શાલિની એક ગુજરાતી નારી છે. મુંબઈમાં જન્મી છે, મુંબઈમાં જ ભણી છે અને અમદાવાદના યુવાનને પરણી છે. અલબત્ત, તેના પતિ સુધાંશુને મુંબઈમાં જોબ મળી હોઈ બેઉ મુંબઈમાં જ રહે છે. સુધાંશુ રોજ સવારે જોબ પર જવા નીકળે એટલે શાલિની તેનાં બૂટ-મોજાં તૈયાર રાખે. તેની બ્રીફ્કેસ તૈયાર રાખે. સુધાંશુએ તેની ટાઈ બરાબર બાંધી ના હોય તો મજાકથી કહેઃ ‘તમે અમદાવાદના લોકો હજી ટાઈ બાંધતાં ના શીખ્યા.’ત્યારે સુધાંશુ કહેતો ઃ ‘જો, શાલિની! ટાઈની ગાંઠ બાંધતાં તું શીખવ. દાંપત્યજીવનની ગાંઠ મજબૂત રાખતાં હું તને શીખવીશ.’
બેઉ હસે. આવી મીઠી છેડછાડ રોજ થાય. સાંજે સુધાંશુ ઘેર પાછો આવે ત્યારે શાલિની સુધાંશુને ગમતાં વ્યંજન બનાવી રાખે. વીક એન્ડના દિવસે સાંજે બેઉ બહાર જમવા જાય. કદીક જૂહુ બીચ પર જાય. પાણીપુરી ને ભેળ ઝાપટે. સુધાંશુ અમદાવાદની પાણીપૂરીનાં વખાણ કરે અને શાલિની જૂહુનાં. રશ્મિન તેમનો ફ્ેમિલી ફ્ેન્ડ છે. એક દિવસ રશ્મિન તેમના ઘેર આવ્યો. વાત વાતમાં એણે કહ્યુંઃ ‘ભાભી ! તમે આટલાં હોશિયાર છો, આટલાં રૂપાળાં છો, સારું ભણેલાં છો, તો આખો દિવસ ઘેર શા માટે બેસી રહો છો. તમે કોઈ કામ શા માટે શોધી લેતાં નથી ?’
‘હું અને જોબ ! નોટ એટ ઑલ. હું મુંબઈની છું, પણ મારે એક સારી ગૃહિણી જ બનવું છે.’ શાલિનીએ જવાબ આપ્યો.
સુધાંશુએ કહ્યું હતું ઃ ‘રશ્મિન, જવા દે ને યાર. તારી ભાભી મુંબઈની છે, પણ દેશી છે.’
શાલિનીએ છણકો કરીને કહ્યુંઃ ‘ઓ.કે. રશ્મિનભાઈ ! જો એમ જ હોય તો તમે મારા માટે યોગ્ય જોબ શોધી કાઢો આઈ વીલ ડુ ધેટ.’
અને એક સાંજે રશ્મિન ફ્રી પાછો ઘેર આવ્યો. એણે કહ્યું ઃ ‘ભાભી ! એક મલ્ટિનેશનલ કંપનીનો મૅનેજર મારો દોસ્ત છે. મેં એને વાત કરી છે. તેના પી. આર. ડિપાર્ટમેન્ટમાં જગા છે.’
શાલિનીએ સુધાંશુ સામે જોયું. સુધાંશુએ હા પાડી. બીજા જ દિવસે રશ્મિન શાલિનીને મેકર્સ ચેમ્બરમાં આવેલી એક કંપનીની ઑફ્સિમાં લઈ ગયો. શાલિનીનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું. તે સુંદર અંગ્રેજી બોલી શકતી હતી. તેની જોબ નક્કી થઈ. મહિને ૫૦ હજારનો પગાર.
બીજા જ દિવસથી શાલિનીએ જોબ શરૂ કરી. એનું વસ્ત્રપરિધાન બદલાઈ ગયું. સાડીનો ત્યાગ કરી એણે હવે એક્ઝિકયુટિવ સૂટ ધારણ કર્યો. તે ગોર્જિયસ લાગતી હતી. તેની પાસે સુંદર હાઈટ પણ હતી. મોડી સાંજે પાછી આવી ત્યારે બેડરૂમમાં સૂતી વખતે સુધાંશુંએ પૂછયુંઃ ‘કેવો રહ્યો પહેલો દિવસ?’
