ઠંડીની મોસમની જ આ વાત છે એ દિવસોમાં ગામમાં વીજળી નહોતી. સાંજ ઢળી જતાં જ ઓ૨ડાઓમાં ચીમની સળગી રહેતી. ગામના પાદરે વાતોડિયાઓ તાપણું સળગાવીને મોડી રાત લગી ગામગપાટાં હાંકતા.ગામની નજીકના ખેતરમાં એક કૂવો હતો. ખેતરમાં ઘઉંનું વાવેતર કરેલું હતું. ગામના એક પટેલને ત્યાં ખેડૂ રહેલો પરભુડો મોડી રાત લગી હૂડા ગાતો. કદીક મોડે સુધી પાવો વગાડયા કરે. છોટાઉદેપુરના વિસ્તારનો પ૨ભુડો મૂછનો દોરોય ફ્ૂટયો નહોતો ત્યારથી અહીં આવેલો. મોંમાં એકસાથે બબ્બે પાવા વગાડે ત્યા૨ે એ સુરાવલિ બસ સાંભળી જ રહેવાનું મન થાય. રોજ સવાર પડે કે કોસ હાંકે. કૂવામાંથી ઉલેચાઈ નીકમાં ખળખળ વહેતા પાણીની સાથે સાથે ૫૨ભુડો કાંઈક ને કાંઈક ગાતો રહે. અને એની એ સુરાવલિમાં તલ્લીન એવી એક યુવતી કૂવાની કૂંડી પાસે બેસીને કપડાં ધોયા કરે. એનું નામ ભૂરી. ભૂરી શ્યામળી પણ ઘાટીલી. લૂગડાં ધોવાઈ ગયાં હોય તોયે ભૂરી કારણ વગર કપડાં નિચોવ્યા કરે. જ્યાં સુધી ૫૨ભુડાનો કોસ હાલે ત્યાં સુધી ભૂરી કપડાં સાથે મથામણ કર્યા કરે.
પરભુડો પૂછે ઃ ‘હેં છોડી! તારાં લૂગડાં પત્યાં નથી?’
‘તારો કોસ પતે ત્યારે ને !’ ભૂરી જવાબ આપતી.
પછી પ૨ભુડો ઘડીક બળદને વિશ્રાામ આપતાં પાણીની કૂંડી પાસે આવે. એકાદ બીડી સળગાવે ને એકી નજરે ભૂરી સામે તાકી રહે.
ભૂરી પૂછતી ઃ ‘શું જોઈ રહ્યો છે ?’
‘તું લુચ્ચો છે. જા સાલા ઃ ‘ કહેતાં ભૂરી લજાઈ મરતી.
વળી પ૨ભુડો પૂછતોઃ ‘લે હેંડ હવે, ઊભી થા. લૂગડાં ક્યારનાંયે ધોવાઈ ગયાં છે. ખાલી ખાલી મોડું કેમ કરે છે ?’
ભૂરી ગુસ્સે થઈને સંભળાવતીઃ ‘મારે મોડું થાય છે એમાં તારા બાપનું શું જાય છે ? તું જ મને કાઢવા માગે છે… એમ કહે ને !’
‘મારા બાપનું કાંય જતું નથી. બેસી રહે ને સાંજ સુધી. કાલથી મારું ભાથું લઈને આવજે,’ કહી બીડી ફ્ેંકી પરભૂડો વળી પાછો કોસ હાંકવા વળતો.
અને બીજા દિવસે ભૂરી એના સાડલાના છેડામાં ભાથું સંતાડીને લઈ આવી. પછી એ પરભુડાને કહેતીઃ ‘બસ હવે કોસ હાંકવાનું બંધ કર.’
‘કેમ?’
‘ભૂખ નથી લાગી ?’
‘લાગી છે ને !’
‘તો લે આ લાવી છું તારે માટે !’
‘શું?’
‘રોટલા… બીજું શું ?’
અનેે એ કૂવાની બાજુમાં જ ટેકરો હતો. ટેકરાની પેલે પાર થોરની વાડ અને ટેકરા પર શીમળાનું વૃક્ષ. એ વૃક્ષની નીચે બેસીને ભૂરી પરભુડાને પ્રેમથી ખવરાવતી. રોટલો ને મરચું ખાતાં ખાતાં પરભુડો ભૂરી સામે તાકી રહેતો. ભૂરી પૂછતી ઃ ‘આમ મારી સામે શું જોઈ રહ્યો છે ?’
