અમેરિકાના હાલના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયેલના પ્રેસિડેન્ટ નેતન્યાહૂના ટ્રેપમાં આવી જઈને ઈરાન સામે યુદ્ધે ચડ્યા અને આખા વિશ્વના અર્થતંત્રને ડહોળી નાંખ્યું, પરંતુ અમેરિકાના હાલના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ એકમાત્ર યુદ્ધખોર પ્રેસિડેન્ટ નથી. આ અગાઉ પણ ૧૯૯૧માં એ વખતના અમેરિકાના પ્રેસિડેન્ટ જ્યોર્જ બુશ પણ આવા જ યુદ્ધખોર નેતા હતા. તેમણે ૧૯૯૧ના ગાળામાં ઈરાક સામે લોહિયાળ યુદ્ધ ખેલ્યું હતું. અમેરિકન સેનેટની યુદ્ધ માટેની મંજૂરી બાદ એ વખતના પ્રેસિડેન્ટ જ્યોર્જ બુશ અમેરિકાના લશ્કરના કમાન્ડર ઈન ચીફ બની ગયા હતા. હવે આટલી પશ્ચાદ્ભૂમિકા જોયા બાદ એ વખતના પ્રેસિડેન્ટ જ્યોર્જ બુશના જીવન પર એક નજર નાંખીએ. ૧૯૪૧ના ડિસેમ્બર માસની ૭મી તારીખની વાત છે. અમેરિકામાં ન્યૂયૉર્કની પ્રેય સ્કૂલમાં બાસ્કેટ બૉલની પ્રેક્ટિસ પતાવ્યા બાદ થોડાક વિદ્યાર્થીઓ યુદ્ધની વાતચીત કરી રહ્યા હતા. એ વખતે બીજા વિશ્વયુદ્ધનાં વાદળો છવાયેલાં હતાં. એક વિદ્યાર્થીએ ઘેર જઈને એના પિતાને કહ્યું: `ડેડ, મારે આર્મીમાં જોડાવું છે.’ પિતા ચમકી ગયા. એમના દીકરાની ઉંમર માત્ર ૧૭ વર્ષની જ હતી. એણે કહ્યું: `આપણા દેશને રાષ્ટ્ર માટે લડવા યુવાનોની જરૂર છે. ‘ બીજા જ દિવસે એ યુવાને નેવીમાં પોતાનું નામ નોંધાવી દીધું. એનું નામ જ્યોર્જ બુશ હતું. એવિએશન સ્કૂલમાં એને પ્રવેશ મળી ગયો. યુદ્ધ નૌકાઓ પરથી ઉડાડાતાં લડાયક વિમાનોના પાઇલટ બનવાની તાલીમ અહીં અપાતી હતી. જ્યોર્જ બુશને એના પિતા ન્યૂયૉર્કના પેન રેલવે સ્ટેશને મૂકવા ગયા ત્યારે રડી પડ્યા હતા.નેવિએશન સ્કૂલમાં પહોંચતાં જ સખત તાલીમની શરૂઆત થઈ. બુશે પહેલી વાર એકલા વિમાન ઉડાડ્યું ત્યારે એ ખુશ થઈ ગયો. ધીમે ધીમે રાત્રિના અંધકારમાં વિમાન ઉડાડતાં એણે શીખી લીધું.
તા. ૯, ૧૯૪૩ના રોજ બુશને ગોલ્ડ વીંગ્સ મળી. ત્યારબાદ એવેન્જર નામનું ટૉર્પિડો બૉમ્બર વિમાન ઉડાડવાની ટ્રેનિંગ માટે તેને ફૉર્ડ લૉડરડેઈલ મોકલવામાં આવ્યો. યુદ્ધજહાજ પરથી ઉડાડાતું આ વિમાન મોટું અને વજનદાર હતું. તેમાં ટનબંધ બૉમ્બ રાખવામાં આવે છે. પૂરા અગિયાર મહિના સુધી આ ભારેખમ વિમાનને યુદ્ધનૌકા પરથી કેવી રીતે ઉડાડવું અને જહાજ પર કેવી રીતે ઉતારવું તે બાબતની તાલીમ આપવામાં આવી. બુશને ખબર હતી કે યુદ્ધ દરમિયાન વિમાનો તોડી પડાતાં હોય છે અને પાઈલટો મરી જતા હોય છે, પણ એને મોતનો ડર નહોતો. એ બાબતમાં એણે વિચાર્યું પણ નહોતું.
