Close

વિશ્વને ગન પાઉડરની ભેટ આપનાર આલ્ફ્રેડ નોબેલે પ્રાયશ્ચિત કરવા `નોબેલ પ્રાઇઝ’ જાહેર કર્યું હતું

નોબેલ પ્રાઈઝ વિશ્વનું સૌથી મોટું સન્માન પ્રાઈઝ ગણાય છે. છેલ્લા કેટલાક સમયથી શાંતિનું નોબેલ પ્રાઈઝ મેળવવા ફાંફા મારતા અમેરિકાના યુદ્ધખોર પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ શાંતિનું નોબેલ પ્રાઈઝ ચૂકી ગયા છે. સામેથી શાંતિનું નોબેલ પ્રાઈઝ માંગતા અમેરિકાના પ્રેસિડેન્ટને ખરેખર તો વિશ્વમાં અશાંતિ ફેલાવવા અને વૈશ્વિક અર્થવ્યવસ્થા ખોરવી નાંખનાર યુદ્ધખોર નેતા તરીકે અશાંતિનું નોબેલ પ્રાઈઝ એનાયત થવું જોઈએ.
ખૈર!
રોયલ સ્વીડિશ એકેડેમી સાયન્સે ૨૦૨૬ના ફિઝિક્સના સબ્જેક્ટમાં બેલ્જિયમના ૮૨ વર્ષના વૈજ્ઞાનિક ફ્રાન્સીસ હાલ્ઝેનને નોબેલ પ્રાઈઝ અપાયાની જાહેરાત કરી છે. આઈસ ક્યૂબ ન્યુટિનો ઓબ્ઝેટરીમાં યોગદાન તથા ખગોળીય મૂળની હાઈ એનર્જી ન્યુટ્રિનોની શોધ માટે હાલ્ઝેનને આ નોબેલ પ્રાઈઝ એનાયત થશે. બેલ્જિયમમાં જન્મેલા હાલ્ઝેન અમેરિકાની વિસ્કોન્સિન યુનિવર્સિટી મેડિસિન સાથે જોડાયેલા હતા. દક્ષિણ-ધ્રુવના બરફનો ઉપયોગ ન્યુટ્રિનો નામના કણોને ટ્રેક કરવા માટે કરી શકાય છે તેવી શોધ હાલ્ઝેને કરી છે. તેમના દૃષ્ટિકોણ અને વૈજ્ઞાનિક નેતૃત્વએ આઈસ ક્યૂબ ઓબ્ઝર્વેટરીને શક્ય બનાવી છે, જે એક ઘન કિમી બરફમાં લાગેલા પ્રકાશ સેન્સરોનું એક વિશાળ નેટવર્ક છે. તેના મારફત વૈજ્ઞાનિક દૂર બ્રહ્માંડની અત્યંત ઊર્જાવાન પ્રક્રિયાઓથી આવતા ન્યુટ્રિનોને પકડી શકે છે. વૈજ્ઞાનિકો લાંબા સમયથી જાણે છે કે બ્રહ્માંડમાં પ્રાકૃતિક કણ હયાત છે. તે પૃથ્વીની પ્રયોગશાળાઓમાં હાંસલ કરી શકાય તેવી ઊર્જા કરતાં લાખ ગણા વધુ ઊર્જાવાળા કણોને બહાર ફેંકે છે. આ સ્રોતો અંગે ઘણું બધું હજુ રહસ્યમય છે. તે શું છે, ક્યાં છે અને તેમની અંદર મુખ્ય પ્રક્રિયાઓ શું ચાલી રહી છે તે સવાલોનો હજી પણ કોઈ જવાબ નથી.
હાઈ એનર્જીવાળા ન્યૂટ્રિનો આ જ વાતાવરણોમાં અન્ય કણો સાથે બને છે, પરંતુ અન્ય કણોથી વિપરીત ન્યૂટ્રિનો દિશા બદલ્યા વિના અને ઊર્જા ગુમાવ્યા વિના આપણા સુધી પહોંચે છે, તેથી તે એવી માહિતી આપી શકે છે જે કોઈ અન્ય રીતે ઉપલબ્ધ નથી થતી. ન્યૂટ્રિનો બ્રહ્માંડના સૌથી માયાવી કણ મનાય છે, કારણ કે તે પદાર્થથી બહુ ઓછી પ્રતિક્રિયા કરે છે અને સરળતાથી પસાર થાય છે.
