તેઓ પ્રજ્ઞાચક્ષુ છે. એક કંપનીના સીઇઓ એટલે કે કંપનીના વડા છે.
આંધ્રપ્રદેશના સીતાપુરમ્ ગામમાં જન્મેલા શ્રાીકાંતના જીવનની કથા પ્રેરક છે. શ્રાીકાંતના જન્મ વખતે જશ્નની જગ્યાએ નિરાશનોે માહોલ હતો. બાળકના જન્મતાં જ આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે નવજાત શિશુની આંખમાં રોશની નથી. તેના માતા-પિતા આ વાત સ્વીકારવા તૈયાર નહોતા. જોકે કેટલાક સમય બાદ તેમણે કડવી વાસ્તવિકતા સ્વીકારી લીધી.
તેઓ બાળકને લઈ કંઈ કેટલાયે ડોક્ટરો પાસે ગયા પરંતુ બધા જ ડૉક્ટરોએ એક જ વાત કહી કે બાળક નેત્રહીન છે. તે કદી જોઈ શકશે નહીં.
તેનું બચપણ ગામમાં જ વીત્યું. માત્ર ખેતી પર જ ઘર નભતું હતું. બાળકને શ્રાીકાંત એવું નામ આપવામાં આવ્યું. બાળક જેમ જેમ મોટું થયું તેમ તેમ તેને વ્હાલના બદલે દયા જ પ્રાપ્ત થઈ. ગામના લોકો જ્યારે પણ શ્રાીકાંતને જુએ એટલે તેની દયા ખાતા, નિસાસા નાખતા ઃ ‘અરેરે ! આ બાળકનું શું થશે ?’
કેટલાક નફફ્ટ લોકો તો એમ કહેતા ઃ ‘એના માતા-પિતાને ગયા જનમના કોઈ પાપની સજા મળી છે.’
નાનકડો શ્રાીકાંત જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેના પરિવારની ચિંતા વધતી ગઈ. માને એમ જ લાગતું હતું કે આ બાળક કયાંક ખોવાઈ ના જાય ? ક્યાંક પડી જશે તો ?
એક માણસે તો એના માતા-પિતાને સલાહ આપી કે, ‘મરી જવા દો આ બાળકને ! મોટો થઈને એ તમારી પર બોજ બની જશે.’
ગામના લોકો ગમે તેમ બકવાસ કરતા રહ્યા પરંતુ માતા-પિતા બાળકને ચાહતા જ રહ્યા. શ્રાીકાંત પાંચ વર્ષનો હતો ત્યારે જ તેના પિતા તેને ખેતરમાં લઈ જવા માંડયા. તેમને હતું કે બાળક ખેતીનું થોડું ઘણું કામ શીખી લેશે. પરંતુ આટલા નાના પ્રજ્ઞાચક્ષુ બાળક માટે હળ ચલાવવાનું કે ફસલ કાપવાનું કામ કરવું મુશ્કેલ હતું.
છેવટે નાનકડા શ્રાીકાંતને ગામની એક સરકારી સ્કૂલમાં દાખલ કરી દેવામાં આવ્યો. પરંતુ સરકારી શાળા ઘરથી પાંચ કિલોમીટર દૂર હતી. રોજ ચાલીને જવાનું. બાળકને શાળાનો અનુભવ પણ દુઃખદ રહ્યો. શિક્ષકને પણ આ નેત્રહીન બાળકને ભણાવવામાં કોઈ રૂચિ નહોતી. તેને રમતના મેદાન પર આવવાની ના પાડી દેવામાં આવી. કારણ કે તે જોઈ શકતો નહોતો.
એ વખતે શ્રાીકાંત છ વર્ષનો હતો. તેની સાથે કોઈ રમવા તૈયાર નહોતું. પીટી ટીચરને તો તેનામાં કોઈ રસ નહોતો. બાળક જાણે કે એકલો પડી જતો હતો. તેને એકલો પાડી દવામાં આવતો હતો. આ જ તેના માટે મોટી સજા હતી.
એટલામાં કોઈએ શ્રાીકાંતના પિતાને કહ્યું કે પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે અલગ સ્કૂલ હોય છે. તેમણે તપાસ કરી અને બાળકને લઈ તેઓ હૈદરાબાદ પહોંચ્યા. અહીંની એક બ્લાઇન્ડ બાળકો માટેની સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો. આ સ્કૂલનું વાતાવરણ જ સાવ અલગ હતું. અહીં બધા જ બાળકો નેત્રહીન હતા. થોડા જ દિવસોમાં તમામ બાળકો તેના દોસ્ત બની ગયાં. અહીં તેને કોઈ ચીડવતું નહોતું. પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે ખાસ શિક્ષકો હતો.
થોડા જ મહિનામાં શ્રાીકાંતે વાંચતા લખતાં શીખી લીધું. આ સ્કૂલમાં ભણવાની સાથે તેણે ક્રિકેટ અને શતરંજ ખેલવાનું પણ શરૂ કર્યું.
હવે દરેક વર્ગમાં તે પ્રથમ આવવા લાગ્યો. દસમા ધોરણમાં તે તેની સ્કૂલનો ટોપર રહ્યો. એવામાં ભારતના તે વખતના મહામહીમ્ રાષ્ટ્રપતિ શ્રાી એ.પી.જે. કલામ તરફથી તેને રાષ્ટ્રપતિભવનમાં આવવા નિમંત્રણ મળ્યું. શ્રાીકાંતને રાષ્ટ્રપતિશ્રાીના લીડ ઇન્ડિયા પ્રોજેક્ટ સાથે જોડાવવાની તક મળી. આ વાત જાણી તેના માતા-પિતા ખુશ થઈ ગયાં.
