શેઠ શાંતિદાસનો જન્મ અમદાવાદમાં થયો હતો. જે નોંધો જોવા મળે છે તેમાં શેઠ શાંતિદાસ બાદશાહ અકબરના દરબારમાં ઝવેરી તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અકબર ઈ.સ. ૧૬૦૫માં મૃત્યુ પામ્યા. અકબર બાદશાહના રાજદરબારમાં તેઓ હાજર થયા ત્યારે શાંતિદાસની ઉંમર પંદરેક વર્ષ કે તેથી સહેજ વધુ હોય તો પણ એવી ધારણા કરવામાં આવે છે કે, અકબરના મૃત્યુના પહેલાં ૧૫ વર્ષ કે ૨૦ વર્ષે તેઓ જન્મ્યા હોય તો ઈ.સ. ૧૫૮૫-૯૦ની આસપાસ શાંતિદાસનો જન્મ થયો હોવો જોઈએ.
એ જમાનામાં અમદાવાદ ‘રાજનગર’ તરીકે પણ ઓળખાતું હતું. ત્રણથી ચાર બાદશાહો સાથે નગરશેઠ શાંતિદાસ ઝવેરીએ ઘનિષ્ઠ સંબંધ કેળવ્યા હતા. ઝવેરાતના ધંધામાં તેઓ ઘણું ધન કમાયા હતા. ભારતમાં મોટાં મોટાં શહેરોમાં પણ તેમનો ધંધો ફ્ૂલ્યોફલ્યો હતો. અમદાવાદ ઉપરાંત બુર્હાનપુર, વિજાપુર, દિલ્હી, આગ્રા અને સિંધમાં તેમનો ધંધો વિકસ્યો હતો. અમદાવાદના શરાફેના તેઓ શિરોમણિ ગણાતા. વ્યવસ્થા એવી ગોઠવી હતી કે, શાંતિદાસ શેઠ ધંધા-રોજગારને લગતાં બહારનાં કામો સંભાળતા. જ્યારે તેમના ભાઈ વર્ધમાન શેઠ પેઢીનો વહીવટ સંભાળતા. સાથે સાથે તેઓ જાહેર હિતનાં કામો પણ કરતાં ને જૈન તીર્થોની વારંવાર યાત્રા પણ કરતા.
નાણાંં ધીરધાર એક મોટા ઝવેરી તરીકે તેમની નામના હોઈ દિલ્હીના દરબારમાં પણ તેઓ ગૌરવપ્રદ સ્થાન પામી શક્યા હતા.
શ્રાી શાંતિદાસ ઝવેરીને અમદાવાદના નગરશેઠનું પદ મળ્યું તે પછી તેમના જ કુટુંબના વારસદારો પણ અમદાવાદના નગરશેઠપદના અધિકારી બન્યા જે ક્રમશઃ આ પ્રમાણે છે ઃ
(૧) નગરશેઠ શાંતિદાસ ઝવેરી (૨) નગરશેઠ લક્ષ્મીચંદ (૩) નગરશેઠ ખુશાલચંદ (૪) નગરશેઠ નપુશા (૫) નગરશેઠ વખતચંદ (૬) નગરશેઠ હેમાભાઈ (૭) નગરશેઠ મણિભાઈ પ્રેમાભાઈ (૮) નગરશેઠ લાલભાઈ મણિભાઈ (૯) નગરશેઠ વિમળભાઈ મઘાબાઈ. શેઠ શાંતિદાસની દસમી પેઢી તે શેઠશ્રાી કસ્તુરભાઈ લાલભાઈ.
માત્ર ૩૦ વર્ષની યુવાન વયે ઈ.સ. ૧૬૨૮માં પાલીતાણા સંઘ કાઢયા બાદ શેઠ શાંતિદાસને અમદાવાદમાં ભવ્ય દેરાસર બાંધવાનો વિચાર આવ્યો.