ફ્રાન્સીસ હાલ્ઝેને ૧૯૮૮માં દક્ષિણ ધ્રુવ પર ન્યૂટ્રિનો પકડવાનો પોતાનો દૃષ્ટિકોણ પહેલી વખત રજૂ કર્યો હતો. તે સમયે કોઈ ન્યૂટ્રિનો પરમાણુ નાભિકથી ટકરાય છે ત્યારે પ્રકાશની એક ચમક પેદા થાય છે, જેને સાફ ગ્લેશિયર બરફમાં લાગેલા સેન્સર ટ્રેક કરી શકે છે. દક્ષિણ ધ્રુવના બરફના અનેક ફાયદા છે. અહીં વિવિધ પ્રકારના અવરોધો નથી આવતા. હાલ્ઝેનના વિચારને ઝડપથી અન્ય સંશોધકોનું સમર્થન મળ્યું અને કેટલાક વર્ષમાં બરફમાં સેન્સરોનું પ્રારંભિક પરીક્ષણ શરૂ થઈ ગયું. સમયની સાથે આ પ્રોજેક્ટ વિકસિત થતો ગયો અને આજે આઈસ ક્યૂબ દુનિયાની સૌથી મોટી ન્યૂટ્રિનો ઓબ્ઝર્વેટરી બની ગઈ છે.
હવે જેમના નામે નોબેલ પ્રાઈઝ અપાય છે તેમના જીવન પર દૃષ્ટિપાત કરીએ.
જેમના નામે વિશ્વભરની શ્રેષ્ઠ પ્રતિભાઓને તેમનાં શ્રેષ્ઠ પ્રદાનો માટે આ પારિતોષિક એનાયત થાય છે તે આલ્ફ્રેડ નોબેલની જિંદગીની એક વિચિત્ર ઘટના એ હતી કે એક દિવસ સવારે ઊઠીને તેઓ અખબાર વાંચી રહ્યા હતા ત્યારે તે અખબારમાં તેમનાં મૃત્યુના સમાચાર વાંચીને આશ્ચર્યમાં પડી ગયા.
આલ્ફ્રેડ નોબેલ જીવતા હતા છતાં અખબારમાં તેમના મૃત્યુના સમાચાર વાંચીને તેઓ સ્તબ્ધ થઇ ગયા. એ સમાચાર એ રીતે છપાયા હતા જાણે કે દુનિયા તેમના મોતનો ઇંતજાર કરી રહી હતી. આ ઘટના એવી હતી કે જિંદગીમાં અનેક પરીક્ષાઓ આપનાર આલ્ફ્રેડ નોબેલની જિંદગીની જાણે કે આ છેલ્લી પરીક્ષા હતી.
આ એ જ આલ્ફ્રેડ નોબેલ હતા જેમના નામે અપાતું નોબેલ પ્રાઇઝ વિશ્વનું સૌથી પ્રતિષ્ઠિત સન્માન ગણાય છે.
વાત જાણે કે એમ હતી કે તા. ૧૩ એપ્રિલ, ૧૮૮૮ના રોજ એક સ્થાનિક અખબારમાં એક ગલત વૃત્તાંત છપાયો હતો. તેનું શીર્ષક હતું: `મર્ચન્ટ ઓફ ડેથ’નું મોત. જેમાં મૃત્યુ પામેલા વ્યક્તિ તરીકે આલ્ફ્રેડ નોબેલના નામનો ઉલ્લેખ હતો.
હકીકતમાં મોત આલ્ફ્રેડ નોબેલનું નહીં, પરંતુ તેમના મોટા ભાઇ લુડવીગ નોબેલનું થયું હતું. નોબેલ બંધુઓમાં સૌથી વધુ કામિયાબ લુડવીગ નોબેલ એ વખતના વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓ પૈકીના એક હતા, પરંતુ કેટલાક લોકો આલ્ફ્રેડ નોબેલ પર એટલા બધા ગુસ્સામાં હતા કે લુડવીગ નોબેલના બદલે આલ્ફ્રેડ નોબેલનું મોત નીપજ્યું છે તે રીતેના સમાચાર છાપી દીધા.
