આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ હવે દસ્તક દઈ રહ્યું છે. AIનો સૌથી વધુ સદુપયોગ બીમાર લોકોની સારવાર અને સર્જરી માટે થશે. AI દ્વારા થનારાં જટિલ ઓપરેશન્સ પરફેક્ટ હશે. તેમાં માનવીય ભૂલની કોઈ સંભાવના નથી. ખાસ કરીને હૃદય, કિડની, લીવર, ફેફસાં કે મગજની શસ્ત્રક્રિયા આવનારાં વર્ષોમાં રોબોટ કરશે અને તેનાં સુંદર પરિણામો જોવા મળશે.દેશમાં અને દુનિયામાં કેન્સરની બીમારીથી કરોડો લોકો પીડાય છે. હવે આ કેન્સરની સારવાર માટે `સાયબર નાઇફ’ની શોધ થઈ છે.
મૂળ વિષય પર આવતાં પહેલાં `ફેન્ટાસ્ટિક વોયજ’ નામની એક ફિલ્મ આવી હતી. તે તો માત્ર કાલ્પનિક કથા પર આધારિત ફિલ્મ હતી, પરંતુ તે કલ્પના હવે સાચી પડતી હોય તેમ લાગે છે.
વર્ષો પહેલાં એક ફિલ્મ આવી હતી : `ફેન્ટાસ્ટિક વોયેજ’.
ફિલ્મની કથામાં ગજબનાક કલ્પના હતી. એક લશ્કરી વડો કે જે ઘણાં બધાં સિક્રેટ્સ જાણતો હતો, તે અચાનક કોમામાં ચાલ્યો જાય છે. તેના મગજની અંદર ખૂબ નાજુક જગ્યાએ ઓપરેશન કરવું જરૂરી હતું. એ સમયે એક વિજ્ઞાનીએ એવી ટેક્નિક વસાવી હતી કે માનવીને સૂક્ષ્મ બેક્ટેરિયા જેવડો નાનો બનાવી શકાય અને ફરી નોર્મલ સાઈઝનો પણ બનાવી શકાય. લશ્કરી નિષ્ણાતો નક્કી કરે છે કે તબીબોની એક ટુકડીને બેક્ટેરિયા જેવડા સૂક્ષ્મ બનાવી ઈન્જેક્શનની સોય દ્વારા દર્દીની નસમાં મોકલવા. નસના રક્તમાં એક નાનકડા જહાજ દ્વારા શરીરના વિવિધ અવયવોમાંથી પસાર થઈ દર્દીના મગજ સુધી પહોંચવું. મગજના ટ્યુમરની અંદર જઈ ઓપરેશન કરવું અને ફરી બહાર આવી વિજ્ઞાનીઓની મદદથી નોર્મલ સાઈઝના બની જવું. દર્દીના શરીરની અંદર ઊતરેલા તબીબોની ટુકડી માનવદેહમાં ક્યાં ભ્રમણ કરે છે તેનું ટ્રેકિંગ કરવા મગજની આસપાસ નાનાં ડિશ એન્ટેના ગોઠવવામાં આવ્યાં હતાં. તબીબોની ટુકડીમાં એક વિલન પણ હતો.
આ ફિલ્મ એક કાલ્પનિક વિજ્ઞાનકથા હતી.
સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરીને માનવશરીરમાં ગયેલા તબીબો ઑપરેશન થિયેટરના એક કર્મચારીની ભૂલના કારણે દર્દીના શરીરમાં અટવાઈ જાય છે, પરંતુ તેઓ દર્દીની આંખમાં તરતા હોવાનું શોધી કાઢી ફરી બહાર કાઢવામાં આવે છે. તેઓ માનવદેહની ભીતર જઈ ઑપરેશન પાર પાડીને બહાર આવી જાય છે. ફરી તેમને નોર્મલ સાઈઝના બનાવી દેવાય છે.
એ જમાનાના તમામ તબીબી વિદ્યાર્થીઓએ મેલોડ્રામાથી ભરેલી, પરંતુ માનવીના અવયવોની ભીતરની ફેન્ટાસ્ટિક યાત્રાની જ્ઞાન અને મનોરંજનથી ભરપૂર ફિલ્મ માણી હતી.
હવે આવી જ પરંતુ તેના કરતાં સહેજ અલગ ફેન્ટાસ્ટિક વોયેજ વિજ્ઞાનીઓ માટે હકીકત બની રહી છે.