‘ગ્રેટ… એવરી વન લાઇક્સ મી.’ શાલિનીએ કહ્યું અને ઉમેર્યું ઃ ‘પરંતુ રશ્મિન ગજબનાક છે. તેની પહોંચ ઘણી છે.’
અને થોડા જ દિવસોમાં શાલિનીનું વ્યક્તિત્વ બદલાઈ ગયું. તે હવે બહિર્મુખ બની. વધુ ને વધુ લોકો સાથે ભળવા લાગી. વધુ ને વધુ વાતો કરવા લાગી. સૌ કોઈ તેનાથી પ્રભાવિત થઈ જતા. વળી પબ્લિક રિલેશન્સમાં કામ કરવાનું હોઈ રોજ નવા નવા માણસોને મળવાનું થતું. તે ખુશ હતી.
એક દિવસ સાંજે તે ઑફ્સિેથી ઘેર જવા નીકળી ત્યારે રશ્મિન કાર લઈ ગેટ પાસે ઊભો હતો. એ બોલ્યોઃ ‘આજે આ એરિયામાં મારે કામ હતું. મને થયું કે, તમને ઘેર જવા લિફ્ટ આપું.’
શાલિની બોલી ઃ ‘હાઉ નાઇસ!’
બેઉ કારમાં ગોઠવાયાં. રશ્મિન તેને ઘેર મૂકી ગયો. સુધાંશુ હજી આવ્યો નહોતો. શાલિનીએ રશ્મિનને કૉફ્ી પીને જવા કહ્યું. થોડા દિવસ પછી રશ્મિન ફ્રી મેકર્સ ચેમ્બર્સના ગેટ પાસે ઊભો હતો. શાલિની ચુપચાપ તેની કારમાં બેસી ગઈ. ‘તમે આ બાજુ ક્યાંથી?’ એવું કાંઈ જ શાલિનીએ પૂછયું નહીં. અલબત્ત, મનમાં કોઈક મૂંઝવણ તો હતી જ.
પછી તો આ સિલસિલો ચાલુ થઈ ગયો. કોઈ વાર તેઓ સીધાં જુહુ પર જતાં. બેઉ પાણીપુરી ખાતાં, મોડે સુધી વાતો કરતાં. શાલિની પૂછતી ઃ ‘રશ્મિન ! તમે લગ્ન કેમ નથી કરતા ?’
રશ્મિન કહેતો ઃ ‘હું એ બંધનમાં સપડાવા માંગતો નથી. પશુ-પક્ષીઓ ક્યાં લગ્ન કરે છે છતાં ખુશ રહે છે ને? કેવાં ઊડાઊડ કરે છે ? કેવો કિલકિલાટ કરે છે ?’
શાલિની મુક્ત પંખીની જેમ વિહાર કરતા રશ્મિનની વાતો સાંભળ્યા જ કરતી. કોઈ વાર રાત્રે તે નાસ્તો કરીને ઘેર પહોંચી હોય તો સાંજનું ડિનર કરી શક્તી નહીં. સુધાંશુ કારણ પૂછતો તો શાલિની કહેતી ઃ ‘મારે ફેરેનના એક ગેસ્ટ સાથે રેસ્ટોરાંમાં જવું પડયું હતું.’
સુધાંશુ તેની વાત સાચી માની લેતો. એક સાંજે ફ્રી રશ્મિન અને શાલિની જુહુ કિનારે રેતીના એક ઢગલા પાસે બેઠાં હતાં. રશ્મિને કહ્યું ઃ ‘ભાભી… તમે ?’
શાલિનીએ કહ્યું હતું ઃ ‘તમે મને ભાભી ના કહો. માત્ર શાલિની કહો !’
‘પણ એવું તમને ગમશે ?’ રશ્મિને પૂછયું હતું.