જૈન દેરાસર માટેની જમીન મેળવવા તેમણે મોગલ બાદશાહ જહાંગીરનો સંપર્ક સાધ્યો. જહાંગીર શાંતિદાસને ‘ઝવેરી મામા’ કહેતા હતા. વળી તમામ ધર્મો પ્રત્યે તેઓ અકબરની જેમ જ ઉદાર નીતિ ધરાવતા હતા. કોઈ પણ જાતની આનાકાની વગર જહાંગીરે જમીન ફળવી દીપી.
અમદાવાદમાં આજનું સરસપુર એ વખતે ‘બીબીપુર’ તરીકે જાણીતું હતું. સૈયદ ખુન્દમીરની મા બીબીજીના નામ પરથી આ પરાનું નામ ‘બીબીપુર’ પડયું હતું. બાદશાહે આ પરામાં દેરાસર માટે જમીન આપી હતી. શાંતિદાસે ઇ.સ. ૧૯૨૧માં જૈન દેરાસરનું બાંધકામ શરૂ કર્યું.
ચિંતામણી મંત્રસિદ્ધિ પ્રાપ્ત થયા બાદ શાંતિદાસને શ્રાી ચિંતામણી ર્પાૃનાથનું દેરાસર બાંધવાની અદમ્ય ઇચ્છા હતી. મંત્રસિદ્ધિના પ્રતાપે તેમનું ભાગ્ય ઝળહળી રહ્યું હતું. એ જમાનામાં લાખો રૂપિયા ખર્ચીને તેઓ નમૂનેદાર દેરાસર બનાવવા માંગતા હતા. જયપુરથી મકરાણાનો કીમતી આરસ મંગાવવામાં આવ્યો. દિલ્હીથી કોતરકામ કરનારા કારીગરો બોલાવ્યા. ખંભાતથી અકીકના પથ્થરો ખરીદ્યા. સોમપુરા સલાટોએ શિલ્પશાસ્ત્રના નિયમો પ્રમાણે દેરાસરના નકશા તૈયાર કર્યાં. જૈન આચાર્ય શ્રાી મુક્તિસાગરજીએ ધાર્મિક નિયમો સમજાવી દેરાસરમાં ભોયરું અને બાવન જિનાલયો કેવી રીતે બાંધવા તે સમજાવ્યું હતું. હવે પોતાના જીવનનો બધો જ સમય અને દ્રવ્ય આ દેરાસર પાછળ લગાડી દીધાં. આ કામમાં તેમના ભાઈ વર્ધમાનનો પૂરેપૂરો સહયોગ મળ્યો.
ઇ.સ. ૧૬૨૫માં આ દેરાસરનું કામ પૂરું થયું. વાચકેન્દ્ર નામના વિદ્વાન સાધુના નેતૃત્વ હેઠળ મૂળનાયક શ્રાી ચિંતામણી ર્પાૃનાથની પ્રતિમાની તે દેરાસરમાં પ્રતિષ્ઠા કરવામાં આવી. દેરાસરનું નામ ‘મેરુતુંગ’ રાખવામાં આવ્યું. બીબીપુરાના આ ભવ્ય દેરાસરની કમાનો પર અપ્સરા જેવી સ્ત્રીઓની મૂર્તિઓ હતી. તેનાં વિશાળ અને ઉન્નત પગથિયાં ભક્તોના સ્વર્ગ તરફ્ના પ્રયાણનાં દ્યોતક હતાં. દેરાસરના મેઘનાદ, સિંહનાદ, સૂર્યનાદ, રંગરખ, ખેલ અને ગૂઢગોત્ર- એવાં નામો ધરાવતા છ મડંપ હતા. બે મિનારા, ચાર ચોરસ દેરાસરો અને ભોંયરામાં જિનની મૂર્તિઓ સાથેની ચાર દેરીઓ હતી.