‘રોટલાથી હું નથી ધરાતો… પણ હેં ભૂરી ! તું મારા માટે આજે રોટલો કેમ લાવી ?’
‘ગાંડી થઈ ગઈ છું ને એટલે ?’
‘ના, ના… એમ નથી કહેતો. તું કાંય મારી ઘરવાળી છે ?’
‘નથી…’
‘તો પછી…?’
‘નથી તો બનાવી દેને… એમાં પૂછ પૂછ શું કરે છે !’
અને પરભુડો ભૂરીની આંખોમાં ઊભરાતા પ્રેમનો દરિયો નિહાળી રહેતો.
પછી એ તો નિત્યક્રમ બની ગયો. ઘઉંના અંકુર જેમ જેમ વિકસતા ગયો તેમ તેમ ભૂરી અને પરભુડાની પ્રીત પણ ગંઠાતી ગઈ. રોજ કૂવાના એ ટેકરા પર શીમળાના ઝાડની નીચે ભૂરી અને પરભુડાની જોડીને વૃક્ષ પર બેઠેલા હોલા પણ જોઈ રહેતા. કોઈ વાર એ ગાતો ને ભૂરી સાંભળી રહેતી. કોઈ વાર ભૂરી પાણીની છોળો ઉડાડતી ને પરભુડાને ભીંજવી નાખતી. કોઈ વાર મસ્તીએ ચડી ગયેલો પરભુડો ભૂરીની પાછળ પડતો અને જાતને બચાવી લેવા ભૂરી લહેરાતા ખેતરમાં પાણીની નીકે નીકે દોડી જતી. કદીક એ પછડાઈ જતી. કદીક એમાંથી હાસ્યની છોળો બહાર આવતી તો કદીક ચિચિયારીઓ. સાવ અભણ પરભુડાને અભણ એવી ભૂરી એમની ભાષામાં એકબીજા સાથે બંધાઈ ચૂક્યાં હતાં.
પછી તો દિવસો વીત્યા. ઘઉં નીંદ્યલી ચૂક્યા હતા. પાકીને તૈયાર થયેલા ઘઉં કાપી લેવાયા.
લણણી બાદ ખળામાં ઘઉં લેવાયા. ઉપણાયા અને મોસમ પૂરી થતાં ખેતર ફ્રી ચોખ્ખુંચટ થઈ ગયું.
એવામાં પરભુડાને એના દેશ જવાનું થયું. પાવી જેતપુર પાસે દૂર દૂર એનું ગામ, ગાઉ બે ગાઉ ચાલે. પછી ખટારો પકડે. પછી બસ, વળી બસ બદલે. ને ફ્રી પાંચસાત ગાઉ ચાલે ત્યારે એનું ગામ આવે.
ખાસ્સો મહિનો એક રોકાયા બાદ એ વળી પાછો આવ્યો.
રોજની જેમ ખેતરમાં જાય. હવે તો છેક ચોમાસુ ખેતી લગી ઝાઝું કામ નહોતું એટલે ખેતરમાં રાપ કાઢે ને પેલા શીમળાના વૃક્ષ નીચે બેસીને ભૂરીની રાહ જોયા કરે. કેટલાયે દિવસો લગી ભૂરી આવી નહિ.
વળી એ પાવો વગાડયા કરે. રાત્રે એ હૂડા ગાય. આખી રાત ખાટલામાં પડયા પડયા આકાશમાં ટમટમતા તારલિયાને જોઈ રહેતો. એવી જ એક અંધારી રાત્રે અંતરિક્ષમાં લચી પડેલા હરણિયાને એ નિહાળી રહ્યો હતો, ત્યારે દબાતા પગલે કોઈ એના ખાટલા પાસે આવતું જણાયું.
પરભુડાએ પૂછયું ઃ ‘કોણ ?’
પણ જવાબ મળ્યો નહિ.
પરભુડાએ અંધારામાં એ આકૃતિ ઓળખી કાઢી ઃ ‘ભૂરી !’
અને ભૂરી કશુંયે બોલ્યા વિના એને બાઝી પડી. પરભુડો કાંઈ પૂછે એ પહેલાં તો એના ગળામાં કાંઈક ઊનું ઊનું ઠલવાતું જણાયું. ભૂરી દબાતા સ્વરે રડી રહી હતી. એ હીબકાં ભરી રહી હતી.
