Close

પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ યાદ રહે કે, પાકિસ્તાનના ન્યુક્લિયર સ્મગલર અબ્દુલ કાદિર ખાને ઈરાનને અણુ ટેક્નોલોજી આપી છે

અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન સામે શરૂ કરેલા યુદ્ધનો અંત નજીકમાં દેખાતો નથી. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સવારે, બપોરે અને સાંજે પોતાનાં નિવેદનો બદલ્યા કરે છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પ એક યુદ્ધખોર અને સાયોકોટિક પ્રેસિડેન્ટ છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, અમેરિકી દળોએ ઈરાન પર ભીષણ હુમલા ચાલુ રાખ્યા, પરંતુ અમેરિકાએ ભારતના રોકણવાળા ઈરાનના ચાબહાર પોર્ટ પર હુમલો કરી દીધો. એ જાણવું જરૂરી છે કે ઈરાનમાં બનેલું ચાબહાર પોર્ટ ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્ત્વનું છે. ભારતે તેના વિકાસમાં રોકાણ કરેલું છે. તેનું સંચાલન `ઈન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ’ (IPGL) નામની ભારતીય કંપની કરી રહી છે. ચાબહાર પોર્ટ ભારતને પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા તથા યુરોપ સુધી વ્યાપારી સવલત ઉપલબ્ધ કરાવે છે. ચાબહાર પોર્ટ ઈરાનનું વ્યૂહાત્મક સમુદ્રી પ્રવેશદ્વાર છે, જેની સૌથી મોટી ખાસિયત એ છે કે ત્યાં પહોંચવા માટે સમુદ્રી જહાજોએ હોર્મુઝની ખાડીમાંથી પસાર થવું પડતું નથી. હવે અમેરિકાએ ભારત માટે વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવતા ચાબહાર પોર્ટ પર અમેરિકાના હુમલાના કારણે સમુદ્રી જહાજોની અવરજવર પર અસર થઈ શકે છે અને શિપિંગનો ખર્ચ વધી શકે છે. આ કારણે ઈરાનની બચેલી આર્થિક લાઈફલાઈન પર ગંભીર દબાણ ઊભું થઈ શકે છે. આ સંદર્ભમાં ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીના વડા ફાતિહ બિરોસે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે સ્થિતિ નહીં સુધરે તો તેનાં ગંભીર પરિણામો આવી શકે છે. મતલબ કે આ યુદ્ધ વધુ ખૂંખાર થઈ શકે છે.
હવે થોડા દિવસમાં જ યુદ્ધનો અંત આવશે એવી વાતો કરનારા અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની હોર્મુઝ ખાડી નજીકના બે પુલ પર પણ હુમલો કરી દઈ એ પુલને ધ્વસ્ત કરી દીધો છે. આ કારણે ઈરાનની ઘણી પેસેન્જર ટ્રેનો પણ બંધ થઈ ગઈ છે. તેની સામે ઈરાને પણ જોર્ડનમાં અમેરિકાનાં ઘણાં યુદ્ધ વિમાનો ફૂંકી માર્યાં હોવાનો દાવો કર્યો છે એ જ રીતે ઈરાને ઓમાન, બેહરીન, કુવૈત પર હુમલા કર્યા છે અને ઓમાનમાં બે અમેરિકી રડાર સાઈટો ધ્વસ્ત કરી દીધી છે.
નોંધપાત્ર વાત એ છે કે ઈરાન પાસે પણ કોઈ ગુપ્ત સ્થળે અણુબોમ્બ છે. ઈરાનને આ અણુ ટેક્નોલોજી વિશ્વના મોસ્ટ ડેન્જરસ ન્યુક્લિયર સ્મગલર પાકિસ્તાનના અબ્દુલ કાદિર ખાને આપેલી છે. આ અબ્દુલ કાદિર ખાન કોણ છે તે હવે જાણીએ.
