‘વરસાદની ભીની ભીની મોસમ છે. અને આકાશ, આજે તમે મને યાદ આવી ગયા. યાદ છે, તે સાંજે આકાશ કાળાંડિબાંગ વાદળોથી ઘેરાયેલું હતું. તમે મને લોંગ ડ્રાઇવ પર લઈ ગયા હતા. રસ્તામાં જ ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો. વાઇપર્સ ચાલુ હોવા છતાં કાંઈ જ દેખાતું નહોતું. તમે એક ઝાડ નીચે ગાડી ઊભી રાખી દીધી હતી. અને હું બસ, પાગલ બની ગઈ હતી, છતાં તમે સંયમ જાળવ્યો હતો. એક ઝંઝાવાત તમે થંભાવી દીધો હતો…. કાશ, હું તમને પહેલાંથી જ સમજી શકી હોત !’૨૯ વર્ષની વયની એક યુવતીના આ શબ્દો છે. તે કહે છે ઃ ‘મારું નામ મંજરી છે અને તે ક. મા. મુનશીની નવલકથામાં આવતા પાત્ર પરથી પાડવામાં આવ્યું હતું. મારા પિતા ગુજરાતી ભાષાના અધ્યાપક હતા અને તેમને કાક-મંજરીનાં પાત્રો બહુ જ ગમતાં હતાં.
મંજરી અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહે છે અને ભારે વર્ષાની પરવા કર્યા વિના પોતાના જીવનની કથા કાગળ પર ઉતારી આપીને જતી રહે છે.
તે કહે છે ઃ ‘મારો અને આકાશનો જન્મ બે મકાનની એક દીવાલની આજુબાજુ એક જ દિવસે અને એક જ સમયે થયો હતો. આ એક જોગાનુજોગ હતો. જન્મ પછી બચપણ પણ અમારું સાથે જ ગુજર્યું હતું. સ્કૂલમાં પણ સાથે જ ભણ્યાં હતાં. એક જ વિષયો સાથે કૉલેજમાં પણ સાથે જ ભણ્યાં હતાં. અમારા માર્ક્સ પણ એકસરખા આવતા હતા. હું અને આકાશ બેઉ એમ.એ. સુધી સાથે જ ભણ્યાં હતાં. આવી જ વરસાદની મોસમ હતી અને મારા દિલોદિમાગ પર ઉન્માદ સવાર હતો છતાં તેમણે મને બચાવી લીધી હતી.
એ દિવસ મારા માથાના છુટ્ટા પડી ગયેલા વાળ જોઈ મને મારી મમ્મીએ ખૂબ ધમકાવી નાખી કારણ કે હું આકાશની કારમાંથી ઊતરી હતી. મેં કાઈ છુપાવ્યું નહોતું, મેં મમ્મીને કહ્યું કે, ‘અમે હાઈવે પર ફ્રવા ગયાં હતાં’, પરંતુ તે જ દિવસથી મારાં મમ્મી-પપ્પાએ મારા પર કેટલાક પ્રતિબંધો મૂકી દીધા. મારા ઘરના સભ્યોને મારા અને આકાશના સંબંધો મંજૂર નહોતા.
એક દિવસ હું અને આકાશ બહાર મળ્યાં. મેં મારા ઘરના સભ્યોના વિરોધની વાત કહી. આકાશનાં માતાપિતાને મારા અને આકાશના સંબંધો સામે કોઈ જ વાંધો નહોતો. મેં મારી મજબૂરીની વાત કહી. આટલેથી અટકી જવા કહ્યું ત્યારે આકાશ સ્તબ્ધ બની ગયા હતા. ભાંગી પડયા હતા. એમણે કહ્યું ઃ ‘મંજરી, ક. મા. મુનશીની નવલકથામાં મંજરી વિના કાક અધૂરો છે તેમ હું પણ તારા વિના કાંઈ નથી. હું બીજાની સાથે હવે લગ્ન નહીં કરું.’
