બલિરાજા દાનેશ્વરી હતા, પરંતુ તેમને આ બાબતનું સૂક્ષ્મ અભિમાન હતું. તેઓ ભક્ત પ્રહ્લાદના પૌત્ર હતા. એક વાર તેમણે નર્મદાજીના કિનારે યજ્ઞ કરાવ્યો. ભગવાન વિષ્ણુ ખુદ ત્યાં વામનજીના રૂપમાં પ્રવેશ્યા. વામનજી મહારાજ સાત જ વર્ષના છે. બલિરાજાએ અને તેમનાં પત્ની વિંદ્યાવલી રાણીએ બ્રહ્મચારી વામનજીની પૂજા કરી. બલિરાજા બોલ્યા, `આપનાં દર્શન કરીને મને ખૂબ આનંદ થયો છે. મને થાય છે હું બધું જ રાજ તમને આપી દઉં. તમારે જે જોઈએ તે માંગો. ભૂમિ જોઈએ તો ભૂમિ અને કન્યા જોઈએ તો કન્યા આપું.’
વામનજી બોલ્યા, `રાજા, હું સંતોષી બ્રાહ્મણ છું. હું વધારે કંઈ લેવા આવ્યો નથી. મારા પગથી માંડી ત્રણ ડગલાં ભરાય એટલી પૃથ્વીનું દાન લેવા આવ્યો છું.’
બલિરાજાને લાગ્યું કે આ વામનજી તેમની ઉંમર પ્રમાણે બાળકબુદ્ધિના છે. તેમણે કહ્યું, `મહારાજ, હજી તમે નાના છો. મોટા થશો. લગ્ન થશે. બાળકો થશે એ બધાનું ભરણપોષણ કેવી રીતે કરશો?’ પરંતુ વામનજી ફરી બોલ્યા, `હું સંતોષી બ્રાહ્મણ છું. મારે તો બેસવા માટે ત્રણ પગલાં જેટલી જ જગ્યા જોઈએ છે.’
બલિરાજાએ કહ્યુંઃ `ઠીક છે. ત્રણ પગલાં ભરી લો. એ ભૂમિ તમારી.’
અને વામનજીએ તરત જ હજાર હાથવાળું વિરાટ નારાયણ સ્વરૂપ પગટ કર્યું. તેઓ તો સાક્ષાત્ ભગવાન વિષ્ણુ હતા. એક પગલામાં આખી પૃથ્વી આવી ગઈ. બીજા પગલામાં બલિરાજાનું આખું રાજ આવી ગયું. ત્રીજું પગલું હજુ બાકી હતું એટલે વામનજી બોલ્યા, `રાજન! તમે ત્રણ પગલાંનું દાન કરવા સંકલ્પ કર્યો હતો. મારું એક પગલું બાકી છે. જે સંકલ્પનું પાલન કરતો નથી તેની દુર્ગતિ થાય છે.’
બલિરાજા ગભરાયા. વામનજીએ માગ્યું ત્યારે નાના બાળક હતા, પરંતુ દાન સ્વીકારતી વખતે તેમણે વિરાટ સ્વરૂપ પ્રગટ કર્યું. બલિનું અભિમાન ઓગળી ગયું. વામનજી ભગવાને રાજા બલિને બાંધવાનો હુકમ કર્યો.
બલિરાજાનાં પત્ની વિંદ્યાવલી રાણી ભક્તિભાવવાળાં હતાં. તેઓ ભગવાનના પગે પડ્યાં અને કરગર્યાંં. `હે ભગવાન, મારા પતિ વતી હું માફી માગું છું, તેમને બાંધશો નહીં.’
એ પછી રાણીએ પતિને કહ્યુંઃ `ભગવાનના જમણા ચરણમાં વંદન કરો. હું તેમના ડાબા ચરણમાં વંદન કરું છું. તે પછી ભગવાનને કહો કે તમારું એક ડગલું બાકી છે તેથી તમારો પગ મારા માથામાં મૂકો. એમ કહો કે હવે આટલું જ મારી પાસે છે.’
