આજથી નવરાત્રિના પવિત્ર તહેવારનો આરંભ થાય છે. નવરાત્રિ એ દેશ-વિદેશમાં વસતા ૧૦૦ કરોડ હિન્દુઓના પ્રિય પૂજ્ય મા દુર્ગાનાં નવ સ્વરૂપોની પૂજા અર્ચનાનો તહેવાર છે. નવરાત્રિ દરમિયાન શક્તિનાં નવ સ્વરૂપોની પૂજા કરવાથી બધા જ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે. મા દુર્ગા પૂજા કરનાર વ્યક્તિના જીવનમાં અપાર સફળતાઓ બક્ષે છે. નવરાત્રિના આ નવ દિવસ પૂજા, ઉપવાસ, ગરબા તથા માતાની આરાધનાના દિવસો છે. નવરાત્રિમાં મા અંબાની આરાધનાનું ખાસ માહાત્મ્ય છે. દેશના વિભિન્ન પ્રદેશોમાં શક્તિ ઉપાસનાની વિવિધ પરંપરાઓ છે. નવરાત્રિના પહેલા ત્રણ દિવસ મા દુર્ગાની પૂજા અર્ચના કરવા સમર્પિત કરાયા છે. પ્રત્યેક દિવસ મા દુર્ગાનાં અલગ અલગ સ્વરૂપને સમર્પિત કરવામાં આવ્યા છે. પહેલા દિવસે મા શૈલપુત્રી, બીજા દિવસે મા બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે મા ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા આરાધના કરવામાં આવે છે. નવરાત્રિના તે પછીના દિવસોમાં માતા કુષ્માન્ડા સ્વરૂપની, માતા સ્કંદમાતાની, મા કાત્યાયિની સ્વરૂપની, માતા લક્ષ્મીની, માતા સરસ્વતીની, માતા મહાગૌરીની અને માતા સિદ્ધિદાત્રીની પૂજા આરાધના કરવામાં આવે છે. કેટલાક વિસ્તારોની પરંપરા અનુસાર નવરાત્રિના નવમા દિવસે કન્યાપૂજન કરવામાં આવે છે. યુવાવસ્થા સુધી નથી પહોંચી તેવી દસ વર્ષની વયની નવ કન્યાઓને દેવી દુર્ગાનાં નવ પ્રતીક માનવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં આવી નાની કન્યાઓના પગ ધોવામાં આવે છે અને ઉપહાર રૂપે તે કન્યાઓને નવાં વસ્ત્ર પ્રદાન કરવામાં આવે છે.
સીતાજીને ઉપાડી ગયેલા રાવણ સામે યુદ્ધ જીતીને આવેલા ભગવાન શ્રીરામના આ ભવ્ય વિજયના પ્રતીક રૂપે દેશમાં નવરાત્રિના દસમા દિવસે વિજયાદશમી પણ ઊજવવામાં આવે છે.
ગુજરાતમાં ખાસ કરીને સાક્ષાત્ અંબાજી બિરાજમાન છે ત્યારે ગુજરાતના લોકો મા અંબાની પૂજા આરાધના કરીને અને નવ રાત ગરબા ગાઈ નવરાત્રિની ભવ્ય ઉજવણી કરે છે. નવરાત્રિ ઉત્સવ મા અંબાની આરાધનાનું પર્વ છે. દેશના જુદા જુદા ભાગોમાં નવરાત્રિ ઉત્સવ ભિન્ન ભિન્ન રીતે ઉજવાય છે. માતાની દરેક શક્તિપીઠનું અલગ અલગ મહત્ત્વ છે, પણ માતાનું મૂળ સ્વરૂપ તો એક જ છે. માતા ક્યાંક વૈષ્ણોદેવી તરીકે ઓળખાય છે તો ક્યાંક કાલી માતા તરીકે ઓળખાય છે. ક્યાંક ચામુંડા માતાના સ્વરૂપે પૂજાય છે તો હિમાચલ પ્રદેશમાં નૈના દેવીના નામે પૂજાય છે. સહરાનપુરમાં શાકંભરી દેવીના નામે પૂજાય છે. આ બધાં શક્તિનાં જ વિવિધ સ્વરૂપો છે. માની પૂજા કરવાથી મા પ્રસન્ન થાય છે.
પશ્ચિમ બંગાળમાં આ દિવસો દરમિયાન દુર્ગાપૂજાનું માહાત્મ્ય છે. મહિષાસુર નામના રાક્ષસનો વધ કરતી માની મૂર્તિઓની પૂજા કરવામાં આવે છે. ગુજરાતમાં મા જગદંબાની પૂજા અર્ચના તથા ગરબા દ્વારા નવરાત્રિ ઊજવવામાં આવે છે. ગરબો એ ગુજરાતની દિવ્ય સંસ્કૃતિની એક આગવી ઓળખ છે.
