આજે સમગ્ર વિશ્વમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો વિષય ચર્ચામાં છે. કહેવાય છે કે આવનારો સમય આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો હશે. માનવી જે કામ કરે છે તે માનવીએ પેદા કરેલો યંત્ર માનવી કરશે. ટેક્સીઓ પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનાં ઉપકરણોથી ચાલશે. વિમાનો પણ માનવ પાઇલટથી નહીં પણ યાંત્રિક ઉપકરણોથી ઊડશે. સૈનિકો પણ યાંત્રિક ઉપકરણો હશે. કચેરીઓમાં પણ માનવીને બદલે કુત્રિમ બુદ્ધિથી પેદા કરેલાં ઉપકરણો ચાલશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગથી શિક્ષણની ગુણવત્તા સુધરશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી ડોક્ટરો કેન્સર જેવી બીમારીનું વહેલું નિદાન કરી શકશે અને જટિલ શસ્ત્રક્રિયાઓ સરળતાથી કરી શકાશે. એઆઈના લીધે પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક્સ મીડિયાની ગુણવત્તામાં ગુણાત્મક સુધારાઓ લાવી શકાશે. એઆઈના ઉપયોગથી કારખાનાંઓમાં ઉત્પાદન પણ વધારી શકાશે.ભારત પણ બદલાતા સમયની સાથે એઆઈના ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. `ન્યૂ ઈન્ડિયા’ના સર્જન માટે ભારત સરકાર પણ એઆઈનો સદુપયોગ કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે વિશ્વના સૌથી મોટા એઆઈ ઈમ્પેક્ટ એક્સ્પોનું ઉદ્ઘાટન કર્યું. આ સમિટમાં ૭ દેશોના પ્રમુખ, બે દેશોના ઉપપ્રમુખ અને ૯ દેશોના વડાપ્રધાન તથા વિશ્વની અનેક મોટી ટેક્નોલોજી કંપનીઓના વડાઓ પણ જોડાયા. ભારત દુનિયાનું સૌથી મોટું AI ટેલેન્ટ પુલનું હબ છે. ભારત AI આધારિત ઉત્પાદનો અને સેવાઓ માટે સજ્જ થઈ રહ્યું છે. આ AI સમિટે ભારતને એક ઊભરતી વૈશ્વિક શક્તિના રૂપમાં પોતાને સ્થાપિત કરી દીધું છે. ભારતનું લક્ષ્ય ૨૦૨૭ સુધીમાં પોતાના AI બજારને ૧૭ અબજ ડોલરને પાર લઈ જવાનું છે. ૮૦ કરોડ ઈન્ટરનેટ વપરાશકર્તા અને દુનિયાના સૌથી શ્રેષ્ઠ ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે ભારત ખુદને ઈનોવેશન અને મોટા પાયે અમલીકરણ વચ્ચે પોતાને એક બ્રીજ તરીકે સ્થાપિત કરી રહ્યું છે. દિલ્હીમાં મળેલા AI સમિટમાં ૧૩૫થી વધુ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ AI સમિટનો ઉદ્દેશ માત્ર ટેક્નોલોજીની ચર્ચા કરવા માટે જ નહીં, પરંતુ આરોગ્ય, કૃષિ અને શિક્ષણ જેવાં ક્ષેત્રોમાં તેનો અમલ કરીને સામાન્ય લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનો છે.
નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્ટીફિશિયલ ઈન્ટીલિજન્સના આંતરરાષ્ટ્રીય મહાસંમેલનનું ભવ્ય આયોજન કરી વિશ્વને ભારતની તાકતનો પરચો બતાવ્યો. આવા સુંદર આયોજનનો વિરોધ કરી કોંગ્રેસના કાર્યકરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું. લાગે છે કે કોંગ્રેસ હજુ જૂનવાણી છે અને દેશને ફરી અંધકાર યુગમાં લઈ જવા માંગે છે. લાગે છે કે કોંગ્રેસનું પોતાનું જ ભાવિ અંધકારમય છે.
અત્રે એ નોંધનીય છે કે વિશ્વના વિકાસ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અનિવાર્ય છે. વિશ્વમાં આજે સૌથી વધુ ચર્ચા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર થઈ રહી છે.