પરંતુ મને મારાં મમ્મી-પપ્પા અત્યંત પ્રિય હતાં. એક બાજુ આકાશ તો બીજી બાજુ મારાં મમ્મી-પપ્પાં હતાં. ખૂબ મથામણ કર્યા બાદ મેં મારા મમ્મી-પપ્પાની ઇચ્છાને માન આપવાનું નક્કી કરી લીધું. હું આકાશને ચાહતી હોવા છતાં હવે તે દિશામાં આગળ ના વધવા નિર્ણય કરી લીધો. ક્રમશઃ મેં એની સાથે સંબંધો ઓછા કરી નાંખ્યા.
મને યાદ છે કે આકાશના પપ્પા એ દિવસોમાં બહુ જ બીમાર હતા. તેના મમ્મીને પણ એક વાર હાર્ટ એટેક આવી ગયો હતો. હજુ અમારું એમ.એ.નું છેલ્લું વર્ષ ચાલુ હતું. એક દિવસ આકાશનાં મમ્મી યુનિવર્સિટી આવ્યાં. મને એકલીને ઊભી રાખીને તેઓ બહુ જ કરગર્યાં, ‘બેટા, મંજરી ! આકાશ અમારો એકનો એક દીકરો છે. તેને કોઈ વ્યસન નથી. ડાહ્યો છે. તારી સાથે જ ભણે છે. તેં ના પાડી તે પછી તે ખૂબ જ હતાશ રહે છે. હું ખોળો પાથરું છું, બેટા ! તું અમારા ઘરમાં વહુ બનીને આવ.’
પરંતુ મેં મક્કમતાથી કહી દીધું ઃ ‘હું પણ મજબૂર છું. મારાં માતા-પિતાની ઇચ્છાને ઓળંગી શકું નહીં. તેઓ મને અમારી જ જ્ઞાતિમાં પરણાવી દેવા માંગે છે. હું ત્યાં જ પરણીશ જ્યાં તેઓ ઇચ્છતાં હશે. મારું સુખ અન્યત્ર લખાયું હશે, માટે આકાશને કહો કે મને ભૂલી જાય. કૉલેજમાં હર્યાંર્ફ્યા તે ઉંમરસહજ હતું. કૉલેજની દોસ્તીને સંસારમાં પરિવર્તિત કરી શકાય નહીં.
-અને આકાશનાં મમ્મી ત્યાં જ રડી પડયાં હતાં.
હું ઘેર આવી ગઈ. મને પણ તે રાત્રે ચેન પડયું નહીં. આકાશનાં મમ્મીની આંખોનાં આંસું મને દેખાતાં હતાં, પરંતુ લાગણીના પ્રવાહમાં તણાવું નહીં, તેમ મેં નક્કી કરી લીધું. થોડા દિવસ પછી મેં જોયું તો આકાશનાં મમ્મી-પપ્પાએ અમારી બાજુનો ટેનામેન્ટ વેચી દીધો. તેઓ અન્યત્ર રહેવા ચાલ્યાં ગયાં. થોડીવાર માટે મને દુઃખ થયું પણ સાથે સાથે મેં એ પણ વિચાર્યું કે, ‘સારું જ થયું કે તે દૂર ગયો. મારું લગ્ન તે કદાચ જોઈ ના શક્યો હોત.’
મારાં માતા-પિતા ભણેલાં છતાં રૂઢિચુસ્ત હતાં, કદાચ હું પણ. એમણે એક છોકરો શોધી કાઢયો – ‘કિરણ.’ થોડા દિવસો બાદ મારાં કિરણ સાથે લગ્ન પણ થઈ ગયાં. મેં આકાશને કંકોત્રી પણ ના મોકલી, કારણ કે તે કંકોત્રી જોઈને જ દુઃખી થઈ જાત. જોકે પાછળથી મને ખબર પડી કે તે મારા લગ્નના સમાચાર સાંભળીને જ આઘાતમાં સરી પડયો હતો. એણે મિત્રોને કહી દીધું હતું કે ‘હું કદીયે લગ્ન નહીં કરું.’