કહેવાય છે કે મા જગદંબા સર્વ દેવોના તેજમાંથી પ્રગટ થયાં હતાં. એ પછી મા જગદંબાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. પૌરાણિક કથા અનુસાર મહાદેવજીના તેજમાંથી માતાજીનું મુખારવિન્દ પ્રગટ થયું. એ મુખારવિન્દમાં ઓષ્ટનો ઉપરનો ભાગ છે તે કાર્તિક સ્વામીના તેજમાંથી પ્રગટ થયો. ઓષ્ટનો નીચેનો ભાગ એ અરુણ દેવના તેજમાંથી પ્રગટ થયો. પર્વતના તેજમાંથી દાંત પ્રગટ થયા, યમરાજના તેજમાંથી માતાજીના કેશ પગટ થયા. અગ્નિદેવના તેજમાંથી માતાજીના ત્રણ નેત્રો પ્રગટ થયાં. જેમ મહાદેવજી `ત્ર્યંબક’ કહેવાય છે તેમ માતાજી `ત્ર્યંબકે’ કહેવાય છે. માતાજીનાં ત્રણ નેત્રો છે સૂર્ય, ચંદ્ર અને અગ્નિ. સૂર્યરૂપી નેત્ર દ્વારા માતાજી આપણને સૌને દિવસે જુએ છે કે મનુષ્ય કેવું કર્મ કરે છે. ચંદ્રરૂપી નેત્રથી માતાજી આપણને જુએ છે કે રાત્રિના સમયે મનુષ્ય કેવું કર્મ કરે છે. માતાજીનું ત્રીજું નેત્ર અગ્નિ છે. અગ્નિ એ સંહારનું ક્ષેત્ર છે. સંધ્યાના નેત્રમાંથી માતાજીની પાંપણો પ્રગટ થઈ. કુબેરના નેત્રમાંથી માતાજીના કર્ણ પ્રગટ થયા. અશ્વિનીકુમારોના નેત્રમાંથી માતાજીની નાસિકા પ્રગટ થઈ. ભગવાન વિષ્ણુના તેજમાંથી માતાજીની અઢાર ભુજાઓ પ્રગટ થઈ. વસુઓના તેજમાંથી માતાજીની આંગળીઓ પ્રગટ થઈ. ચંદ્ર દેવના તેજમાંથી માતાજીનાં પયોધર પ્રગટ થયાં. આ રીતે રાક્ષસોનો વધ કરવા સર્વ દેવોના તેજમાંથી માતા જગદંબાનું પ્રાગટ્ય થયું.
વ્રતકથામૃતના લેખક મહીપતરામ જોષી લખે છે કે આદ્યશક્તિ મા જગદંબા શક્તિ, ભક્તિ, બુદ્ધિ, નિદ્રા, ક્ષુધા, શાંતિ, લજ્જા, શ્રદ્ધા, લક્ષ્મી માતા દયા અને તૃપ્તિરૂપે સચરાચરમાં બિરાજે છે. પાંચ પ્રકૃતિ અને શક્તિસમા જગન્માતા દુર્ગાલક્ષ્મી, સરસ્વતી વગેરે દેવીઓની સાધના, ઉપાસના અને પૂજાના દિવસો એટલે નવરાત્રિ.
આ સંદર્ભમાં રામાયણનો એક પ્રસંગ પ્રસ્તુત છે. રાવણ સીતા માતાજીને અપહ્યત કરીને લઈ ગયો તે પછી ભગવાન શ્રીરામ સીતાજીના વિરહમાં ઉદાસ ચિત્તે બેઠા હતા. ભાઈ લક્ષ્મણ પણ તેમની સાથે હતા. એવામાં નારદજી આવી ચડ્યા. ભગવાન શ્રીરામ અને લક્ષ્મણે તેમનો સત્કાર કર્યો અને તેમને બેસવા આસન આપ્યું. ભગવાનની ઉદાસી જોઈ નારદજી બોલ્યા, `પ્રભુ આપ વ્યર્થ ચિંતા કરો છો. રાવણ સતી સીતાજીને લઈ ગયો છે તે હું જાણું છું. સીતાજી તો લક્ષ્મીજીનો અને શૈલપુત્રીનો અંશ છે. આપ ભગવાન શ્રી વિષ્ણુના અંશ છો. રાવણે સીતા માતા ઉપર કુદૃષ્ટિ કરી ત્યારે એમણે શાપ આપ્યો છે કે, `તારો વિનાશ મારાથી થશે.’ આપનો અવતાર પણ દેવોની પ્રાર્થનાથી રાવણ જેવા અનેક અસુરોના સંહાર માટે થયો છે. રાવણના મૃત્યુ માટે સીતાજી જ નિમિત્ત બનશે. લંકામાં બેઠાં બેઠાં પણ સીતાજી આપનું જ ધ્યાન કરે છે. હવે આપ નવરાત્રિ વ્રત કરો એટલે આપના હાથે રાવણનું મોત થશે.