ભારત એક વિકાસશીલ અને શાંતિપ્રિય દેશ છે, પરંતુ વિશ્વના કેટલાક દેશો AIનો દુરુપયોગ ન થાય તે માટે સતત ચિંતિત પણ છે.
તેથી આખા વિશ્વની નજર ભારત પર છે. દિલ્હીમાં મળેલી AI એક્સો સમિટના કારણે ૧૦૦ અબજ ડોલરથી વધુના સહયોગ અને રોકાણની શક્યતા છે. આવનારા સમયમાં AI ક્ષેત્રે ભારત વિશ્વનું અગ્રેસર રાષ્ટ્ર બની શકે છે.
ભારત માને છે કે AIનો લાભ માત્ર વિકસિત દેશો પૂરતો જ નહીં, પણ આખી દુનિયાને થવો જોઈએ.
પરંતુ આ બધામાં કેટલીક સાવચેતી પણ રાખવી પડશે. સાથે સાથે એ સત્ય પણ સ્વીકારવું પડશે કે એઆઈના ઉપયોગથી વિશ્વમાં લાખો લોકો નોકરીઓ ગુમાવશે. બેકારી પણ વધશે.
યાદ રહે કે સમયની સાથે ટેક્નોલોજી પણ બદલાતી રહે છે. સમય અને ટેક્નોલોજીના વિકાસને રોકી શકતા નથી, પરંતુ સવાલ એ છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માનવ જાત માટે આશીર્વાદ હશે કે અભિશાપ તે આવનારો સમય જ કહેશે.
કહેવાય છે કે વિજ્ઞાન તે ઈશ્વરનું બીજું સ્વરૂપ છે.
વિજ્ઞાન તે માનવીય બુદ્ધિની શ્રેષ્ઠ અને કનિષ્ઠ એમ બેઉ પ્રકારની ઊપજ છે. પાછલી સદીમાં વિજ્ઞાને માનવીને શ્રેષ્ઠ જ્ઞાન બક્ષ્યું છે. વિજ્ઞાને જ પૃથ્વી ગોળ છે તે સાબિત કર્યું.
વિજ્ઞાને જ શીખવ્યું કે પૃથ્વી સૂર્યમાંથી છૂટો પડેલો પદાર્થ છે. વિજ્ઞાને જ તારાઓ અને નક્ષત્રોની સમજ આપી. વિજ્ઞાને જ શૂન્યની સમજ આપી. વિજ્ઞાને જ પેનિસિલનની શોધ દ્વારા ચેપથી મૃત્યુ પામતા માનવીઓને બચાવવાનો ઇલાજ આપ્યો. વિજ્ઞાને જ ક્ષ-કિરણો અને રેડિયમની શોધ દ્વારા ચિકિત્સાની નવી ચીજો આપી. વિજ્ઞાને જ માનવીને ચંદ્ર સુધી પહોંચાડ્યો. વિજ્ઞાને જ માનવીને મંગળ પર મોકલવા તૈયાર કર્યો. વિજ્ઞાને જ અવાજ કરતાં વધુ ઝડપથી ઊડે તેવાં સુપરસોનિક વિમાનો આપ્યાં. વિજ્ઞાને જ કૃત્રિમ ઉપગ્રહો આપી સંદેશાવ્યવહાર અને ટેલિવિઝન પ્રસારણને સરળ કરી આપ્યું.
આ બધું હોવા છતાં માનવીએ વિજ્ઞાનનો દુરુપયોગ પણ કર્યો. બંદૂકથી માંડીને એ.કે. ૪૭ જેવી રાઇફલ પણ વિજ્ઞાનની ખોજ છે. તોપથી માંડીને અણુબોમ્બ પણ વિજ્ઞાનની જ ખોજ છે. નેપામ બોમ્બથી માંડીને ખતરનાક રાસાયણિક શસ્ત્રો એ પણ વિજ્ઞાનની જ ખોજ છે. એકમાત્ર અમેરિકા પાસે પૃથ્વી પર વસતી
માનવવસ્તીનો ૩૦૦થી વધુ વાર વિનાશ કરી શકાય એટલા પરમાણુ બોમ્બ છે. પાકિસ્તાન જેવા નાનકડા દેશ પાસે ૨૫૦થી વધુ પરમાણુ બોમ્બ છે. માનવીએ કુદરતે આપેલી બુદ્ધિના કરેલા દુરુપયોગનાં આ ઉદાહરણ છે.