બુશની તાલીમ પૂરી થતાં એને હવે `સેન જેસીન્તો’ નામના મધ્યમ કક્ષાના યુદ્ધજહાજ પર બૉમ્બર પાઈલટ તરીકે નિમણૂક આપવામાં આવી. એ વખતે એની ઉંમર માત્ર ૧૯ વર્ષની હતી.
બીજા વિશ્વયુદ્ધના તણખા હવે શરૂ થઈ ચૂક્યા હતા. તા. ૨૩મી મે, ૧૯૪૪ના રોજ પર્લ હાર્બરથી ૨૩૦૦ માઈલ દૂર આવેલા વેઈક આઇલૅન્ડ પર જઈ બુશે પ્રથમ બૉમ્બવર્ષા કરી. વિમાન વિરોધી તોપોએ ગોળા છોડ્યા, પણ બુશનું વિમાન આસાનીથી એમની રેન્જમાંથી બહાર નીકળી ગયું. બીજા ત્રણ માસ સુધી યુદ્ધજહાજ સતત દરિયામાં ઘૂમતું રહ્યું. તા. ૨ સપ્ટેમ્બરના રોજ બુશની સ્ક્વૉડ્રનને પેસિફિક મહાસાગરમાં આવેલા `ચીચી-જીમા’ નામના એક જાપાનીઝ ટાપુ પરનું એક જાપાની રેડિયો ટ્રાન્સમીટર ઉડાવી દેવાનું કામ સોંપવામાં આવ્યું. આમ તો આ કામ એટલું બધું અઘરું નહોતું, પણ ચીચી-જીમા ટાપુનું નામ સાંભળીને ભલભલા થથરી જતા. આ ટાપુ પરનો કમાન્ડ મેજર સ્યુઓ મટોબા નામના જાપાની અફસર પાસે હતો. સ્યુઓ મટોબા એક ખતરનાક પ્રકૃતિ ધરાવતો લશ્કરી મેજર હતો. જે કોઈ અમેરિકન કેદીઓ પકડાયા હોય તેમને આ ટાપુ પર રાખવામાં આવતા. ટાપુ પરના અમેરિકી કેદી સૈનિકોને ફિલ્ડમાં ઊભા રાખી જાપાની સૈનિકો જીવતા માણસોનાં માથામાં રાઈફલોની બૅયોનેટ પ્રેક્ટિસ કરતા. રાઇફલની આગળ આવતો અણીદાર છરો જીવતા માણસોના દેહમાં ઘુસાડીને સ્યુઓ તેના સૈનિકોને તાલીમ આપતો હતો. જે કોઈ અમેરિકી વિમાન તૂટી પડ્યું હોય ને પાઈલટ જાપાનીઓના હાથમાં આવી ગયો હોય તેને આ ટાપુ પર લાવવામાં આવતો. ત્યારબાદ અનેકની હાજરીમાં સમુરાઈ નામે ઓળખાતી તલવારથી જાહેરમાં અમેરિકન પાઈલટનું ડોકું કાપી નાખવામાં આવતું. એક જાપાની સોલ્જરે લીધેલી આવી હત્યાની એક દુર્લભ તસવીર પાછળથી અમેરિકાના `લાઈફ’ નામના મેગેઝિનમાં પ્રગટ કરવામાં આવી હતી. જીવતા રાક્ષસ જેવો જાપાની મેજર પકડાયેલા અમેરિકી પાઈલટોને નાના નાના ટુકડામાં કાપી નાખતો. એક વાર તો એણે એના ડૉક્ટરને હુકમ કર્યો કે અમેરિકન પાઇલટને ચીરીને એનું લીવર બહાર કાઢો અને પસંદ કરેલા બીજા અમેરિકન કેદીઓને તે ખવડાવો. તગડા અમેરિકન કેદીઓના સાથળનું માંસ તો તે પોતે જ ખાતો.
