ની રિમેક હતી. ૧૯૬૦માં કે. આસીફે એ જ કથા પરથી બનાવેલી `મુગલ-એ-આઝમ’ ફિલ્મ એ સમયમાં સૌથી વધુ છબીઘરોમાં રજૂ થયેલી ફિલ્મ હતી.
તા. ૫મી ઓગસ્ટ, ૧૯૬૦ના રોજ રજૂ થયેલી આ ફિલ્મે ભારતમાં બોક્સઓફિસના તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા હતા. આ ફિલ્મ રજૂ થઈ તેના આગલા દિવસે મુંબઈના `મરાઠા મંદિર’ થિયેટરની બારી આગળ ટિકિટ લેવા માટે ૧૦ હજાર લોકોનું ટોળું ભેગું થયું હતું. તેની ટિકિટ પણ આગવી શૈલીની એ વખતની સૌથી મોંઘી હતી. ટિકિટ પર કેટલુંક લખાણ અને તસવીરો પણ મૂકવામાં આવી હતી. આમ તો એ વખતે કોઈ ફિલ્મ નિહાળવા માટે દોઢ રૂપિયાની ટિકિટ રખાતી હતી, પરંતુ `મુગલ-એ-આઝમ’ ફિલ્મની ટિકિટનો ભાવ રૂ. ૧૦૦ સુધી પહોંચ્યો હતો. કહેવાય છે કે આ ફિલ્મ જોવા માટે પ્રેક્ષકો છબીઘરની બારીની બહાર ૪થી ૫ દિવસ સુધી લાઈનમાં ઊભા રહેતા હતા. ૫ દિવસ સુધી ઊભા રહેતા પ્રેક્ષકો માટે તેમના પરિવારના સભ્યો ઘરેથી ખાવાનું લઈને છબીઘર પર આવતા હતા.
તા. ૫મી ઓગસ્ટ, ૧૯૬૦ના રોજ આ ફિલ્મ દેશનાં ૧૫૦ જેટલાં છબીઘરોમાં એકસાથે રજૂ થઈ હતી. આ ફિલ્મે પહેલા જ અઠવાડિયામાં ૪૦ લાખ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મે કુલ સાડા પાંચ કરોડ રૂપિયાની નેટ કમાણી કરી હતી. યાદ રહે કે આ ૧૯૬૦ની સાલની કમાણીના આંકડા છે. બીજી નોંધપાત્ર વાત એ છે કે આ ફિલ્મ મુંબઈના `મરાઠા મંદિર’ છબીઘરમાં સતત ત્રણ વર્ષ સુધી ચાલી હતી. ૧૯૫૭માં બનેલી `મધર ઈન્ડિયા’ ફિલ્મની કમાણી કરતાં પણ વધુ કમાણી કરી હતી.
 ફિલ્મની કથા શહેનશાહ અકબરના પુત્ર સલીમના રાજનર્તકી અનારકલીના પ્રેમસંબંધોના કારણે પિતા-પુત્ર વચ્ચેના સંઘર્ષની કથા પર આધારિત હતી.
ફિલ્મની કથા કંઈક આવી હતી. શરૂઆતમાં શહેનશાહ અકબરને કોઈ વારસદાર પુત્ર ન હોવાના કારણે તેઓ એક ધાર્મિક સ્થળે ઉઘાડા પગે યાત્રાએ જાય છે અને પુત્રપ્રાપ્તિ માટે વાંછના કરે છે. તે પછી શહેનશાહ અકબરનાં પત્ની જોધાબાઈને પુત્ર જન્મે છે. આ વાતની જાણ કરનાર નોકરાણીને તેઓ પોતાની વીંટી ભેટ આપે છે અને વચન આપે છે કે તે જ્યારે પણ જે કંઈ માંગશે તે આપવામાં આવશે.