વિજ્ઞાન એ બેધારી તલવાર છે. તેનો માનવીનાં શ્રેષ્ઠ હિતો માટે પણ ઉપયોગ કરી શકાય છે અને માનવજાતના વિનાશ માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇને થિયરી ઑફ રિલેટિવિટીના સિદ્ધાંતની શોધ કરી ત્યારે તેને ખબર નહોતી કે બીજા કેટલાક લોકો તેમની શોધેલી થિયરીનો ઉપયોગ અણુબૉમ્બ બનાવવા કરશે. ચાકુથી શાકભાજી પણ સમારી શકાય છે અને એવા જ ઉપકરણથી બીમાર માનવી પર શસ્ત્રક્રિયા પણ કરી શકાય છે. એવી જ રીતે પરમાણુના વિભાજનથી અણુઊર્જા પણ પેદા કરી શકાય છે અને અણુબૉમ્બનો વિસ્ફોટ પણ કરી શકાય છે.
ઘણા દેશોએ અણુઊર્જા મથકો ઊભાં પણ કર્યાં છે, પરંતુ જાપાનના ન્યુક્લિયર રિએક્ટરમાં અકસ્માત થયો તે પછી આખી દુનિયા હરકતમાં આવી ગઈ. ન્યુક્લિયર હોરરનો ભય આખી દુનિયા પર ઝળૂંબી રહ્યો છે.
બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે આજથી ૪૦ વર્ષ પૂર્વે અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના એક વૈજ્ઞાનિક પ્રો. હિમાંશુ મઝુમવારે પ્રથમ રોબોટ બનાવ્યો હતો, પરંતુ તે સમયમાં રોબોટ્સને પ્રોત્સાહન ન આપવાની સરકારની નીતિના કારણે એ સંશોધન આગળ વધ્યું નહોતું! પરંતુ માનવીએ હવે એક કદમ આગળ જઈને માનવ બુદ્ધિની સ્પર્ધા કરે તેવી કૃત્રિમ બુદ્ધિનો આવિષ્કાર કર્યો છે, જેને અંગ્રેજીમાં `આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ કહે છે. `આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ’ વિષય પર સુપરહિટ ફિલ્મો પણ બની છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પણ વિજ્ઞાનની બીજી શોધોની જેમ માનવજાત માટે આશીર્વાદ અને વિનાશનું કારણ પણ બની શકે છે.
ઘણાં વર્ષો પહેલાં એક કાલ્પનિક કથા આધારિત ફિલ્મમાં એક વિજ્ઞાનીએ `ફેંકેન્સ્ટાઈન’ નામના કૃત્રિમ માનવીનું સર્જન કર્યું હતું, જેનું કામ હતું બીજા લોકોની હત્યા કરવી. એ ફેંકેન્સ્ટાઈન સૌથી પહેલાં તેના સર્જક વિજ્ઞાનીની જ હત્યા કરી નાંખે છે.
૨૦૧૨માં ગૂગલે ડ્રાઈવર વગરની મોટરકાર રજૂ કરી હતી. જ્યારે આ પ્રકારની કારનો લોકો ઉપયોગ કરતા થશે ત્યારે જ તેની સફળતાને યશ મળશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બીજી અનેક બાબતોમાં વરદાન સાબિત થઈ શકે તેમ છે. કોઈ કારણસર અપંગ બની ગયેલી વ્યક્તિ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત સાઈબોર્ડો ટેક્નોલોજીની મદદથી કૃત્રિમ અંગ ધારણ કરી શકશે. આ કૃત્રિમ અંગ પ્રાકૃતિક અંગની જેમ મગજમાંથી નીકળતાં સિગ્નલ ઝીલી કામ કરશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજીનો ઉપયોગ મોસમ અને તેમાં આવી રહેલા પરિવર્તનને જાણવા થઈ રહ્યો છે. એ જ રીતે વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીના કમ્પ્યૂટર નિષ્ણાત મેથ્યુ ટેલરના મત અનુસાર હવે ટૂંક સમયમાં `હોમ્સ’ નામનો રોબોટ વૃદ્ધો માટે ખૂબ મદદરૂપ સાબિત થશે.