જાણે કે કેટલાક લોકો આ રીતનો સેડિસ્ટ આનંદ માણવા માગવા હતા. આ ઘટનાથી આલ્ફ્રેડ નોબેલ વિચલિત પણ થઇ ગયા હતા, કારણ કે એમને પહેલી જ વાર ખબર પડી કે દુનિયા તેમની બાબતમાં કેટલું ખરાબ વિચારે છે!
એ તો કહેવત છે કે ખરાબ માણસના બે-ચાર દુશ્મનો હોય, પરંતુ સારા માણસના સો દુશ્મનો હોય છે. આલ્ફ્રેડ નોબેલ તો તેમના ભાઇથી અલગ અને સાવ એકલા જ રહેતા હતા. તેઓ એક વૈજ્ઞાનિક હતા અને આખી જિંદગી તેમણે વૈજ્ઞાનિક સંશોધનો પાછળ જ ખર્ચી નાખી હતી. તેમની પાસે પણ અબજોની દોલત હતી, પરંતુ જિંદગીનો નિચોડ એ હતો કે તેમને લોકોએ જીવતેજીવ જ મારી નાખ્યા.
તેમના બીજા એક નાના ભાઇ હતા જેમનું નામ એવિલ નોબેલ. નોબેલ પરિવારમાંથી કોલેજમાં જવાવાળા સૌથી પહેલા સભ્ય હતા. આલ્ફ્રેડ નોબેલની પોતાની એક પ્રયોગશાળા હતી. એવિલ તેમના ભાઇના પ્રયોગોમાં મદદ કરતા હતા. એ વખતે આલ્ફ્રેડ નોબેલ નાઇટ્રોગ્લિસરીનથી વધુ શક્તિશાળી અને ઉપયોગમાં લઇ શકાય તેવું વિસ્ફોટક બનાવવા માટેનું સંશોધન કરી રહ્યા હતા. આ સંશોધન પ્રોજેક્ટના વડા ખુદ આલ્ફ્રેડ નોબેલ હતા.
તેઓ એક એવું પ્રવાહી બનાવી રહ્યા હતા, જે એક સ્થળેથી બીજા સ્થળે લઇ જવામાં આસાન હોય. આ અંગેનું સંશોધન જારી હતું અને કોઇ ભૂલના કારણે એમની પ્રયોગશાળામાં જ ભયંકર વિસ્ફોટ થયો. એ દિવસ તા. ૩ સપ્ટેમ્બર, ૧૮૬૪નો હતો. આ ધડાકાને કારણે તેમના નાના ભાઇ એવિલ નોબેલનું બીજા ચાર સહયોગીઓ સાથે મોત નીપજ્યું. આલ્ફ્રેડ બચી ગયા, કારણ કે એ વખતે તેઓ ત્યાં હાજર નહોતા.
એ વખતે પણ સ્થાનિક અખબારોએ આલ્ફ્રેડ નોબેલના આ સંશોધનો વિરુદ્ધ ખૂબ લખ્યું, પરંતુ આલ્ફ્રેડ મક્કમ રહ્યા. પોતાના નાના પુત્રના અવસાનના કારણે આલ્ફ્રેડના પિતા આ પ્રયોગોથી દૂર હટી ગયા, પરંતુ આલ્ફ્રેડના દિમાગ પર ઝનૂન સવાર હતું. આ દુર્ઘટના બાદ પણ તેઓ વિસ્ફોટક અને તેના હથિયાર બનાવવાની દિશામાં આગળ વધ્યા. એ ઘટનાનાં ત્રણ વર્ષ બાદ તેઓ એક શક્તિશાળી વિસ્ફોટ `ડાયનેમાઇટ’ બનાવવામાં સફળ નીવડ્યા. આજે એ જ વિસ્ફોટક ખાણોમાંથી ખનિજ શોધવા અને પથ્થરો તોડવા માટે ઉપયોગમાં લેવાય છે. યુદ્ધમાં પણ એ જ વિસ્ફોટકોનો ઉપયોગ કરી સુરંગો બનાવવામાં આવે છે. યુદ્ધમાં વપરાતા ડાયનેમાઇટ મોતનો સામાન જ ગણાય છે. આલ્ફ્રેડ નોબેલે જબરદસ્ત વિસ્ફોટ કરી શકાય તેવા દારૂગોળાની શોધ કરી હતી.