થોડા દિવસો બાદ એના પિતાનું અવસાન થયું. હું અને કિરણ બેઉ તેના પિતાના બેસણામાં ગયાં હતાં. આકાશ શૂન્યમનસ્ક લાગતો હતો. તેનાં મમ્મી સાથે તો હું આંખ જ મીલાવી ના શકી.
અને સમય વહેતો ગયો. અમારા દામ્પત્યજીવનના પરિપાકરૂપે હું એક પુત્રની માતા બની. બે વર્ષ બાદ ફ્રી મેં એક દીકરીને જન્મ આપ્યો. દીકરો કિરણ જેવો અને દીકરી મારા જેવી લાગતી હતી. બેઉ હવે સ્કૂલે જવા લાગ્યાં હતાં. હવે મારાં કામ હતાં સવારે બાળકોને ઉઠાડવાં, નવરાવવાં, ધોવરાવવાં, તૈયાર કરી સ્કૂલે મોકલવાં, રસોઈ બનાવવી, સાંજે બાળકો પાછાં આવે ત્યારે તેમને હાથપગ ધોવરાવી નાસ્તો કરાવવો. હોમવર્ક કરાવી, વહેલાં જમાડી વહેલાં સુવરાવી દેવાં – મારું જીવન યંત્રવત્ બની ગયું હતું.
હું હવે આકાશને ભૂલી ગઈ હતી. આ વાતને આઠેક વર્ષ થઈ ગયાં છતાં આકાશે લગ્ન કર્યાં નહોતાં, તે વાત જ્યારે કોઈ મને કહેતું ત્યારે હું સહેજ દુઃખી થઈ જતી હતી. મારા પતિ કિરણને પણ કૉલેજ સમય દરમિયાન મારી અને આકાશની દોસ્તીની ખબર હતી. તેમને મારા માટે કોઈ જ વહેમ નહોતો.
એક દિવસ એક લગ્નના સત્કાર સમારંભમાં અનાયાસે જ આકાશ મને મળી ગયો. એ દિવસે મારા પતિ મારી સાથે આવ્યા નહોતા. મેં સહેજ બાજુમાં લઈ જઈને આકાશને કહ્યું ઃ ‘આકાશ, હવે તો તમે લગ્ન કરી લો. હું તો હવે કિરણની પત્ની છું. બે બાળકોની મા છું. હું સુખી થઈ તેમ તમે પણ સુખી થાવ. તમારું અને મારું મિલન હવે શક્ય નથી.’
ત્યારે આકાશે કહ્યું હતું ઃ ‘તું લગ્ન સિવાયની બીજી કોઈ પણ વાત કર.’ મારા ખૂબ સમજાવવા છતાં આકાશે મારી વાત સ્વીકારી નહોતી. મારાં લગ્નનાં નવ વર્ષ પછી તે કુંવારા જ રહ્યા. હંમેશાં ગમગીન અને ઉદાસ રહેતા. ફ્રી મેં કહેવરાવ્યું પણ આકાશે જવાબ આપ્યો કે, ‘હવે તો હું આમ જ જીવીશ.’
સમય વીતતો ગયો. હું ફ્રી સંસારચક્રમાં ગુંથાઈ ગઈ. ફ્રી એનાં એ જ કામ અને એનું એ જ રોજિંદું જીવન. આકાશને પણ હું પ્રયત્નપૂર્વક ભૂલી ગઈ. હવે તે ક્યાં છે – શું કરે છે – તેની મને કોઈ જ ખબર નહોતી. હું કોઈને પૂછતી પણ નહોતી.
અને એક દિવસ મારા પતિ કિરણ બીમાર પડયા. પહેલાં તાવ જેવું આવ્યું. નિદાન કરાવ્યું તો તેમને કમળો હતો. તેમની આંખો પીળી પડી ગઈ હતી. ધીમે ધીમે આખું શરીર પીળું થઈ ગયું. તાત્કાલિક સારવાર શરૂ કરી. તેમની પરિસ્થિતિ ગંભીર બની ગઈ. હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ડૉક્ટરોએ કહ્યું કે તેમને કમળામાંથી કમળી થઈ ગઈ છે અને થોડા જ દિવસમાં તેમણે સદાને માટે આંખો મીંચી દીધી.
