આજથી ૧૦૦ વર્ષ પૂર્વે ગાંધીજી સ્ટીમરમાં બેસી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવ્યા ત્યારે મુંબઈના બંદર પર તેમનું સ્વાગત કરવાની આગેવાની મોહમ્મદ અલી ઝીણા, ગોપાલકૃષ્ણ ગોખલે અને કોંગ્રેસના બીજા આગેવાનોએ લીધી હતી. તા. ૧ જાન્યુઆરી, ૧૯૧૫નો એ દિવસ હતો. બપોરના સમયે ગાંધીજી સ્ટીમરમાંથી ઊતર્યા ત્યારે ગાંધીજી અને મોહમ્મદ અલી ઝીણા પહેલી જ વાર એક બીજાને ભેટ્યા હતા. ગાંધીજીએ ગોખલેના ચરણસ્પર્શ કર્યા હતા.
બીજા દિવસે મુંબઈમાં ગાંધીજીના સન્માન માટે સ્વાગત સમારંભ રાખવામાં આવ્યો હતો. એ સમારંભના પ્રમુખ સ્થાને મોહમ્મદ અલી ઝીણા હતા. ઝીણા એ વખતે રાષ્ટ્રીય નેતા તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા હતા. ગાંધીજીના સન્માન વખતે ઝીણાએ અંગ્રેજીમાં ભાષણ કર્યું અને ગાંધીજીએ ટૂંકું પણ ગુજરાતીમાં ભાષણ કર્યું હતું. મોહમ્મદ અલી ઝીણાના પૂર્વજો કાઠિયાવાડના હતા અને ગાંધીજીની જન્મભૂમિ પણ સૌરાષ્ટ્રમાં હતી. બંનેના વતન વચ્ચે માત્ર ૬૫ કિલોમીટરનું અંતર હતું. બંનેની જીવનશૈલી અને વિચારો વચ્ચે કદી મેળ ન ખાય તેવું અંતર હતું.
મુંબઈના બંદરે ઊતર્યા બાદ કોઈએ ગાંધીજીને કહ્યું કે ઝીણાએ સાર્વજનિક જીવનને ભૂલીને ૧૮ વર્ષની રત્તી નામની એક યુવતી સાથે લગ્ન કરી લીધું છે. એ વખતે ઝીણાની વય માત્ર ૪૧ વર્ષની હતી.
વાત કંઈક આવી હતી.
એ સમયમાં ભારતમાં અને ખાસ કરીને મુંબઈમાં ભારતની આઝાદી માટેનું આંદોલન વેગ પકડી રહ્યું હતું. એ પૂર્વે ઈરાનમાં રહેતા કેટલાક પારસી પરિવાર ઈરાનના કટ્ટરતાવાદી શાસકોના ત્રાસથી છૂટવા ભારત આવીને વસ્યા હતા. તેમાંનો એક પરિવાર હતો મશહૂર પારસી ઉદ્યોગપતિ સર માનકજી દિનશા પેટિટ. તેમના ઘેર તા. ૨૦ ફેબ્રુઆરી, ૧૯૦૦ના રતનબાઈ પેટિટનો જન્મ થયો. ઘરમાં બહાર તેમને વહાલથી રત્તી કહીને બોલાવતા હતા.
એ વખતે રત્તી બેહદ ખૂબસૂરત અને તેજ દિમાગ ધરાવતી બાળકી હતી. એ સમયમાં તેમના ઘેર દાદાભાઈ નવરોજી, ફિરોજશાહ મહેતા, મેડમ ભિખાઇજી કામા, બદરુદ્દીન તૈયબજી, ગોપાલકૃષ્ણ ગોખલે, શ્રીમતી એની બેસન્ટ, સરોજિની નાયડુ, મોહમ્મદ અલી ઝીણા, અતિયા ફૈજી જેવી મહાન હસ્તીઓ આવતી હતી. એ બધાની અસર રત્તી પેટિટ પર પડી. રત્તી પણ દેશની આઝાદીના ખ્વાબ જોવા લાગી હતી.