એ જમાનામાં આ દેરાસર બંધાવવા પાછળ પાંચથી સાત લાખ રૂપિયા ખર્ચ થયું હોવાનું ઇતિહાસકાર મગનલાલ વખતચંદ નોંધે છે. આ દેરાસર ઉત્તરાભિમુખ હતું. આ દેરાસર ભવ્ય તીર્થ બની ગયું હતુું. પરંતુ કાળક્રમે આ દેરાસર સાથે એક અઘટિત ઘટના ઘટી ગઈ. હજુ તો આ દેરાસરને બન્ય માંડ બે દાયકા પણ નહોતા થયા અને એક કમનસીબ પ્રસંગ બની ગયો. ઈ.સ.. ૧૬૪૫થી ૧૬૪૬ દરમિયાન મોગલ બાદશાહ શાહજહાંએ બે વર્ષ માટે તેમના પુત્ર ઔરંગઝેબને અમદાવાદના સૂબા તરીકે નીમ્યો હતો. એ વખતે ઔરંગઝેબ યુવાનીના મદમાં ધર્મઝનૂની હતો. અમદાવાદ આવેલા ઔરંગઝેબની નજરમાં આ દેરાસરની ભવ્યતા કઠી ગઈ. એ ધર્માંધ બની ગયો હતો. તે સાંખી શક્યો નહીં. એણે આ જૈન દેરાસરને મસ્જિદમાં ફ્ેરવી નાંખવા સૂચના આપી. સાથીદારોએ આવું કૃત્ય ન કરવા ઔરંગઝેબને સમજાવ્યો. જૈન દેરાસરને અખંડિત રાખવાના સાથીઓના તમામ પ્રયાસો નાકામિયાબ રહ્યા. ઊલટાનું એણે દેરાસરને મસ્જિદમાં તાત્કાલિક તબદીલ કરવા કડક હુકમ કર્યો.
ઔરંગઝેબના આદેશ મુજબ ભવ્ય દેરાસરમાં ભાંગફેડ શરૂ કરવામાં આવી. જૈન તીર્થંકરોની મૂર્તિઓ ખંડિત કરી દેવામાં આવી. દેરાસરની પૂતળીઓ તોડી નાંખી. દેરાસરને ભારે નુકસાન પહોંચાડયા બાદ દેરાસરમાં જ ગાયનો વધ કરવામાં આવ્યો. ગાયનો વધ એટલા માટે કરવામાં આવ્યો કે, જૈનો કદીયે આ દેરાસરનો ઉપયોગ કરી શકે નહીં. આ અત્યંત ક્્રૂર અને દારૂણ પ્રસંગ હતો. ઉત્તમ શિલ્પકૃતિઓ ભાંગી નાખ્યા બાદ દેરાસરને મસ્જિદમાં રૂપાંતરિત કરવાનું કામ ચાલુ થયું. તેમાં નવી મહેરાખો બનાવવામાં આવી. મસ્જિદને તેણે ‘કુવ્વલ-અલ-ઇસ્લામ’ એવું નામ આપવામાં આવ્યું. એનો અર્થ થાય છે ઃ ‘ઇસ્લામની તાકાત’ આ કમનસીબ બીના ઈ.સ. ૧૬૪૫માં બની.
શેઠ શાંતિદાસને અગાઉથી અંદાજ હતો કે, ભવિષ્યમાં ગમે ત્યારે ચિંતામણિ ર્પાૃનાથના દેરાસર પર આપત્તિ આવી શકે તેમ છે તેથી અગમચેતી સાથે દેરાસરની નીચે લોકોને ખબર પડે નહી તે રીતે આખા ને આખાં ગાડાં પસાર થઈ શકે તેવું ભોયરું બનાવી રાખ્યું હતું. જે છેક બીબીપુરા (આજનું સરસપુર)થી અમદાવાદ શહેરની મધ્યમાં ઝવેરીવાડ (આજના રિલીફ્ રોડ પાસે) નીકળતું હતું. બદલાતી રાજકીય પરિસ્થિતિ જોઈ ગયેલા શાંતિદાસને ભવ્ય દેરાસર પર ધાર્મિક આક્રમણની દહેશત પહેલેથી જ હતી. તેથી વિચક્ષણ શાંતિદાસે ભોંયરું અગાઉથી જ તૈયાર કરાવી દીધું હતું. પોતે જ બંધાવેલું ભવ્ય દેરાસર ભગ્ન થતાં તેઓ દુઃખી દુઃખી થઈ ગયા. આ દેરાસરને થતું નુકસાન તો તેઓ અટકાવી ના શક્યા, પરંતુ દેરાસરની પાંચ મુખ્ય પ્રતિમાઓને ભોંયરા વાટે ઝવેરીવાડમાં લાવવામાં આવી. તેમાંથી બે પ્રતિમાઓનાં વજન તો ૧૦૦-૧૦૦ મણ હતાં. આ પ્રતિમાઓ ઝવેરીવાડમાં લાવવામાં આવી છે તે વાતની ગંધ પણ મોગલ રાજકુમાર અને સૂબા ઔરંગઝેબને ના આવી. વાતને છુપાવી રાખવામાં આવી.