`ધ મેન ફ્રોમ પાકિસ્તાન’ નામની લેટેસ્ટ બુક પાકિસ્તાનના ઇસ્લામિક બોમ્બના ઉદ્‌ભવ અંગે બહાર આવી છે. ​પુસ્તકના લેખક બેલડી ડગ્લાસ ફ્રાન્ટર અને કેથેરિન કોલિન્સ પતિ-પત્ની છે. પાકિસ્તાનના ન્યુક્લિયર બોમ્બના પિતા અબ્દુલ કાદિર ખાને કઈ રીતે ન્યુક્લિયર બોમ્બ બનાવ્યો તેની કથા નહીં, પરંતુ અમેરિકા, બ્રિટન સહિતનાં પશ્ચિમનાં રાષ્ટ્રોએ કેવી બેવકૂફી કરી તેનું આ વર્ણન છે. આ લેખકોએ એ વાત પ્રતિપાદિત કરી દીધી છે કે, અમેરિકા અને બ્રિટન જેવાં રાષ્ટ્રોએ પાકિસ્તાનને અણુબોમ્બ બનાવતું રોકવા કંઈ જ નક્કર પગલાં લીધાં નહોતાં. ​તથ્ય એ છે કે અબ્દુલ કાદિર ખાન નામનો માણસ અણુબોમ્બ બનાવી રહ્યો છે તે વાતને અમેરિકાની ગુપ્તચર સંસ્થા સીઆઈએ ગંભીરતાથી લેવા માંગતી નહોતી. સીઆઈએ એમ માનતી હતી કે પાકિસ્તાન એટલું બધું પછાત છે કે અણુબોમ્બ તો શું, પણ તે સાદો બોમ્બ પણ બનાવી શકે તેમ નથી, તેથી સીઆઈએએ તેનો સમય બગાડવાની જરૂર નથી એમ ઉચિત માન્યું હતું.
​એક તબક્કે સીઆઈએને જ્યારે ખબર પડી કે અબ્દુલ કાદિર ખાન નામનો માણસ પાકિસ્તાનમાં કહુટા ખાતે અણુબોમ્બ બનાવવા પશ્ચિમના દેશોમાંથી યુરેનિયમ અને જરૂરી સાધનસામગ્રી એકઠી કરી રહ્યો છે. આ અંગે સીઆઈએના વડાએ વોશિંગ્ટનમાં તેના પોલિટિકલ બોસને વાત કરી હતી. ત્યાર પછી પણ અમેરિકાના નેતાઓએ પાકિસ્તાનને અંડર એસ્ટિમેટ કરીને `થોભો અને રાહ જુઓ’ની નીતિ અપનાવવા સૂચના આપી હતી. ખરી વાત એ હતી કે અમેરિકાને પાકિસ્તાનમાં તેના ગુપ્ત લશ્કરી થાણાંની મળેલી સગવડના કારણે પાકિસ્તાનને નારાજ કરવા માંગતું નહોતું. ​એ વખતે અફઘાનિસ્તાન પર રશિયા કબજો જમાવી ન દે તે માટે અમેરિકાને પાકિસ્તાનના બેઝની જરૂર હતી.
​પાકિસ્તાનના અણુબોમ્બની સ્ટોરી ઇ.સ. ૧૯૭૧માં પૂર્વ પાકિસ્તાનમાં પાકિસ્તાનના સૈન્યના પરાજય પછી શરૂ થઈ હતી. આ હાર પછી તા. ૨૪ જાન્યુઆરી, ૧૯૭૨ના રોજ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ મુલતાનમાં લશ્કરી અધિકારીઓ અને વૈજ્ઞાનિકોની એક મીટિંગ બોલાવી હતી. ભુટ્ટોએ બેઠકને સંબોધતાં જણાવ્યું હતું કે, ભારત પાસે લાખોનું સૈન્ય છે. તેને આપણી સીધી લડાઈમાં હરાવી શકશું નહીં, તેથી આપણી પાસે ન્યુક્લિયર બોમ્બ હોવો જોઈએ. તમારામાંથી કોઈ એવી વ્યક્તિ છે કે જે મને ત્રણ વર્ષમાં ન્યુક્લિયર બોમ્બ બનાવી આપે? મોટાભાગના વૈજ્ઞાનિકોએ કહ્યું કે, `એ શક્ય નથી, કારણ કે પુષ્કળ નાણાં અને પશ્ચિમના દેશોની મદદ જોઈએ.’