આ દરમિયાન રત્તીની જિંદગીમાં એક વણકહ્યો મધુર સંબંધ આકાર લેવા માંડ્યો હતો. ૧૮ વર્ષની રત્તી અને ૪૦ વર્ષના મોહમ્મદ અલી ઝીણા વચ્ચે આ લાગણીભર્યો સંબંધ વિકસવા લાગ્યો. જોકે, ઝીણા તો રત્તીના પિતાના મિત્ર હતા. એ સમયગાળામાં મુંબઈની સોસાયટીમાં ઝીણાનું એક આગવું સ્થાન હતું.
તા. ૨૦ ફેબ્રુઆરી, ૧૯૧૮ના રોજ રત્તી પેટિટ પોતાના ૧૮મા જન્મદિવસે પિતાનું ઘર છોડી મોહમ્મદ અલી ઝીણા પાસે ચાલી ગઈ. તેઓ પતિ-પત્ની બની ગયાં.
૧૯૧૯-૧૯૨૦માં રત્તીએ કોંગ્રેસના કોલકાતા તથા નાગપુર ખાતે મળેલા અધિવેશનમાં રત્તીએ ઉત્સાહભેર ભાગ લીધો. રત્તી ભારતને જલદી આઝાદી મળે તેવી ચાહના ધરાવતી હતી. તે પછી ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયનના પહેલા અધિવેશન વખતે રત્તીએ પ્રતિભાવશાળી પ્રવચન કર્યું. એ વખતે રોલેટ એક્ટ સાથે દેશમાં જબરદસ્ત વિરોધ હતો.
રત્તી હાજરજવાબી હતી અને અંગ્રેજોને રત્તીની આ કુશળતા ખૂબ ખૂંચતી હતી. શિમલા અધિવેશનમાં રત્તીએ વાઈસરોય લોર્ડ ચેમ્સફોર્ડનું તેમણે બે હાથ જોડીને અભિવાદન કર્યું, જે એક ભારતીય પરંપરા હતી. કાર્યક્રમ ખતમ થયા બાદ લોર્ડ ચેમ્સફોર્ડ ક્રોધથી રત્તીને કહ્યું: `મિસિસ ઝીણા, તમારા પતિની રાજનીતિ અને વ્યવહાર શાનદાર હોય છે, તમે પણ તેમની જેમ જ વ્યવહાર કરો. ઈન રોમ યુ મસ્ટ ડુ એ જ રોમન્સ ડુ.’
રત્તીએ બહુ જ વિનમ્રતાપૂર્વક વાઈસરોયને જવાબ આપ્યોઃ `મેં એમ જ કર્યું છે. ભારતમાં મેં તમારું ભારતીય પ્રણાલિકા પ્રમાણે જ અભિવાદન કર્યું છે.’
અને વાઈસરોય ખામોશ થઈ ગયા.
હવે ૧૯૨૧ની વાત. એ વખતે લોર્ડ રીડિંગ ભારતના વાઈસરોય હતા. એકવાર તેમણે રત્તીને કહ્યું: `મારે જર્મની જવાની ઇચ્છા છે, પણ હું જઈ શકતો નથી.’
રત્તીએ પૂછ્યું: `કેમ?’
લોર્ડ રીડિંગે કહ્યું: `જર્મન લોકો અમને એટલે કે અંગ્રેજોને પસંદ કરતા નથી.’
રત્તી હાજરજવાબી હતાં. તેઓ બોલ્યાઃં `મહામહીમ, તો પછી આપ અહીં કેવી રીતે આવ્યા?’
લોર્ડ રીડિંગને રત્તીએ આડકતરી રીતે કહી દીધું કે, `જેમ જર્મન લોકો તમને પસંદ કરતા નથી તેમ અમે ભારતીયો પણ તમને એટલે કે અંગ્રેજોને પસંદ કરતા નથી. તમે અહીં શા માટે આવ્યા?