હું આઘાતમાં સરી પડી. યુવાનીમાં જ હું વિધવા બની જઈશ તેની મને કલ્પના જ નહોતી. દિવસો સુધી મેં અને મારાં બાળકોએ ખાધું નહીં. મને લાગ્યું કે મારું જીવન હવે અંધકારમય બની ગયું. લાગ્યું કે હવે હું સાવ નિરાધાર થઈ ગઈ છું. છેલ્લાં નવ વર્ષ દરમિયાન મારા પપ્પા ગુજરી ગયા હતા. મમ્મી અત્યંત વૃદ્ધ હતાં. મારી સાસરીમાં પણ હું એકલી પડી ગઈ. મારાં સાસુ-સસરા અત્યંત વૃદ્ધ હતાં.
પણ એક દિવસ મેં જોયું તો કોઈએ મારા ઘરનું બારણું ખખડાવ્યું. મેં બારણું ખોલ્યું તો સામે આકાશ ઊભા હતા. સાથે એક યુવતિ પણ હતી. આકાશે કહ્યું ઃ ‘આ શશિ છે, મારી પત્ની. બે મહિના પહેલાં જ અમે લગ્ન કર્યાં છે. આજે અમને તારા પતિના અવસાનની ખબર પડી એટલે દોડીને આવ્યાં છીએ.’
બેઉ અંદર આવ્યાં. હું રડી પડી. શશિ અને આકાશ સામેના સોફ પર બેઠાં હતાં. મને થયું કે આકાશના ખોળામાં માથું નાંખીને ખૂબ રડી લઉં. મને રડતી જોઈ આકાશની આંખો પણ ભીંજાઈ. તે શાયદ મને સફ્ેદ સાડીમાં જોઈ શક્યો નહોતો અને હું તેને સ્પર્શી શકતી નહોતી. પરંતુ મારાથી બોલાઈ જવાયું ઃ ‘હું બરબાદ થઈ ગઈ, મારું જીવન અંધકારમય બની ગયું, આકાશ. થેંકસ ફેર કમિંગ.’
મને ખૂબ જ રડતી જોઈ આકાશ અને શશિ બેઉ ઊઠીને મારી પાસે આવ્યાં. મારા વાંસા પર હાથ ફ્ેરવી મને સાંત્વના આપી. અને કેટલીયે વાર સુધી તેઓ બેસી રહ્યાં, જ્યાં સુધી હું રડતી બંધ ના થઈ.
આજે હું દુઃખી છું, પરંતુ મારાં બે બાળકો ને વૃદ્ધ સાસુ-સસરા માટે જીવું છું. મારી પોતાની જિન્દગી અંધકારમય છે પરંતુ મારે જીવવું પડશે. આત્મહત્યામાં હું માનતી નથી. હું રાત્રે એકલી પડું છું ત્યારે મારા કૉલેજના દિવસોને યાદ કરી લઉં છું. મને લાગે છે કે હું સુખી છું – તેવું મારું અભિમાન ભગવાનને ગમ્યું નહોતું….હું આકાશને ભૂલી ગઈ હતી પરંતુ એ શક્ય ન બન્યું. આજે વર્ષાની હેલીમાં આકાશ મને યાદ આવી ગયા… જ્યારે અમે લોંગ ડ્રાઇવ પર ગયાં હતાં અને હું બેકાબૂ બની હતી, પરંતુ આકાશે સંયમ જાળવ્યો હતો…. પણ આજે તે મને બહુ યાદ આવે છે, શું કરું ?’
– કહેતાં મંજરી પોતાની વાત પૂરી કરે છે. એની આંખોમાં ભીનાશ છે પરંતુ વરસાદની મસ્તીની નહીં, વ્યથાની.
– દેવેન્દ્ર પટેલ



