Close

મોબાઇલ ફોનના વધુ પડતા ઉપયોગથી મગજની ભીતરના કોષોને નુકસાન પહોંચે છે, કેન્સર પણ થઈ શકે છે

મોબાઈલ ફોન હવે આધુનિક જીવનશૈલીનો એક હિસ્સો બની ગયો છે. મોબાઈલ ફોન પરનાં સિગ્નલો મોબાઈલ ટાવર્સ પરથી આવે છે. ભારતમાં ચાર લાખ મોબાઈલ ટાવર છે. ગુજરાતમાં ૧૮,૦૦૦ મોબાઈલ ટાવર છે. દેશમાં ૯૩ કરોડ મોબાઈલ ફોન છે. ભારતમાં ૧૦થી વધુ મોબાઈલ કંપનીઓ છે. મોબાઈલ ફોનના સૌથી વધુ ગ્રાહકો ચીનમાં એક બિલિયન જેટલા છે. ભારત અને ચીન વચ્ચે ફરક એ છે કે ભારતમાં મોબાઈલ ટાવરોની કનેક્ટીવિટી માઈક્રોવેવ એન્ટેના દ્વારા છે, જ્યારે ચીનમાં મોબાઈલ ટાવરો ફાઈબરઓપ્ટિક વાયરથી જોડાયેલા છે. દેશમાં લાંબા સમય બાદ મોબાઈલ ટાવર અને મોબાઈલ ફોનમાંથી નીકળતા રેડિએશનના ખતરા અંગે ચર્ચા શરૂ થઈ છે.
ફિનલેન્ડનો અહેવાલ
ફિનલેન્ડસ્થિત રેડિએશન એન્ડ ન્યુક્લિયર સેફ્ટી ઓથોરિટીએ રજૂ કરેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મોબાઈલમાંથી નીકળતા રેડિએશન `સ્ટ્રેસ પ્રોટીન’નું નિર્માણ કરે છે. ઈલેક્ટ્રોમેગ્નેટિક નિષ્ણાત દીપા નાઈકના મત મુજબ મોબાઈલ ફોનમાંથી નીકળતા રેડિએશન માનવકોષોમાં પ્રોટીનની માત્રા જરૂર વધારે છે, પરંતુ તેનાથી સકારાત્મક અસર થાય છે કે નકારાત્મક તે કહેવું મુશ્કેલ છે.
યુનિવર્સિટી ઓફ ન્યૂયોર્ક
સ્ટેટ યુનિવર્સિટી ઓફ ન્યૂયોર્કના એક રિપોર્ટ અનુસાર ખોળામાં લેપટોપ અને પેન્ટના ખિસ્સામાં રાખેલો મોબાઈલ ફોન પુરુષોને નપુંસકતા તરફ ધકેલી દે છે. વિશ્વસ્તરમાં મોબાઈલ ફોનની જેટલી રાહત છે તે કરતાં વધુ તેનાથી ઊભાં થયેલાં જોખમો પર સંશોધન થઈ રહ્યું છે. મજાની વાત એ છે કે એક સંશોધન મોબાઈલ ફોનથી ઊભાં થતાં જોખમો દર્શાવે છે તો તરત જ બીજું સંશોધન મોબાઈલથી કોઈ જ જોખમ નથી, એવું દર્શાવતું જાહેર થઈ જાય છે, પરિણામે લોકો દ્વિધામાં પડી જાય છે.
ભારતમાં શું પરિસ્થિતિ છે?
૧૪૦ કરોડની વસ્તીવાળા ભારત દેશમાં મોબાઈલ ફોનધારકોની સંખ્યા ૯૦ કરોડ સુધી પહોંચી ગઈ છે. બ્રિટન કે અમેરિકા કરતાં ભારતમાં મોબાઈલ ફોન વાપરનારાઓની સંખ્યા વધુ છે. સ્કૂલમાં જતાં બાળકોને હાથમાં સ્માર્ટ ફોન જોઈએ છે. ટીવી ચાલુ હોય તો પણ બાળકનું ધ્યાન મોબાઈલ ફોનમાં આવતા વોટ્સએપ મેસેજ કે ગેમ્સ પર હોય છે. ઘણી વાર બાળક દ્વિ-અવધાની લાગે. બાળકના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લેવો મુશ્કેલ કામ છે. મોબાઈલ ફોન લઈ લો તો તે ચીડિયુું થઈ જાય છે. કિશોરો સતત ઓનલાઈન રહેવાનું પસંદ કરે છે. `ઓફ લાઈન’ અવસ્થાને તે બરાબર પણ સહન કરી શકતા નથી.
આ બધાના કારણે મોબાઈલ ફોનના વપરાશનો જે અતિરેક થયો છે, તેના કારણે લાઈફસ્ટાઈલ બીમારીઓ પણ માત્ર બાળકો જ નહીં, બાહ્ય પરંતુ યુવાનો અને મોટેરાંઓના જીવનનો એક હિસ્સો થઈ ગઈ છે.