રત્તીનો આ વ્યંગ સાંભળી લોર્ડ રીડિંગ મૌન થઈ ગયા.
હવે ૧૯૨૮ની સાલની વાત. અંગ્રેજો બુદ્ધિશાળી ભારતીયોને પોતાની તરફ ખેંચવા અને તેમના સમર્થક બનાવી દેવા `સર’નો ખિતાબ આપતા હતા. સરદાર વલ્લભભાઈ પટેલે `સર’નો ખિતાબ સ્વીકારવા ઈનકાર કરી દીધો હતો. ૧૯૨૮માં ભારતમાંની બ્રિટિશ સરકારે મોહમ્મદ અલી ઝીણાને `સર’નો ખિતાબ આપવાની વિચારણા ચાલી. તો આ વાતની જાણ થતાં રત્તીએ સ્પષ્ટપણે કહી દીધું કે, `મારા પતિ ઝીણા જો `સર’ નો ખિતાબ સ્વીકારશે તો હું તેમનાથી તલાક લઈ લઈશ.’
શેક્સપિયરે કહ્યું છે કે, `પુરુષો જ્યારે પ્રેમ કરે છે ત્યારે વસંતઋતુ હોય છે, પરંતુ લગ્ન બાદ પુરુષો શીતઋતુમાં પરિવર્તિત થઈ જાય છે.’
બસ આવું જ કંઈક ઝીણાના જીવનમાં પણ થયું. શાદી બાદ રત્તી પોતાની દરેક સાંજ તેમના પતિ સાથે ગુજારવા માગતાં હતાં, પરંતુ હવે તેમની વચ્ચેના પ્રેમમાં તિરાડ આવતી ગઈ. ખાસ કરીને ઝીણાની બેરુખી, કડક મિજાજ અને શુષ્કતાના કારણે એમના પ્રેમમાં ઓટ આવતી ગઈ.
રત્તી હવે પતિ દ્વારા ઉપેક્ષિત થવા લાગ્યાં હતાં. ૧૯૨૮માં ઉપેક્ષિત રત્તી મુંબઈની તાજ હોટેલમાં રહેવા ચાલ્યાં ગયાં. એ વખતે દેશમાં સાંપ્રદાયિક તણાવ વધી રહ્યો હતો. ઝીણાની કેટલીક જીદથી રત્તી તેમનાથી દૂર થતાં રહ્યાં. રત્તી હવે દિવસે દિવસે કમજોર થવા લાગ્યાં હતાં. દબાતા પગલે મૃત્યુ તેમની તરફ આવી રહ્યું હતું અને તા. ૨૦ ફેબ્રુઆરી, ૧૯૨૯ના રોજ માત્ર ૨૯ વર્ષની વયે જ રત્તીએ દેહ છોડી દીધો અને એમના અવસાનની સાથે જ આ દેશને આઝાદ થયેલો જોવાની રત્તીની ખ્વાહિશ પણ ખામોશ થઈ ગઈ. રત્તી એક તેજસ્વી, પ્રભાવશાળી, હસમુખા અને માયાળુ મહિલા હતાં. મુંબઈમાં થાણામાં તેમની કબર છે. અલબત્ત, રત્તીના અવસાનથી મોહમ્મદ અલી ઝીણા પણ હતાશ થઈ ગયા હતા અને રત્તીના વિયોગથી બહાર આવતાં તેમને ઘણો સમય લાગ્યો હતો. ક્યારેક ચૂપચાપ તેઓ કબ્રસ્તાનમાં જઈ રત્તીની કબર પર ફૂલોનો ગુલદસ્તો મૂકી આવતા હતા અને ઉદાસ ચહેરે પાછા ફરતા હતા.
ઝીણા શાયદ રત્તીને સમજવામાં નિષ્ફળ ગયા હતા. પાકિસ્તાનના સર્જક પણ તેઓ જ હતા.