​અલબત્ત, ભુટ્ટોએ ઝાઝો સમય રાહ જોવી પડી નહીં. ઇ.સ. ૧૯૭૪માં ક્રૂડના ભાવો ઊંચકાયા. ભુટ્ટોએ મુસ્લિમ રાષ્ટ્રોની ઇસ્લામિક બેઠક લાહોરમાં બોલાવી. ભુટ્ટોએ મુસ્લિમ રાષ્ટ્રોના નેતાઓને કહ્યું, `હું ન્યુક્લિયર બોમ્બ બનાવવા માંગું છું. મને નાણાં જોઈએ છે.’
​ લીબિયા અને સાઉદી અરેબિયાએ ન્યુક્લિયર બોમ્બ બનાવવા નાણાકીય મદદ આપવા હા પાડી.
​એ પછી ભારતે તેનો પહેલો અણુધડાકો પોખરણમાં કર્યો. પશ્ચિમનાં રાષ્ટ્રો ચોંકી ગયાં. એ પછી જૂન, ૧૯૭૪માં પાકિસ્તાની વૈજ્ઞાનિકોએ હોલેન્ડની ડાયનેમિક રિસર્ચ લેબોરેટરીની મુલાકાત લીધી. એ વખતે બ્રિટન, જર્મની અને નેધરલેન્ડે `યુરેન્કો’ નામનો એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આ પ્રોજેક્ટ વીજળી પેદા કરવા જેવી નાગરિક સહાય માટે અણુશક્તિ પેદા કરવા માટે હતો. આ માટેનું સેન્ટ્રિફ્યુજ આમસ્ટરડેમમાં તૈયાર કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનના સદ્‌નસીબે અબ્દુલ કાદિર ખાન બે વર્ષથી આ લેબોરેટરીમાં કામ કરવા અરજી કરી રહ્યો હતો, પણ તેને નોકરી મળી નહોતી. એ દરમિયાન બન્યું એવું કે યુરેન્કો તેના સેન્ટ્રિફ્યુજ સિલિન્ડરને જર્મન ટેક્નોલોજી દ્વારા અપગ્રેડ કરવા માંગતું હતું. બહુ થોડા જ વૈજ્ઞાનિકો પૈકી અબ્દુલ કાદિર ખાન જ એવો વૈજ્ઞાનિક હતો જે જર્મન ભાષા જાણતો હતો. તેને જર્મન ડોક્યુમેન્ટ્સને ડચ ભાષામાં અનુવાદિત કરવાનું કામ સોંપવામાં આવ્યું. એમાં યુરોપના એડવાન્સ સેન્ટ્રિફ્યુજને કયા મેટલમાંથી કેવી રીતે તૈયાર કરવું તેની ઝીણવટભરી ટેક્‌નિકલ માહિતી અને પદ્ધતિ પણ હતી. એ બધાની તેણે ચોરીછૂપીથી કોપી કરી લીધી. એ જ રીતે સેન્ટ્રિફ્યુજના વિવિધ ભાગોના તેણે ફોટા પણ પાડી લીધા. અબ્દુલ કાદિર ખાન એક મહત્ત્વાકાંક્ષી માણસ હતો. એણે ઓગસ્ટ ૧૯૭૪માં ભુટ્ટોને પત્ર લખ્યો. ડિસેમ્બરમાં ભુટ્ટો અને ખાનની મીટિંગની વ્યવસ્થા થઈ. અબ્દુલ કાદિર ખાને અણુબોમ્બ બનાવવા માટેના સેન્ટ્રિક્યુજના પ્લાન્સ અને ફોટોગ્રાફ્સ રજૂ કર્યા. ભુટ્ટો પ્રભાવિત થયા. ખાનને હોલેન્ડ (નેધરલેન્ડ) પાછા જવાના બદલે પાકિસ્તાનમાં જ રોકાઈ જવા કહી બોમ્બ બનાવવા કહ્યું. ભુટ્ટોએ પશ્ચિમના દેશોના પાકિસ્તાનના ડિપ્લોમેટિક સ્ટાફને અણુબોમ્બ બનાવવાનું જરૂરી મટીરિયલ યુરોપમાંથી એકત્ર કરવાના કામમાં ખાનને મદદ કરવા સૂચના આપી. ખાનને ફ્રી-હેન્ડ આપવામાં આવ્યો. યુરોપમાં મુસ્લિમ વસાહતીઓની મદદથી કેટલીક કંપનીઓ ઊભી કરવામાં આવી. તેમના નામે મટીરિયલ ખરીદવામાં આવ્યું. વિદેશમાંથી કેટલુંક મટીરિયલ અભ્યાસ કરવાના બહાને યુનિવર્સિટીઓની લેબોરેટરીઓના નામે મંગાવવામાં આવ્યું.