આ બનાવના ૧૦૦ વર્ષ બાદ શાંતિદાસ ઝવેરીના વંશજોએ ઝવેરીવાડમાં ફરી દેરાસર બનાવ્યું અને એ જ મૂર્તિઓની પ્રતિષ્ઠા ઝવેરીવાડના દેરાસરમાં કરવામાં આવી. આ દેરાસર આજે પણ અમદાવાદમાં મોજૂદ છે. આ મૂર્તિઓ ભોંયરા દ્વારા લાવવામાં આવી કે બીજા કોઈ રસ્તે તે અંગેની કોઈ નક્કર સાબિતી નથી, પરંતુ ઔરંગઝેબ અમદાવાદમાં હોઈ અને ખુલ્લા રસ્તા પરથી પ્રતિમાઓ લાવવી શક્ય નહોતું. મોટા ભાગના વિદ્વાનો માને છે કે, કે, બીબીપુરાથી ઝવેરીવાડ સુધી ગાડું પસાર થઈ શકે તેવું ભોયરું અમદાવાદમાં હતું અને શેઠ શાંતિદાસે પાંચ મૂર્તિઓ બચાવી લીધી તે તો હકીકત છે જ જ.
શાંતિદાસ ઝવેરી શાહજહાં સાથે વગ ધરાવતા હોવા છતાં બાદશાહના શાહજાદા ઔરંગઝેબે કરેલા કૃત્યથી તેઓ ખિન્ન હતા, પરંતુ તેઓ શાણા વણિક હતા. આની સામે યોગ્ય પગલું ભરવા યોગ્ય સમયની રાહ જોવા લાગ્યા. તત્કાળ ચૂપ રહેવાનું તેમણે મુનાસિબ માન્યું. વળી આ ઘટનાને પગલે અમદાવાદમાં કોમી હુલ્લડ પણ થયું હતું. સમય વીતતો ગયો.
વમળો શાંત થયાં.
શેઠ શાંતિદાસે હવે સમય યોગ્ય છે એમ સમજી મોગલ બાદશાહ શાહજહાં પાસે જઈ જૈન દેરાસરની દુર્દશા અંગે ફ્રિયાદ કરી. તે ઈમારત પાછી મેળવવા પણ દાદ માંગી. મુલ્લા હકીમે ઈસ્લામના નિયમોનો ઉલ્લેખ કરી શાંતિદાસ શેઠને સાથ આપતાંં જણાવ્યું કે, ‘ઈસ્લામના અતૂટ કાયદા પ્રમાણે બીજાની ઈમારત મસ્જિદ તરીકે ના વાપરી શકાય.’
બાદશાહ શાહજહાંને શાંતિદાસ શેઠની એક શ્રોષ્ઠી તરીકેની પ્રતિષ્ઠાની જાણકારી હતી. શાંતિદાસ લોકપ્રિય છે તે વાત પણ તે જાણતો હતો. તા. ૩ જુલાઈ, ૧૬૪૮નારોજ એક ફ્રમાન બહાર પાડી જૈન દેરાસરનો કબજો શાંતિદાસ શેઠને પાછો મળે તે માટે હુકમ કર્યો. પોતાના જ પુત્રએ કરેલી ભૂલ પિતાએ સુધારી લીધી અને મુસ્લિમ બાદશાહની અન્ય ધર્મ પ્રત્યેની ઉદાર નીતિનું આ એક અસાધારણ ફ્રમાન હતું. પરંતુ એ મંદીર અપૂજ્ય રહ્યું.
– દેવેન્દ્ર પટેલ