શ્રાીકાંત વિજ્ઞાનના વિષયમાં આગળ વધવા માગતો હતો પરંતુ નેત્રહીન હોવાથી તેને ધોરણ ૧૧માં વિજ્ઞાનનો વિષય ના મળ્યો. શ્રાીકાંત સ્તબ્ધ થઈ ગયો. એણે સ્કૂલના આચાર્યને પૂછયું ઃ ‘હું વિજ્ઞાનનો વિષય કેમ રાખી શકું નહીં?’
આચાર્યએ તેને જવાબ આપ્યો ઃ ‘તું નેત્રહીન છ.ે પ્રજ્ઞાચક્ષુ બાળકોને વિજ્ઞાનનો વિષય ભણાવવાની જોગવાઈ નથી.’
પરંતુ શ્રાીકાંત મક્કમ હતો. તેણે આ મુદ્દા પર કાનૂની લડાઈ લડી. છ મહિના બાદ તેને વિજ્ઞાનનો વિષય રાખવાની અનુમતિ મળી. શિક્ષકો અને માધ્યમિક શિક્ષક બોર્ડની તમામ આશંકાઓ છતાં તેણે ૧૨માં ધોરણમાં ૯૮ ટકા માર્ક્સ હાંસલ કર્યા.
હવે તે એન્જિનિયરિંગમાં આગળ વધવા માગતો હતો. પરંતુ દેશની એક પણ શૈક્ષણિક સંસ્થામાં નેત્રહીન વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગમાં ભણાવવાની વ્યવસ્થા નહોતી.
શ્રાીકાંતે હવે વિદેશની યુનિવર્સિટીમાં પ્રવેશ મળે તે માટે પ્રયાસો શરૂ કર્યા. અમેરિકાની ચાર યુનિવર્સિટીઓએ તેના પ્રવેશપત્રનો સ્વીકાર કર્યો. શ્રાીકાંતે બીટેક થવા માટે મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજીની પસંદગી કરી. આ ઇન્સ્ટિટયૂટમાં ભણવાવાળો પહેલો પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી હતો.
ખૂબ મહેનત કરીને તે ભણ્યો. ભણવાનું પૂરું થતાં જ તેને નોકરી માટે ચાર અમેરિકન કંપનીઓ તરફથી ઓફર આવી.
પરંતુ શ્રાીકાંતે નિર્ણય કરી લીધો હતો કે તે ભારત જ પાછો આવશે. તે વિદેશમાં રહી નોકરી કરવા માગતો નહોતો. એણે ભારત પાછા આવવા નિર્ણય કર્યો. પરંતુ તેના ઘરવાળાઓને શ્રાીકાંતનો આ નિર્ણય ગમ્યો નહીં. તેમનું કહેવું હતું કે ભારતમાં તેને નોકરી શોધવામાં ખૂબ મુશ્કેલીઓ પડશે. જે તે બચપણથી સહન કરતો આવ્યો છે. તેના મિત્રોએ પણ તેને અમેરિકામાં જ સ્થિર થવા સલાહ આપી.
આમ છતાં તે ભારત પાછા આવવા મક્કમ હતો. કેટલાકે તેને કહ્યું ઃ ‘તું મૂર્ખામી કરી રહ્યો છું.’
તેના માતા-પિતા પણ ચાહતા હતા કે તે અમેરિકામાં જ નોકરી કરે, લગ્ન કરી લે અને અમેરિકામાં જ ઘર વસાવી લે. પરંતુ શ્રાીકાંતે કહ્યું ઃ ‘મેં તો મારા આત્માનો અવાજ જ સાંભળ્યો.’
તે ભારત પાછો આવ્યો. અહીં આવીને તેણે દિવ્યાંગો માટે હૈદરાબાદમાં એક સેન્ટર ખોલ્યું. આ એક એવી સંસ્થા હતી જે દિવ્યાંગોને ભણવામાં મદદ કરવા લાગી.
૨૦૧૨માં તેણે બોલેંદ ઇન્ડસ્ટ્રીઝની શરૂઆત કરી. આ કંપનીનો હેતું હતો દિવ્યાંગોને નોકરી-રોજી આપવાનો. શરૂઆતના પાંચ જ વર્ષોમાં તેની કંપનીએ ખૂબ જ પ્રગતિ કરી,
૨૦૧૭માં ‘ફોબ્સ’ મેગેઝિને શ્રાીકાંતને ૩૦ વર્ષની વયથી નીચેના ઉદ્યોગપતિઓની યાદીમાં સામેલ કરી દીધો. આજે ભારતના પાંચ શહેરોમાં તેમની કંપનીના પ્લાન્ટ છે.
શ્રાીકાંત કહે છે ઃ ‘હું જ્યારે કોઈના સહારા વગર ચાલું છું ત્યારે કેટલાક લોકો મને પૂછે છે કે વગર આંખે હું કેવી રીતે જોઈ લઉં છું? ત્યારે હું તેમને કહું છું કે જોવા માટે નજર નહીં દૃષ્ટિ જોઈએ.’
– દેવેન્દ્ર પટેલ