કોઈ પણ વ્યક્તિ બીમાર પડે તેનાં આંતરડાં, પ્રોસ્ટેટ કે શરીરના કોઈ પણ ભાગમાં ટ્યુમર હોય તો તેની ટ્રીટમેન્ટ માટે રેડિએશન થેરાપીનો ઉપયોગ થાય છે, પરંતુ આ રેડિએશન થેરાપી ખરાબ કોષોની સાથે તંદુરસ્ત અને જરૂરી કોષોનો પણ નાશ કરે છે. દર્દીને પારાવાર પીડા અનુભવવી પડે છે. કેટલીક વાર દર્દીને પ્રોસ્ટેટનું કેન્સર હોય તો ગુદા દ્વારા રેડિએશન થેરાપી આપવામાં આવે છે. આ પદ્ધતિ દર્દીને પરેશાન કરી દેનારી તથા શરમ અનુભવનારી બની રહે છે.
આવી ત્રાસદાયક સારવાર માટે હવે નવી વૈજ્ઞાનિક પદ્ધતિની ખોજ કરવામાં આવી છે. તેને `સાયબર નાઈફ’ કહે છે. નાઈફ એટલે ચાકુ, પરંતુ `સાયબર નાઈફ’થી દર્દીના શરીરને ચીરવાનું હોતું નથી. આ સાઈબર નાઈફ યુદ્ધમાં વપરાતી ક્રૂઝ મિસાઈલની જેમ કામ કરે છે. સૌથી પહેલાં તો ક્રૂઝ મિસાઈલને સમજવાની જરૂર છે. યુદ્ધ વખતે કોઈ પણ સામાન્ય મિસાઈલ આકાશમાં છોડવામાં આવે છે તો દુશ્મન દેશ રડારથી તેને પકડીને આંતરી શકે છે અને તેને આકાશમાં જ ભસ્મીભૂત કરી શકાય છે, પરંતુ ક્રૂઝ મિસાઈલ એક જુદા જ પ્રકારની મિસાઈલ છે. તેને છોડ્યા બાદ તે સીધી આકાશમાં જતી નથી. તે જમીનની લગોલગ ઊડતી જાય છે. જ્યાં પર્વત આવે ત્યાં ઊંચે જતી રહે છે. ખીણ આવે તો નીચે આવી જાય છે. ટૂંકમાં ખૂબ ઊંચે ગયા વગર લપાતી છુપાતી ઊડતી રહે છે. પરિણામે તેને રડાર પકડી શકતું નથી અને ચોરની જેમ જઈ નિર્ધારિત લક્ષ્ય પર ત્રાટકે છે.
તબીબી વૈજ્ઞાનિકોએ આવી જ ક્રૂઝ મિસાઈલ ટેક્નોલોજીનો ઉપયોગ હવે દર્દીની સારવાર માટે શોધી કાઢ્યો છે. સામાન્ય રીતે કેન્સરથી પીડાતા કોઈ દર્દીને રેડિએશન આપવાનું હોય ત્યારે સાયબર નાઈફના નામે ઓળખાતી આ નવી ટેક્નિકમાં સુવાડેલા દર્દીની ઉપર એક અતિ સંવેદનશીલ કેમેરા ગોઠવવામાં આવે છે. તેની બાજુમાં રેડિએશન ઉપકરણ હોય છે. આ ઉપકરણ ઈમેજ ગાઈડેડ ક્રૂઝ મિસાઈલનો ઉપયોગ કરે છે. કેમેરા નક્કી કરી નાંખે છે કે શરીરમાં તંદુરસ્ત કોષો ક્યાં છે, તેથી જ્યારે રેડિએશન આપવામાં આવે છે ત્યારે આ કિરણો એવા સ્થળે પહોંચી શકે છે જ્યાં આજ સુધી પરંપરાગત રેડિએશન થેરાપી પહોંચી શકતી નહોતી.
આમાં ખૂબી એ છે કે ક્રૂઝ મિસાઈલ જેમ પર્વતો આવે તો ઊંચે ચડી જાય અને ખીણ આવે તો નીચે આવી જાય તેવી જ રીતે આ કિરણો તંદુરસ્ત કોષોને બાકાત રાખી માત્ર કેન્સરગ્રસ્ત કોષો પર જ ત્રાટકે છે. આને `સાયબર નાઈફ’ ટેક્નોલોજી કહે છે. સાયબર નાઈફ ટેક્નોલોજીની મદદથી તબીબો દર્દીના શરીરમાં કેન્સરના ટ્યુમર પર હાઈ ડોઝ પણ આપી શકે છે અને છતાં બીજા અવયવો કે તંદુરસ્ત કોષોને કોઈ જ નુકસાન થતું નથી.
કેન્સરના દર્દીઓ માટે ઉપકારક આવી સાઈબર નાઈફ ટેક્નોલોજીની શોધ અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ન્યૂરોલોજી એન્ડ ઓન્કોલોજી વિભાગના પ્રોફેસર જહોન આર. એડલરે કરી છે.
આ સાયબર નાઈફ ટેક્નોલોજી દર્દીને જેટલી જરૂર છે અને જ્યાં જરૂર છે તેટલા જ પ્રમાણમાં ટ્યુમર પર કિરણો ફેંકે છે.