શાહજાદા સલીમ મોટો થાય છે. પુત્ર બેજવાબદાર લાગતાં શહેનશાહ અકબર તેને હિંમત અને શિસ્તની કેળવણી માટે યુદ્ધમાં મોકલે છે. પૂરાં ૧૪ વર્ષ બાદ શાહજાદા સલીમ એક શ્રેષ્ઠ સૈનિક બનીને પાછો ફરે છે. મહેલમાં પાછા આવતાંની સાથે જ શાહજાદા સલીમ `નાદીર’ નામની રાજનર્તકીના પ્રેમમાં પડી જાય છે. નાદીરાને શહેનશાહ પાછળથી `અનારકલી’ એવું નવું નામ આપે છે. આ અનારકલી એ જ છે કે જેની માતાએ જોધાબાઈની કૂખે જન્મેલા શાહજાદા સલીમની સૌથી પહેલી ખબર શહેનશાહને આપી હતી. શાહજાદા સલીમ અને નર્તકી અનારકલી વચ્ચેના પ્રેમસંબંધોથી બીજો એક ઊંચો રેન્ક ધરાવતી `બહાર’ નામની નર્તકી જલી ઊઠે છે. `બહાર’ ઈચ્છતી હોય છે કે શાહજાદા સલીમ તેને પ્રેમ કરે, તેથી એક દિવસ તે પણ સમ્રાજ્ઞી બની જાય, પરંતુ સલીમનો પ્રેમ હાંસલ કરવામાં નિષ્ફળ ગયેલી નર્તકી `બહાર’ તે શાહજાદા સલીમ અને નર્તકી અનારકલી વચ્ચેના પ્રણયને ઉઘાડો કરી નાંખે છે. શાહજાદા સલીમ અનારકલી સાથે લગ્ન કરવા મંજૂરી આપવા પિતાને વિનંતી કરે છે. આ વાત જાણતાં જ શહેનશાહ અકબર એ વિનંતીનો સાફ ઈન્કાર કરી દઈને અનારકલીને કેદખાનામાં પૂરી દે છે. તેમ છતાં અનારકલી સલીમને છોડી દેવા હા પાડતી નથી.
શાહજાદા સલીમ હવે પિતા શહેનશાહ અકબર સામે બંડ પોકારી શહેનશાહના સૈન્ય સામે લડવા સંઘર્ષમાં ઊતરે છે. સલીમ હારી જાય છે. શહેનશાહ અકબર પુત્ર સલીમના મોતનો આદેશ કરતાં કહે છે કે સલીમ જો અનારકલી અમને સોંપી દે તો હું સલીમને મૃત્યુદંડનો આદેશ પાછો ખેંચી લઈશ અને સલીમના બદલે અનારકલીને મૃત્યુદંડ આપીશ.
શહેનશાહની આ શરત જાણ્યા બાદ અનારકલી કહે છે કે શાહજાદા સલીમને બચાવવા માટે હું મારી જાત શહેનશાહને સોંપી દઈ મૃત્યુદંડ ભોગવવા તૈયાર છું.
 અનારકલી શહેનશાહ અકબરના શરણે જાય છે. અલબત્ત, શહેનશાહ અકબરને તે વિનંતી કરે છે કે હું મૃત્યુદંડ પામીને મોતને ભેટું તે પહેલાં મને થોડીવાર માટે શાહજાદા સલીમ સાથે સમય ગાળવા દો.
એની વિનંતી શહેનશાહ માન્ય રાખે છે. અનારકલી ઈચ્છે છે કે સલીમ મને મળવા આવે ત્યારે હું એમને બેહોશ કરી દઈશ.
 જેથી શાહજાદા સલીમ મારા મૃત્યુદંડની આડે ન આવે.
હવે અનારકલીને એક દીવાલમાં ચણી લઈ તેને મૃત્યુદંડ આપવાની તૈયારીઓ થઈ જાય છે, પરંતુ શહેનશાહ કહે છે કે અનારકલીની મા કે જે આ મહેલની નોકરાણી હતી અને સલીમના જન્મની પહેલી ખબર મને આપી હતી તે વખતે મેં તેને જે માંગવું હોય તે માંગી લેજે એવું આપેલું વચન આજે પણ મને યાદ છે.