‘હા… એમ જ ગમશે.’ શાલિની બોલી. અને પહેલી જ વાર રશ્મિને શાલિનીનો હાથ પોતાના હાથમાં લઈ પંપાળ્યો. શાલિનીએ આંખો બંધ કરી દીધી. શાલિની બોલીઃ ‘રશ્મિન ! હું બદલાઈ રહી છું. હું પાપ કરું છું કે પુણ્ય, મને ખબર પડતી નથી.’
રશ્મિનની એક જ ફ્લિસૂફ્ી હતી ઃ ‘બધું કુદરત પર છોડી દેવું જોઈએ. નેચર જ્યાં લઈ જાય ત્યાં જવા દેવું જોઈએ. એ પ્રવાહને રોકવો જોઈએ નહીં.’
-એક દિવસ સુધાંશુ તો રોજના નિયમ પ્રમાણે રાતના ૮ વાગે ઘેર આવી ગયો હતો, પરંતુ શાલિની હજુ આવી નહોતી. રાતના નવ થયા, દસ થયા, બાર થયા. સુધાંશુએ શાલિનીના મોબાઈલ પર ખૂબ ફેન કર્યા, પરંતુ નો રિપ્લાય આવતો હતો. તે ચિંતાતુર થઈ ગયો. એણે શાલિનીનાં માતા-પિતા કે જેઓ મુંબઈ સાંતાક્્રૂઝમાં જ રહેતાં હતાં ત્યાં ફેન કર્યા, પરંતુ શાલિની ત્યાં પણ ગઈ નહોતી. શાલિની છેક રાત્રે બે વાગે ઘેર આવી. તે ખૂબ થાકેલી હતી.
સુધાંશુએ પૂછછયું ઃ ‘કેમ આટલું મોડું. ફેન કેમ ઉપાડતી નહોતી?’
‘સૉરી સુધાંશુ ! ચાઈનાથી એક ડેલિગેશન આવેલું હતું. કંપનીના એમડીએ તાજમાં કૉન્ફ્રન્સ કમ ડિનર રાખ્યું હતું. ફેન સાઇલન્ટ મોડ પર રહી ગયો હતો અને તને તો ખબર છે ને મારી જોબમાં તો મોડું થાય છે જ !’ શાલિનીએ સ્પષ્ટતા કરી.
એ રાત્રે સુધાંશુ સૂઈ ગયો. માત્ર એની આંખો જ બંધ હતી. અંદરથી એ જાગતો હતો. શાલિની તો ઘસઘસાટ ઊંઘવા લાગી. શાયદ એણે થોડો વાઈન પણ પીધો હતો. બીજા દિવસે સવારે સુધાંશુ મૌન હતો. એણે નિત્યક્રમ પતાવ્યો. બ્રેકફસ્ટ કરીને ઑફ્સિે જવા નીકળ્યો. શાલિની તેના ગયાના અડધો કલાક પછી નીકળતી. શાલિનીના ચહેરા પર કોઈ ગિલ્ટીના ભાવ હતા. એણે સુધાંશુ સાથે આંખ જ ના મિલાવી. તે એટલું જ બોલી ઃ ‘હવેથી મોડું થાય તેવું હશે તો અગાઉથી તને ફેન કરી દઈશ.’
આ વાતને કેટલોક સમય વીત્યો.
એક સાંજે શાલિની અને રશ્મિન એક રેસ્ટોરાંમાં મળ્યાં હતાં. બેઉ હવે એકબીજાને થોડો સમય પણ મળ્યા વગર રહી શકતાં નહોતાં. શાલિની બોલી હતી. ‘મને લાગે છે કે એક મોટો ઝંઝાવાત આવી રહ્યો છે. હું પ્રેગ્નન્ટ છું. રશ્મિન !’
‘એમાં વાંધો શું છે ?’ ‘તું મેરિડ છે ઃ રશ્મિને કહ્યું.’
‘પણ છેલ્લા બે મહિનાથી તેમણે મને સ્પર્શ પણ કર્યો નથી’ઃ શાલિની બોલી.
‘ઓહ!’ બોલતાં રશ્મિને કહ્યુંઃ ‘તો એબોર્શન કરાવી લે.’