બલિરાજાએ ભગવાનની માફી માંગી અને રાણીએ કહ્યું હતું તેમ ભગવાનને કહ્યું.
ભગવાન વામનજીએ બલિરાજાના માથા પર પગ મૂક્યો. વામનજી ભગવાને કહ્યું, `હે રાજન, સ્વર્ગનું રાજ મેં દેવોને આપ્યું છે. પાતાળનું રાજ હું તમને આપું છું. તમે મને તમારું સર્વસ્વ આપ્યું છે. બીજું શું જોઈએ? માંગો.’
બલિરાજા બોલ્યા, `ભગવાન! આપે મારા મહેલના દ્વારપાળ બનવું પડશે.’
ભગવાને હા પાડી.
બલિરાજા પાતાળમાં રહેવા ગયા. ભગવાન પાતાળમાં આવેલા તેમના મહેલ પર દ્વારપાળ બની પહેરો ભરવા લાગ્યા. બલિરાજા હવે દરેક દ્વારમાં ભગવાન ચતુર્ભુજ વિષ્ણુનાં દર્શન કરવા લાગ્યા. આમ કરવા પાછળ બલિરાજાનો એ જ શુભ હેતુ હતો કે ભગવાન નારાયણ તેમનાથી દૂર જાય જ નહીં. આપેલા વચનને કારણે ભગવાન બલિરાજાના મહેલમાં જ દ્વારપાળ બની ત્યાં જ રહ્યા.
આ તરફ વૈકુંઠમાં લક્ષ્મીજી એકલાં પડ્યાં. ઘણા દિવસથી નારાયણને જોયા નહીં એટલે તેમણે નારદજીને પૂછ્યું, `મારા પતિદેવ ક્યાં છે?’
નારદજીએ કહ્યું કે, `તમારા પતિદેવ તો બલિરાજાને ત્યાં પહેરો ભરે છે. બલિરાજા રજા આપે તો જ તેઓ પાછા ફરશે.’
માતા મહાલક્ષ્મીએ લીલા કરી. તેમને ભગવાન વગર જરાયે ગમતું નહોતું. તેમણે બાહ્મણ પત્નીનો વેશ ધારણ કર્યો અને તેઓ બલિરાજાના દરબારમાં ગયાં. બલિરાજા લક્ષ્મીજીને ઓળખી શક્યા નહીં. તેમણે વિનયથી પૂછ્યુું: `તમે કોણ છો?’
લક્ષ્મીજીએ બ્રાહ્મણ મહિલાના વેશમાં કહ્યુંઃ `હું બ્રાહ્મણની પત્ની છું. મારે માતા-પિતા નથી. ભાઈ નથી. પિયરમાં જવાની ઈચ્છા થાય છે. ક્યાં જાઉં? મેં સાંંભળ્યું છે કે બલિરાજાને બહેન નથી. હું તમારી ધર્મની બહેન બનવા આવી છું, તમે મારા ધર્મના ભાઈ થાવ.’
બલિરાજા તરત જ બોલ્યા, `આજથી તમે મારાં મોટાં બહેન અને હું તમારા ધર્મનો ભાઈ, મારા ઘરને જ તમારું પિયર સમજો. તમારી ઇચ્છા હોય ત્યાં સુધી અહીં રહો.’
લક્ષ્મીજી બલિરાજાના બહેન બની બલિરાજાના મહેલમાં રહેવા લાગ્યાં. લક્ષ્મીજીના આવવાથી આખું નગર સુખી થઈ ગયું. કોઈ રોગી કે ગરીબ ન રહ્યું. બલિરાજાને થયું કે મારા મહેલમાં બહેનના આવવાથી બધા સુખી થયા, પરંતુ મારાં બહેનના ચહેરા પર આનંદ નથી.