આ ટેક્નોલોજીની ખૂબી એ છે કે તેમાં દર્દીના હાથ-પગ બાંધી દેવા પડતા નથી. દર્દીને બેભાન કરવો પડતો નથી. હળવું ઘેન આવે તેવી ગોળી પણ આપવી પડતી નથી. સાયબર નાઈફ કેન્સરગ્રસ્ત અને બિનકેન્સરગ્રસ્ત એમ બેઉ પ્રકારના ટ્યુમરમાં કામ આવે છે. તે અત્યંત જટિલ પ્રકારના ટ્યુમર પર પણ અસરકારક કામગીરી બજાવે છે.
સાયબર નાઈફ ટેક્નોલોજીની સફળતાનો આંક ૮૫થી ૯૦ ટકા જેટલો છે. અલબત્ત, આ સારવાર મોંઘી છે. શરીરની ભીતર ટ્યુમર ધરાવતા દર્દીએ સાયબર નાઈફ ટેક્નોલોજીની સારવાર લેવી હોય તો રૂ. ૪થી ૫ લાખ સુધીનો ખર્ચ આવે છે.
સામાન્ય રીતે અત્યારે ભારતમાં મગજના ટ્યુમરની સારવાર માટે `ગામા નાઈફ’નો ઉપયોગ થાય છે. ગામા નાઈફ ટેક્નોલોજીમાં દર્દીને તંદ્રાવસ્થામાં લઈ જનારી દવા આપવી પડે છે. મગજના ટ્યુમર પર ગામા કિરણો આપતી વખતે દર્દીને હેલ્મેટ પહેરાવવું પડે છે.
સાયબર નાઈફ ટેક્નોલોજીમાં આ બધું નીકળી જાય છે. તે મગજ, કરોડરજ્જુ, લીવર, પ્રોસ્ટેટ, કિડની, ફેફસાં કે શરીરના બીજા કોઈ પણ ભાગમાં થતા ટ્યુમર માટે વાપરી શકાય છે. સાયબર નાઈફ ટેક્નોલોજી એક પ્રકારની રોબોટિક ટેક્નોલોજી છે. ક્યાં કેટલું રેડિએશન આપવું તે રોબોટ જ નક્કી કરે છે. બધા જ નિર્ણયો કમ્પ્યૂટર લે છે.
સાયબર નાઈફ ટેક્નોલોજી હજી નવી જ હોઈ વિશ્વના ૧૭ દેશમાં જ તે પ્રચલિત છે.
સાયબર નાઈફ એક પ્રકારનું ઈમેજ ગાઈડેડ રોબોટિક રેડિયો સર્જિકલ ઉપકરણ છે. તેની સારવાર ૩૦થી ૯૦ મિનિટ ચાલે છે અને રેડિએશન લીધા પછી દર્દીને પોતે બીમાર છે તેવો અનુભવ થતો નથી.
સાયબર નાઈફ ટેક્નોલોજી ટૂંક સમયમાં હાલ વપરાતી ગામા નાઈફ ટેક્નોલોજીને આઉટ ઓફ ડેટ કરી દેશે.
આ ટેક્નોલોજીના શોધક ડો. એડલર કહે છે: `ટૂંક સમયમાં તે હૃદયરોગની પણ સારવાર માટે કામ આવશે. ખાસ કરીને એબ્નોર્મલ હાર્ટ રિધમના દર્દીઓ માટે તે ઉપકારક સાબિત થશે.’
અમેરિકામાં તો કેન્સરના ઘણા દર્દીઓ સાયબર નાઈફ ટેક્નોલોજી દ્વારા રેડિએશન લીધા બાદ ઑપરેશન થિયેટરમાંથી બહાર નીકળી સાઈકલ ચલાવી ઘરે જતા હોય છે.
ભારતમાં દર વર્ષે કેન્સરના ૧૦ લાખ જેટલા નવા દર્દીઓ ઉમેરાતા જાય છે. તમાકુ અને ગુટકાઓના બેફામ ઉપયોગના કારણે ૨૦૨૫માં આંકડામાં પાંચ ગણો વધારો થશે. કેન્સરના કારણે ભારતમાં દર એક કલાકે ૫૦ માણસો મૃત્યુ પામે છે. ભારતમાં પુરુષોમાં મુખ્યત્વે મોં, ગળાનું, ફેફસાંનું, પ્રોસ્ટેટનું, હોજરીનું અને મગજના કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે, જ્યારે સ્ત્રીઓમાં ગર્ભાશયના મુખનું, સ્તનનું, ઓવરીનું થાઈરોઈડનું તથા ગાલ બ્લેન્ડરનું કેન્સર વધુ જોવા મળે છે.
ભારતમાં હજુ સાયબર નાઈફ ટ્રીટમેન્ટ મોંઘી હોવાથી અમુક જ હૉસ્પિટલોમાં જ ઉપલબ્ધ છે.
—————————— —————————— —————————— —-