શાલિની ચૂપ થઈ ગઈ.
પણ એણે મનોમન કોઈક નિર્ણય તો કર્યો જ હતો. શાલિનીએ કહ્યું ઃ ‘બિયર મંગાવી લે.’
રશ્મિનને આૃર્ય લાગ્યું કે, શાલિની હવે પૂરી એક્ઝિકયુટિવ થઈ ચૂકી હતી. એણે ફેસ્ટર બિયર મંગાવ્યો. બિયર પીને તે ઘેર પહોંચી. રાત્રે એ ઘેર પહોંચી. રોજ કરતાં સહેજ મોડી, પરંતુ સુધાંશુએ તેને કાંઈ પૂછયું જ નહીં, પણ શાલિની ટ્રાન્સમાં હતી. જમી લીધા બાદ એ બેડરૂમમાં ગઈ. એણે લાઇટો બંધ કરી દેવા કહ્યું. થોડી વાર બોલી ઃ ‘સુધાંશુ… મારે એક વાત કહેવી છે.’
‘કહે ને !’
‘હુું પ્રેગ્નન્ટ છું.’
સુધાંશુ મૌન રહ્યો. શાલિનીએે કહ્યું ઃ ‘કેમ કોઈ જવાબ આપ્યો નહીં ?’
સુધાંંશુએ મૌન જ રહેવાનું પસંદ કર્યું. થોડી વાર પછી તે બોલી ઃ ‘મારે એબોશર્ન કરાવી લેવું છે.’
‘કેમ ?’
‘કારણ તું જાણે છે.’ શાલિની બોલી. ‘સારું, કાલે સવારે આપણે ડૉક્ટર પાસે જઈશું. અત્યારે સૂઈ જા.’ સુધાંશુએ કહ્યું.
બીજા દિવસે કાંઈ બન્યું જ ના હોય તે રીતે સુધાંશુ સ્પષ્ટ હતો. શાલિની મૌન હતી. તેનો ચહેરો ગીલ્ટીથી ભરેલો હતો. સુધાંશુએ વહેલી સવારે જ ગાયનેક ડૉક્ટરની એપોઈન્ટમેન્ટ લીધી. શાલિનીએ સાડી પહેરી લીધી. બેઉ કારમાં ગોઠવાયાં. પાર્લામાં કોઈ એક ગાયનેક તબીબની પ્રાઇવેટ હૉસ્પિટલ પર પહોંચ્યાં.
ડૉક્ટરે શાલિનીને તપાસીને કહ્યુંઃ ‘કોંગ્રેચ્યુલેશન્સ, શી ઈઝ પ્રેગ્નન્ટ.’
શાલિનીએ પૂછયું ઃ ‘એબોર્શનમાં કેટલો સમય લાગશે ડૉક્ટર ?’
સુધાંશુએ વચ્ચે દરમિયાનગીરી કરતાં કહ્યું ઃ ‘અમે કાલે ફ્રી મળીશું ડૉક્ટર.’
‘બેઉ કારમાં પાછાં ર્ફ્યાં.’ સુધાંશુએ શાલિનીને કહ્યું ઃ ‘તારે એબોર્શન કરાવવાનું નથી.’
‘પણ કેમ… ?’
‘એમાં આવનારા બાળકનો શું વાંક ? આપણી ભૂલ માટે એક જીવની હત્યા કરવાનો આપણને અધિકાર નથી.’ સુધાંશુ બોલી રહ્યો અને શાલિની રડી પડી.
એ બોલી ઃ ‘સૉરી સુધાંશુ. હું ગુમરાહ થઈ ગઈ હતી.’
બીજા દિવસે શાલિનીએ નોકરી છોડી દીધી. એણે બાળકને જન્મવા દીધું. શાલિની કહે છે ઃ ‘મારા પતિ માત્ર માનવી નથી, દેવતા છે. લોકોને જાણ થવા દો કે આવા પુરુષો પણ છે.’ અને શાલિની પોતાની વાત પૂરી કરે છે.
(નામો પરિવર્તિત છે)
– દેવેન્દ્ર પટેલ