હવે શ્રાવણની પૂર્ણિમા આવી. લક્ષ્મીજીએ બલિરાજાને કહ્યું, `ભાઈ, આજે રક્ષાબંધન છે. હું તમને રાખડી બાંધીશ.’ બલિરાજાએ ખુશ થઈને રાખડી બંધાવી તે પછી તેઓ બોલ્યા, `બહેન, તમે અહીં આવ્યાં તે પછી મારું આખું નગર સુખી થયું છે, પણ તમારા ચહેરા પર આનંદ નથી. તમને જે ખૂટતું હોય તે મને કહો. માંગો તે હું આપીશ.’
લક્ષ્મીજીએ કહ્યું, `મારા ઘરમાં બધું છે, પણ એક નથી.’
`શું?’
`ભાઈ, તમારા મહેલના દ્વારે જે પહેરો ભરે છે તેમને હવે કાયમી રજા આપો.’
બલિરાજાએ પૂછ્યું, `બહેન, મારા દ્વારે જે પહેરો ભરે છે તે તમારા કોઈ સગા થાય છે? ચાલો, ઠીક છે. મેં તમને વચન આપ્યું છે. તેમને હું મુક્ત કરું છું’ અને તરત જ સાક્ષાત્ ભગવાન વિષ્ણુદેવ પ્રગટ થયા. બલિરાજા પણ ભગવાન વિષ્ણુનું ચતુર્ભુજ સ્વરૂપ જોઈ ખુશ થયા. હવે લક્ષ્મીજીએ પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું. ભગવાનની પૂજા કરી અને પતિદેવ ભગવાન વિષ્ણુને બલિરાજાના બંધનમાંથી મુક્ત કરાવી વૈકુંઠધામમાં લઈ ગયાં. આવી છે એક રાખડીની પૌરાણિક પવિત્ર કથા.
એકમાત્ર શ્રેષ્ઠ ભારતીય હિન્દુ પ્રણાલિકામાં જ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવાય છે. આ તહેવારનું આધ્યાત્મિક અને ધાર્મિક માહાત્મ્ય જાણવા જેવું છે. એક વાર દૈત્યો અને અસુરોમાં યુદ્ધ થયું. આ યુદ્ધ સતત ૧૪ વર્ષ સુધી ચાલતું રહ્યું. અસુરોએ દેવતાઓને પરાજિત કરી દીધા, દેવોના પ્રતિનિધિ ઈન્દ્રને પરાજિત કરી દીધા. આ પરિસ્થિતિમાં દેવતાઓ સહિત ઈન્દ્ર અમરાવતી ચાલ્યા ગયા. બીજી બાજુ વિજેતા દૈત્યરાજે ત્રણેય લોકને પોતાના વશમાં કરી લીધા. એમણે ઘોષિત કરી દીધું કે, `ઈન્દ્રદેવ સભામાં ન આવે અને દેવતા તથા મનુષ્ય યજ્ઞકર્મ ન કરે. બધા જ મારી પૂજા કરે. દૈત્યરાજની આ આજ્ઞાથી યજ્ઞ-વેદ, પઠન-પાઠન તથા ધાર્મિક ઉત્સવ બંધ થઈ ગયા. ધર્મના નાશથી દેવતાઓનું બળ ઘટવા લાગ્યું. આ જોઈને ઈન્દ્ર તેમના ગુરુ બૃહસ્પતિની પાસે ગયા. એમનાં ચરણોમાં પ્રણામ કરીને કહેવા લાગ્યાઃ `ગુરુવર, આ પરિસ્થિતિમાં તો મારે હવે પ્રાણ ત્યજી દેવા જોઈએ. ના તો હું યુદ્ધભૂમિમાં ટકી શકું છું કે ના તો હું ભાગી શકું છું. કોઈ ઉપાય બતાવો.’ બૃહસ્પતિએ ઈન્દ્રની વેદના સાંભળીને એમની રક્ષા માટે રક્ષાવિધાન કરવાનું કહ્યું. ગુરુએ બતાવેલા માર્ગ અનુસાર શ્રાવણની પૂર્ણિમાના પ્રાતઃકાળે નીચેના મંત્રથી ગુરુએ દર્શાવેલ વિધાન સંપન્ન કરવામાં આવ્યું.