પરભુડાએ પૂછયું ઃ ‘શું થયું ભૂરી ?’
ભૂરી રડતાં રડતાં બોલી ઃ ‘હવે હું તારી નથી રહી. પરભુડા !’
‘કેમ?’
‘જેઠ મહિનામાં મારું લગન છે. ‘કહેતાં ભૂરી ધ્રુસકે ધ્રુસકે રડી રહી.
જેઠ મહિનો પણ આવી ગયો.
એ દિવસે સમીસાંજે એ શીમળાના વૃક્ષ નીચે ખાટલો ઢાળીને પડયા પડયા બીડી પી રહ્યો હતો. દૂર દૂરથી ઢબૂકતાં ઢોલ આ તરફ આવી રહ્યાં હતાં. કારણ કે ગામની બહાર જવાનો રસ્તો પણ અહીં ટેકરાને અડીને જ પસાર થતો હતો. ઢોલ ધીમે ધીમે નજીક સરકી રહ્યાં હતાં. સરસ મજાની શણગારેલી વહેલ પસાર થઈ રહી હતી. આભલા-ભરતથી શોભતા ઓઢાથી બળદ શોભતા હતા. શીંગડાં તેલથી ચમકાવવામાં આવ્યાં હતાં. આખું મોં ઢંકાઈ જાય એવા પોખથી વર રાજા હાથમાં તલવાર લઈને બેઠા હતા. જાનડીઓ ગાતી હતી. ઢોલ જોસ જોસથી ધબૂકતો હતો.
પણ એનો પ્રત્યેક ધબકાર પરભુડાનું હૈયું ચીરી નાખતો હતો.
જાનડીઓનાં ગીત અને ઢોલના ધબકારની ભીતરમાં ભૂરીનાં ડૂસકાંનો કોઈને ખ્યાલ પણ ના રહ્યો. પાનેતરની ભીતરમાં બન્ને આંખોમાંથી જાણે કે ગંગાજમના વહી રહી હતી. પરભુડો ખાટલામાંથી ઊઠયો અને એ વહેલ અદૃશ્ય થઈ ત્યાં સુધી એકીટસે જોઈ રહ્યો. પરંતુ ભૂરીના નસીબમાં તો છેલ્લી વાર એનો મનગમતો ચહેરો જોવાનું પણ લખ્યું નહોતું.
જાન જતી રહી. વાત વહી ગઈ. પણ તે દિવસથી પરભુડો બસ સાવ શૂન્યમનસ્ક બની ગયો.
શીમળાના વૃક્ષ નીચે બેસી એ બીડીના કસ ખેંચ્યા કરતો. ઘડીક એ કૂવા તરફ્ નિહાળી રહેતો. તો ઘડીક એની નજર સમક્ષ લહેરાતા ઘઉંની નીકમાં દોડતી ભૂરી દેખાતી, તો ઘડીક પોતાની સમક્ષ પાણીની છોળો ઉછાળતી એ મસ્તીખોર છોકરી.મોડી રાત લગી એ એકલો એકલો પાવો વગાડયા કરતો ને ભૂરીને યાદ કરી લેતો.
પરભુડાનો એ ઉદાસીન ચહેરો એક દિવસ કોઈ ક્ષણે હસતો જણાયો.
તોે કોઈકે પૂછયું ઃ ‘હે પરભુડા ! તારી ભૂરી તો તને છોડીને જતી રહી ને.’
ત્યારે પરભુડો બોલ્યો હતો; ‘ના… બીજા એક પરભુડાને એ સાથે લઈ ગઈ છે.’
એના કહેવાનો મર્મ કોઈ સમજ્યું, કોઈ ના સમજ્યું.
ને સમય જતાં વાત ભુલાઈ ગઈ.
આવી છે પ૨ભુડાની અને ભૂરીની વાત. આ કોઈ ટૂંકી વાર્તા નથી પણ બચપણમાં આંખો સમક્ષ ગુજરેલી સંવેદનશીલ છતાં સત્ય ઘટના છે. પછી તો પરભુડો ગામ છોડીને દેશ ચાલ્યો ગયો. એ ક્યાં છે, ભૂરી ક્યાં છે એની કોઈને ખબર નથી.
પણ હા, પ્રીત કરવાનો અધિકારમાત્ર ભણેલા શહેરીઓને જ છે એવું નથી.
– દેવેન્દ્ર પટેલ