વિશ્વમાં તબીબો અને વૈજ્ઞાનિકોનો એક એવો મોટો વર્ગ છે કે જેઓ માને છે કે મોબાઈલ ફોનથી ઘણી બીમારીઓ થઈ શકે છે. મોબાઈલ ફોનમાંથી ઘાતક રેડિએશનનું ઉત્સર્જન થાય છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે તમારો મોબાઈલ ફોન તે ટુ-વે રેડિયો છે. તે બહારથી આવતા સૂક્ષ્મ તરંગોને ધ્વનિમાં પરિવર્તિત કરી તમારા કાન સુધી પહોંચાડે છે. તે જ રીતે તમારા અવાજને સૂક્ષ્મ તરંગોમાં પરિવર્તન કરી કિલોમીટર કે બે કિલોમીટર દૂર આવેલા ટાવર સુધી પહોંચાડે છે. આ કાર્ય કરવા જતાં મોબાઈલ ફોનને પુષ્કળ ઊર્જા ઉત્સર્જિત કરવી પડે છે. બહુ ઓછા લોકોને અરે! ટેક્નોસેવી લોકોને પણ એ વાતની ખબર નથી કે, એ વાત ભલે સાબિત થઈ ન હોવા છતાં વૈજ્ઞાનિકો એ હકીકત સ્વીકારે છે કે દરેક મોબાઈલ ફોન, તમે જ્યારે વાત કરો છો ત્યારે માઈક્રોવેવ રેડિએશન પણ ઉત્સર્જિત કરે છે, જે માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. મોબાઈલ ફોનમાંથી નીકળતા  રેડિએશનથી કેન્સર થઈ શકે છે. માથામાં ગાંઠ થઈ શકે છે. સાંભળવાની ક્ષમતા ઘટી શકે છે. મગજની ભીતર રહેલા કોષોને નુકસાન પહોંચાડી શકે છે. સ્વભાવમાં પરિવર્તન આવી શકે છે. એ જાણી લેવું જરૂરી છે મોબાઈલ ફોન અને મોબાઈલ ટાવર્સ એ બંને રેડિએશનનું ઉત્સર્જન કરે છે. એક્સ-રે જેવાં આયોનાઈઝિંગ રેડિએશનના કેન્સર થવાની શક્યતાઓને વધારી દે છે. સર્વિસ પ્રોવાઈડર્સનો દાવો છે કે મોબાઈલ ફોન અને મોબાઈલ ટાવર નોન-આયોનાઈઝિંગ રેડિએશનનું ઉત્સર્જન કરે છે. અલબત્ત, તેઓ ગમે તે કહે પરંતુ વિશ્વના કેટલાક વૈજ્ઞાનિકો મોબાઈલ ફોન કે ટાવરમાંથી નીકળતું રેડિએશન માનવ સ્વાસ્થ્ય માટે સલામત હોવાનું માનતા નથી. નોંધપાત્ર વાત એ છે કે, મોબાઈલ ટાવર્સ જે માઈક્રોવેવ રેડિએશનનું ઉત્સર્જન કરે છે તે તમારા શરીરમાં પ્રવેશ્યા બાદ શરીરમાં રહેલા ફ્લુઈડ મોલેક્યુલ્સના વાઈબ્રેશનને વધારે છે અને તેને ઉષ્ણ પણ કરે છે. મોબાઈલ ફોન પર જો લાંબી વાત ચાલે તો માનવશરીરમાં રહેલું લોહી પણ ઉષ્ણ થાય છે. એ ઉષ્ણતા આખા શરીરમાં ફેલાઈ જાય છે. સાથે સાથે એ પણ જાણી લેવું જોઈએ કે, ટીવી, રેડિયો ટાવર્સ અને કમ્પ્યૂટર્સ પણ રેડિએશન ફેલાવે છે.
બાળકોને નુકસાન
સૌથી ભયજનક વાત એ છે કે, મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગથી સૌથી વધુ નુકસાન બાળકોને થાય છે, કારણકે તેમનામાં રોગપ્રતિકારક ક્ષમતા વિકસેલી હોતી નથી. તાજેતરમાં દેશના એક મેટ્રો શહેરની એક સ્કૂલનાં ૧૦૦૦ બાળકો પર એક સર્વે થયો હતો. આ સર્વેની ફલશ્રુતિ એવી હતી કે ૬૩ ટકા બાળકોને એ વાતની ખબર નહોતી કે મોબાઈલ ફોનના વધુ પડતા વપરાશથી સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે. ૧૩થી ૧૮ વર્ષનાં બાળકો પર થયેલી આ મોજણીમાં જણાયું હતું કે, ૫૭ ટકા બાળકો મોબાઈલ પર રોજ ૧૨૦ મિનિટ વાત કરે છે. તે પૈકી ૬૫ ટકા બાળકો ઈયર ફોનનો ઉપયોગ કરતાં નથી. ૫૬ ટકા બાળકો એવા હતાં જેમના ઘરમાં લેન્ડલાઈન ફોન હોવા છતાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરતાં હતાં.