`યેન બદ્ધો બલિર્રાજા દાનવેન્દ્રો મહાબલઃ।
તેન ત્વામભિવધામિ રક્ષે મા ચલ માં ચલઃ।’
ઈન્દ્રાણીએ શ્રાવણની પૂર્ણિમાના પાવન અવસર પર બ્રાહ્મણો દ્વારા સ્વસ્તિવચન કરાવીને રક્ષાનો દોરો લીધો અને ઈન્દ્રના જમણા હાથના કાંડા પર બાંધીને પતિદેવ ઈન્દ્રને યુદ્ધભૂમિમાં લડવા માટે મોકલી દીધા. `રક્ષાબંધન’ના પ્રભાવથી દૈત્યો યુદ્ધભૂમિમાંથી ભાગી છૂટ્યા અને ઈન્દ્રનો વિજય થયો. ભારતવર્ષમાં રાખડી બાંધવાની પવિત્ર પ્રણાલિકાનો આરંભ અહીંથી શરૂ થયો તેમ ભારતીય પુરાણો કહે છે.
ભારતના ભવ્ય આધ્યાત્મિક ગ્રંથ `મહાભારત’માં આવી જ એક બીજી પૌરાણિક કથા ઉપલબ્ધ છે. એક વાર ભગવાન શ્રીકૃષ્ણ શેરડી છોલી રહ્યા હતા અને અચાનક તેમની આંગળીને ઈજા થઈ ગઈ. આંગળીમાંથી લોહી વહેવા લાગ્યું. આ જોઈને રાણી રુક્મિણી અને સત્યભામાએ દાસીને કપડાનો ટુકડો લઈ આવવા દોડાવ્યા, પરંતુ ત્યાં ઊભેલા પાંડવોનાં રાણી દ્રૌપદીએ પોતાની સાડીનો પાલવ ફાડીને વસ્ત્રના એ ટુકડાથી ભગવાન શ્રીકૃષ્ણની આંગળીએ બાંધી દીધો. પરિણામે શ્રીકૃષ્ણની આંગળીમાંથી વહેતું લોહી તરત જ બંધ થઈ ગયું! એ દિવસે ભગવાન શ્રીકૃષ્ણે દ્રૌપદીને તેની તમામ મુશ્કેલીઓ વખતે મદદ કરવા વચન આપ્યું.
આ ઘટનાના ઘણા સમય બાદ પાંડવો કપટી કૌરવો સામે દ્યુતમાં દ્રૌપદીને હારી ગયા અને દુઃશાસન રાણી દ્રૌપદીને ભરીસભામાં ખેંચી લાવી તેમનાં ચીર ખેંચવા લાગ્યો. એ વખતે ભગવાન શ્રીકૃષ્ણે દ્રૌપદીના ઉપકારને યાદ કરીને દ્રૌપદીનાં ચીર પૂરી દ્રૌપદીની લાજ બચાવી. આ પ્રસંગ પણ રક્ષાબંધનના માહાત્મ્યનું પ્રતિપાદન કરે છે.
ટૂંકમાં, રક્ષાબંધનનો તહેવાર અનેક પૌરાણિક કથાઓ ધરાવે છે. આજના યુગમાં આ પર્વ ભાઈ-બહેન વચ્ચેના પવિત્ર અને લાગણીભર્યા સ્નેહનું પર્વ બની ગયું છે. જ્યારે એક બહેન ભાઈના ઘેર જઈ એના જમણા હાથે દોરો બાંધી ભાઈની રક્ષા માટે ભગવાનને વિનંતિ કરે છે. આવી ભવ્ય અને ભાવનાત્મક પ્રણાલિકા વિશ્વના એક પણ દેશમાં નથી.
આવી રહેલા રક્ષાબંધનના પવિત્ર પર્વની સૌ કોઈને શુભકામના.