તે પછી ​ઝિયા-ઉલ હક્ક પાકિસ્તાનના સરમુખત્યાર બન્યા. તેમણે ભુટ્ટોને ફાંસીએ લટકાવ્યા, પણ અબ્દુલ કાદિર ખાનને અણુબોમ્બ બનાવવાના કામમાં આગળ વધવા જણાવ્યું. તા. ૨૮મી માર્ચ, ૧૯૭૯ના રોજ જર્મન ટેલિવિઝને પહેલી જ વાર દુનિયાને જાણ કરી કે પાકિસ્તાનનો ન્યુક્લિયર સ્મગલર અબ્દુલ કાદિર ખાન સેન્ટ્રિફ્યુજ ટેક્નોલોજી હાંસલ કરવામાં સફળ નીવડ્યો છે. તેણે અણુબોમ્બ બનાવવાની ટેક્નોલોજી આમસ્ટરડેમની `યુરેન્કો’ લેબમાંથી ચોરી કરી લીધી છે. હવે તે ટેક્નોલોજી પાકિસ્તાન પાસે છે.
​અમેરિકાએ પાકિસ્તાનના સરમુખત્યાર ઝિયા-ઉલ-હક્કને કહુટા અણુ પ્રોજેક્ટની સેટેલાઇટ તસવીરો બતાવી ત્યારે જનરલ ઝિયાએ એ વાત, પુરાવા બધું જ નકારી કાઢ્યું.
​ઇ.સ. ૧૯૮૦માં તો પાકિસ્તાને કહુટા પ્રોજેક્ટને `ખાન રિસર્ચ લેબોરેટરી’ એવું નામ આપી દીધું. હવે તે અણુધડાકો કરવાની તૈયારીમાં જ હતું. અલબત્ત, નેધરલેન્ડમાંથી ન્યુક્લિયર ટેક્નોલોજી અને પ્લાન્સની ચોરી કરવા બદલ ખાન સામે કેસ ચલાવવાની તૈયારી કરી, પરંતુ તેમના દેશના આંતરિક રાજકારણમાં હોબાળો મચવાની બીકે એ વિચાર માંડી વાળવામાં આવ્યો. અલબત્ત, નેધરલેન્ડે સીઆઈએને જાણ કરી, પરંતુ ફરી એકવાર સીઆઈએએ આ વાતમાં કોઈ રસ દર્શાવ્યો નહીં. ખરી વાત એ હતી કે ન્યુક્લિયર ટેક્નોલોજી બીજા દેશોમાં પણ કરી હોવાની જાણકારી છતાં ગમે તે કારણસર અમેરિકાએ બેવડાં ધોરણો અપનાવ્યાં. પાકિસ્તાન પ્રત્યે એણે આંખ આડા કાન કર્યા. એથી ઊલટું અમેરિકાના પ્રેસિડેન્ટ રશિયા ગયા અને ઈરાનને ન્યુક્લિયર મટીરિયલ ન આપવા રશિયા પર દબાણ કર્યું, પરંતુ પાકિસ્તાનમાં અબ્દુલ કાદિર ખાનના ગોરખધંધાની જાણકારી હોવા છતાં એક હરફ પણ ઉચ્ચાર્યો નહીં.