અનારકલીની મા શહેનશાહ પાસે જઈ એ વચનની યાદ અપાવી અનારકલીને જીવંત રાખવા માટે વિનંતી કરે છે.
શહેનશાહનું મન બદલાય છે, પરંતુ દેશ પ્રત્યેની તેની ફરજ રૂપે તેઓ અનારકલીને મુક્ત કરી શકે નહીં તેમ જણાવે છે.
છેવટે શહેનશાહ અકબર મૃત્યુદંડના બદલે અનારકલી અને તેની માતાને ખાનગીમાં દેશની બહાર રવાના કરી દે છે. એમ કરતાં પહેલાં શહેનશાહ કહે છે કે અનારકલી હજુ જીવે છે તે વાતની ખબર શાહજાદા સલીમને કદી પડવી ન જોઈએ.
`મુગલ-એ-આઝમ’ ફિલ્મમાં શહેનશાહ અકબરનો રોલ પૃથ્વીરાજ કપૂરે કર્યો હતો. શાહજાદા સલીમનો રોલ દિલીપકુમારે, અનાર કલીનો રોલ મુધબાલાએ અને બહારનો રોલ નિગાર સુલતાનાએ કર્યો હતો. આ ફિલ્મનું બજેટ ૧૦.૫ મિલિયન એટલે કે રૂ. દોઢ કરોડનું હતું અને બોક્સઓફિસ પર રૂ. ૧૧૦ મિલિયન રૂપિયાની કમાણી હતી.
શાહજાદા સલીમ જે પાછળથી શહેનશાહ જહાંગીર તરીકે ઓળખાયા.
ફિલ્મનું સંગીત નૌશાદે આપ્યું હતું અને ગીત ગાયિકાઓ લતા મંગેશકર અને શમશાદ બેગમ અને ગાયક મોહમ્મદ રફી હતાં. આ ફિલ્મનું અત્યંત જાણીતું ગીત `પ્યાર કિયા કોઈ ચોરી નહીં કી, છુપ છુપ આહેં ભરના કયા, પ્યાર કિયા તો ડરના ક્યા, જબ પ્યાર કિયા તો ડરના ક્યા’ અત્યંત લોકપ્રિય સાબિત થયું હતું.
આ ફિલ્મની કથા ૧૯૨૨માં ઈમ્તિયાઝ અલી તાજ નામના ઉર્દૂ લેખકે લખેલા નાટક `સલીમ એન્ડ અનારકલી’ પર આધારિત હતી. આ જ વિષયને લઈને ૧૯૨૮માં અરદેશર ઈરાનીએ `અનારકલી’ નામની સાયલન્ટ ફિલ્મ બનાવી હતી. એ જ ફિલ્મ ૧૯૩૫માં ફરી બોલતી ફિલ્મ તરીકેની રિમેક હતી.
અત્રે એ નોંધવું જરૂરી છે કે `મુગલ-એ-આઝમ’ ફિલ્મની કથા એક લેજન્ડ પર આધારિત હતી. ઐતિહાસિક તથ્યો પર નહીં. હા, શહેનશાહ અકબરના શાસન દરમિયાન અનારકલીનું અસ્તિત્વ હોવાનો કેટલાંક જૂનાં પુસ્તકોમાં ઉલ્લેખ છે.
અત્રે એ નોંધવું જરૂરી છે કે શાહજાદા સલીમનો રોલ ભજવનાર દિલીપકુમાર અને અનારકલીનો રોલ ભજવનાર મધુબાલા વચ્ચે એક કોર્ટ વિવાદના કારણે બોલવાના પણ સંબંધો નહોતા. છતાં એક પ્રોફેશનલ એક્ટર્સ તરીકે બેઉએ ફિલ્મની ડિમાન્ડ મુજબ ઉત્કૃષ્ટ પ્રણય દૃશ્યો ભજવ્યાં હતાં.
——————————————————————————————

Be Sociable, Share!