આલ્ફ્રેડ નોબેલની વિચારધારા બધા કરતાં અલગ હતી. દુનિયા તેમના માટે શું વિચારે છે તેની પરવા તેઓ કદી કરતા નહીં. બીજાઓને તેઓ સરળતાથી નારાજ કરી દેતા હતા. પોતે જે કરવા માગતા હોય તેમાં આગળ વધવું તે તેમની ધૂન હતી.
હા, એ દિવસે જીવતેજીવ લોકોએ તેમને મારી નાખ્યાના સમાચાર છાપ્યા ત્યારે તેમને પહેલી જ વાર અહેસાસ થયો કે દુનિયા તેમને કેટલી નફરત કરે છે! વિશ્વમાં આ પ્રકારના વિસ્ફોટકોથી જ્યારે પણ કોઇ માનવી મોતને ભેટે છે ત્યારે આ વાત જાણતા લોકો આલ્ફ્રેડ નોબેલને તે માટે જવાબદાર ગણે છે. તેમણે શોધેલા વિસ્ફોટકોથી યુદ્ધની પદ્ધતિ પણ બદલાઇ ગઇ. હવે યુદ્ધમાં જે પહેલાં ડાયનેમાઇટ બિછાવે છે તે જીતી જાય છે.
એ દિવસે એક ફ્રેન્ચ અખબારે તેના તંત્રી લેખમાં લખ્યું હતું : `આ એ જ આદમી છે જે ઝડપથી વધુ ને વધુ લોકોને મારવાની ચીજનું સંશોધન કરી ધનવાન બન્યો છે.’
આ ટિપ્પણીથી તેઓ વિચલિત થઇ ગયા હતા.
આલ્ફ્રેડ બર્નહાર્ડ નોબેલનો જન્મ તા. ૨૫ ઓક્ટોબર, ૧૮૩૩ના રોજ સ્વિડનમાં સ્ટોકહોમ ખાતે થયો હતો. તેઓ એક બિઝનેસમેન, રસાયણશાસ્ત્રી, સંશોધક અને પરોપકારી હતા. તેમના નામે ૩૫૫ જેટલી વિવિધ પેટન્ટ હતી. તેમાંથી ડાયનેમાઇટ (દારૂગોળો) સૌથી વધુ જાણીતી છે. `બોફોર્સ’ તોપ બનાવતી કંપની પણ તેમની જ હતી. શસ્ત્રો વેચીને પૈસા કમાવવાના લોકોના આક્ષેપ બાદ પોતાની છબી સુધારવા માટે તેમણે નોબેલ પુરસ્કાર પ્રદાન કરવાનો નિર્ણય લઇ પોતાનું ભાગ્ય બદલી નાખ્યું હતું. તેઓ તો એક વૈજ્ઞાનિક હતા. આમ છતાં પોતાની પ્રતિભા સુધારવા તેમણે એમના મૃત્યુ પહેલાં વિશ્વભરની સુયોગ્ય પ્રતિભાઓને નોબેલ પ્રાઇઝ અને તેમની દોલત વહેંચવાનો નિર્ણય કર્યો. આજે તેમની જ દોલતમાંથી નોબેલ સન્માન બક્ષવાની પરંપરાને અનેક વર્ષો થઇ ગયાં.
વિશ્વનો સભ્ય સમાજ હવે આલ્ફ્રેડ નોબેલને `મર્ચન્ટ ઓફ ડેથ’ કહેતો નથી. અલબત્ત, વિશ્વને ગન પાઉડરની ભેટ આપનાર આલ્ફ્રેડ નોબેલે `નોબેલ પ્રાઇઝ’ની જાહેરાત કરી પ્રાયશ્ચિત કરી લીધું.

Be Sociable, Share!