આવા ખતરનાક ટાપુ ચીચી-જીમા પર બુશે ઉડ્ડયન કરવાનું હતું. ત્યાં જતાં પહેલાં આ ટાપુ અને એની આ ભયાનકતાઓ વિશે માહિતી પણ આપી દેવામાં આવી હતી. ચીચી-જીમા ટાપુ પર બૉમ્બવર્ષા કરવા જનારાઓમાં બુશ એકલા નહોતા. એમની સાથે બીજાં બે વિમાનો પણ હતાં. ૮-૧૫ વાગ્યે બુશની ટુકડીએ જહાજ પરથી ટેક ઑફ કર્યું. ત્રણ વિમાનો પૈકી બુશનું વિમાન ત્રીજું હતું. ત્રણેય વિમાનો ડાયમંડ ફોર્મેશનમાં લક્ષ્યાંક તરફ ઊડવા માંડ્યાં. થોડીક જ વારમાં ચીચી-જીમા ટાપુ દેખાયો. બીજાં વિમાનોની સાથે બુશે ઝડપથી વિમાન ૩૦ ડિગ્રી પર લીધું અને રેડિયો ટાવર પર ત્રાટકવા લક્ષ્ય સાધ્યું. વિમાન રેડિયો ટાવર તરફ ધસી રહ્યું હતું અને બરાબર એ જ વખતે ટાપુ પરની વિમાન વિરોધી તોપો પણ ગર્જી ઊઠી. ટાપુ પરની તોપમાંથી છૂટેલા ગોળા વિમાન તરફ ફાયર થવા લાગ્યા. વિમાન વિરોધી તોપોથી બચવા બુશે કોઈ પણ યુક્તિ વાપરવાને બદલે રેડિયો ટાવર તરફ ધસી જવાનું ચાલુ રાખ્યું. ટાપુ પરથી છોડવામાં આવેલા ટ્રેસર્સથી કેટલાંક કાળાં વાદળો છવાઈ ગયાં હતાં. બુશે કાળા ધુમાડામાં પ્રવેશ કર્યો.
અચાનક એને કોઈ ધડાકાનો અવાજ સંભળાયો. બુશે પ્લેનને સહેજ ઊંચક્યું તો ખબર પડી કે એના પોતાના વિમાનમાં આગ લાગી હતી. વિમાન વિરોધી તોપોના ગોળાએ વિમાનનો પાછળનો ભાગ વીંધી નાખ્યો હતો. વિમાન સળગી રહ્યું હતું, પણ એ આગ હવે પોતાની જ બળતણ ટાંકીની નજીક આવી રહી હતી. ચારે તરફ ધુમાડા દેખાતા હતા. બુશે હવે ઝાઝો વિચાર કરવાનું છોડી દઈને ઝડપી નિર્ણય લીધો. એણે વિમાનને ટાર્ગેટ તરફ લીધું. રેડિયો ટ્રાન્સમીટર હવે સ્પષ્ટ દેખાતું નહોતું. છતાંયે અંદાજથી એણે પ્લેનમાં ગોઠવેલા બૉમ્બ રિલીઝ કર્યા. આશ્ચર્યની વાત એ હતી કે એણે રિલીઝ કરેલા ચારેય બૉમ્બ રેડિયો ટ્રાન્સમીટર પર જઈને જ પડ્યા હતા.
બુશનું પોતાનું વિમાન સહેજ ઊંચે લીધું. એણે નીચે નજર કરી તો રેડિયો ટાન્સમીટર આગમાં લપેટાયું હતું. બૉમ્બ ધડાકાથી એનો ભંગાર હવામાં ઊડી રહ્યો હતો, પણ બુશનું પોતાનું વિમાન પણ સળગી રહ્યું હતું. વિમાનની ડાઈવ સમાપ્ત કરીને હવે એણે દરિયાનાં પાણી તરફ વિમાન લીધું. વિમાની પાંખો પણ હવે સળગી રહી હતી અને આગ હવે એન્જિન સુધી આવી પહોંચી હતી. એણે પાણીમાં વિમાનને ઉતારવા વિચાર્યું, પણ એ ઠીક ન લાગતાં છેવટે તો વિમાન છોડી દઈને પેરાશૂટની મદદથી પાણીમાં કૂદી પડવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.