૨૦૧૫માં જાપાનમાં `પેપર’ નામનો રોબોટ પહેલી વાર વેચવામાં આવ્યો. તેના ૧૦૦ યુનિટ ફટાફટ વેચાઈ ગયા. આ રોબોટ તમને જોતાં જ તમારો મૂડ પારખી જાય છે અને તમારી ઉદાસીનતાને ખુશીમાં બદલવા કોશિશ પણ કરે છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની શરૂઆત આમ તો ૫૦ના દાયકાથી શરૂ થઈ હતી. જ્યારે પહેલી જ વાર કમ્પ્યૂટર સિસ્ટમ એટલે કે રોબોટિક સિસ્ટમ તૈયાર કરવામાં આવી હતી. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સવાળી સિસ્ટમ દ્વારા ૧૯૯૭માં શતરંજના મહાન ખેલાડી ગેરી કાસ્પારોવને હરાવવામાં આવ્યો હતો. એ વખતથી જ આ વિષય પર વિશ્વભરમાં ચર્ચા શરૂ થઈ. તે પછીનાં ૨૦ વર્ષ બાદ આજની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વધુ સ્માર્ટ અને વધુ સમજદાર થઈ ચૂકી છે. વિમાનમાં ઓટો પાઇલટ સિસ્ટમ છે તે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ છે. વિમાનના ઉતરાણ વખતે પણ ઘણું બધું કમ્પ્યૂટર પર નિર્ભર છે. આમ છતાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ હજુ સંપૂર્ણ નથી. કટોકટીના સમયમાં તે નિષ્ફળ પણ નીવડે છે. આમ છતાં ૧૦૦ વર્ષ બાદની દુનિયા એકદમ અલગ હશે. તમારી ચારે તરફ રોબોટ જ રોબોટ હશે. આજે પણ તમારા સ્માર્ટ ફોન પર ગૂગલને તમે કંઈ પૂછો તો તેનો જવાબ તે બોલીને આપે છે. આવનારા સમયમાં દરેક વ્યક્તિના ઘરમાં રોબોટ હશે. તે તમારા ઘરની સાફસૂફી નહીં, પરંતુ તમને સલાહ આપવાનું કામ પણ કરશે. ખોટાં પગલાં લેતાં રોકશે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે અનેક આશાઓ પણ જન્માવી છે અને અનેક આશંકાઓ પણ. કોઈ વાર તમારા ઘરમાં કોઈ વિરોધી ખોટો રોબોટ પ્લાન્ટ કરે કે જેને તમે તમારો મિત્ર માનતા હોય તે તમારી જાસૂસી પણ કરી શકે છે. તમારા હલનચલનની અને અંગત માહિતી તમારા દુશ્મનને પહોંચાડી શકે છે.
હા, કેટલાક સમયથી મોટરકારોના ઉત્પાદનનાં કારખાનાં તથા સ્ટીલનાં કારખાનામાં રોબોટનો ઉપયોગ વધ્યો છે. સરહદો પર તથા બર્ફીલા દુર્ગમ પહાડો પર દુશ્મન પર નજર રાખવા રોબોટ્સનો ઉપયોગ શરૂ થયો છે. હવે તો રોબોટ આર્મી પણ બનાવવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં આતંકવાદી વિરુદ્ધ પણ કેટલાંક ઓપરેશન્સ અને સર્જિકલ સ્ટ્રાઈક્સ માટે પણ રોબોટ્સનો ઉપયોગ થશે.
આવનારાં ૫૦ વર્ષ બાદ માનવી જેવા જ હાવભાવ ધરાવતી સુંદર રોબોટિક સ્ત્રી કે રૂપાળો રોબોટિક યુવાન પણ ઉપલબ્ધ હશે. જે જીવતા પુરુષનો કે સ્ત્રીનો લાઈફ પાર્ટનર બની એકબીજા સાથે સહશયન કરશે. પુરુષો સ્ત્રીઓના દગાથી કે સ્ત્રીઓ પુરુષોના દગાથી બચી શકશે. રોબોટિક યુવતી તેના પ્રિયતમને ચુંબન કરશે, વહાલ કરશે, પાશમાં લેશે અને તેના પાર્ટનરને દુઃખી જોઈ આંસુ પણ સારશે. આવનારા દાયકાઓમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ધરાવતાં સ્ત્રી કે પુરુષ રોબોટ્સ લાગણીઓ પણ ધરાવતાં હશે. www.devendrapatel.in
—————————– —————————— —————————— —