મોબાઇલ શું છે?
મોબાઈલ ફોનમાંથી નીકળતા જે જોખમની વાત કરવામાં આવે છે કે તે હકીકતમાં ટુ-વે રેડિયો જ છે. હેન્ડસેટ એક પ્રકારનો ટુ-રેડિયો જ છે. તેમાં એક ટ્રાન્સમીટર છે તો એક રિસીવર છે. મોબાઈલ ફોનની અંદરનું ટ્રાન્સમીટર રેડિયો સિગ્નલ પેદા કરે છે એન્ટેના દ્વારા બહાર ધકેલે છે. જો કે કેટલાંક વિજ્ઞાનીઓ કહે છે કે મોબાઈલના એન્ટેના દ્વારા બહાર નીકળતાં કિરણો એટલાં શક્તિશાળી હોતાં નથી, જે કાન કે મસ્તિષ્કને નુકસાન પહોંચાડી શકે.
નવા માપદંડ
માનવ શરીરમાં પાવર સહન કરવાની શક્તિ પણ નિર્ધારિત કરવામાં આવી છે, જે ભારતમાં એફ- ૨૦૦ છે. વિજ્ઞાનીઓ કહે છે કે જ્યાંથી ઈલેક્ટ્રોમેગ્નેટિક ઊર્જા બહાર આવે છે તે પછી તેની તીવ્રતામાં ઘટાડો થાય છે. જેમ જેમ તે દૂર જાય છે તેમ તેમ તે ક્ષીણ થાય છે. એટલે નિષ્ણાતો માને છે કે મોબાઈલ પર વાત કરતી વખતે તેને કાનથી સહેજ દૂર રાખો. લાંબી વાત કરવી જરૂરી હોય તો ઈયર ફોનનો ઉપયોગ કરો. હેન્ડ સેટને હૃદયથી પણ દૂર રાખવો જરૂરી છે. એ જ રીતે માનવ મગજથી પણ દૂર રાખવાની સલાહ આપવામાં આવે છે. શક્ય હોય તો સ્પીકર ફોનનો ઉપયોગ કરો. ખાસ કરીને હૃદયના દર્દીઓ તો ફોનને શર્ટના ઉપરના ખિસ્સામાં હૃદયની પાસે કદી ન રાખે. મોબાઈલનો વધુ પડતો ઉપયોગ બ્રેઈન ટ્યૂમર પણ સર્જી શકે છે, તેમ કેટલાક નિષ્ણાતો માને છે.
કેટલાંક બાળકો મોબાઈલ ફોનને સ્વીચ ઓફ કર્યા વગર મોબાઈલ ફોનને બાજુમાં રાખી સૂઈ જતાં હતાં. પશ્ચિમનાં તબીબોએ રાત્રે સૂતી વખતે મોબાઈલ ફોનને બાજુમાં ના રાખવાની સલાહ આપી છે.
સેલ્યુલર ઓપરેટરો એવો દાવો કરે છે કે મોબાઈલ ફોનમાંથી નીકળતા રેડિયેશનથી માનવ સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે છે તેવું સાબિત થયું નથી. તેઓ ભલે તેમ કહે છે પરંતુ વૈજ્ઞાનિકો સ્વીકારે છે કે મોબાઈલ ફોનના રેડિયેશન અંગે વિવાદ છે અને ચર્ચા છે ત્યાં સુધી તકેદારીના પગલાં લેવાં માટે મોબાઈલ ફોનનો બિનજરૂરી ઉપયોગ ન કરવો અને તેનો ટૂંકો ઉપયોગ કરવો તે વધુ બહેતર છે.
સલાહ છે કે, મોબાઈલ પર વાત કરવામાં વધારે ટેક્સટ મેસેજ (એસએમએસ)નો વધુ ઉપયોગ કરો. મોબાઈલ ફોન પર સ્પીકર ફોનની સુવિધા છે તેનો ઉપયોગ કરો. ખૂબ લાંબી વાતો મોબાઈલ પર ન કરો. રાત્રે સૂતી વખતે મોબાઈલ ફોનને દૂર રાખો. જ્યાં ઓછા સિગ્નલો આવતાં હોય ત્યાં મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળો. કારણકે અહીં રેડિએશનના ઉત્સર્જનની શક્યતા વધુ રહે છે. લેન્ડલાઈન ફોનનો ઉપયોગ વધુ કરો.

Be Sociable, Share!