એ દરમ્યાન એનું વિમાન તો ધડાકા સાથે પાણીમાં જ તૂટી પડ્યું હતું. બુશને પણ કેટલોક ભંગાર વાગતાં એના કપાળમાંથી લોહી વહી રહ્યું હતું. હવે એ લાંબું તરી શકે તેમ નહોતો. પાણીમાં તરતા રહેવા કોઈ સપોર્ટ મળી જાય તે માટે અહીંતહીં નજર દોડાવી. ૫૦ ફૂટ દૂર એના જ વિમાનની તૂટી ગયેલી સીટનો ભાગ તરી રહ્યો હતો. બુશ માંડ માંડ એ તરફ ગયો. એને પકડીને એણે શ્વાસ લીધો. હવે ડૂબવાનો તો કોઈ સવાલ નહોતો, પણ દરિયાનાં મોજાં પેલા ખતરનાક જાપાની ટાપુ ચીચી-જીમા તરફ જ લઈ જઈ રહ્યાં હતાં. થોડી વાર પહેલાં એણે જ્યાં બૉમ્બ ફેંક્યો હતો એ તરફ જ એ ખેંચાતો જતો હતો. સીધો જ દુશ્મનોના હાથમાં. હવે એ થાકી ગયો હતો. આકાશ સ્વચ્છ હતું અને કોઈ જ પ્લેન દેખાતું ન હતું. પોતાના કેવા હાલ થવાના છે એ ખ્યાલથી હવે એણે ઈશ્વરને પ્રાર્થના કરી.
પૂરા ત્રણ કલાક સુધી વિમાનના ભંગારના સહારે તે પાણીમાં રહ્યો.
થોડી વાર બાદ પાણીમાં કથ્થઈ રંગનું કંઈક દેખાયું. એ મોટું ને મોટું બનતું ગયું. એને ખ્યાલ આવ્યો કે એ સબમરીન છે. સબમરીન પાણીની સપાટી પર આવી ગઈ હતી અને પોતાની તરફ ધસી રહી હતી. જાપાની સબમરીનના ખ્યાલથી એ ધ્રૂજી ગયો, પણ `ફીન બેક’ નામની એ અમેરિકન સબમરીન હતી. સમબરીનના ખલાસીઓ તૂતક પર આવ્યા અને બુશને તેમણે ઉગારી લીધો. અા સબમરીનને પાણીમાં બે વાર જાપાની યુદ્ધજહાજે આંતરી હતી, પણ એ બંને વાર બચી ગઈ. બુશ બરાબર છ દિવસ બાદ પોતાના અસલ યુદ્ધજહાજ પર પાછો ફર્યો ત્યારે ખબર પડી કે એની સાથે ઊડેલાં બીજાં બે વિમાનોના બંને પાઈલટો માર્યા ગયા છે.
બુશે પણ એના પિતાને પત્ર લખી એની વિમાની કામગીરી, દેશ અને બચાવની વિગતોની જાણ કરીને છેલ્લે ઉમેર્યું : `હું હજી ફરીથી ઊડવા માગું છું.’
ચીચી-જીમા ટાપુ પરના એ રેડિયો મથકને ઉડાડી દેવાની ઉત્તમ કામગીરી માટે પાઈલટ જ્યોર્જ બુશને ફ્લાઇંગ ક્રૉસ એવૉર્ડ પણ આપવામાં આવ્યો. ત્યારબાદ એણે સંખ્યાબંધ બૉમ્બિંગ મિશન પાર પાડ્યાં. નવેમ્બર માસમાં એના યુદ્ધ નૌકાજહાજની ટૂર સમાપ્ત થઈ અને બુશ અમેરિકા પાછો ફર્યો. એ બીજી કામગીરીના હુકમની રાહ જોઈ રહ્યો હતો, પણ એની જરૂર જ ન પડી. ૧૪મી ઑગસ્ટ, ૧૯૪૫ના રોજ જાપાને બિનશરતી શરણાગતિ સ્વીકારી અને બુશે એ વિજયને યુવાન પત્ની બાર્બરા સાથે વર્જીનિયાના બીચ પર ભારે આનંદપૂર્વક ઊજવ્યો. ૧૮મી સપ્ટેમ્બર, ૧૯૪૫ના રોજ બુશે નેવી છોડી ત્યાં સુધીમાં બૉમ્બર પાઈલટ તરીકે એણે કુલ ૧૨૨૮ કલાકનું ઉડ્ડયન કર્યું હતું. ૧૨૬ કેરિયર લેન્ડિંગ કર્યાં હતાં અને ૫૮ વખત હવાઈહુમલાની કામગીરી બજાવી હતી.
આવા જ્યોર્જ બુશ પાછળથી જાહેર જીવનમાં આવ્યા અને પ્રમુખની ચૂંટણી લડતી વખતે `ફીન બેક’ સબમરીને જ્યારે તેમને બચાવી લીધા તે વખતે સંજોગવશાત્ લેવાયેલી એ તસવીરનો તેમણે પ્રમુખપદની ચૂંટણી વખતે ઉપયોગ કર્યો.