ભગવાન શ્રીરામે આશ્ચર્યથી પૂછ્યું: `નવરાત્રિ વ્રત?’
નારદજી બોલ્યા, `હા, આસો માસ બેસતાં જ નવરાત્રિ વ્રત કરો. અષ્ટમીના દિવસે શક્તિ પ્રસન્ન થશે અને આપનો વિજય થશે. આ વ્રત મહર્ષિઓએ અને દેવોઓ પણ કરેલું છે. વૃત્રાસુર રાક્ષસનો વધ કરવા ઇન્દ્રએ કર્યું હતું. ત્રિપુરાસુરનો વધ કરવા શિવજીએ કરેલું છે. મધુ દૈત્યનો નાશ કરવા ભગવાન વિષ્ણુએ પણ કરેલું છે.’
નારદજીની વાત સાંભળી ભગવાન શ્રીરામે પણ નવરાત્રિ વ્રત કરવા સંકલ્પ કર્યો. નારદજીએ વ્રતની વિધિ સમજાવતાં કહ્યું: `યથોચિત સામગ્રી સાથે ૧૬ હાથનો ભવ્ય સ્વચ્છ મંડપ તૈયાર કરવો. પછી શ્વેત સાડી ને છાણથી વેદી તૈયાર કરવી. તેમાં સાત ધાન નાંખવાં. જવારા વાવવા. કુંભ સ્થાપન કરવું. શક્તિનું યંત્ર કે મૂર્તિનું સ્થાપન બ્રાહ્મણો દ્વારા કરાવવું. યજ્ઞ ને પૂજાપાઠ કરવા. દશાંશ હોમ કરવો. પૂજન વખતે કોઈ પણ વ્રત-નિયમ લેવો. છેવટે નવરાત્રિ પૂરી થતાં બ્રાહ્મણોને જમાડી વ્રતનું ઉજવણું કરવું. જેનું પૂજન કરવાનું છે તે દેવી ભગવતી શક્તિ અને સનાતન છે તથા સઘળા મનોરથ પૂર્ણ કરનાર ભગવતી ભુવનેશ્વરી છે. પરમેશ્વરી પરમ વિદ્યા છે અને જયા ને વિજયા પણ છે. ભગવાન વિષ્ણુની પાલનશક્તિ, બ્રહ્માજીની સર્જનશક્તિ અને રુદ્રની સંહારશક્તિ પણ તે જ છે. એ જ પરમેશ્વરી પરમ વિદ્યા છે અને જયા ને વિજયા પણ છે.
તે પછી નારદજી બોલ્યા: `પ્રભુ, આપ શક્તિયુક્ત છો. સમર્થ છો. વાનરોના સાથથી આપ જરૂર રાવણનો વધ કરશો. આપની સાથે રહેલા આપના ભાઈ લક્ષ્મણજી તો શેષનાગનો અવતાર છે. તેઓ રાવણના કુળનું નિકંદન કાઢી નાખશે.’
એટલું કહી નારદજી ચાલ્યા ગયા.
ભગવાન રામે નારદજીના કહ્યા પ્રમાણે નવરાત્રિનું વ્રત શ્રદ્ધાપૂર્વક કર્યું. વ્રતની અષ્ટમીએ શક્તિએ સિંહ પર સવારી કરી ભગવાન શ્રીરામને દર્શન દીધાં અને કહ્યું: `તમે કરેલા નવરાત્રિ વ્રતથી હું પ્રસન્ન થઈ છું. તમારી મનોકામના પૂર્ણ કરીશ.’
એટલું કહી દેવી અંતર્ધાન થઈ ગયાં અને નવરાત્રિ વ્રતના પ્રભાવે ભગવાન શ્રીરામે રાવણ સામેના યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો. દૈત્ય કુળનો નાશ થયો. દેવોનાં દુઃખ દૂર થયાં અને સતી સીતાજીનું ભગવાન શ્રીરામ સાથે પુનર્મિલન થયું.
મહીપતરામ જોષીએ વર્ણવેલી નવરાત્રિની વ્રતકથા અહીં પૂર્ણ થાય છે.
આવો છે નવરાત્રિનો મહિમા. આ પાવનકારી નવરાત્રિ વ્રત જે કરશે તેના પર દેવી પ્રસન્ન થશે અને આ સંસારનાં ઉત્તમોત્તમ સુખ ભોગવી સંસાર સાગરને પાર કરી પરમ પદ પ્રાપ્ત કરશે.
—————————— —————————— —————————— ——-