​બીજી બાજુ અબ્દુલ કાદિર ખાન ખાનગીમાં ઉત્તર કોરિયા, લીબિયા, ઈરાક અને ઈરાનને પણ પુષ્કળ પૈસા લઈ ન્યુક્લિયર ટેક્નોલોજી વેચતો ગયો. એમાંથી એને એટલા બધા પૈસા મળ્યા કે ખાને પાકિસ્તાન, લંડન, દુબઈ અને ટિમ્બકટુમાં કેટલીયે મોંઘીદાટ પ્રોપર્ટી ખરીદી.
​એ પછી પરવેઝ મુશર્રફ સત્તા પર આવ્યા હતા. ત્યાં સુધીમાં તો પાકિસ્તાને સંખ્યાબંધ ન્યુક્લિયર બોમ્બ બનાવી દીધા હતા. ખાન ખુદ ચોરી કરીને ન્યુક્લિયર ટેક્નોલોજી પાકિસ્તાન લાવ્યો હતો અને દાદાગીરીથી એ ટેક્નોલોજી બીજા દેશોને પણ વેચી હતી. અમેરિકાના કહેવાથી મુશર્રફે ન્યુક્લિયર સ્મગલર અબ્દુલ કાદિર ખાન અને ન્યુક્લિયર ટેક્નોલોજી પાકિસ્તાનની બહાર વેચી દેવાનાં કૃત્યોની તપાસ શરૂ કરાવી. ખાનના ભ્રષ્ટાચારના ઘણા પુરાવા એકત્ર કર્યા. તેનો અહેવાલ તૈયાર થયો, પરંતુ તેને પ્રજા સમક્ષ કદીયે મૂકવામાં આવ્યો નહીં, કારણ કે તેમાં પાક લશ્કરના ઉચ્ચ અધિકારીઓ પણ સંડોવાયેલા હતા. વળી, મુશર્રફ ધરખમપણે પ્રજાનો વિરોધ થાય તેમ પણ ઇચ્છતા નહોતા. મુશર્રફ વિશ્વ સમક્ષ પાકિસ્તાનનું નીચાજોણું થાય તેમ ઇચ્છતા નહોતા. ખાને બીજા દેશોમાં ન્યુક્લિયર ટેક્નોલોજી વેચી છે તે તેમને પસંદ નહોતું.
 ​તા. ૧૧ મે, ૧૯૯૮ના રોજ ભારતે ત્રણ ભૂગર્ભ અણુધડાકા કર્યા. બે દિવસ પછી બીજા બે ધડાકા કર્યા. પાકિસ્તાન પણ હવે પાછળ રહેવા માંગતું નહોતું. એણે મે ૧૯૯૮ના છેલ્લા સપ્તાહમાં છ અણુધડાકા કરી દુનિયાને બતાવી આપ્યું કે `અમારી પાસે પણ અણુબોમ્બ છે.’
​૧૦ માર્ચ, ૨૦૦૧ના રોજ અબ્દુલ કાદિર ખાનને ન્યુક્લિયર પ્રોજેક્ટમાંથી નિવૃત્ત કરી દેવાયા. એ રાતે મુશર્રફે તેમના માનમાં ડિનર આપ્યું અને પાકિસ્તાનમાં ખાનની સેવાની કદર કરી. પુસ્તકના લેખકો લખે છે કે, `૧૯૭૧માં પાકિસ્તાનની ભારત સામેની હારનો બદલો લેવા ભુટ્ટોના દિમાગમાં અણુબોમ્બ બનાવવાના વિચારનો જન્મ થયો હતો. એ પછી ખાને જે કંઈ કર્યું તેમાં પાકિસ્તાન સરકારનો પૂરો હાથ હતો.’
​પાકિસ્તાન જેને ઇસ્લામિક બોમ્બનો પિતા ગણે છે તે અબ્દુલ કાદિર ખાન ખરેખર તો આંતરરાષ્ટ્રીય ન્યુક્લિયર સ્મગલર હતો. આખા વિશ્વની અને ખાસ કરીને દક્ષિણ એશિયાની ઊંઘ હરામ કરી દેનાર અબ્દુલ કાદિર ખાનનું ૨૦૨૧માં મૃત્યુ થયું.

Be Sociable, Share!